અક્ષય કુમારની 'કેસરી 2' ના 7 પ્રોડ્યુસર સામે FIR નોંધાઈ, ફિલ્મ પર લાગ્યો મોટો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar Kesari Chapter 2: અક્ષય કુમારની એક પછી એક ફિલ્મ વિવાદમાં ફસાઈ રહી છે ત્યારે હવે હેરાફેરી બાદ કેસરી 2 પર વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાના 2 મહિના પછી તેના પર આરોપ લાગી રહ્યો છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું કહેવું છે કે ફિલ્મ 'કેસરી 2' માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાજ્યના યોગદાનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આમ કરીને બંગાળી ક્રાંતિકારીઓનું અપમાન કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે 'કેસરી 2' ના સાત નિર્માતાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ વિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
TMCના નેતાઓએ આ મામલે કરી પ્રેસ કોન્ફરન્સ
તૃણમૂલ કોંગ્રેસ (TMC) કહે છે કે 'કેસરી 2' ફિલ્મમાં બંગાળના મુખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખાસ કરીને ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ અને બરીન્દ્ર કુમાર ઘોષને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. TMC અનુસાર, ફિલ્મમાં ખુદીરામ બોઝને ખુદીરામ સિંહ તરીકે અને બરીન્દ્ર કુમાર ઘોષને અમૃતસરના બિરેન્દ્ર કુમાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. TMCના નેતાઓ કુણાલ ઘોષ અને અરૂપ ચક્રવર્તીએ પાર્ટી મુખ્યાલયમાં આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
ઈતિહાસ સાથે ચેડાં કરવાનો આરોપ
કુણાલ ઘોષે કહ્યું, 'ભારતની સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપનારા બંગાળી ક્રાંતિકારીઓના નામ ખરાબ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ભૂલ નથી. આ સ્વતંત્રતા ચળવળમાં બંગાળની ભૂમિકા ભૂંસી નાખવાનું કાવતરું છે. આવી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું?'
તેમણે આગળ કહ્યું કે, 'ખુદીરામ બોઝ અને બરીન્દ્ર કુમાર ઘોષ ઉપરાંત, હેમચંદ્ર કાનૂન્ગોને પણ ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તે એક ક્રાંતિકારી હતા જેમણે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન યુવાનોને બોમ્બ બનાવવાની તાલીમ આપી હતી.' ટીએમસી નેતાઓએ કેન્દ્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તેમજ તેમણે સેન્સર બોર્ડની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: જાણીતા અભિનેતાને ધરપકડનો ડર પેઠો, EDએ મોકલ્યું સમન્સ, કૌભાંડમાં ફસાયું છે નામ
મમતા બેનર્જીની પ્રતિક્રિયા
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કોઈનું નામ લીધા વિના આ વિવાદ પર પ્રતિક્રિયા આપી અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'બંગાળના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ફિલ્મના બહાના હેઠળ ભાજપ બંગાળી ક્રાંતિકારીઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.' જોકે, ભાજપના સાંસદ સમિક ભટ્ટાચાર્યએ આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, 'ફિલ્મોમાં ઘણીવાર કાલ્પનિક નામોનો ઉપયોગ કરવામાં આવે છે.'
'કેસરી 2' ફિલ્મની કાસ્ટ
ફિલ્મ 'કેસરી 2' કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત છે અને તે રઘુ પાલત અને પુષ્પા પાલતના પુસ્તક 'ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર' પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયાને 2 મહિના થઈ ગયા છે અને હવે તે વિવાદમાં આવી ગઈ છે.









