અક્ષય કુમારે ઓએમજી-3ની પટકથા પર કામ શરૂ કર્યું
- ભૂત બંગલાના શૂટિંગ વખતે જ સ્ક્રિપ્ટની ચર્ચા
- દિગ્દર્શક અમિત રાયે ઓએમજી 3ની સ્ટોરી આગળ વધારવા અક્ષય કુમાર સાથે ચર્ચા કરી
મુંબઈ : છેલ્લા થોડા સમયથી અક્ષય કુમાર પ્રિયદર્શનના નિર્દેશનમાં બની રહેલી હોરર કોમેડી ફિલ્મ 'ભૂતબંગલા'ના શૂંટિંગમાં વ્યસ્ત છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ કેરળમાં ચાલી રહ્યું છે. અક્ષય કુમારની કારકિર્દી હાલ ડામાડોળ છે એટલે અક્ષય કુમારે તેની હીટ ફિલ્મ 'ઓહ માય ગોડ'નો ત્રીજો ભાગ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી નાંખી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કુમારે 'ભૂતબંગલા'ના સેટ પર જ 'ઓહ માય ગોડ-ઓએમજી- ૩'ની પટકથા પર કામ શરૂ કરી નાંખ્યું છે. 'ઓએમજી ટૂ 'ના નિર્દેશક અમિત રાય હાલ અક્ષય કુમારની સાથે કેરળમાં જ છે. જો બધું સમૂસુતર નીવડયુ તો 'ઓએમજી ૩'નું શૂટિંગ ૨૦૨૬માં શરૂ થઇ જશે.
મૂળ 'ઓએમજી' ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ અને મિથુન ચક્રવર્તિ પણ હતા. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગુજરાતી નાટક કાનજી વિરૂદ્ધ કાનજી પર આધારિત હતી. તેમાં પણ આ ગુજરાતી નાટક પણ ઓસ્ટ્રેલિયન ફિલ્મ ધ મે હૂ સ્યુડ ધ ગોડ પરથી પ્રેરિત હતું. 'ઓએમજી ટૂ'માં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ પણ હતા.
હવે 'ઓએમજી ૩'માં અક્ષય કુમારની સાથે બીજા કોનું કાસ્ટિંગ કરવામાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.