અક્ષયકુમારે સવારના છ વાગે સાંભળી છેવટની પટકથા
- અક્ષયકુમારને પરોઢિયે ચાર વાગે ઉઠવાની ટેવ છે
મુંબઈ, તા. 27 મે 2020, બુધવાર
ફિલ્મ સર્જક નિખિલ અડવાણીએ મંગળવારે કહ્યુયં હતું કે તેમણે અક્ષયકુમારને એક વર્ચ્યુઅલ મીટિંગમાં સવારના છ વાગે 'બેલ બોટમ' ફિલ્મની છેવટની પટકથા સંભળાવી હતી.
તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે લોકડાઉન પછી પણ અક્ષયકુમાર માટે કાંઈ બદલાયું નથી. તેથી અમે તેને સવારના છ વાગે 'બેલ બોટમ'ની સ્ક્રીપ્ટ સંભળાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષયકુમારને પરોઢિયે ચાર વાગે ઉઠવાની ટેવ છે. તે તેના દૈનિક સમયપત્રકનું ચુસ્ત પાલન કરે છે. તેથી આ ફિલ્મના નિર્માતા નિખિલ અડવાણીએ ઝૂમ મીટિંગ કરીને અભિનેતાને સવારના છ વાગ્યામાં આ ફિલ્મની છેવટની પટકથા સંભળાવી હતી. ફિલ્મ સર્જકે ટ્વીટર પર વધુમાં લખ્યું હતું કે આ બેઠક અમારા માટે ગુડ મોર્નિંગ જેવી હતી. તેમણે કહ્યું હતું કે મીટિંગમાં બધા બહુ ખુશ અને તાજામાજા હતા.
તેમણે ફિલ્મના ચાવીરૂપ સર્જકો રંજિત તિવારી (દિગ્દર્શક), અસીમ અરોરા (લેખક), જેકી અને વાશુ ભગનાની (નિર્માતાઓ)ને પણ ટેગ કર્યો હતો. તેઓ પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં હાજર હતાં.
વાસ્તવમાં આ મૂવી આ વર્ષના મધ્ય ભાગમાં શરૂ થવાની હતી. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત એક વિસરાઈ ગયેલા ધીરની કહાણી કહેશે. આ જાસૂસી કથા વર્ષે ૨૦૨૧ની ૨૨મી જાન્યુઆરીએ રજૂ થવાની હતી.