એક આર્ટિસ્ટના મોત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટંટમેન માટે અક્ષય કુમારનો મોટો નિર્ણય, 650 લોકોનો વીમો કરાવ્યો
Akshay Kumar Insured 650 to 700 Stuntmen: તાજેતરમાં દિગ્દર્શક પા રંજીતની આગામી ફિલ્મના સેટ પર પ્રખ્યાત સ્ટંટમેં એસએમ રાજુનું દુઃખદ અવસાન થયું હતું. આ પછી દેશભરમાં સ્ટંટમેનની સલામતી અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આ દરમિયાન અક્ષય કુમારે સ્ટંટ કલાકારો માટે એક મોટું પગલું ભર્યું છે. અભિનેતાએ દેશભરના 650થી 700 જેટલા તમામ સ્ટંટમેન માટે વીમો કરાવવાનું નક્કી કર્યું છે.
ઈન્ડસ્ટ્રીના સ્ટંટમેન માટે અક્ષય કુમારનો મોટો નિર્ણય
અક્ષય કુમાર સામાન્ય રીતે પોતાના સ્ટંટ જાતે કરે છે. એવું ખૂબ જ દુર્લભ છે કે તેણે પોતાના સ્ટંટ માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો હોય. એવામાં જાણીતા એક્શન ડિરેક્ટર વિક્રમ સિંહ દહિયાએ એક ઈન્ટરવ્યૂમાં જાણકારી આપી હતી કે, 'તમિલ સ્ટંટમેન રાજુના મૃત્યુ પછી અક્ષય કુમારે દેશભરના સ્ટંટમેન માટે વીમો કરાવવાનું નક્કી કર્યું છે. અક્ષયે હંમેશા સ્ટંટમેનની સલામતી અને વીમા પર ધ્યાન આપ્યું છે, જેનાથી સ્ટંટમેનને ઘણી મદદ મળી છે.'
વર્તમાનમાં સ્ટંટ માટે બોલિવૂડના સેટ અગાઉ કરતા વધુ સુરક્ષિત છે
વિક્રમ સિંહ દહિયાએ વધુમાં કહ્યું હતું કે, 'વર્તમાનમાં સ્ટંટ માટે બોલિવૂડના સેટ પહેલાના સમય કરતા વધુ સુરક્ષિત છે. તેઓ હંમેશા સલામતીનું ધ્યાન રાખે છે. જે કે જો કોઈ કાર સ્ટંટ દરમિયાન પલટી જાય છે, તો તેમાં પહેલાથી જ સેફટી કેઝ લગાવવામાં આવે છે. ડ્રાઇવરને પણ હાર્નેસથી વ્યવસ્થિત રીતે બાંધવામાં આવે છે જેથી જો કાર પલટી જાય તો તેને કોઈ નુકસાન ન થાય. આ ઉપરાંત કારની ટાંકીમાં જેટલું પેટ્રોલ જરૂરી હોય તેટલું જ રાખવામાં આવે છે.'
આ પણ વાંચો: બરખા બિષ્ટ ક્યોં કિ સાસ..માં મિહિરની પ્રેયસી તરીકે દેખાશે
વિક્રમ સિંહે વધુમાં કહ્યું કે, 'આટલી બધી સલામતી હોવા છતાં, સ્ટંટમેનનું કામ હજુ પણ ખૂબ જોખમી છે. શરીરને અમુક હદ સુધી જ આંચકા લાગી શકે છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરતા બોલીવૂડમાં સ્ટંટમેનની સલામતીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું, જેમાં અક્ષય કુમારે મોટી ભૂમિકા ભજવી અને દેશભરમાં લગભગ 650-700 સ્ટંટમેન અને એક્શન ક્રૂ સભ્યો માટે વીમો કરાવ્યો છે. આમાં તેમનો સ્વાસ્થ્ય અને અકસ્માત વીમો બંનેનો સમાવેશ થાય છે. જો કોઈ સ્ટંટમેન સેટ પર કે બહાર ઘાયલ થાય છે, તો તે 5થી 5.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. જો કોઈ સ્ટંટમેનનું અચાનક મૃત્યુ થાય છે, તો તેના પરિવારને 20થી 25 લાખ રૂપિયા મળશે.'