Akshay Kumar Viral Video: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આજે ગુરુવારે(15 જાન્યુઆરી, 2026) BMCની ચૂંટણી માટે મતદાન થયું. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ મતદાન કરવા આવ્યા હતા. આ દરમિયાન એક્ટર અક્ષય કુમારે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે એક યુવતી અક્ષય કુમારના પગ પકડીને રડવા લાગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર પાસે મદદ માંગતી વખતે યુવતીએ કહ્યું કે, 'પપ્પા પર દેવું વધી ગયું છે...'
અક્ષયના પગમાં પડીને યુવતીએ માગી મદદ
મતદાન પછી અક્ષય કુમાર જેવા તેમની કારમાં બેસવા જાય છે, ત્યારે એક યુવતી તેમની પાસે આવે છે અને મદદની માંગણી કરે છે. યુવતીએ રડતાં-રડતાં કહ્યું કે, 'પપ્પા પર ઘણું દેવું છે, એમને પ્લીઝ બહાર નીકાળો.' આ પછી અક્ષર કુમાર યુવતીને શાંત કરાવે છે અને મેનેજર તરફ ઈશારો કરીને કહે છે કે, 'તમે તમારું નામ અને નંબર લખાવી દો, હું જોવું છું...'
આ પછી યુવતી અક્ષય કુમારના પગ સ્પર્શે ત્યારે અક્ષય કહે છે કે, "દીકરા, આવું ના કર." અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ચાહકો અક્ષયના આ વર્તનને ખૂબ પસંદ કરી રહ્યા છે. અક્ષય તેના દયાળુ સ્વભાવ માટે જાણીતો છે અને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા તૈયાર રહે છે.
અક્ષયે શું કહ્યું?
મતદાન કર્યા પછી અક્ષય કુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "દરેક વ્યક્તિએ મતદાન કરવા આવવું જોઈએ. આજે BMCની ચૂંટણી છે. મતદાનના દિવસે આપણે રિમોટ કંટ્રોલ પકડીએ છીએ. હું દરેકને બહાર આવીને મતદાન કરવાની અપીલ કરું છું. આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ, પરંતુ આજે જવાબદારી લેવાનો સમય છે. ડાયલોગબાજી ન કરો, મતદાન કરો."
વર્ક ફ્રન્ટ પર અક્ષય કુમાર 'વેલકમ ટુ ધ જંગલ', 'હેરા ફેરી 3' અને 'ભૂત બંગ્લા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. 2025માં અક્ષય 'સ્કાય ફોર્સ', 'કેસરી ચેપ્ટર 2', 'હાઉસફુલ 5' અને 'જોલી એલએલબી 3' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો.


