Get The App

Explainer: કબીર સિંહ, એનિમલ અને હવે ટોક્સિક.... આ ફિલ્મી મર્દાનગી ‘ટોક્સિક હીરોગીરી’થી વધુ કંઈ નથી

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: કબીર સિંહ, એનિમલ અને હવે ટોક્સિક.... આ ફિલ્મી મર્દાનગી ‘ટોક્સિક હીરોગીરી’થી વધુ કંઈ નથી 1 - image


Toxic Heroism in Cinema: તાજેતરમાં રિલીઝ થયેલા યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ના ટીઝરને લીધે ભારે વિવાદ ઊભો થયો છે. ટીઝરમાં બતાવાયું છે કે, ફિલ્મનો હીરો એક કારમાં કોઈ મહિલા સાથે શારીરિક આનંદ માણી રહ્યો છે, પછી એ બહાર આવીને ગુંડાઓની ધોલાઈ કરે છે. આવા દૃશ્યોને લીધે આ ફિલ્મના મેકર્સ પર ‘સ્ત્રી એક ચીજ’ (Women objectification) તરીકે રજૂ કરવાના આરોપો લગાવાયા છે. ‘બાળ અધિકાર આયોગ’ અને આમ આદમી પાર્ટીની વિમેન વિંગે પણ સેન્સર બોર્ડ (CBFC) પાસેથી આ ફિલ્મ સામે કાર્યવાહીની માંગ કરી છે. જો કે, આ કંઈ પહેલીવારનું નથી જ્યારે ફિલ્મમાં ‘ટૉક્સિક નાયક’ને 'જુસ્સા' અને ‘આક્રમકતા’નું પ્રતીક બનાવીને ગ્લોરિફાઈ (મહિમામંડિત) કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં ‘હીરો’ના વ્યક્તિત્વની નકારાત્મક બાજુને એક યા બીજા પ્રકારે જસ્ટિફાય કરવામાં (ન્યાયી ઠેરવવામાં) આવી છે.  

મહિલા દિગ્દર્શકે જ આવું દૃશ્ય બતાવાયાનો આઘાત

‘ટૉક્સિક’ ફિલ્મના વિવાદમાં સ્વાભાવિકપણે એના દિગ્દર્શકનું નામ પણ ઘસડાયું છે. ફરિયાદીઓને આઘાત એ વાતનો લાગ્યો છે કે આ ફિલ્મના દિગ્દર્શક એક મહિલા છે. મહિલા થઈને તમે મહિલા પાત્રને વસ્તુ તરીકે કઈ રીતે દર્શાવી શકો, એવા પ્રશ્નો કરાઈ રહ્યા છે. જો કે, ડિરેક્ટર ગીતુ મોહનદાસે બચાવ કરતા કહ્યું છે કે, આ દૃશ્યો ‘સ્ત્રી આનંદ’ (Female pleasure) અને ‘સિસ્ટમને પડકાર’ની વાત કરે છે. આ જવાબ પછી આ વિવાદ ઔર ગરમાયો છે. વિરોધીઓનું કહેવું છે કે, મહિલાને બંડખોર દેખાડવા માટે ફક્ત એના શારીરિક આવેગો દેખાડવાની જરૂર નથી. 

‘કબીર સિંહ’થી ‘એનિમલ’ સુધી ‘આલ્ફા મેલ’ના ઉદાહરણો 

પ્રેમને નામે મહિલાઓ સાથે ‘ઘાતક’ અને ‘આક્રમક’ રીતે વર્તતા અને ‘આકરો અધિકારભાવ’ ધરાવતા હીરોના ટ્રેન્ડને વ્યાપક બનાવવામાં શાહિદ કપૂરની 'કબીર સિંહ' (2019) અને રણબીર કપૂરની 'એનિમલ' (2023) એ બે ફિલ્મે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ બંને ફિલ્મો ‘સંદીપ રેડ્ડી વાંગા’એ ડિરેક્ટ કરી હોવાથી તેમની પણ ભારે ટીકા થઈ હતી. 

Explainer: કબીર સિંહ, એનિમલ અને હવે ટોક્સિક.... આ ફિલ્મી મર્દાનગી ‘ટોક્સિક હીરોગીરી’થી વધુ કંઈ નથી 2 - image

પ્રેમમાં બરબાદ થઈ જતા ડૉક્ટરની કહાની 'કબીર સિંહ' 

કબીર સિંહ 2017ની તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની રિમેક હતી. તેમાં શાહિદ કપૂરે એક એવા ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી જેનું જીવન પ્રેમમાં નકારાત્મક જવાબ મળ્યા બાદ અસ્તવ્યસ્ત બની જાય છે. પુરુષના નકારાત્મક વર્તનને 'પ્રેમની તીવ્રતા' તરીકે દર્શાવતી આ ફિલ્મે 350 કરોડથી વધુ રૂપિયા કમાણી કરી હતી.  

સ્ત્રીઓને હકથી ‘દગો’ દેતો 'એનિમલ'

આ ફિલ્મનો નાયક રણવિજય સિંહ (રણબીર કપૂર) સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક ભાષા વાપરવામાં અને આક્રમક વર્તન કરવામાં પાછો નથી પડતો. એક દૃશ્યમાં હીરો હીરોઈનના 'મોટા પેલ્વિસ' માટે ટિપ્પણી કરતાં કહે છે કે, ‘તે તંદુરસ્ત બાળકો પેદા કરવા માટે આદર્શ પેટ ધરાવે છે.’ આ ઉપરાંત તે કોઈપણ પ્રકારના અપરાધભાવ વિના એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે. હીરોના આ વર્તનને 'બાળપણમાં એની પિતા દ્વારા ઉપેક્ષા થઈ હતી' એવા કારણો આપીને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરાયો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી હતી. 

Explainer: કબીર સિંહ, એનિમલ અને હવે ટોક્સિક.... આ ફિલ્મી મર્દાનગી ‘ટોક્સિક હીરોગીરી’થી વધુ કંઈ નથી 3 - image

'સ્પિરિટ'નો નાયક પણ ટૉક્સિક હશે? 

તાજેતરમાં પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ'નું ઓડિયો ટીઝર રિલીઝ કરાયું છે, જેમાં પ્રભાસને એક 'ખરાબ આદત' વાળા પોલીસ અધિકારી તરીકે દર્શાવાયો છે. ‘મને બાળપણથી જ એક ખરાબ આદત છે’, ટીઝરમાં સંભળાતું આ વાક્ય OneBadHabit હેશટેગ સાથે તરત જ વાઇરલ થઈ ગયું છે. આ ફિલ્મના ડિરેક્ટર પણ 'કબીર સિંહ' (અર્જુન રેડ્ડી) અને 'એનિમલ' બનાવનારા સંદીપ રેડ્ડી વાંગા જ હોવાથી 'સ્પિરિટ'નો નાયક પણ ટૉક્સિક જ હશે એવી ચર્ચા જામી છે. 

'એક દીવાને કી દીવાનિયત'થી 'તેરે ઇશ્ક મેં' સુધીના ઉદાહરણો 

દિવાળીએ રિલીઝ થયેલી ફિલ્મ 'એક દીવાને કી દીવાનિયત'માં હર્ષવર્ધન રાણેનું પાત્ર સોનમ બાજવા સામે આક્રમક અને ઓબ્સેસિવ (વહેમી) પ્રેમી તરીકે દેખાડાયું છે. એ જ રીતે, 'તેરે ઇશ્ક મેં'માં ધનુષ એક પ્રેમીની ભૂમિકામાં છે, જે કૃતિ સેનનના પાત્રને ત્યાં સુધી હેરાન કરે છે જ્યાં સુધી તે આત્યંતિક પગલાં ન ભરે. તે પ્રેમિકાના માથે ગંગાજળ રેડીને તેણે કરેલી બેવફાઈનું પાપ ધોવાનું પુણ્ય કર્મ પણ કરે છે. આવી ફિલ્મો એવા પાત્રોને નોર્મલાઈઝ (સામાન્ય) કરી રહી છે જે સ્ત્રીઓ પ્રત્યેના ટૉક્સિક વર્તનને 'પ્રેમ' અને 'પ્રતિબદ્ધતા'નું નામ આપીને સાચું ઠેરવવાનો પ્રયાસ કરે છે.

યુવાનોને ગેરમાર્ગે દોરતી આવી ફિલ્મો બને છે કેમ? 

ટૉક્સિક હીરોના ફિલ્મી ચિત્રણનો વિરોધ કરનારો વર્ગ કહે છે કે, આવા નાયકો સમાજમાં ખોટો દાખલો બેસાડે છે. એમનું જોઈને પછી યુવાનો પણ મહિલાઓ સાથે ગેરવર્તન કરવા પ્રેરાય છે, એમ વિચારીને કે આ બધું તો સામાન્ય છે. ફક્ત વિવેચકો કે સમાજના ઠેકેદારો જ નહીં, ફિલ્મો જોનારો એક સામાન્ય વર્ગ પણ આવી ફિલ્મો જોવાનું પસંદ નથી કરતો. આમ છતાં આવી ફિલ્મો બન્યે જ જાય છે. એનું કારણ શું? 

સૌથી મોટું કારણ છે વ્યાવસાયિક સફળતા. 'એનિમલ' અને 'કબીર સિંહ' જેવી ફિલ્મો સેંકડો કરોડ રૂપિયા કમાઈ દેતી હોવાથી ફિલ્મ નિર્માતાઓ માટે ‘ટૉક્સિક નાયકની પ્રસ્તુતિ’ એક 'સફળ ફોર્મ્યુલા' બની ગઈ છે. તેઓ સમાજમાં આદર્શો કે સંદેશા કરતા નફાને વધુ મહત્ત્વ આપે છે. ફિલ્મોની આર્થિક સફળતાને કારણે જ આવી ફિલ્મો બની રહે છે.

ભૂતકાળ અલગ પ્રકારના ‘ટૉક્સિક હીરો’ દેખાડાતા 

1970, 1980 અને 1990ના દાયકામાં પણ એવી અનેક ફિલ્મો બનતી હતી, જેમાં હીરો નાયિકાને પજવતો હોય, એને છેડતો હોય અને છેવટે તેના સ્વભાવમાં પરિવર્તન લાવીને તેને 'સુધારી' દેતો હોય. આ કામ માટે નાયિકાનું અપહરણ કરી લેવું, એના પર ધરાર પોતાના વિચારો થોપી દેવા, જેવા કામ પણ હીરો ‘બખૂબી’ કરતા. મોટી ઉંમરનો હીરો નાની વયની હીરોઈનને ભોળવી દે, જાતભાતના પેંતરા કરીને પોતાના પ્રેમમાં પાડવામાં સફળ થાય, એ બધું પણ બહુ ચાલતું. એ સમયે હીરોઈનને ‘નીચી દેખાડવા’ અને એનું  ‘Objectification’ કરવાનું સહેજ હળવા અંદાજમાં થતું. હવે એ વલણ વધુ આક્રમક સ્વરૂપમાં ફિલ્મોમાં પાછું ફર્યું છે, જે ‘ટોક્સિક હીરોગીરી’થી વિશેષ કશું જ નથી. 

સિનેમાની સમાજ પ્રત્યેની જવાબદારી શું?

કહેવાય છે કે સિનેમા એ સમાજનો અરીસો છે. સમાજમાં જે કંઈ થાય છે એ જ સિનેમામાં દેખાડાય છે. પરંતુ, એ હકીકત ન ભુલાવી જોઈએ કે, સિનેમા સમાજને આકાર આપવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે સ્ક્રીન પર સતત ટૉક્સિક વર્તનને 'કૂલ', 'શક્તિશાળી' કે 'પ્રેમ કરવાનો અંદાજ' તરીકે બતાવાય છે, ત્યારે યુવા પેઢીના માનસ પર એની ગંભીર અસર પડે છે. આ કારણસર સ્ત્રી-પુરુષ સંબંધોમાં ખોટા આદર્શો ઊભા થઈ શકે છે. ફિલ્મ મેકર્સ અને પ્રેક્ષકો સિનેમા નામની કળાને ગંભીરતાથી અને જવાબદારીપૂર્વક જુએ એ ઈચ્છનીય છે.