મેચ બાદ અમિતાભ-અભિષેક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં પહોચતાં ભીડ જામી
- અમિતાભ બચ્ચનનું રેર નાઈટ આઉટિંગ
- વાનખેડેથી માટુંગા પહોચી બાપ દીકરાએ જ્યાફત માણી, અભિષેકને શટર વાગ્યું
મુંબઈ : અમિતાભ બચ્ચને કેટલાય સમયથી બહાર નીકળવાનું ઓછું કર્યું છે. પોતાનાં શૂટિગને બાદ કરતાં તે ભાગ્યે જ કોઈ ઈવેન્ટમાં કે અન્યત્ર આવતાં જતાં દેખાય છે.
જોેકે, ગઈ મોડી રાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી ૨૦ મેચ પૂર્ણ થયા બાદ અમિતાભ અને અભિષેક અચાનક જ સાઉથ મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી છેક માટુંગા સાઉથ ઈન્ડિયનની જ્યાફત માણવા માટે એક જાણીતી ઈટરીમાં પહોંચી ગયા હતા. તે સમયે તેમને નિહાળવા માટે માટુંગના રસ્તાઓ પર ચાહકોની ભીડ જામી ગઈ હતી. માટુંગામાં દક્ષિણ ભારતીયોની બહોળી વસતી છે અને અહીં અનેક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાં આવેલાં છે જે દાયકાઓ જૂની ઢબે જ ચાલે છે. જોકે, મુંબઈની અનેક સેલિબ્રિટીઓ અહીંની જુદી જુદી રેસ્ટોરાંમાં સમયાંતરે ડોકાતા હોય છે.
અમિતાભ અને અભિષેક અહીં અલગ અલગ કારથી આવ્યા હતા. રેસ્ટોરાંમાં જમ્યા બાદ ચાહકોને ખાળવા માટે બંધ કરાયેલું શટર ઊંચુ કરવા જતાં અભિષેકને તે માથે વાગ્યું પણ હતું.
જોકે, અભિષેકે રાબેતા મુજબ જરાય અસ્વસ્થ થયા વિના જાણે કશુ ંજ બન્યું ન હોય તેવો વર્તાવ કર્યો હતો.