Mukul Dev Passed Away: જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
Actor Mukul Dev Passed Away at 54 Years: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું ગત રાત્રે નિધન થયું છે. અભિનેતાએ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ઘણા સમયથી બીમાર
મુકુલ દેવ સાથે સન ઓફ સરદાર ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર વિંદુ દારા સિંહે તેમના નિધનની ખાતરી કરી હતી. તેણે કહ્યું કે મુકુલ દેવ ઘણા સમયથી બીમાર હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ગઈકાલે રાત્રે નિધન થયુ હતું. વિંદુ દારા સિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મુકુલ હવે મોટા પડદા પર જોવા નહીં મળે. માતા-પિતાના મૃત્યુ બાદથી તે એકલો રહેતો હતો. ઘણા સમયથી ઘરમાંથી બહાર પણ નીકળતો ન હતો, તેમજ કોઈને મળતો પણ ન હતો. થોડા દિવસો પહેલા તેની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે એક અદભૂત વ્યક્તિ હતા અને તે હંમેશા અમારી યાદોમાં જીવિત રહેશે.
ફિલ્મો અને ટીવીમાં બનાવી હતી ખાસ ઓળખ
દિલ્હીમાં જન્મેલા મુકુલે 1996માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌથી પહેલી ટીવી સિરિયલ ‘મુમુકિન’માં જોવા મળ્યો હતો. બાદમાં દુરદર્શનના કોમૅડી બોલિવૂડ કાઉન્ટડાઉન શૉ ‘એક સે બઢકર એક’ માં પણ કામ કર્યું હતું. 1996માં સુષ્મિતા સેન સાથે ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મુકુલે ‘કિલા’ (1998), ‘વજૂદ’ (1998), ‘કોહરામ’ (1999), અને ‘મુઝે મેરી બીવી સે બચાઓ’ (2001) સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચાહકોનું દિલ જીત્યું હતું.
મુકુલે હિન્દી અને પંજાબી ફિલ્મોની સાથે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે. બંગાલી, મલયાલમ, કન્નડ, અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મ ‘યમલા પગલા દિવાના’માં ઉમદા અભિનય માટે તેને 7મા અમરીશ પુરી પુરસ્કારથી નવાજિત કરવામાં આવ્યો હતો.