બાળાસાહેબ ઠાકરેનો એ પૌત્ર જેની સાથે પિતાએ તોડ્યા સંબંધ, હવે બોલિવૂડમાં ડબલ રોલ સાથે કરશે ડેબ્યૂ
Balasaheb Thackeray Grandson Aaishvary Thackeray: ઠાકરે પરિવાર દાયકાઓથી ભારતીય રાજકારણમાં એક પ્રભાવશાળી નામ તરીકે જાણીતો છે. બાળ ઠાકરેથી શરૂ થયેલી આ રાજકીય પરંપરા હવે ત્રીજી પેઢી સુધી પહોંચી ગઈ છે, જ્યાં પરિવારના દરેક સભ્યએ રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જોકે, આ રાજકીય વારસાથી અલગ એક નામ છે - ઐશ્વર્ય ઠાકરે, જેણે રાજકારણથી દૂર રહીને પોતાનો નવો માર્ગ પસંદ કર્યો છે. જે હવે ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે. જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ તેમને લોન્ચ કરી રહ્યા છે. જેમાં ઐશ્વર્યનો ડબલ રોલ જોવા મળશે.
કોણ છે ઐશ્વર્ય ઠાકરે?
ઐશ્વર્ય ઠાકરે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર અને સ્મિતા ઠાકરે તથા જયદીપ ઠાકરેનો પુત્ર છે. જોકે, તેના પરિવારનું બેકગ્રાઉન્ડ તો રાજ કારણ છે પરંતુ ઐશ્વર્યને કળા અને ખાસ કરીને અભિનયમાં વધુ રસ છે. આથી તે રાજકારણમાં નહીં પણ બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેણે થિયેટરમાં કામ કર્યું છે અને અભિનયમાં પોતાનું સ્થાન બનાવવાની પૂરી તૈયારી કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ઐશ્વર્ય એક્ટીવ છે, પરંતુ તેના ફોલોઅર્સની સંખ્યા હજુ ઓછી છે. તેમ છતાં, તેની પ્રોફાઇલ જોઈને સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે તે એક કલાકાર તરીકે પોતાને વિકસાવવામાં વ્યસ્ત છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તરફ શાનદાર ફોટોશૂટ જોવા મળે છે, તો બીજી તરફ તેના ડાન્સ વીડિયો પણ ખૂબ વાઈરલ થાય છે.
ઐશ્વર્ય આ ફિલ્મથી કરશે ડેબ્યુ
ઐશ્વર્ય માત્ર ડાન્સર-એક્ટર જ નહીં, પણ પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ ગંભીર છે. તે પોતાને દરેક રીતે અભિનયની દુનિયા માટે તૈયાર કરી રહ્યો છે. અત્યાર સુધી તેને ફિલ્મોમાં મોટો બ્રેક મળ્યો નથી, પરંતુ તેણે સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે, જેને તેના ફિલ્મી સફરની એક મહત્ત્વપૂર્ણ શરૂઆત ગણી શકાય છે.
હવે તે અનુરાગ કશ્યપની ફિલ્મ 'નિશાનચી'થી ફિલ્મોમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. 'નિશાનચી'ની વાર્તા બે જોડિયા ભાઈઓ - બબલુ અને ડબલુની આસપાસ ફરે છે. બબલુ થોડો તોફાની અને ચબરાક છે, જ્યારે ડબલુ એક માસૂમ અને સીધા સ્વભાવનો છોકરો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બબલુને રિંકુ નામની છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને પછી આ ચાર પાત્રો - બબલુ, ડબલુ, રિંકુ અને રંગીલીનું જીવન ઉત્તર પ્રદેશના એક નાના કસ્બામાં એકબીજા સાથે ગૂંચવાઈ જાય છે.
આ પણ વાંચો: એમી ઍવોર્ડ્સ 2025: 'ધ સ્ટુડિયો'ને 13 ઍવોર્ડ, 'અડોલસન્સ' પણ છવાઈ; જુઓ આખું લિસ્ટ
માતાનો પણ છે ફિલ્મો સાથે નાતો
ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરેનો પણ ફિલ્મી દુનિયા સાથે સંબંધ રહ્યો છે. તેમણે 'હસીના માન જાયેગી' અને 'સેન્ડવિચ' જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. કદાચ આ જ કારણે ઐશ્વર્યનો ફિલ્મો તરફનો ઝુકાવ બાળપણથી જ રહ્યો છે. બોલિવૂડના સ્ટારકિડ્સ સાથે પણ ઐશ્વર્યની સારી મિત્રતા છે. તે અવારનવાર પાર્ટીઓ અને સોશિયલ ઈવેન્ટ્સમાં જોવા મળે છે. અભિનેત્રી અલાયા એફ સાથે તેના ડેટિંગના સમાચાર પણ હેડલાઇન્સમાં રહ્યા હતા, જોકે અલાયાએ પાછળથી સ્પષ્ટતા કરીને તેને માત્ર મિત્રતા ગણાવી હતી.
પિતાએ સંબંધ સ્વીકાર્યો નહોતો
વર્ષ 2004માં તેના માતા-પિતાના છૂટાછેડા બાદ, તેના પિતા જયદીપ ઠાકરેએ જાહેરમાં તેને પોતાનો પુત્ર માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં, ઐશ્વર્યએ પોતાની અલગ ઓળખ બનાવવાનું નક્કી કર્યું છે. રાજકારણથી દૂર રહીને તેણે એક નવો રસ્તો પસંદ કર્યો છે, જે તેને કદાચ પોતાના દમ પર એક સ્ટાર બનાવી શકે છે. 'નિશાનચી' 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં 2000ના દાયકાની શરૂઆતના લોકેશન, ભાષા અને પાત્રોમાં અનુરાગ કશ્યપની જાણીતી શૈલી જોવા મળે છે.