'તમે ફિલ્મસ્ટાર બનશો, જુઓ મેં તમારો પોસ્ટર પણ લગાવી દીધો છે...', શક્તિ કપૂરે જણાવી દુકાનદારની 'ભવિષ્યવાણી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shakti kapoor about Film Star : બોલિવૂડના જાણીતા અને બહુમુખી અભિનેતા શક્તિ કપૂરે પોતાના કરિયરની શરૂઆતના દિવસોનો એક અત્યંત રસપ્રદ અને હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે. કોમેડિયન કપિલ શર્માના શો દરમિયાન શક્તિ કપૂરે ખુલાસો કર્યો હતો કે, હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ અભિનેતા બન્યો તે પહેલા જ એક દુકાનદારે મારા સુપરસ્ટાર બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી. તે દુકાનદારને મારી પ્રતિભા પર એટલો બધો ભરોસો હતો કે તેણે પોતાની દુકાન પર અભિનેતા બનતા પહેલા જ મારું એક મોટું પોસ્ટર લગાવી રાખ્યું હતું.
આ યાદગાર પ્રસંગને વાગોળતા શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, "રાત્રે જ્યારે હું મારા 3-4 મિત્રો સાથે તે પાનની દુકાન પર મળતો, ત્યારે તે દુકાનદાર મને વારંવાર કહેતો કે 'તમે અહીં શું કરી રહ્યા છો? મુંબઈ જઈને એક્ટિંગમાં નસીબ અજમાવો, તમે ચોક્કસ સફળ થશો. જુઓ, મેં તો અત્યારથી જ તમારું પોસ્ટર લગાવી દીધું છે!'" શક્તિ કપૂરે ઉમેર્યું હતું કે જ્યારે હું ફિલ્મોમાં સફળ થયો અને મને ઓળખ મળી, ત્યારે હું ખાસ તે દુકાનદારનો આભાર માનવા પહોંચ્યો હતો તેને ભવિષ્યમાં કોઈપણ મદદ માટે ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, શક્તિ કપૂરે વર્ષ 1977માં ફિલ્મ 'ખેલ ખિલાડી કા'થી પોતાના અભિનેતા તરીકેના કરિયરની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુ લાંબી સફરમાં શક્તિ કપૂર 700થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. વિલનથી લઈને કોમેડિયન સુધીના તમામ પાત્રોમાં તેમણે પોતાની ખાસ છાપ છોડી છે. ખાસ કરીને 1994ની કલ્ટ ફિલ્મ 'અંદાજ અપના અપના'માં તેમનું 'ક્રાઈમ માસ્ટર ગોગો'નું પાત્ર અને તેમનો પ્રખ્યાત ડાયલોગ "આંખે નિકાલ કે ગોટિયા ખેલૂંગા" આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે.




