Get The App

દક્ષિણ ભારતના જાણીતા અભિનેતાનું નિધન: કિડની માટે પુત્રીએ માંગી હતી આર્થિક મદદ, સમય પર ન મળ્યો ડોનર

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
Fish Venkat Passed Away


Fish Venkat Passed Away: તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કોમેડિયન અને અભિનેતા ફિશ વેંકટનું નિધન થયું છે. તેમણે 18 જુલાઈના રોજ 53 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ અભિનેતા ઘણા મહિનાઓથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. ઘણા મહિનાઓથી તેમની કિડનીની સારવાર ચાલી રહી હતી તેમજ ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. તેમજ સમય પર આર્થિક સહાય અને ડોનર ન મળતા તેમનું અવસાન થયું. ફિશ વેંકટ 'ગબ્બર સિંહ' અને 'ડીજે ટિલ્લુ' જેવી ફિલ્મો માટે જાણીતા છે.

આર્થિક સંકટને કારણે અભિનેતાનું અવસાન

હૈદરાબાદની એક હોસ્પિટલમાં કિડની ફેલ થવાને કારણે ફિશ વેંકટનું નિધન થયું. ડોક્ટરોએ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ, આર્થિક સંકટને કારણે અભિનેતાનો પરિવારને તેમની તબીબી સારવાર પરવડી શકે તેમ ન હતુ. જેના કારણે વેંકટની સ્થિતિ સતત બગડતી ગઈ અને અંતે તેઓ જીવન સામેની લડાઈ હારી ગયા. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વેંકટ ગંભીર કિડની અને લીવરની સમસ્યાઓથી પીડાતા હતા અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડતું ગયું. મામલો ગંભીર બનતા પરિવાર યોગ્ય તબીબી સારવાર માટે નાણાકીય મદદ શોધી રહ્યો હતો. તેમની પુત્રી શ્રાવંતીએ અપીલ કરી અને કહ્યું કે તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની નાણાકીય મદદ શોધી રહ્યા છે જે તેમના જીવન માટે જરૂરી છે.

આ પણ વાંચો: 'કિંગ'ના સેટ પર શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થયો હોવાનો દાવો, સારવાર માટે અમેરિકા પહોંચ્યો?

વિલન અને કોમેડિયન તરીકે કર્યું છે કામ 

બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેઓ તેમની કોમેડી અને સપોર્ટીંગ રોલ માટે જાણીતા હતા અને ઘણીવાર તેલંગાણા ભાષાની ફિલ્મોમાં પણ દેખાયા હતા. 1971માં આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં જન્મેલા, ફિશ વેંકટે વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'સમ્મક્કા સારક્કા'થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે મોટાભાગે પડદા પર નેગેટીવ રોલ જ ભજવ્યો છે તો કેટલીક ફિલ્મોમાં પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા. તેમણે 'ગબ્બર સિંહ', 'અધૂર', 'ડીજે ટિલ્લુ' જેવી ફિલ્મોથી લોકોમાં પોતાની ઓળખ બનાવી.

દક્ષિણ ભારતના જાણીતા અભિનેતાનું નિધન: કિડની માટે પુત્રીએ માંગી હતી આર્થિક મદદ, સમય પર ન મળ્યો ડોનર 2 - image
Tags :