Editorial

વર્જિનિયા વુલ્ફ: 20મી સદીનાં સર્વાધિક પ્રભાવશાળી બ્રિટિશ લેખિકા

By GS TEAM
8 Oct 20255 mins read
વર્જિનિયા વુલ્ફ: 20મી સદીનાં સર્વાધિક પ્રભાવશાળી બ્રિટિશ લેખિકા

- સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં વર્જિનિયા વુલ્ફ 20મી સદીના બ્રિટિશ સાહિત્યમાં મોખરાંનું નામ ગણાય છે. આધુનિક વિચારના હિમાયતી વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. છેલ્લી નવલકથા લખ્યા બાદ તેમણે નદીમાં ડૂબીને આપઘાત કરી લીધો હતો

૨૦મી સદીનાં સરેરાશ ધનવાન બ્રિટિશરમાં હોય એવાં ગુણો વર્જિનિયામાં હતાં. સમૃદ્ધિમાં ઉછર્યા પછી ઉચ્ચ શિક્ષણથી આવેલો બ્રિટિશ શિષ્ટાચાર, સુધારાવાદી વલણ, નારીવાદી વિચારને પ્રોત્સાહન, અનેક સામાજિક પ્રવૃત્તિઓથી છલોછલ જીવન અને છતાં ખાલીપાથી સર્જાતો ભાવનાત્મક શૂન્યાવકાશ.

દુનિયાએ બહુ પછીથી જે માનસિક બીમારીઓ અનુભવી એ બ્રિટનમાં બહુ વહેલા દાખલ થઈ ગઈ હતી. ભારત જેવા કેટલાય દેશો આઝાદી માટેની લડાઈ લડીને નવા રાષ્ટ્રનું નિર્માણ કરવામાં મહેનત કરતા હતા ત્યારે સમૃદ્ધ બ્રિટનમાં લોકો ડિપ્રેશનથી જીવ આપી દેતા હતા. કાળી મજૂરી કરનારા વિશાળ વર્ગને ડિપ્રેશન શું એની ખબર ન હતી ત્યારે બ્રિટનના કેટલાક ધનવાનો આંતરિક ઝંઝાવાત સામે ઝઝૂમતા હતા. એ વર્ગનું પ્રતિનિધિત્વ વર્જિનિયા કરતાં હતાં.

૨૫મી જાન્યુઆરી, ૧૮૮૨માં લંડનના સમૃદ્ધ પરિવારમાં વર્જિનિયાનો જન્મ થયો હતો. તેમના પિતા સર લેસ્લી સ્ટિફન નિબંધકાર, ઈતિહાસકાર હતા. એમનો પરિવાર લંડનના પ્રતિષ્ઠિત-બૌદ્ધિક પરિવારોમાં એક ગણાતો હતો. વર્જિનિયાનો ઉછેર સાહ્યબીમાં થયો હતો. એનું જન્મનું નામ હતું: એડિલિન વર્જિનિયા સ્ટીફન. વર્જિનિયા સહિત આઠેય ભાઈ-બહેનોનું શિક્ષણ ઘરમાં જ થયું. એની ફઈનું નામ એડિલિન હતું. વર્જિનિયા સમજણી થઈ ત્યારે તેમની ફઈનું અકાળે અવસાન થયું એટલે પરિવારે તેમના નામની આગળ એડિલિન લગાડવાનું બંધ કર્યું. એડિલિન વર્જિનયા સ્ટિફનના લિયોનાર્ડો વુલ્ફ સાથે લગ્ન થયાં. તેમણે પરંપરા પ્રમાણે પતિની સરનેમ સ્વીકારી એટલે નામ થયું - વર્જિનિયા વુલ્ફ.

વર્જિનયા ૨૨ વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થયું. લંડનના જે વિસ્તારમાં રહેતા હતાં એ છોડીને બ્લૂમ્સબેરીમાં રહેવા ગયા. એ વિસ્તારમાં બ્લૂમ્સબેરી ગુ્રપ બન્યું. જે ગુ્રપમાં વર્જિનિયા, તેમની બહેન અને જાણીતી ચિત્રકાર વેનેસા, એનો પતિ ક્લાઈવ બેલ, નવલકથાકાર ઈ.એમ. ફોર્સ્ટર, નિબંધકાર લિટન સ્ટ્રેચી, પેઈન્ટર ડંકન ગ્રાન્ટ જેવા સર્જનાત્મક-બૌદ્ધિક લોકો સક્રિય રહીને આધુનિક વલણોની ચર્ચા-વિચારણા કરતાં. એ તમામના સર્જનમાં પણ એની અસર દેખાતી. એવી જ અસર વર્જિનિયાના લેખનમાં પણ જણાય છે. ૧૯૧૫માં ધ વોયેર આઉટ નામથી તેમની પ્રથમ નોવેલ પબ્લિશ થઈ. આમ તો આ નોવેલ તેમણે આઠ-દસ વર્ષ પહેલાં લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ પ્રસિદ્ધ કરી ન હતી. આ નોવેલ લખાતી હતી ત્યારે વર્જિનિયા માનસિક રીતે સ્વસ્થ ન હતાં. પછી તેમણે જ સ્વીકાર્યું હતું કે આ નોવેલ લખાતી હતી એ ગાળામાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ નોવેલમાં પણ મુખ્ય પાત્રનું આખરે તાવમાં મોત થાય છે એવો પ્લોટ છે. તેમના માનસિક કશ્મકશના કારણે નોવેલ વર્ષો સુધી લખાયેલી પડી રહી. આખરે તેમના ભાઈની પ્રકાશન સંસ્થાએ એને પબ્લિશ કરી. એ લોકપ્રિય થઈ. બ્રિટનના વિવેચકોએ એની પ્રશંસા કરી. નવલકથામાં ઝીલાયેલા આધુનિક પ્રવાહની ખૂબ ચર્ચા થઈ. એના કારણે વર્જિનિયાની આધુનિક વિચારના હિમાયતી તરીકે ઓળખ બની.

લિયોનાર્ડો-વર્જિનિયાના ૧૯૧૨માં લગ્ન થયા. ૧૯૧૭માં તેમણે હોગાર્થ પ્રેસ નામથી પ્રકાશન સંસ્થા શરૂ કરી. વર્જિનિયાના શરૂઆતના એક-બે પુસ્તકોને બાદ કરતાં તમામ પુસ્તકો પછી આ જ કંપનીએ પ્રસિદ્ધ કર્યા. ૧૯૧૯માં નાઈટ એન્ડ ડે પુસ્તક આવ્યું. ૧૯૨૨માં બહુ ચર્ચિત જેકબ્સ રૂમ નોવેલ આવી, ૧૯૨૪માં નિબંધસંગ્રહ મિ. બર્નેટ એન્ડ મિસિસ બ્રાઉનને લોકપ્રિયતા મળી. ૧૯૨૫માં મિસિસ ડેલોવે અને ૧૯૨૭માં ટુ ધ લાઈટહાઉસ એમ બે નોવેલ આવી તે પછી વર્જિનિયા બ્રિટન ઉપરાંત અમેરિકામાં પણ પોપ્યુલર થયાં. ઓર્લેન્ડો, ધ વેવ્ઝ, ધ યર્સ, બિટવીન્સ ધ એક્ટ્સ જેવી નોંધપાત્ર નવલકથાઓ તેમણે આપી છે.

તે સિવાય મન્ડે એન્ડ ટયૂઝ ડે, અ હોન્ટેડ હાઉસ નામે બે વાર્તાસંગ્રહો તેમણે લખ્યાં હતાં. થ્રી ગિનિઝ, અ રૂમ ઓફ વન્સ ઓન જેવા નિબંધસંગ્રહો પણ લોકપ્રિય થયા હતા. નવલકથાકાર, વાર્તાકાર ઉપરાંત તેમની ઓળખ હતી વિવેચક તરીકેની. તેમણે વિવેચન ગ્રંથો પણ લખ્યા હતા. તેમના નિબંધો અને લેખો એ સમયના બ્રિટનના અખબારો-સામયિકોમાં નિયમિત પ્રસિદ્ધ થતાં હતાં. એમના ઘણાં લખાણો મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયાં હતાં.

તેમના લેખનની વિશેષતા એ હતી કે તેમના પાત્રોના આંતરપ્રવાહો બરાબર ઉપસી આવતા હતા. વર્જિનિયા વુલ્ફે પાત્રોના આંતરજગતને રજૂ કરતું નવલકથાનું આધુનિક સ્વરૂપ આપ્યું. એ પછી આ પ્રકારની લેખનશૈલીને બળ મળ્યું. તેમની નવલકથામાં માનસિક રોગોના વિષયોને સ્થાન મળતું હતું. ત્યારે કોઈને કલ્પના ન હતી કે લેખિકા ખુદ માનસિક રોગથી પીડિત છે. તેમના આંતરમનમાં પણ તેમના નવલકથાના પાત્રો જેટલું જ ઘમાસાણ મચ્યું હતું.

તેમની મિસિસ ડેલોવે નોવેલમાં અસ્થિર મગરના પતિ અને નોર્મલ પત્નીની કથા છે. એ સમયે આવા વિષયને લઈને નોવેલ લખવાનો ચીલો પડયો ન હતો. પતિ-પત્નીના મનમાં કેવા ભાવો છે એ તેમણે બરાબર ઝીલ્યા છે. મુખ્ય પાત્રએ આપઘાત કર્યો હોય એવું એમની નવલકથાઓમાં બન્યું છે. માનસિક દ્વંદ્વ સતત તેમના પાત્રોમાં દેખાય છે અને એવું જ તેમના ખુદના જીવનમાં પણ જોવા મળે છે. તેમની નવલકથાઓના પાત્રો બાહ્ય લડાઈની સાથે આંતરિક રીતે લડતા હોય કે પછી છેલ્લે મૃત્યુ પામતા હોય એવું વારંવાર બને છે. બહુ જ ઓછા પ્લોટમાં હેપી એન્ડિંગ જોવા મળે છે.

વર્જિનિયા ડિપ્રેશનનો શિકાર બન્યાં હતાં. માતાના મૃત્યુ વખતે તેમની વય ૧૩ વર્ષની હતી એ વખતે પહેલી વખત ડિપ્રેશનનો અનુભવ થયો હતો.  લગ્ન પહેલાં કિશોરાવસ્થામાં પણ તેઓ હતાશા અનુભવતા હતાં. લગ્ન બાદ થોડાં વર્ષો તેમને બરાબર લાગ્યું, પરંતુ ફરીથી એકલતા-અજંપો ઘેરી વળ્યો. પતિ સાથે તેમને ખૂબ જ સારા સંબંધો રહ્યાં, તે છતાં વર્જિનિયાની માનસિક સ્થિતિનો સંપૂર્ણ તાગ પતિ લિયોનાર્ડો છેક સુધી મેળવી શક્યા ન હતા. જાણે આવું પોતાના જીવનમાં બનશે એ ખબર હોય એમ વર્જિનિયાએ મિસિસ ડેલોવેમાં એના આગોતરા વર્ણનો લખી નાખ્યા હતા. એમાં માનસિક બીમાર પતિ આપઘાત કરી લે છે પછી પત્નીને તેની માનસિક સ્થિતિની ગંભીરતાનો સર્વાધિક અનુભવ થાય છે. એ કદાચ પતિને આપઘાત પછી સમજી શકે છે. પોતાના જીવનમાં પણ વર્જિનિયાને એવુંય થયું હતું. છેલ્લી નોવેલ બિટવીન્સ ધ એક્ટનો ડ્રાફ્ટ પૂરો કર્યા પછી તેમણે કપડાંમાં પથ્થર બાંધીને નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં પતિના નામે એક પત્ર લખીને કહ્યું હતું કે તેને માનસિક સંતાપ છે અને કદાચ પાગલ થઈ જવાશે એવો ડર લાગે છે. સાજા થઈ શકાય તેવું લાગતું નથી એટલે આપઘાત કરું છું.

પરંપરાને તોડતું, નારીવાદી વિચારને પ્રોત્સાહન આપતું માતબર સાહિત્યિક સર્જન કરનારી લેખિકા ડિપ્રેશન સામે લડી ન શકી એ વિષય તો પછી ઘણી ફિલ્મો, નાટકો અને ડોક્યુમેન્ટરીમાં પણ આવ્યો. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા એટલે એ જમાનામાં તેમના લખાણો-નિવેદનોને લઈને વિવાદો પણ સર્જાતા હતા. ઘણાં વિવેચકો માને છે કે ૨૦મી સદીના અંતે જે વિચારો સ્વીકૃત બન્યા એની તેમણે ૨૦મી સદીની શરૂઆતમાં જ હિમાયત કરી હતી. એ રીતે વર્જિનિયા વુલ્ફ જમાનાથી આગળ થઈ ગયેલાં સર્જક હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી મહિલાઓને જે સ્વતંત્રતા મળી એની કલ્પના-હિમાયત તેમણે વિશ્વયુદ્ધ પહેલાં કરી હતી. વિશ્વમાં મહિલાઓના અધિકાર માટે બોલતાં-લખતાં સર્જકોની જ્યારે જ્યારે યાદી બનશે ત્યારે ત્યારે વર્જિનિયા વુલ્ફનું નામ પહેલી હરોળમાં આવીને બેસી જશે !