યુક્રેનની સુરક્ષા યુરોપના ભરોસે, અમેરિકા જવાબદારી ખંખેરશે

- રશિયન પ્રમુખ પુતિન ઈચ્છે છે કે યુક્રેન કોઈ પણ રીતે નાટોનું સૈન્ય ન બને ને અમેરિકા યુક્રેનની સુરક્ષામાં સૈન્ય તૈનાત ન કરે. ટ્રમ્પ આ બંને શરત સ્વીકારવા તૈયાર છે તેનાથી યુરોપના સાથી દેશો પણ આશ્વર્યમાં છે
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનું કારણ શું હતું?
યુક્રેન અમેરિકા પ્રેરિત નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં સભ્ય બનવા ઉત્સુક હતું. યુક્રેન કેટલાંય વર્ષોથી એવી ડિમાન્ડ કરતું હતું કે રશિયાથી તેને જોખમ છે એટલે નાટોના સભ્ય બનવાથી સુરક્ષામાં વધારો થશે. બીજી તરફ યુક્રેન નાટોનું સભ્ય બને એનો રશિયન પ્રમુખ પુતિનને પહેલેથી જ વાંધો હતો. પુતિનનો તર્ક એવો હતો કે રશિયાએ અમેરિકાની નજીક ક્યાંક આવી રીતે બીજા દેશની સુરક્ષાના નામે રશિયન સૈન્ય ગોઠવ્યું નથી. અમેરિકા છેક રશિયાની સરહદ પાસે નાટોનું સૈન્ય ગોઠવે અને એ રીતે લશ્કરી પહોંચ વધારે તે રશિયન નાગરિકો માટે જોખમી છે. જો યુક્રેન નાટોનું સભ્ય બનશે તો રશિયા પાસે યુક્રેન સામે યુદ્ધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં.
રશિયાએ પછી તો વારંવાર યુક્રેન પર ચડાઈ કરવાની ધમકી આપી, પરંતુ દુનિયાભરના સંરક્ષણ અને રાજદ્વારી નિષ્ણાતો એમ માનતા હતા કે રશિયા યુક્રેન પર યુદ્ધ કરશે નહીં અને જો યુદ્ધ કરશે તો અમેરિકા યુક્રેનના બચાવમાં ઉતરશે. અમેરિકા-રશિયા એક મોરચે જંગે ચડશે તો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે. કેટલાય વખત સુધી આ રીતે સામસામા હોંકારા પડકારા ચાલ્યા. અમેરિકા પણ યુક્રેનની સુરક્ષા માટે સજ્જ હોવાનાં નિવેદનો આપતું હતું.
પુતિન જો યુક્રેન પર યુદ્ધ કરશે તો આખું યુરોપ અને અમેરિકા મળીને રશિયા પર હુમલો કરશે ને વિશ્વયુદ્ધની પરિસ્થિતિ આવશે એવી દહેશત વ્યક્ત થતી હતી. અમેરિકાની એકથી વધુ ડિફેન્સ થિંક ટેંક કહેવા લાગી હતી કે યુક્રેન પર ગમે તે ઘડીએ પુતિન હુમલાનો આદેશ આપશે અને ૨૪ કલાકમાં તો આખું યુક્રેન કબજે કરી લેશે. પુતિને નિવેદનો આપવાની સાથે સાથે યુક્રેનની સરહદે લશ્કરની તૈનાતી વધારી. સરહદે રશિયન લશ્કરનું સંખ્યાબળ જોયા પછી યુરોપના દેશો સક્રિય થયા. ફ્રાન્સ-જર્મનીએ પુતિનને સમજાવવા માટે પ્રયાસો કર્યા પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નહીં. બધી વાટાઘાટો પુતિનની એ શરત સાથે જ પડી ભાંગતી હતી કે યુક્રેન નાટોનું સભ્ય ન બને તો જ રશિયા પીછેહઠ કરશે.
અને વાટાઘાટો, નિવેદનો, હોંકારા-પડકારા વચ્ચે ૨૪ ફેબુ્રઆરી, ૨૦૨૨ના દિવસે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન સૈન્યને હુમલો કરવાનો આદેશ આપી દીધો. દુનિયાભરમાં ચર્ચા ચાલતી હતી કે અમેરિકા નાટોના લશ્કરને મોકલીને યુક્રેનનું રક્ષણ કરશે. નાટોનું સૈન્ય મેદાનમાં ઉતરશે તો રશિયા યુદ્ધવિરામ કરવા તૈયાર થઈ જશે. અમેરિકા-યુરોપ મળીને રશિયા પર એવું દબાણ લાવશે કે રશિયાએ યુદ્ધ રોક્યે જ છૂટકો થશે, પણ રશિયા સામે સીધી ટક્કર લેવાનું અમેરિકાએ ટાળ્યું. હોંકારા-પડકાર્યા પછી જ્યારે ખરેખર યુદ્ધ આવી પડયું ત્યારે અમેરિકાએ યુક્રેનને ધરપત બંધાવીને કહી દીધું ઃ 'શસ્ત્રો અમે આપીશું, આર્થિક મદદ કરીશું. તમે લડવામાં પાછી પાની ન કરશો!'
યુરોપ-અમેરિકાના દેશોએ યુક્રેનને આર્થિક મદદ તો કરી, પરંતુ મેદાન-એ-જંગમાં ઉતરવાનું ટાળ્યું. એના કારણે સાડા ત્રણ વર્ષથી યુક્રેન રશિયા સામે ટકી તો ગયું, પણ પરિણામ કંઈ આવ્યું નહીં. આર્થિક મદદથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને ધાર્યું હતું કે છ-આઠ મહિનામાં યુદ્ધવિરામ થઈ જશે, પરંતુ એવું થયું નહીં. રશિયાએ ધાર્યું હતું કે અઠવાડિયા-પખવાડિયામાં આખું યુક્રેન કબજે કરી લેવાશે, પરંતુ એવુંય થયું નહીં. યુદ્ધ લાંબું ખેંચાતા બંને પક્ષે મોટું નુકસાન થયું છે.
અમેરિકાના તત્કાલિન પ્રમુખ જો બાઈડેને યુક્રેન માટે તિજોરી ખોલી આપી હતી, લગભગ ૧૦૦ અબજ ડોલરની સહાય તો અમેરિકાએ કરી. યુરોપિયન સંઘે ૪૫ અબજ પાઉન્ડની સહાય કરી. આ સહાય વચ્ચે યુક્રેનના એક પછી એક વિસ્તારો પર રશિયાએ કબજે જમાવવાનું શરૂ કર્યું. યુદ્ધમાં બંને પક્ષે જાનમાલનું નુકસાન થયું. આખી દુનિયા યુુદ્ધવિરામની તરફેણમાં હતી. યુદ્ધથી થાકી ગયેલા યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ યુદ્ધવિરામ માટે તૈયાર થયા. એ માટે અલગ અલગ દેશોની મધ્યસ્થીથી વાટાઘાટો થઈ, પરંતુ કંઈ પરિણામ આવ્યું નહીં.
ગયા વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ ને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા. ટ્રમ્પ ચૂંટણી પ્રચાર વખતે જ કહેતા હતા કે હું પ્રમુખ બનીશ તો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવી દઈશ. બાઈડેન સરકારની અણઆવડતના કારણે આ યુદ્ધ થયું અને તેના કારણે અમેરિકાએ અબજો ડોલરની સહાય કરવી પડી એમ માનતા ટ્રમ્પ પ્રમુખ બની ગયા પછી એ દિશામાં તેમણે કામ પણ શરૂ કર્યું. પુતિન સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરી. વાટાઘાટો ચાલી, પરંતુ અક્કડ પુતિને યુદ્ધવિરામ માટે જે શરતો રાખી એ માન્ય રાખી શકાય તેમ ન હતી. મહિનાઓના પ્રયાસો પછી આખરે ટ્રમ્પ-પુતિન વચ્ચે આ મહિને અલાસ્કામાં દ્વિપક્ષીય બેઠક થઈ. એ પછી ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથેય બેઠક કરી. ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે રશિયા-યુક્રેન અને અમેરિકા વચ્ચે સંયુક્ત બેઠક થશે અને એમાં યુદ્ધવિરામ નહીં, શાંતિ કરાર જ થઈ જશે. ટ્રમ્પ જે દાવો કરી રહ્યા છે એ પ્રમાણે જઈ જશે તો સાડા ત્રણ વર્ષથી ચાલતું યુદ્ધ અટકી જશે. રશિયા પર જે પ્રતિબંધો મૂકાયા છે એ પણ હટી જશે. તેના કારણે યુરોપના દેશોને સસ્તો રશિયન ગેસ, ફર્ટિલાઈઝર્સ મળવા માંડશે. યુદ્ધ અટકશે તો યુક્રેન રાહતનો શ્વાસ લેશે. પરંતુ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે યુદ્ધ પછી યુક્રેનનું શું થશે? યુક્રેનને યુદ્ધવિરામના કરારોમાં શું ગુમાવવું પડશે?
ટ્રમ્પે શાંતિ કરારની જે ફોર્મ્યુલા શોધી કાઢી છે એ પ્રમાણે યુક્રેન નાટોનું સભ્ય બનશે નહીં. અમેરિકા યુક્રેનની સુરક્ષાના નામે રશિયાની સરહદે નાટોનું કે પછી અમેરિકાનું સૈન્ય ગોઠવશે નહીં. પુતિન ઈચ્છે છે કે યુક્રેનનો અમુક ભાગ રશિયાની સુરક્ષા માટે તેમના કબજામાં રહે. અમુક ભાગ યુક્રેનના કબજામાં રહે, પરંતુ ત્યાં સૈન્યની તૈનાતી થઈ શકશે નહીં. યુક્રેનની સલામતીનું શું? એનો જવાબ ટ્રમ્પે આપ્યો છે એ પ્રમાણે યુરોપનું શાંતિ સૈન્ય યુક્રેનની સલામતીની ચિંતા કરશે. ટૂંકમાં, યુક્રેનની સલામતીની જવાબદારી જગત જમાદાર અમેરિકાની રહેશે નહીં. ટ્રમ્પ આમેય નાટોને માતબર બજેટ આપવાની તરફેણમાં નથી. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે યુરોપના દેશો ડિફેન્સ બજેટ વધારીને સૈન્ય મજબૂત બનાવે. એ જ વ્યૂહના ભાગરૂપે અમેરિકા હાથ ઊંચા કરીને શાંતિ સમજૂતી કરાવે છે. ટ્રમ્પના વિચાર પ્રમાણે યુરોપના દેશો યુક્રેન માટ એક શાંતિ સૈન્ય બનાવશે. એ સૈન્યનો ખર્ચ નાટો ઉપાડશે અને તે રશિયાથી યુક્રેનની સુરક્ષા કરશે. અત્યારે ફંડ ભલે નાટોમાંથી જાય, પરંતુ ટ્રમ્પ તો ભવિષ્યમાં નાટોનું ફંડ પણ ઘટાડવાની પેરવીમાં છે.
ટ્રમ્પના આ વલણના કારણે અત્યારે રશિયા માટે ફાવતી સ્થિતિ છે. યુક્રેન નાટોનું સભ્ય બને એ પ્રસ્તાવ જ ઉડી જશે તો નાટોનું સૈન્ય રશિયન સરહદે તૈનાત થાય એ મુદ્દો પણ ઉડી જશે, પણ આ બધા વચ્ચે યુરોપે અમેરિકાના વલણની ફેરવિચારણા કરવી પડશે. અમેરિકાનું વલણ ભવિષ્યમાં વર્લ્ડ ઓર્ડર બદલાશે એનો સંકેત છે.









