વડા બડા પ્યારા...સભી કા દુલારા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
- 'લાભુ, તારી જેમ ઘણા પીડિત પતિદેવોની આવી જ દશા હોય છે, બિચારા નાસ્તાને બદલે વઢકણી વહુથી આધા ' નાસતા'રહે. શું થાય?'
'સાહેબ, ગુડ મોર્નિંગ… ફૂડ મોર્નિંગ… ફૂડ મોર્નિંગ…'
'લાભુ, ગુડ મોર્નિંગ સમજાયું, પણ ભેગું આ ફૂડ મોર્નિંગ એ ટલે શું જરા કહે તો ખરો?'
'સાંભળો, સવાર સુધારી દે અને વજન વધારી દે એવાં ગરમાગરમ વડા-પાવ ખાઉ ગલ્લીમાંથી લાવ્યો છું…'
'વાહ લાભુ વાહ, ખાઉ ગલીનું નામ સાંભળીને જ જીભમાં ગલીગલી થવા માંડી હો? '
'અરે, વડા-પાવ અને સાથે તળેલાં મરચા ખાવ એટલે પછી તમારૃં દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે.'
'લાભુ, સવારે તું ધક્કો ખાઈને બહારથી વડા-પાવ કેમ લઈ આવ્યો? તારી લીલા સવારે ગરમ નાસ્તો નથી બનાવતી?'
'અરે ભાઈ, લીલા કોઈ દિવસ ગરમ નાસ્તો નથી બનાવતી બલ્કે નાસ્તાની ફરમાઈશ કરૃં તો ખુદ ગરમ થઈ જાય છે.'
'લાભુ, કાઈ વાંધો નહીં. તારી જેમ ઘણા પીડિત પતિદેવોની આવી જ દશા હોય છે, બિચારા નાસ્તાને બદલે વઢકણી વહુથી આધા ' નાસતા' રહે. શું થાય?'
'મારી જેવા વહુથી આઘા ભાગતા પતિદેવોને જોઈને જ મેં નાશપતી ફ્રુટનું નામ ફેરવીને શુ કર્યું છે ખબર છે? નાસ -પતિ.'
'લાભુ, તારી લીલા ટીવીમાં રસોઈના પ્રોગ્રામ જોઈને તારા માટે કાંઈ બનાવે કે નહીં?'
'લીલા ટીવી પર રસોઈના પ્રોગ્રામ જોવે ખરી, પણ પછી મને જ બનાવે, નાસ્તો ન બનાવે…'
'લાભુ, કોઈક વાર હિમ્મત કરીને લીલાને વડા બનાવવાની ફરમાઈશ તો કર?'
'જાવા દ્યોને મારા ભાઈ, લીલા પાકશાસ્ત્રની નહીં, ધાકશાસ્ત્રની નિષ્ણાત છે.'
'લાભુ, મારી ઈલા વગર કહ્યે વડા બનાવે ખરી, પણ ઈ વડા સાવ ઢંગધડા વગરના હોય, એના કરતાં તારી જેમ બહારથી ગરમાગરમ વડા લાવીને ખાવામાં જ માલ છે.'
'સાવ સાચી વાત, કોઈ 'ઘરમાં-ગરમ' થાય એનાં કરતાં તારી જેમ બહારથી ગરમાગરમ વડા લાવીને ખાવાની જ મજા આવે.'
'વાહ લાભુ, તેં તો ઘરમાં-ગરમ અને ગરમાગરમનો ખરો મેળ બેસાડી દીધો હો? ગરમાગરમ વડા, ટેસ્ટી ચટણી અને પોચા પાવ બસ ખાવ ભાઈ ખાવ…'
'સાંભળો, કડક સ્વભાવના હોય એને ટોસ્ટ-પતિ કહેવાય અન ે તમારી જેવા નરમ સ્વભાવના હોય એને પાવ-પતિ કહેવાય.'
'લાભુ, વડા-પાવની વાનગીની મુંબઈમાં કોણે શરૂઆત કરી હશે?'
'અરે, તમને ખબર નથી? મુંબઈમાં જ્યારે કાપડ મિલો ધમધમતી હતી એ વખતે મિલ કામદારો પેટ ભરાય એવો નાસ્તો કરી શકે એ માટે એક ભેજાબાજે દાદર વિસ્તારમાં ૧૯૬૬માં પહેલી વાર વડા-પાવ વેંચવાની શરૂઆત કરી એવું કહેવાય છે. પછી તો વડા-પાવ પાંવ -વગર ક્યાંના ક્યાં પહોંચી ગયા.'
'લાભુ, એટલે જ તો દર ૨૩મી ઓગસ્ટે વર્લ્ડ વડા-પાવ ડે ઉજવાય છે, બરાબરને?'
'ભારતની સરહદની પાર પરદેશમાં પણ વડા-પાવ પહોંચી ગયા છે, એટલે જ વર્લ્ડ વડા-પાવડે ઉજવાય છેને? વડા સબકે મુંહ ચડા, ઈસ લિયે ખાતે હૈ ખડા ખડા…'
'લાભુ, 'પાકીઝા' ફિલ્મ યાદ છે? એમાં રાજકુમારનો એક ડાયલોગ છે. મીનાકુમારીના પગ જોઈને ડાયલોગ ફફડાવે છેઃ આપકે પાંવ દેખે, બહોત હસીન હૈ, ઈન્હે ઝમીં પે મત રખીએ મૈલે હો જાયેગે…'
'વેઈટ… વેઈટ… વેઈટ, મને કહો કે પાવ-વડા અન ે 'પાકીઝા'ના ડાયલોગને શું સંબંધ છે?'
'લાભુ, 'પાકીઝા'ના એ ડાયલોગને મેં જરા ફેરવી નાખ્યો - એક પાવ-વડાના સ્ટોલ ઉપર જઈ મેં ડાયલોગ ફફડાવ્યોઃ આપકે પાંવ (વડા) દેખે… બહોત સ્વાદિષ્ટ હૈ, ઈન્હે ખુલ્લા મત રખીએ … ઠંડે હો જાયેંગે…'
'વાહ કયા ડાયલોગ મારા હૈ… વડા-પાવનો મેળ ખરો જમાવ્યો. ફિલ્મમાં પાંવ શબ્દ વાપર્યો છે એનો અર્થ થાય પગ અને પાવનો બીજો અર્થ થાય બ્રેડ…'
'લાભુ, દેશના વડા હોય, રાજ્યના વડા હોય, ધર્મસંસ્થાના વડા હોય કે પછી સમાજના વડા હોય સહુ એના પાંવ પકડે છેને?'
'હે ભગવાન… તમે વડા-પાવના કેટલા અર્થ કાઢશો?'
'લાભુ, મે હમણાં વડા-ડેની ઉજવણીની વાત કરીને? એટલે હવે વડા-ડે ઉપરથી તને કહું છું તે ઝટ મને વડા-દે…'
'પણ તમને ખબર છે? વસમા પાડોશી પાકિસ્તાનમાં પણ વડા-પાવ પહોંચ્યા છે હો?'
'લાભુ, શું વાત કરે છે? પાકિસ્તાનમાં વળી મુંબઈ જેવા વડા કોણ બનાવીને વેચે છે?'
'અરે ભાઈ, પાકિસ્તાનના કરાચી શહેરમાં એક હિંદુ કન્યા ટેસ્ટી વડા-પાવ બનાવીને ધૂમ વેચાણ કરે છે, બોલો!'
'લાભુ, પાકિસ્તાનમાં લોકો વડા ખાય છે એ જાણીને મને એક મજેદાર દો -લાઈના સૂજી છે હો? સંભળાવું?'
'સંભળાવોને! નેકી ઔર પૂછપૂછ?'
'લાભુ, ધ્યાનથી સાંભળ દો-લાઈના-
પાકિસ્તાન ભારત જેવા વડા પણ ખાય
અને ભારતના 'વડા'નો માર પણ ખાય.'
ફન કી બાત
સવાલઃ મુંબઈની હાર્બર લાઈનમાં એક સ્ટેશનનું નામ છે વડાલા, તો વડાલા પછી કયું સ્ટેશન આવે?
જવાબઃ વડા-લા પછી આવે પાવ -લા.
ખાતાના વડાનો આદેશ
ખાતા રહેજો વડા.
મુંબઈની પાવ-ભાજી
ખાવ થઈ રાજી રાજી
મુંબઈના ટેસ્ટી પાવ-વડા
સહુ ઝાપટે ખડા-ખડા
મુંબઈની પાણી-પૂરી ભેળપૂરી
ખાધા વિના મુંબઈની સફર અધૂરી
મુંબઈની મજેદાર કાંદા-ભજી
બસ ખાવ હરિને ભજી-ભજી
મુંબઈના ઈડલી-ડોસા
ખાય દાંત વગરના ડોશી-ડોસા
મુંબઈનાં જલેબી-ગાંઠિયા
ખાય લંબુ ને ખાય બાંઠિયા
મુંબઈમાં ઠેરઠેર ખાઉગલી
જોઈને જીભમાં થાય ગલી ગલી
મુંબઈમાં જાતજાતના ખાના
ખાઈ ખાઈ ગોતો પાય-ખાના
ગામડે ઘરનું ખાઈ બાહર જાય
મુંબઈમાં બાહરનું ખાઈ ઘરમાં જાય.




