Editorial

ઈઝરાયેલી દળોએ હમાસ કમાન્ડરને મારી નાખ્યો હમાસના 75 મથકો ઉપર હવાઈ હુમલા ચાલુ

By GS TEAM
21 Jul 20252 mins read
ઈઝરાયેલી દળોએ હમાસ કમાન્ડરને મારી નાખ્યો હમાસના 75 મથકો ઉપર હવાઈ હુમલા ચાલુ

- શાંતિ મંત્રણાની વાત જ હવે નિરર્થક છે

- ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં અત્યંત કરૂણ પરિસ્થિતિ : ઔષધો, ખાદ્ય પદાર્થોની તો ખેંચ છે જ : હવે તો પાણી માટે પણ ફાંફાં પડયાં

નવી દિલ્હી : ઈઝરાયલી દળોએ રવિવારે સાંજે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, 'હમાસના વિકાસ અને પરિયોજના વિભાગ સંભાળતા સિનીયર કમાન્ડર બશર થાબેટને તેમણે રવિવારે સાંજે જન્નત-નશીન કરી નાખ્યો છે.' આ થાબેટ હમાસનાં શસ્ત્ર ઉત્પાદન અને તેમની ટનલ શાફરની રચના ઉપર દેખરેખ રાખતો હતો.

રવિવારે ઈઝરાયલે હમાસનાં ૭૫ જેટલાં સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા. તેમાં મિલિટરી કમ્પાઉન્ડસ્ અને સેલ સાઇટ્સ પણ સમાવિષ્ટ હતી. ઈઝરાયલી વાયુદળે કહ્યું હતું કે, 'અમોને હમાસનાં મહત્વનાં મથકોની માહિતી મળી ગઈ છે, અને તેને નિશાન બનાવી રહ્યાં છીએ.'

ગાઝામાં અત્યારે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકથી ૧૧૫ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ થયા છે તે પૈકી ૯૨ તો સહાય મેળવવા જનારા અને સિવિલ ડીફેન્સ વર્કર્સ હતા.

આવા જ હુમલા જોર્ડન નદીના પશ્ચિમ કાંઠે વસેલા પેલેસ્ટાઇનીઓ ઉપર થઈ રહ્યા છે. બીજી તરફ ઈઝરાયલી સૈનિકો ઉપરાંત સશસ્ત્ર ઈઝરાયલી નાગરિકો પેલેસ્ટાઇનીઓને ભગાડી રહ્યા છે. તેઓ જોર્ડનમાં આશ્રય લઈ રહ્યાં છે.

પશ્ચિમે ગાઝામાં તો પરિસ્થિતિ હૃદયદ્રાવક છે ત્યાં જતા તમામ માર્ગો ઈઝરાયલે બંધ કરી દીધા હોવાથી ત્યાં ઔષધો અન્ય સુવિધાઓ અને ખાદ્ય પદાર્થોની અને પાણીની પણ પારાવાર ખેંચ ઉભી થઈ છે. આવી જ પરિસ્થિતિ વેસ્ટ બેન્કમાં છે. તે સંયોગોમાં શાંતિ મંત્રણા ફરી યોજાવાની તો કોઈ સંભાવના જ દેખાતી નથી.