- વર્લ્ડ વિન્ડો
- સાડા ત્રણ દશકાથી અમેરિકા-રશિયા વચ્ચે પરમાણુ હથિયારોના નિયંત્રણની સમજૂતી હતી, પરંતુ ટ્રમ્પે કરાર રિન્યુ કરવામાં રસ બતાવ્યો નહીં. આ કરારની દુનિયામાં લાંબા ગાળાની અસર થશે
- બરાક ઓબામા અને દિમિત્રી મેડવેડેવ
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયુટ.
૧૯૬૬માં સ્થપાયેલી આ ડિફેન્સ થિંક ટેંક દુનિયામાં હથિયારોનો વેપાર, પરમાણુ હથિયારોની તૈનાતી, સશસ્ત્ર લડાઈઓ, લશ્કરી ઘર્ષણો વગેરેની જાણકારી મેળવે છે અને તેને જાહેર કરે છે. કોની પાસે કેટલાં હથિયારો છે તેનો અંદાજ સિપરીના ટૂંકા નામે જાણીતી આ સંસ્થા આપે છે તેને દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ્સ માન્ય ગણે છે. આ સંસ્થા કોની પાસે કેટલાં પરમાણુ હથિયારો છે તેની જાણકારી આપે છે. તેને માનીએ તો દુનિયાના આઠ દેશો પાસે ૨૦ હજાર જેટલાં પરમાણુ હથિયારો છે. બીજા વિશ્વયુદ્ધથી અત્યાર સુધીમાં પરમાણુ હથિયારના ૨૦૦૦ પરીક્ષણો થઈ ચૂક્યા છે.
૯૫ ટકા પરમાણુ બોમ્બ અમેરિકા અને રશિયા પાસે છે. રશિયા સૌથી વધુ ૫૯૦૦થી ૬૨૦૦ પરમાણુ હથિયારો ધરાવે છે, જ્યારે અમેરિકા પાસે ૫૪૨૮થી ૬૧૫૦ પરમાણુ બોમ્બ હોવાનો અંદાજ છે. ૨૨૫ બોમ્બ સાથે બ્રિટન આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ચીન પાસે ૨૦૦ પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે, પરંતુ અમેરિકન ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે ચીન પાસે ૩૫૦ પરમાણુ બોમ્બ હોવા જોઈએ. હજુય ચીન પરમાણુ હથિયારોનો જથ્થો વધારવા માટે સતત ફંડ ફાળવી રહ્યું છે. ભારત પાસે ૧૭૦ પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાન આર્થિક રીતે બદહાલ થઈ ગયું છે એટલે નવાં પરમાણુ હથિયારો વિકસાવી શકવાની સ્થિતિમાં નથી, છતાં પાકિસ્તાન ૧૬૫ પરમાણુ બોમ્બ ધરાવે છે.
ફ્રાન્સ પાસે પરમાણુ હથિયારો છે. ઈઝરાયલ પાસે હોવાની શક્યતા વ્યક્ત થાય છે. ઈઝરાયલે ક્યારેય સત્તાવાર સ્વીકાર્યું નથી. ઉત્તર કોરિયા પરમાણુ હથિયારો હોવાનો દાવો કરે છે, પરંતુ ઘણા ડિફેન્સ એક્સપર્ટ તેને માત્ર દાવો ગણી રહ્યા છે. ઈરાનનાં પરમાણુ પ્રોજેક્ટને અમેરિકા-ઈઝરાયલે હજુ સુધી સફળ થવા દીધો નથી. તે સિવાય તુર્કી, યુએઈ જેવા ૩૦ જેટલા દેશો પરમાણુ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે અને એમાંથી અમુક દેશોને કદાચ એકાદ દશકામાં પરમાણુ હથિયારો વિકસાવવામાં સફળતા મળી જાય એ પણ શક્ય છે.
છેલ્લાં થોડા સમયથી દુનિયામાં પરમાણુ હથિયારોની સ્પર્ધા ચાલે છે. ચીન મોટું ફંડ ફાળવે છે અને આગામી પાંચ જ વર્ષમાં પરમાણુ હથિયારોનો આંકડો વધીને ૬૦૦ કરી દેશે એવી શક્યતા હોવાથી અમેરિકા સહિતનાં દેશો પરમાણુ હથિયારો વધારવાની ફિરાકમાં છે. ચીન-પાકિસ્તાનની સ્પર્ધા કરવા માટે ન ઈચ્છવા છતાં ભારત જેવા ઘણા દેશોએ પરમાણુ હથિયારો વધારવા પડશે. રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ અને ઈઝરાયલને ઈરાન સહિતના દેશો સાથે ચાલી રહેલો સંઘર્ષ, અમેરિકાનું સતત આક્રમક વલણ - જેવાં કારણોથી હથિયારોની દોડ દુનિયામાં વધી છે. અત્યારે જગતમાં ભારે અશાંતિ પ્રવર્તી રહી હોવાથી શસ્ત્રો વિકસાવવા, ખરીદવાની સ્પર્ધા જામી પડી છે અને એ સ્પર્ધામાં વધારો થાય એવી એક ઘટના બની છે.
અમેરિકા-રશિયા વચ્ચે ૩૩ વર્ષથી પરમાણુ નિયંત્રણની સમજૂતી હતી. રશિયાનું વિઘટન થયું ત્યારે બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોની તૈનાતી મુદ્દે કરારો થયા હતા. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન અને રશિયન પ્રમુખ બોરિસ યેલ્તસિન વચ્ચે ૧૯૯૩માં એક ફ્રેમવર્કમાં સહમતી બની હતી. તે પ્રમાણે બંને દેશો પરમાણુ હથિયારોનું ઉત્પાદન નિયંત્રિત કરવા ને અમુક જથ્થામાં જ તૈનાતી કરવા તૈયાર થયા હતા. ત્યારથી અમેરિકા-રશિયા વચ્ચે પરમાણુ હથિયારોની તૈનાતી અને નિયંત્રણને લઈને સમજૂતી ચાલે છે. આ ૩૨-૩૩ વર્ષના ગાળામાં અનેક વખત અમેરિકા-રશિયાના સંબંધો તંગ બન્યા છે. કેટલીય વખત જુદા જુદા મુદ્દે એકબીજાને ધમકીઓ આપી છે. એકબીજા પર પ્રતિબંધો મૂક્યા છે. એકબીજાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. એકબીજાના જાસૂસોની હત્યા કરી છે. એકબીજા પર અનેક આરોપો લગાવ્યા છે, પરંતુ એની અસર પરમાણુ સમજૂતી પર પડવા દીધી ન હતી.
આમ તો અમેરિકા-રશિયા વચ્ચે પરમાણુ નિયંત્રણ અને તૈનાતીના કરારનો ઈતિહાસ તો ૫૦ વર્ષ જૂનો છે. છેક ૧૯૭૨માં પહેલી વખત પરમાણુ સંધિનું ફ્રેમવર્ક તૈયાર થયું હતું. ૧૯૭૨માં અમેરિકા--રશિયા વચ્ચે એન્ટી બેલેસ્ટિક મિસાઈલ ટ્રિટી થઈ હતી. ૨૦૦૧માં એકાએક અમેરિકા એમાંથી બહાર થયું પછી પણ બંને પક્ષે પરમાણુ તૈનાતીની સમજૂતી શરૂ રહી હતી. ૧૯૮૭માં અમેરિકા-રશિયા વચ્ચે ઈન્ટરમિડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રિટી થઈ હતી. એ ટ્રિટી પ્રમાણે બંને દેશો અમુક રેન્જમાં જ બેલાસ્ટિક મિસાઈલો છોડી શકતા હતા. એ પણ ૨૦૧૯ સુધી અસ્તિત્વમાં હતી. ટ્રમ્પના શાસનકાળ વખતે ૨૦૧૯માં અમેરિકાએ એ ટ્રિટીમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. એ પછી બંને દેશો વચ્ચે ન્યુ સ્ટાર્ટ નામની એકમાત્ર પરમાણુ સંધિ ચાલતી હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે અમેરિકા-રશિયા વચ્ચે એકેય પરમાણુ નિયંત્રણ કરાર અસ્તિત્વમાં નથી. ન્યુ સ્ટાર્ટ નામની જે સંધિ છેલ્લે ૨૦૧૦માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને તત્કાલીન રશિયન વડાપ્રધાન દિમિત્રી મેડવેડેવ વચ્ચે થોડા સુધારા-વધારા સાથે પરમાણુ નિયંત્રણ અને તૈનાતીનો કરાર થયો હતો. તે પહેલાંનો કરાર ૨૦૦૯માં પૂરો થયો હતો અને જ્યાં સુધી નવી સમજૂતી ન થાય ત્યાં સુધી બંને દેશોએ જૂની સમજૂતી યથાવત રાખી હતી.
આ કરાર ૨૦૨૧માં પૂરો થયો હતો. બંને દેશો વચ્ચે તંગદિલી છતાં બાઈડેનની સરકારે પુતિનની સરકાર સાથે વાટાઘાટો કરીને એ કરાર પાંચ વર્ષ સુધી લંબાવ્યો હતો. એ કરાર ૫મી ફેબુ્રઆરી-૨૦૨૬ના દિવસે પૂરો થઈ ગયો. કરાર મહત્ત્વનો એટલો હતો કે તેમાં બંને દેશોની પરમાણુ તૈનાતી નિયંત્રણ રહેતી હતી. બંને દેશો સામસામે ૧૫૫૦ પરમાણુ બોમ્બ તૈનાત રાખી શકે અને ૭૦૦ મિસાઈલો કે બોમ્બર્સ જ તૈનાત રાખી શકે. એનાથી વધારે તૈનાતી કરતાં આ કરાર બંને દેશોને રોકતો હતો.
પણ હવે અમેરિકા-રશિયા વચ્ચે ચાલતી હોય એવી છેલ્લી ટ્રિટી પણ ટ્રમ્પે તોડવાનું નક્કી કર્યું છે. પુતિને ૨૦૨૫ના અંતે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જો અમેરિકા ઈચ્છે તો ન્યુ સ્ટાર્ટ કરાર રિન્યુ થઈ શકે. અથવા તો ફેરફાર કરીને નવી ટ્રિટી લાગુ પાડી શકાય. પુતિને એવો વિકલ્પ પણ આપ્યો હતો કે જેમ ૨૦૦૯માં બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલતી રહી ત્યાં સુધી જૂનો કરાર લાગુ રહ્યો તેમ જૂનો કરાર લાગુ પાડીને નવા કરાર માટે ચર્ચા-વિચારણા શરૂ રાખી શકાય. જોકે, ટ્રમ્પે એમાં ખાસ રસ બતાવ્યો નહીં. ટ્રમ્પે શરત મૂકી કે જો રશિયાની સાથે ચીન પણ આ કરારમાં જોડાય તો અમેરિકા તૈયાર છે, નહીં તો કરાર શરૂ રાખવાનો મતલબ નથી. રશિયા ચીનની જવાબદારી લેવા તૈયાર નથી. ચીનને આ કરારમાં રસ નથી. ચીનની દલીલ છે કે અમેરિકા રશિયા પાસે માતબર પરમાણુ હથિયારો છે. પહેલાં એટલાં હથિયારોનો જથ્થો તૈયાર થઈ જાય પછી ટ્રિટીમાં જોડાશે. પરિણામે નવી ટ્રિટી થઈ નહીં, જૂની ટ્રિટી પૂરી થઈ. આવી સ્થિતિમાં દુનિયામાં પરમાણુ યુદ્ધનું, પરમાણુ હથિયારો તૈનાતીના વધારાનું, પરમાણુ યુદ્ધનું અને પરમાણુ હથિયારોના ઉત્પાદનનું જોખમ વધ્યું છે.


