ફ્રાન્સ લશ્કરની અચાનક સક્રિયતાથી નાટો-રશિયા યુદ્ધની ચર્ચા

- વર્લ્ડ વિન્ડો
- પોલેન્ડની સરહદ પાસે નાટોના લડાકુ વિમાનોએ ચક્કર લગાવવાનું શરૂ કરી દેતાં યુરોપના મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે ફ્રાન્સના નેતૃત્વમાં નાટોનું સૈન્ય રશિયા સામે મોરચો ખોલશે
માનવજાતનો ઈતિહાસ હિંસક-લોહિયાળ યુદ્ધોથી ખરડાયેલો છે. મૂળ તો માનવની પશુવૃત્તિ ઉછાળા મારીને બહાર આવે છે અને હિંસા કરવા પ્રેરે છે. આદિમાનવનાં જૂથો એક-મેક સામે હિંસક અથડામણો કરતાં હતાં ત્યારથી જ છેક પૃથ્વીના પટ પર માનવોનું લોહી વેરાવાની શરૂઆત થઈ હતી. એ સિલસિલો ક્યારેય અટક્યો નથી. માણસ સભ્ય બન્યો, અધ્યાત્મિક બન્યો. શાંતિનું મહત્ત્વ સમજતો થયો. અહિંસાને પોષતો થયો. સામ્રાજ્યો સ્થપાયા. માનવીય મૂલ્યોની ફિલસૂફી વિકસી તે છતાં માણસની અંદર મૂળ પશુવૃત્તિ ઓસરી નહીં. એ મૂળવૃત્તિ યુદ્ધો કરાવતી રહી.
યુદ્ધો માટે પછી તો માણસે કારણો શોધ્યાં - જે ક્યારેક સ્વીકૃતિ પામે એવાં હતાંં તો ક્યારેય એ કારણો માત્ર બહાનું બનીને રહી ગયા. ખરાબ વિરૂદ્ધ સારાનું યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાયું. ભારત સહિત દરેક પ્રાચીન સભ્યતાઓમાં ધર્મયુદ્ધોનો ઈતિહાસ રહ્યો છે. ભારતની પૌરાણિક કથાઓમાં રામ-રાવણના યુદ્ધથી મહાભારતના યુદ્ધો ધર્મ માનવધર્મને ખા૧તર હતા. ધર્મયુદ્ધો યાને ક્રૂસેડ માટે મધ્યયુગમાં જે લડાઈઓ થઈ તેણે આખાય યુરોપની ધરતી રક્તથી રાતીચોળ કરી દીધી હતી.
મધ્યયુગમાં એક તરફ ભારત જેવા દેશમાં વિદેશી આક્રમણખોરોનો હાહાકાર હતો ત્યારે યુરોપના દેશો અંદરો અંદર સાવ નાના-નાના કારણોસર અંદરો અંદર બાખડી રહ્યા હતા. છેલ્લાં એક હજાર વર્ષોમાં એવી તો સેંકડો લડાઈઓ થઈ. રોમનોનો દબદબો હતો ત્યારે તલવારની ધાર ઉપર કેટલાય પ્રદેશો પર રોમન લડવૈયાઓએ લોહી રેડયું. જાપાન-રશિયા વચ્ચે અનેક યુદ્ધો થયાં. જાપાન-ચીન વચ્ચે કેટલીય લડાઈઓ થઈ. રશિયા-ચીન વચ્ચે યુદ્ધોનો ઈતિહાસ છે. ચીન-કોરિયા પણ સદીઓ સુધી બાખડયા. ઓટોમન સામ્રાજ્ય અને ઈરાની સામ્રાજ્ય લડાઈમાં સંડોવાયા. બ્રિટન-ફ્રાન્સ વચ્ચે સેંકડો વર્ષો સુધી તલવારો તણાયેલી રહી. બ્રિટન-અમેરિકા વચ્ચેય સશસ્ત્ર યુદ્ધો ઈતિહાસમાં દર્જ થયાં છે.
આ બધા વચ્ચે ૨૦મી સદીના બે યુદ્ધોએ માનવજાતનો ઈતિહાસ બદલી નાખ્યો. અગાઉ ક્યારેય એવા ભયાવહ યુદ્ધો થયા ન હતાં. એ લડાઈઓ ઈતિહાસમાં વિશ્વયુદ્ધના નામથી ઓળખાવાની હતી. એ બંને યુદ્ધો શરૂ થયાં હતાં યુરોપમાં અને તેની આગ આખી દુનિયામાં લાગી હતી. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા થઈ. ઓસ્ટ્રેલિયા-હંગેરીએ એના માટે સર્બિયાને દોષ આપ્યો અને યુદ્ધ જાહેર કર્યું. બંનેના પક્ષે સાથી દેશો ઉમેરાયા ગયા એમ યુદ્ધ ભયાનક બન્યું એની તેની આગમાં આખી દુનિયા દાઝી.
હિટલરના જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો. બ્રિટન-ફ્રાન્સે પોલેન્ડની તરફેણમાં જર્મની સામે યુદ્ધનું એલાન કર્યું. પછી બંને પક્ષે સાથી દેશો ઉમેરાયા અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એની બહુ જ દૂરગામી અસર થઈ. માનવસભ્યતાનો ઈતિહાસ બદલી નાખવા માટે આ યુદ્ધ બહુ મહત્ત્વનું બની રહ્યું. મહાવિનાશક પરમાણુ હથિયારની શોધ થઈ. દુનિયામાં આ યુદ્ધ પછી પાવરહાઉસનું સરનામું બ્રિટનથી અમેરિકા શિફ્ટ થયું. વિશ્વયુદ્ધ પછીય બબ્બે-ત્રણ દશકા સુધી જગતના માથે અમેરિકા-રશિયા વચ્ચેના કોલ્ડવોરથી ત્રીજા વિશ્વયુદ્ધનો પડછાયો પડતો રહ્યો. બે વિશ્વયુદ્ધ અને એક કોલ્ડવોર એમ ત્રણ મોટા સંઘર્ષ દુનિયાના માથે યુરોપ-અમેરિકાના કારણે આવ્યા. હવે ત્રીજું વિશ્વયુદ્ધ પણ યુરોપના કારણે જ માથે મંડરાઈ રહ્યું છે.
૨૦૨૨થી શરૂ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ અનેક વાટાઘાટો પછીય હજુય ચાલી રહ્યું છે. અઠવાડિયું પણ રશિયા સામે ટકી શકે નહીં એવું યુક્રેન છેલ્લાં સાડા ત્રણ વર્ષથી યુરોપ-અમેરિકાની મદદથી રશિયાને નાકે દમ લાવી રહ્યું છે. બીજી ટર્મ માટે સત્તામાં આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરવાનું મિશન હાથમાં તો લીધું છે, પરંતુ એમાં અડચણોનો પાર નથી. રશિયા-યુક્રેન જે શરતો સામ-સામે મૂકે છે એ જોતાં યુદ્ધવિરામનું કામ વિકટ છે. બંનેમાંથી કોઈ એકની શરત સ્વીકારી લેવાય તો કોઈ એકને બહુ લાંબાંગાળાની અસરો ભોગવવાની આવે - એ વાતથી બંને દેશો બરાબર વાકેફ છે એટલે નમતું મૂકે એવી શક્યતા નથી. જો એકેય પક્ષ નમતું મૂકે નહીં તો યુદ્ધ આમને આમ ચાલતું રહે. અથવા કોઈ કાળે વધુ ભીષણ બને.
અત્યારના લેટેસ્ટ સીન પરથી લાગે છે કે પરિસ્થિતિ બીજા વિકલ્પ તરફ થઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થયા પછી હવે વેઈટ એન્ડ વોચની હાલત છે. ટ્રમ્પ ધમકી આપતા રહે છે કે પુતિન યોગ્ય નિર્ણય નહીં કરે તો મોટું પરિણામ ભોગવવું પડશે. આ મોટું પરિણામ એટલે નાટો-રશિયા યુદ્ધ. ટ્રમ્પનું વલણ ખૂબ અકળ છે. ક્યારેય શું બોલે અને ક્યારે શું કરે એ કહેવાય નહીં. જો ખરેખર નાટોને અમેરિકાની લીલીઝંડી મળી જાય તો રશિયા-નાટો વચ્ચે ભયાનક યુદ્ધ ફાટની નીકળે.
ને કદાચ એની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ફ્રાન્સ લશ્કરના નેતૃત્વમાં નાટોનું સૈન્ય યુદ્ધ માટે સજ્જ થઈ ચૂક્યુ છે. યુરોપના મિડીયા અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને ઈમરજન્સીમાં હજારો લોકોની સારવાર માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. માર્ચ-૨૦૨૬ સુધી ઈજાગ્રસ્તોની સારવાર કરી શકાય તે માટે નોટિફિકેશન આપીને બ્લ્ડ બેંકોને પણ મોટી સંખ્યામાં લોહીનો જથ્થો રાખવા કહેવાયું છે. સિક્રેટ દસ્તાવેજોને ટાંકીને દાવો થઈ રહ્યો છે કે ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે ટોચના હેલ્થ ઓફિસર્સને ફ્રાન્સના સૈનિકો ઉપરાંત નાટો દેશોના સૈનિકોની સારવાર કરવાની તૈયારી કરવાની સૂચના આપી છે.
એક તરફ આ આદેશની ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ પોલેન્ડ નજીકના આકાશમાં કેટલાય સમય પછી નાટોના લડાકુ વિમાનો ગરજી રહ્યા છે. યુરોપમાં ફ્રાન્સને નાટો દેશોની આગેવાની આપવાની સંમતિ બની છે. ફ્રાન્સની જેમ બ્રિટને નવી સુરક્ષા નીતિ અમલી બનાવી છે. એમાં જરૂર પડયે યુદ્ધ માટે તુરંત સૈનિકોની તૈનાતીની જોગવાઈ કરી છે. જર્મનીએ નાટોના સૈનિકો માટે બંકરો બનાવવાનું શરૂ કર્યું છે એવો અહેવાલ એકાદ મહિના પહેલાં આવ્યો હતો. જર્મનીએ ૧૦ હજાર સૈનિકોને સજ્જ રહેવાનો હુકમ આપ્યો છે.
શક્યતા તો એવીય વ્યક્ત થઈ રહી છે કે જો ટ્રમ્પ પીછેહઠ કરે અને પુતિનની શરતો માન્ય રાખીને યુક્રેનના રશિયાએ જીતેલા વિસ્તારો આપવાની તૈયારી બતાવે તો ટ્રમ્પને બાજુમાં રાખીને યુરોપના દેશો મોરચો સંભાળી શકે છે. અત્યારે નાટોનું સૈન્ય યુરોપમાં સક્રિય થયું છે, પરંતુ જો અમેરિકા જરાય આઘુંપાછું થાય તો યુરોપના દેશો સંયુક્ત સૈન્ય બનાવીને પણ રશિયા સામે યુદ્ધ જાહેર કરી શકે.
વેલ, યુરોપના દેશો આ બધું યુક્રેન માટે તો કરી જ રહ્યા છે, પરંતુ એ તો દેખીતું કારણ છે. જો રશિયાની શરતો સ્વીકારી લેવામાં આવે તો રશિયા ભવિષ્યમાં કોઈ પણ યુરોપના દેશ સામે યુદ્ધ કરીને પોતાની શરતો સ્વીકારવાની ફરજ પાડી શકે. એ યુરોપ માટે જોખમી સાબિત થાય. રશિયાનો પ્રભાવ ખાળવા માટેય યુરોપના દેશો સૈન્યને સજ્જ કરી રહ્યા છે, પણ તેમની આ લડાઈમાં ફરીથી આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની આગ દઝાડે એવી ભીતિ છે.








