Editorial

નવા વેપાર કરારથી ચીનને આસિયાન દેશોનું માર્કેટ મળ્યું

By GS TEAM
31 Oct 20255 mins read
નવા વેપાર કરારથી ચીનને આસિયાન દેશોનું માર્કેટ મળ્યું

- વર્લ્ડ વિન્ડો

- આસિયાન દેશો અને ચીન વચ્ચે ૭૭૧ અબજ ડોલરનો વાર્ષિક વેપાર થાય છે. ફ્રી ટ્રેડ કરારથી આ વેપાર વધીને ૧,૦૦૦ અબજ ડોલરે પહોંચાડવાની ચીનની ગણતરી છે

આસિયાન.

એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ. આ સંગઠનનું ટૂંકું નામ ASEAN એવું થાય છે, પરંતુ ભારતમાં એ આસિયાનથી ઓળખાય છે. આ આસિયાન સંગઠન એટલે નામ પ્રમાણે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનો સમૂહ. સંગઠનમાં ૧૧ દેશો સભ્ય છે. આર્થિક, સામાજિક આદાનપ્રદાન માટે છેક ૧૯૬૧થી આ દેશો વચ્ચે સહયોગ વધારવા માટે સંગઠન બનાવવાની વાટાઘાટો ચાલતી હતી. પાંચ-સાત વર્ષના ફ્રેમવર્ક બાદ ૧૯૬૭માં ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, ફિલિપાઈન્સ, સિંગાપોર અને થાઈલેન્ડના વિદેશ મંત્રીઓ વચ્ચે સંગઠન બનાવવાના હસ્તાક્ષર થયા હતા. ત્યારથી આ દેશો વચ્ચે આર્થિક-સાંસ્કૃતિક સહયોગ શરૂ થયો હતો.

આસિયાન દેશોની કુલ વસતિ ૬૦ કરોડથી વધુ છે. બુ્રનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાંમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, તિમોર અને વિએટનામ - આ ૧૧ દેશોની સંયુક્ત જીડીપી ૧૦.૨ ટ્રિલિયન ડોલર છે અને ગ્લોબલ જીડીપીમાં એ હિસ્સો ૬.૫ ટકા જેવો થાય છે.

આ દેશોના નાગરિકોની ખરીદશક્તિ સતત વધી રહી છે. નવી પ્રોડક્ટ્સ માટે માર્કેટમાં તકો સર્જાઈ રહી છે અને તેના પર ઘણા દેશોની નજર છે. અમેરિકાથી લઈને યુરોપિયન સંઘ, ચીન લઈને ભારત સુધી સૌ આ દેશો સાથે વિવિધ કરારો કરીને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાની કોશિશમાં છે. એમાં સૌથી નજીકની હરીફાઈ હતી - ચીન અને ભારત વચ્ચે.

ભારત-ચીનને આ દેશો સાથે સદીઓથી સંબંધ છે. એમાંથી ઘણા દેશો સાથે ભારતને તો ઘણાં સાથે ચીનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો ઈતિહાસ રહ્યો છે. અમુક દેશોની સંસ્કૃતિમાં આ બંને દેશોનો ગાઢ પ્રભાવ વર્તાયો છે. એની સીધી અસર દ્વિપક્ષીય સંબંધોમાં થવી સ્વાભાવિક છે. એટલે જ ભારત-ચીનને આસિયાન દેશો સાથે વિવિધ કરારો થયા છે. આસિયાન સમિટના ભાગરૂપે બધા દેશો સાથે સંયુક્ત રીતે કરારો થતાં રહે છે. સંગઠનના સભ્ય દેશોને દ્વિપક્ષીય કરારથી પણ જોડીને આર્થિક આદાન-પ્રદાનનો માર્ગ મોકળો બનાવાય છે. બધાં સંગઠનો-દેશો આસિયાનની ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને માર્કેટમાં જગ્યા બનાવવાની કોશિશમાં છે એમાંથી અત્યારે ચીને મેદાન મારી લીધું છે.

ભારત-આસિયાનનો વાર્ષિક વેપાર ૧૨૩ અબજ ડોલર છે. એમાં કેમિકલ, ખનીજતેલ, મશીનરી, ઈલેક્ટ્રોનિક્સનો વેપાર મુખ્ય છે. આસિયાન દેશોના ભારત સાથેના વેપારમાં બધા દેશોનો એટલો હિસ્સો નથી. જેમ કે, સિંગાપોર-ભારત વચ્ચે ૩૫ અબજ ડોલરનો વેપાર છે. આસિયાન દેશોમા સિંગાપોર સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. મ્યાંમાર જેવા દેશો સાથે ભારતનો વેપાર માત્ર બે અબજ ડોલરનો જ છે.

તેની સામે ચીન-આસિયાનનો વાર્ષિક વેપાર ૭૭૧ અબજ ડોલરની ઊંચાઈએ પહોંચ્યો છે. ચીને જેમ દુનિયાભરના માર્કેટમાં વોચ ગોઠવીને તક મળી એમ ગોઠવાઈ જવાનું વલણ દેખાડયું, અદ્લ એવું જ આસિયાનના કેસમાં કર્યું. આસિયાન સમિટમાં ચીન-ભારત-ઓસ્ટ્રેલિયા-જાપાન વગેરેને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. આ દેશો સાથે સમજૂતી થાય છે. તેના ભાગરૂપે અગાઉ ચીને આસિયાન સમિટમાં ભાગ લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હતો. એવા કરારો અત્યાર સુધીમાં ચીને બે વખત કર્યા અને તેનો સીધો ફાયદો મળ્યો હોય એમ આસિયાન-ચીનનો દ્વિપક્ષીય વેપાર એકધારો વધી રહ્યો છે.

૨૦૨૦ પછી જ્યારે કોરોના મહામારી ચીનમાંથી ફેલાઈ હોવાના આરોપમાં યુરોપના દેશોમાં ચીનની અમુક પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકાયો હતો ત્યારે ચીને વૈકલ્પિક માર્કેટની તલાશ આદરી હતી અને તે વખતે જ આસિયાનના વિકાસશીલ માર્કેટ પર ચીનની નજર ઠરી હતી. ચીને એક પછી એક કરારો કરીને આસિયાનને પોતાના પોકેટમાં મૂકી દીધું હતું. પરિણામ એ આવ્યું કે ૨૦૨૦ પછી ચીન આસિયાન દેશોનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.

વેપારના સંદર્ભમાં આપણે વારંવાર એક વાક્ય સાંભળતા-બોલતા હોઈએ છીએ - માર્કેટ હવે ઓપન થઈ ગયું છે. આ જ વાત વૈશ્વિક વેપારમાં પણ એટલી જ લાગુ પડે છે. કોઈ દેશ વેપાર માટે સમજૂતી કરે ત્યારે પોતાનો ફાયદો પહેલાં જુએ છે. તેની સામે કેટલા વિકલ્પો છે એ પણ તપાસે છે. ચીન સાથે કરાર કરે ત્યારે અમેરિકા પાસેથી શું મળે તેમ છે એનો વિચાર ન થાય એ શક્ય નથી. એ વાત ચીન જાણતું જ હોય. પરિણામે ચીને માત્ર વેપારી કરાર તરફ ધ્યાન આપવાને બદલે આસિયાન દેશોમાં રોકાણ પણ વધાર્યું. છેલ્લાં બે જ વર્ષમાં ચીનનું આસિયાન દેશોમાં રોકાણ ૩૪.૭ ટકા વધ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં આસિયાન દેશોમાં ચીનની સરકારી-ખાનગી કંપનીઓનું રોકાણ ૨૫ અબજ ડોલર હતું અને વર્ષના અંતે એ રોકાણ વધીને ૩૦ અબજ ડોલરે પહોંચી જશે. 

જેમ રોકાણ વધ્યું છે એમ વેપાર વધ્યો છે. વાર્ષિક આઠથી દસ ટકાના દરે બંને પક્ષે વેપાર વધ્યો છે. ચીને બે વખત ફ્રી ટ્રેડ કરાર કર્યો હતો અને હવે તાજેતરમાં ફરીથી ફ્રી ટ્રેડ કરારની જોગવાઈઓ અપડેટ કરીને મેદાન માર્યું છે. આ વર્ષની આસિયાન સમિટનું મલેશિયામાં આયોજન થયું હતું. ચીને એ વખતે ફ્રી ટ્રેડ કરારમાં સુધારા કરીને દ્વિપક્ષીય વેપારને વધારે અનુકૂળ બનાવ્યો. ચીન પર અત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦૦ ટકા ટેરિફ લગાડયો છે. ટ્રમ્પ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાય એવીય શક્યતા છે અને એમાં કદાચ ટેરિફ ઘટવાની જાહેરાત થાય તો નવાઈ નહીં, કારણ કે ટેરિફથી અમેરિકાના અર્થતંત્રને પણ ફટકો પડી રહ્યો છે એટલે ટ્રમ્પ થોડું નરમ વલણ બતાવશે એવી અટકળો છે.

એ મીટિંગ પહેલાં જ કુઆલાલમ્પુરમાં ચીન-આસિયાન દેશો વચ્ચે ફ્રી ટ્રેડ કરાર થયો તેનાથી ચીન મજબૂત સ્થિતિમાં આવી જશે. ૬૦ કરોડની વસતિ ધરાવતા આ સંગઠનના દેશોનું માર્કેટ મળે તો અમેરિકાના ટ્રેડવોર સામે ટક્કર આપવા માટે ચીનને બળ મળે. આ દેશો તુરંત અમેરિકાના ટ્રેડનો વિકલ્પ બની શકે નહીં. અમેરિકનોની ખરીદશક્તિ અને આસિયાનની ખરીદશક્તિમાં એન્ડ્રોઈડ-એપલનો ફરક છે, પરંતુ ચીન આ કરારના ભરોસે એક હજાર અબજના દ્વિપક્ષીય વેપારે પહોંચી જાય તો અમેરિકન માર્કેટની અડધી ઘટ આસિયાનમાં સરભર થઈ જાય. આ ગણતરી પાર ઉતરશે તો એ ચીનની કૂટનીતિની સફળતા ગણાશે.

કદાચ એટલે જ આસિયાન સમિટમાં ચીન-આસિયાનના ફ્રી ટ્રેડ કરાર પછી ઘણાં એક્સપર્ટ્સે એમ પણ કહ્યું કે ભારત પાસે અમેરિકન માર્કેટનો વિકલ્પ તલાશવાની ઉજળી તક હતી, પરંતુ એ તક ચીને ભારતના હાથમાંથી આંચકી લીધી. ભારત-આસિયાનનો દ્વિપક્ષીય વેપાર સાવ ઓછો નથી, પરંતુ એ સ્થિર થયેલો છે. ૨૦૧૩માં ભારત ટોટલ નિકાસની ૯.૮ ટકા નિકાસ આસિયાનમાં કરતું હતું અને કુલ આયાતની ૯.૯ ટકા આયાત આ દેશોમાંથી થતી હતી. ૧૨-૧૩ વર્ષ પછી હજુય એ સ્થિતિમાં ખાસ ફરક પડયો નથી. ચીનની સરખામણીએ ભારતના વેપારની વૃદ્ધિ થઈ નથી. એ દૃષ્ટિએ ચીને મેદાન મારી લીધું છે.