mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પેલેસ્ટાઈનના શરણાર્થીઓને આશરો આપવા મુદ્દે આરબ દેશોએ હાથ ઊંચા કર્યા

Updated: Oct 20th, 2023

પેલેસ્ટાઈનના શરણાર્થીઓને આશરો આપવા મુદ્દે આરબ દેશોએ હાથ ઊંચા કર્યા 1 - image


- વર્લ્ડ વિન્ડો

- ઈઝરાયલ અને હમાસના એકબીજા પરના હુમલા વચ્ચે લાખો પેલેસ્ટાઈની શરણાર્થી પાડોશી દેશોની સરહદે આશરાની આશાએ ઊભા છે, પણ તેમની મદદ કરનારું કોઈ નથી...

ઈઝરાયલ-હમાસનું યુદ્ધ દુનિયા પર ગંભીર અસર પાડી રહ્યું છે. ગાઝા અને વેસ્ટ બેંકમાં રહેતા પેલેસ્ટાઈનના લાખો નાગરિકો પાડોશી દેશોમાં શરણ શોધી રહ્યા છે. ઈઝરાયલે ગાઝા ખાલી કરવાનું અલ્ટિમેટમ આપ્યું ત્યારથી રાતોરાત આ લોકોની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે. જોર્ડનમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓના ધાડેધાડાં પહોંચી ચૂક્યાં છે, પણ જોર્ડનની સરકારે તેમને આશરો આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જોર્ડને કહ્યું: અમે પહેલેથી જ સેંકડો પેલેસ્ટાઈની નાગરિકોને સંઘરીને બેઠા છીએ. હવે વધારે નાગરિકોને આશ્રય આપી શકવાની સ્થિતિમાં નથી. ઈજિપ્તની સરકારનું પણ સત્તાવાર નિવેદન આવ્યું છે કે પેલેસ્ટાઈનના શરણાર્થીઓને મદદ કરી શકશે નહીં. ઈજિપ્તે ઉમેર્યું: હમાસ પર હુમલાના નામે ઈઝરાયલ પેલેસ્ટાઈનના નાગરિકોને કાયમી માટે ગાઝામાંથી વિસ્થાપિત કરીને ઈજિપ્તમાં ધકેલવા માગે છે. જો ઈઝરાયલ પેલેસ્ટાઈનના નાગરિકો પર હુમલા બંધ નહીં કરે તો આખા વિસ્તારની શાંતિ જોખમાશે. બીજા એક પાડોશી દેશ લેબેનોને પણ હાથ ઊંચા કરી દીધા છે. ઈઝરાયલે પાણી-અનાજ-વીજળીનો પુરવઠો બંધ કરી દીધો પછી હવે બીજા કોઈ દેશમાંથી સહાય મેળવ્યા વગર આ પેલેસ્ટાઈનના નાગરિકોને છૂટકો નથી, પરંતુ પાડોશી દેશો લાખો શરણાર્થીઓને આશરો આપીને આર્થિક બોજ ઉઠાવવા તૈયાર નથી.

આરબ વર્લ્ડના દેશોએ પેલેસ્ટાઈનના મુદ્દે ઈઝરાયલ સામે વર્ષોથી મોરચો ખોલ્યો છે. આરબ લીગના સભ્ય હોય એવા ઘણા મુસ્લિમ દેશોને ઈઝરાયલ સાથે આજેય રાજદ્વચારી સંબંધો નથી. આરબ દેશો-ઈઝરાયલ વચ્ચે સાત-સાત સશસ્ત્ર લડાઈ થઈ ચૂકી છે. ઈઝરાયલ નામના નવા દેશને યુએનની માન્યતા મળી તેના વિરોધમાં રચાયેલા આરબ લીગના ૨૨ સભ્યોમાંથી એક પણ સભ્ય અત્યારે પેલેસ્ટાઈનના નાગરિકો પર આવી પડેલી આફતમાં સાથ આપવા તૈયાર નથી. તેમને વૈશ્વિક રાજકારણમાં પેલેસ્ટાઈનનું સમર્થન કરવું છે અને ઈઝરાયલનો વિરોધ કરીને દેશમાં મુસ્લિમ મતો અંકે કરવા છે, પરંતુ જ્યારે પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકો કે જેમને યુદ્ધ સાથે કંઈ જ લેવા-દેવા નથી અને બે આખલાની લડાઈમાં જેમનો ખો નીકળી રહ્યો છે તેમને સહારો આપવામાં ૫૦થી વધુ મુસ્લિમ દેશોને રસ નથી. આમાં ભાઈચારો બતાવવાને બદલે માત્ર નિવેદનોથી કામ ચલાવવામાં આવે છે. કદાચ આ જ રાજકારણ છે. એમાં 'માનવીય સહાય' જેવા રૂપાળા નામે નિવેદનો થાય છે, પણ જવાબદારી કોઈ લેતું નથી. આખરે તો જેમના પર વીતી રહી છે એણે જ ભોગવવાનું આવે છે.

ઈઝરાયલ વિરૂદ્ધ પેલેસ્ટાઈનના સમર્થનમાં એકતા બતાવતા આરબ દેશો પેલેસ્ટાઈનના નાગરિકોને આશરો ન આપવા એકમત છે! સંયુક્ત રાષ્ટ્રએ ગાઝાના શરણાર્થીઓના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ યુએન પણ દુ:ખ વ્યક્ત કરીને સંતોષ માને છે. એક સંવેદનશીલ નિવેદન આપી દીધું એટલે યુએનનું કામ જાણે પૂરું! આમેય પેલેસ્ટાઈન સિવાયના ઘણા દેશોના શરણાર્થીઓની સ્થિતિ બદતર છે ને યુએન એનો કોઈ કાયમી ઉકેલ લાવી શક્યું નથી. 

ધનવાન દેશોને ગિલ્ટ થાય ને જે ફંડ આપે એમાંથી શરણાર્થી કેમ્પોમાં થોડા સેવાકીય કાર્યો થાય, હોસ્પિટલો બને, બાળકોને ભણાવાય. એ સિવાય આટલા વર્ષોમાં કાયમી ઉકેલ મળ્યો નથી.

યુરોપ તો આમેય મોટી શરણાર્થી કટોકટીનો સામનો કરી રહ્યું છે. યુરોપના કોઈ દેશમાં હવે શરણાર્થીઓને એન્ટ્રી મળે એવી શક્યતા નથી. ઈન ફેક્ટ, યુરોપના ઘણા દેશોમાં તો હવે આ ચૂંટણી મુદ્દો બને છે. ઈટાલીના જ્યોર્જિયા મેલોનીએ ચૂંટણીમાં શરણાર્થીઓને ઘૂસવા નહીં દેવાય એવો વાયદો કર્યો હતો. જો જર્મનીમાં પણ આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી પોલિટિક્સ થઈ ચૂક્યું છે. યુરોપના દેશો કદાચ થોડીક દયા બતાવે તો પણ આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને એન્ટ્રી નહીં મળે એ નક્કી છે. પાંચ-પચ્ચીસ હજાર શરણાર્થીઓ કદાચ યુરોપમાં રહી શકશે. તે સિવાયના શરણાર્થીઓ ક્યાં જશે તે મોટો સવાલ સર્જાયો છે.

વૈશ્વિક રાજકારણમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધના ઘેરા પડઘા પડયા છે. આરબ દેશો હમાસનું સીધું સમર્થન કરી શકે તેમ નથી, પરંતુ પેલેસ્ટાઈન નાગરિકોનાં મોત થઈ રહ્યાં છે અને જે રીતે તેમને રાતોરાત ઘરબાર છોડવા પડી રહ્યાં છે એને મુદ્દો બનાવીને ઈઝરાયલને નિશાન બનાવે છે. ઈજિપ્ત અને જોર્ડનના નિવેદનોમાંથી એવું તારણ નીકળે છે કે જો શરણાર્થીઓના ટોળાં વધશે તો આરબ દેશો એને મુદ્દો બનાવીને ઈઝરાયલ સામે જંગમાં ઉતરશે. સામાન્ય રીતે ઈઝરાયલ-હમાસ વચ્ચે રોકેટમારો થાય ત્યારે બે-ચાર દિવસમાં મામલો થાળે પડી જતો હોય છે, પરંતુ આ વખતે તુરંત યુદ્ધવિરામની શક્યતા જણાતી નથી.

અમેરિકાએ ઈઝરાયલની મદદ કરી છે ત્યારથી આરબ દેશો પણ સક્રિય થયા છે. ઈજિપ્તમાં આરબ લીગના સંરક્ષણ મંત્રીઓની બેઠક થઈ ચૂકી છે. યુદ્ધમાં ઈઝરાયલ સામે સીધું તો હમાસના સમર્થનમાં ઉતરી શકાય તેમ નથી. હમાસ આતંકવાદી સંગઠન છે એટલે એનો ટેકો આપવાથી બચીને પણ આરબ દેશો પેલેસ્ટાઈન પર હુમલાના મુદ્દે વળતો જવાબ આપવાનું વિચારી રહ્યાં છે. ઈરાન તો ઈઝરાયલને ખુલ્લી ધમકી સુદ્ધાં આપી ચૂક્યું છે. 

જો એકાદ દેશ આ જંગમાં જોતરાશે તો નવેસરથી આરબ-ઈઝરાયલ યુદ્ધ થશે. પેલેસ્ટાઈનના શરણાર્થીઓનો મુદ્દો બનાવીને આરબ દેશો ઈઝરાયલને ઘેરવા ધારે છે. હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલે લાખો પેલેસ્ટાઈની નાગરિકોને વિસ્થાપિત કર્યા તે અમાનવીય છે એમ કહીને આરબ દેશો જો જંગમાં ઉતરશે તો યુદ્ધ ભીષણ બનવાની ભીતિ છે.

અમેરિકા-રશિયાને યુક્રેન પછી હવે એકબીજા વિરૂદ્ધ નિવેદનો આપવાનો વધુ એક મુદ્દો બની ચૂક્યો છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે લડાઈ લાંબી ચાલશે એવું દુનિયાભરના નિષ્ણાતો અને સામાન્ય નાગરિકો માની રહ્યા છે. પરિણામે તેની અર્થતંત્ર પર પણ અસર પડયા વગર નહીં રહે. આરબ દેશો ક્રૂડની નિકાસ ઘટાડશે. માગ વધશે એટલે ભાવ વધશે. સરવાળે દુનિયાભરના દેશો મોંઘવારીથી પરેશાન થશે. અનિશ્વિતતા વચ્ચે અનાજની માગમાં ઉછાળો આવશે એટલે એમાંય ભાવ વધારો ઝીંકાશે. કેટલાક ઉદ્યોગોની સીધી કે આડકતરી આ યુદ્ધની અસર થશે. બેરોજગારી વધશે, સેંકડો લોકો ભૂખમરાનો શિકાર બનશે. દુનિયા હજુ રશિયા-યુક્રેનના યુદ્ધની આગમાંથી બહાર આવે તે પહેલાં   ઈઝરાયલ-હમાસના યુદ્ધની આગે તેને દઝાડવાનું શરૂ કર્યું છે.

Gujarat