Editorial

ઈઝરાયલ-ઈરાન : કોની પાસે કેટલું સૈન્ય, કેટલાં શસ્ત્રો

By GS TEAM
20 Jun 20255 mins read
ઈઝરાયલ-ઈરાન : કોની પાસે કેટલું સૈન્ય, કેટલાં શસ્ત્રો

- વર્લ્ડ વિન્ડો

- ટેકનોલોજીમાં ઈઝરાયલ અજોડ છે, પરંતુ ઈરાન પણ ગાજ્યું જાય તેમ નથી. મધ્યપૂર્વમાં સૌથી વિશાળ લશ્કર ઈરાન પાસે છે. રશિયા-યુક્રેનની જેમ આ લડાઈ પણ લાંબી ચાલે તો નવાઈ નહીં

રશિયા-યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષ, ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. યુદ્ધવિરામ માટે વાટાઘાટો ચાલે છે, બંધ થાય છે. બંને દેશો થોડા નરમ પડે છે અને પછી ફરી ગરમ થઈને હુમલા કરે છે. બીજી તરફ ઈઝરાયલે ગાઝામાં હુમલા અટકાવ્યા નથી. દરરોજ ગાઝામાં મૃત્યુઆંક વધતો રહે છે. ઈઝરાયલને એ મોરચે શાંત કરાવવા પ્રયાસો હજુ તો શરૂ થયાં ત્યાં જ ઈરાન સામે નવો મોરચો ખુલી ગયો ગયો છે. ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની સાવ નજીક પહોંચી ગયું છે એવું કારણ આપીને ઈઝરાયલે હુમલા શરૂ કર્યાં પછી ઈરાને પણ વળતાં હુમલા કર્યા.

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનીએ યુદ્ધનું એલાન કરી દીધું છે. તે એટલે સુધી કે ખામેનીએ ઈઝરાયલને ધમકી આપી એમાં ધાર્મિક રંગ પણ ચડાવ્યો. યહૂદી શાસનને ખતમ કરી દઈશું. ઈરાનનો ઈતિહાસ જાણનારાને ખબર છે કે ઈરાન કોઈ ધમકીથી ડરતું નથી. ઈઝરાયલે આ વખતે ભૂલ કરી છે અને એની સજા આપવામાં આવશે. ઈરાનને અમેરિકાની દખલ બિલકુલ પસંદ નથી. અમેરિકાના હસ્તક્ષેપનો ઈરાને વિરોધ કર્યો, કારણ કે ટ્રમ્પે ધમકી આપતે કહેલું કે ઈરાનના આકાશમાં અમારો કબજો છે. અમેરિકાને ખબર છે કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે, પણ અમે તેમને મારવાના નથી. અમેરિકા-ઈઝરાયલ વતી ખામેનીની હાલત સદ્દામ હુસૈન જેવી કરવાની ધમકી પણ આપવામાં આવી. સદ્દામ હુસૈનને પકડીને સામૂહિક માનવ સંહારના આરોપમાં ફાંસી અપાયેલી. ખામેનીના પણ એવા હાલ કરવાની અમેરિકાની ધમકી પછી ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો.

આ જંગને લગભગ એક સપ્તાહ થયું છે. એ દરમિયાન ઈઝરાયલનો હાથ ઉપર રહ્યો છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના નાગરિકો જેટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે એટલી મોટી સંખ્યામાં ઈરાન ઈઝરાયલને નુકસાન પહોંચાડી શક્યું નથી, પરંતુ ઈરાન ગાજ્યું જાય તેમ નથી. સંખ્યાબળની રીતે વાત થાય તો મધ્ય-પૂર્વમાં ઈરાન પાસે સૌથી મોટું સૈન્યબળ છે. ૧૨ લાખનું સૈન્ય ધરાવતું ઈજિપ્ત મધ્ય-પૂર્વના છેડે છે એટલે જો એના સૈન્યને ન ગણીએ તો ૧૧ લાખના સૈન્ય સાથે ઈરાન પ્રથમ ક્રમે છે. આ બંનેની ટક્કરથી મધ્યપૂર્વમાં ભારે ખાના-ખરાબી થાય એ નક્કી છે. બંને દેશો શસ્ત્ર-સૈન્યથી સજ્જ છે. ઈરાનના સૈન્યમાં ૬.૧ લાખ એક્ટિવ સૈનિકો છે ને બે લાખ સૈનિકો રિઝર્વ ફોર્સમાં છે. ત્રણ લાખ તાલીમબદ્ધ છે અને ગમે ત્યારે યુદ્ધમાં ઉતરવા સક્ષમ છે. જેમ યુક્રેને પોતાના નાગરિકોને હાકલ કરી એટલે ઘણા નાગરિકો યુદ્ધમાં જોતરાયા, એમ ઈરાને ૪૦ લાખ નાગરિકોને પ્રાથમિક તાલીમ આપેલી છે. ઈરાન પાસે બેલાસ્ટિક મિસાઈલ, ડ્રોન સ્કવોડ, એન્ટી-શિપ મિસાઈલો છે. ૧૫૦૦થી ૨૦૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે એવી મિસાઈલોના કારણે મધ્ય-પૂર્વના ઘણા દેશોના શ્વાસ અદ્ધર ચડી ગયા છે. ઈરાન પાસે ૧૯૦૦ ટેન્ક છે. ૮૦૦ મોબાઈલ રોકેટ લોન્ચર છે. ૫૫૦થી વધુ લડાકુ વિમાનો છે. સ્પેશિયલ મિશન પાર પાડવા માટે ૧૦ લડાકુ વિમાનો, છ એરિયલ ટેન્કર, ૧૩ એટેક હેલિકોપ્ટર્સ, ૧૭૦૦ તોપ, ૧૦૧ નૌકાજહાજો છે. ઈરાનનું ડિફેન્સ બજેટ ૧૬ અબજ ડોલર જેટલું છે. 

મધ્ય-પૂર્વમાં ત્રીજા નંબરનું સૈન્ય ઈઝરાયલ ધરાવે છે. દુનિયામાં ઈરાનની આર્મી ૧૪મા ક્રમે આવે છે ને ઈઝરાયલનું લશ્કર ૧૭મા નંબરે છે. ઈઝરાયલનું સૈન્ય ટેકનોલોજીથી સજ્જ છે. આયર્ન ડોમ એનું સૌથી જાણીતું ઉદાહરણ છે. ઈઝરાયલ પાસે ૬૫૦ લડાકુ વિમાનોનો કાફલો છે, ૬૭ નૌકાજહાજો છે. પાંચ સબમરીન છે. ૩૦૦ મોબાઈલ રોકેટ લોન્ચર છે. ઈઝરાયલ પાસે એટેક હેલિકોપ્ટર્સથી લઈને સ્પેશિયલ મિશન પાર પાડી શકે એવા ડ્રોન્સનો કાફલો છે. નવા નવા શસ્ત્ર-સરંજામ પાછળ ઈઝરાયલ માતબર ખર્ચ કરે છે. પાંચ લાખ રિઝર્વ ફોર્સ છે ને એક લાખ એક્ટિવ સૈનિકો છે. ઈઝરાયલમાં લશ્કરી તાલીમ ફરજિયાત હોવાથી નાગરિકો પણ જરૂર પડયે યુદ્ધમાં મદદ કરી શકે. ઈઝરાયલમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દે નાગરિકોને તાલીમ આપવામાં આવે છે. પ્રાચીનકાળમાં ઈઝરાયલના યહૂદી નાગરિકનું એક કાલ્પનિક ચિત્ર સૌને પ્રેરણા આપવા માટે તૈયાર કરવામાં આવે છે. એના એક હાથમાં તલવાર રહેતી અને બીજા હાથમાં હળ. આ ચિત્ર આજના યહૂદીઓને એ વાતની યાદ અપાવે છે કે તેમના પૂર્વજો ધર્મ-સંસ્કૃતિના રક્ષણ માટે ખેતી કરીને ગુજરાન ચલાવવાની સાથે સાથે તલવારથી લડીને ખપી ગયા છે. આજેય યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયલના નાગરિકો ખભે બંદૂક લટકાવીને ખેતી કરતા હોય છે. ઈઝરાયલમાં દુશ્મનો સામે લડવા-મરવાનું ગળથૂંથીમાં જ શીખવવામાં આવે છે. ઈઝરાયલનું ડિફેન્સ બજેટ ૩૦ અબજ ડોલરથીય વધુ છે.

ઈરાનનું સૈન્ય સૌથી ઘાતકી ગણાય છે. હુમલા શરૂ કરે ત્યારે દુશ્મનને કળ વળવાની તક આપતું નથી. ઈરાને તો ત્યાં સુધી દાવો કર્યો છે કે ઈઝરાયલ પર ૪૦૦ મિસાઈલો છોડી છે અને એમાંથી ૯૦ ટકા મિસાઈલોને આયરન ડોમ રોકી શક્યું નથી. ઈરાન પર ઈઝરાયલે હુમલા કર્યાં એમાં મોટું ખુવારી થઈ. કેટલાય લશ્કરી કમાન્ડર્સ માર્યા ગયા. ઈમારતોનો કચ્ચરઘાણ વળી ગયો. અગાઉ ઓક્ટોબર-૨૦૨૪માં બંને દેશો વચ્ચે સામે-સામે મિસાઈલો છોડવામાં આવી હતી, પરંતુ એ હુમલા પછી અટકી ગયા હતા. આ વખતેના હુમલા ક્યાંય વધારે છે અને સપ્તાહ સુધી ચાલ્યા છે એટલે અટકવાનું નામ લેતા નથી. જે રીતે બંને દેશો લડી લેવાના મૂડમાં છે એ જોતાં કદાચ આ યુદ્ધ પણ યુક્રેન-રશિયાની જેમ લાંબું ચાલે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

ઈઝરાયલને તો અમેરિકાનો દેખીતો ટેકો છે. અમેરિકાએ પણ ઈરાનને એકથી વધુ વખત ધમકી આપી છે. ઈઝરાયલ સામે આરબ વર્લ્ડના દેશોનો વિરોધ જૂનો છે. ઈરાનના સમર્થનમાં આ દેશોમાંથી ઘણાં આવવા માંડયા છે અને ઈઝરાયલને હુમલા અટકાવવાની સલાહ આપી રહ્યા છે. ઈરાને તો પાકિસ્તાન અને તુર્કી સાથે મળીને ઈસ્લામિક સૈન્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. હજુ સુધી સાઉદી અરબ જેવા દેશોએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ઈઝરાયલ સામે આરબ લીગની એકતા હોવાથી સાઉદી, યુએઈ વગેરે ઈરાનની સામે જાય એવી શક્યતા નથી. જો ઈરાન ધારે છે એમ આ જંગને ધાર્મિક રંગ લાગી જશે તો આગ બહુ વિકરાળ બનશે.

આ બંનેના યુદ્ધથી કેટલાય મોર્ચે પડકારો સર્જાશે. ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્વિતતાનો માહોલ છે. અત્યારે આમેય દુનિયાનું અર્થતંત્ર ટ્રમ્પના ટેરિફ વોરના કારણે મુશ્કેલીમાં મૂકાયું છે, આ યુદ્ધના કારણે મોંઘવારી કાબૂ બહાર જશે. કેટલાય લોકો બેઘર બનશે. કેટલાય લોકો ગરીબીમાં ધકેલાશે. મધ્ય-પૂર્વની કુંડળીના ગ્રહો ભારે થયા છે ને તેનાથી વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે.