Editorial

યુરોપમાં સૌથી મજબૂત લશ્કર બનાવવાનો જર્મનીનો નિર્ધાર

By GS TEAM
19 Sep 20255 mins read
યુરોપમાં સૌથી મજબૂત લશ્કર બનાવવાનો જર્મનીનો નિર્ધાર

- વર્લ્ડ વિન્ડો

- વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશો લશ્કરી સુરક્ષાના મુદ્દે અમેરિકાના ભરોસે રહેતા આવે છે, પરંતુ યુક્રેન યુદ્ધ પછી યુરોપના દેશોને આત્મનિર્ભર બનવાનું મહત્ત્વ સમજાયું છે

દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની વાત નીકળે એટલે છેક વિશ્વયુદ્ધના સમયથી અમેરિકા પહેલા ક્રમે છે. રશિયા પાસેય અમેરિકાને ટક્કર આપી શકે એવું મજબૂત લશ્કર છે. રશિયન પ્રમુખ પુતિને છેલ્લાં બે દશકામાં ગુપ્ત રીતે લશ્કરને વધુ મજબૂત બનાવ્યું છે અને કેટલાય શક્તિશાળી હથિયારો વિકસાવ્યાં છે એમ કહેવાય છે. ચીનનું લશ્કર પણ દોઢ-બે દશકામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયું છે. અમેરિકન થિંક સેન્ટર ફોર સ્ટ્રટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીના અહેવાલમાં તો એવી ચેતવણી આપવામાં આવી હતી કે અમેરિકા માટે રશિયાનું લશ્કર નહીં, ચીનનું લશ્કર સૌથી મોટો પડકાર બને તેમ છે. જેમ રશિયન પ્રમુખ પુતિનનું ફોકસ લશ્કર રહ્યું એમ ચીનના પ્રમુખ જિનપિંગનું સમગ્ર ધ્યાન આર્મીને આધુનિક બનાવવા તરફ જ રહ્યું છે. તેના પરિણામે આજે ચીન પાસે અમેરિકાની ટક્કરનું લશ્કર છે.

વિશ્વની સૌથી શક્તિશાળી આર્મીની યાદીમાં ભારત, સાઉથ કોરિયા, બ્રિટન, ઈઝરાયલ, ફ્રાન્સ, તુર્કી, ઈટાલી જેવા દેશોનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પણ સતત હથિયારો વિકસાવવા અને લશ્કરને શક્તિશાળી બનાવવા માતબર ફંડ ફાળવે છે. જાપાન, જર્મની, પાકિસ્તાન, ઈરાન જેવા દેશો પાસેય મોટું લશ્કર છે, પરંતુ અમેરિકા-રશિયા-ચીનને ટક્કર આપી શકે એવું લશ્કર બીજા કોઈ દેશ પાસે નથી. અમેરિકા-રશિયા-ચીન ઉપરાંત હજુ ભારત-ઈઝરાયલ-ફ્રાન્સ-બ્રિટનને ઉમેરી દઈએ તો આ દેશોના લશ્કરને તે સિવાયના અન્ય દેશોનું લશ્કર લડત આપી શકે, જીતી શકે નહીં.

આવી સ્થિતિમાં બ્રિટનને બાદ કરતાં મોટાભાગના દેશો લશ્કરી સુરક્ષામાં અમેરિકા પર નિર્ભર છે. વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ જગત જમાદારી સ્વીકારીને આ દેશોને સુરક્ષાકવચ આપ્યું હતું. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન)ની સ્થાપના જ એ ઈરાદા સાથે થઈ હતી. અમેરિકા આટલાં વર્ષથી યુરોપના સહયોગી દેશોનાં હિતોનું રક્ષણ કરતું આવે છે, પરંતુ કોઈ સ્થિતિ કાયમી નથી - એ જગતનો સિદ્ધાંત છે ને આમાંય એ લાગુ પડે છે. યુક્રેન યુદ્ધમાંથી યુરોપના દેશોને મોટો બોધપાઠ મળ્યો છે. અમેરિકાએ યુક્રેનને ભલે આર્થિક સહાય કરી ને શસ્ત્રો આપ્યા, પરંતુ રશિયા સામે યુદ્ધમાં ઉતરીને રક્ષણ ન કર્યું. લાખો લોકો આ યુદ્ધના કારણે બેઘર બન્યા. અનેકના મોત થયા. યુક્રેને કેટલોય ભૂભાગ ગુમાવી દીધો અને એ હવે પાછો મળશે કે નહીં એ પણ કહી શકાય તેમ નથી.

એમાં વળી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી સતત નાટોને મળતા ફંડને ઓછું કરવાની હિમાયત કરે છે. યુરોપના દેશોને લશ્કર મજબૂત બનાવવાની ભલામણ કરે છે. જાપાન પર પરમાણુ બોમ્બ ફેંક્યો પછી બે દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે જાપાનની સુરક્ષાની જવાબદારી જ અમેરિકાએ સ્વીકારી હતી, તેમ છતાં ધીમે ધીમે જાપાનને લશ્કર વિકસાવવા અમેરિકા પ્રોત્સાહન આપે છે અને હવે તો અમેરિકા જાપાનને ડિફેન્સ બજેટ વધારવાની સલાહ આપે છે. અમેરિકાના આ બદલાયેલા વલણથી યુરોપના દેશો સક્રિય થયા છે. યુક્રેનના કેસમાં જો અમેરિકા નમતું મૂકે અને પુતિનની શરતો સ્વીકારી લે તો કાલે ઉઠીને પુતિન બીજા કોઈ દેશ પર પણ આવી લડાઈ કરશે અને પછી એમાંય મંત્રણાના મેજ પર પોતાની તરફેણમાં નિર્ણય કરાવી લેશે - એમ વિચારીને યુરોપિયન સંઘે એક સંયુક્ત લશ્કરનો પ્રસ્તાવ તો મૂકી જ દીધો છે, પરંતુ બધા દેશો પોતપોતાની રીતેય આર્મીને આધુનિક કરવામાં, આર્મી વધારવામાં અને શસ્ત્રો વિકસાવવામાં પડયા છે. એ દેશોમાં એક નામ છે - જર્મની.

અત્યારે યુરોપમાં સ્ટ્રોંગ આર્મી ધરાવતા દેશોમાં બ્રિટન, ફ્રાન્સ પછી જર્મનીનો ક્રમ આવે છે, પરંતુ જર્મની ઈચ્છે છે કે આગામી એક દોઢ દશકામાં યુરોપની શક્તિશાળી સૈનાનું નામ લેવાનું હોય તો જર્મનીનું લેવું પડે. જર્મનીની સરકારે કેટલાંય વર્ષો પછી ડિફેન્સ પૉલિસી બદલી નાખી છે. ગયા વર્ષે જર્મનીમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ હતી. મે મહિનામાં ચૂંટણી થઈ પછી ફ્રેડરિક મર્જ નવા ચાન્સલર બન્યા હતા. તેમની અતિ રાષ્ટ્રવાદી નીતિ ભાગરૂપે જર્મનીના લશ્કરને આધુનિક બનાવાશે. આધુનિક શસ્ત્રોનો ભંડાર લશ્કરના શસ્ત્રાગારમાં કરવાની યોજનાના ભાગરૂપે જર્મનીએ સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રો બનાવવાની યોજના શરૂ કરી છે.

આગામી ૧૬ વર્ષમાં એટલે કે ૨૦૪૧ સુધીમાં જર્મની લશ્કરને સ્ટ્રોંગ બનાવવા માટે ૩૫૦ અબજ યુરોનો ખર્ચ કરશે. આ વર્ષે જ જર્મનીએ નવાં શસ્ત્રો ખરીદવા કે પછી નિર્માણ કરવા માટે ૮.૨ અબજ યુરો એટલે કે અંદાજે ૯૬૦ કરોડ ડોલરની રકમ ફાળવી દીધી છે. અત્યારે જર્મની જીડીપીના બે ટકા ડિફેન્સ બજેટને ફાળવે છે. આવતા વર્ષે જ એ અઢી ટકા કરીને પછી ચાર ટકા સુધી પહોંચાડવાની ગણતરી છે.

આવતા વર્ષે જ જર્મનીની સરકાર હથિયારો ખરીદવા માટે ૨૨ અબજ યુરોની મોટી રકમ ખર્ચશે. ૨૦૨૯-૩૦ના વર્ષ માટે અત્યારથી પ્લાનિંગ કરીને જર્મનીની સરકારે લશ્કરને ટેકનોલોજીથી સજ્જ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ૨૦૨૯-૩૦માં જર્મની ૫૨ અબજ યુરોની ફાળવણી માત્ર શસ્ત્ર-સામગ્રી માટે કરશે, જે અત્યારના બજેટ જેટલી મોટી રકમ હશે. પાંચ વર્ષમાં જર્મની કેટલું વિશાળ બજેટ લશ્કર પાછળ ખર્ચશે એનો અંદાજ એના પરથી આવે છે કે અત્યારના કુલ લશ્કરી બજેટ જેટલું બજેટ માત્ર શસ્ત્રો ખરીદવા માટે આપવામાં આવતું હશે.

ચાન્સેલર ફ્રેડરિક મર્જે કહેલું કે જર્મન મિલિટરી યુરોપની સર્વાધિક શક્તિશાળી સેના બનાવવાના લક્ષ્યને પાર કરવા માટે દર વર્ષે ઉત્તરોત્તર ડિફેન્સ બજેટ વધારવામાં આવશે. એક દશકામાં જર્મનીનું લશ્કર ટાર્ગેટ અચિવ કરે એવી મર્જની ગણતરી છે. 

જર્મનીના લશ્કરને બુંડેસવેહર (Bundeswehr) કહેવામાં આવે છે. એમાં ભૂમિદળ, વાયુદળ, નૌકાદળ ઉપરાંત સાઈબર અને ઈન્ફોર્મેશન સર્વિસનો સમાવેશ થાય છે. અત્યારે બુંડેસવેહરના એક્ટિવ સોલ્જર્સની સંખ્યા બે લાખ છે. ભૂમિદળમાં ૬૫ હજાર સૈનિકો છે. એરફોર્સમાં ૨૮-૩૦ હજારનું સંખ્યાબળ છે. નેવીમાં ૨૦ હજાર સૈનિકો છે. જર્મની પાસે રિઝર્વ ફોર્સમાં મોટી સંખ્યા છે. પરંતુ જર્મની મુખ્ય લશ્કરમાં સંખ્યાબળ વધારવા આવતા વર્ષથી જ ભરતી શરૂ કરશે. રિઝર્વ ફોર્સમાંથી ૩૫ વર્ષથી નીચેની વયના સૈનિકોને મુખ્ય સેનામાં લાવવા પ્રોત્સાહિત કરવા માટે જુદો પ્રોજેક્ટ શરૂ કરાશે. રિઝર્વ ફોર્સમાંથી આગામી બે-ત્રણ વર્ષમાં ૧૦ હજાર સૈનિકો ભૂમિદળમાં જોડાય એવી જર્મની સરકારની યોજના છે.

આવતાં બે વર્ષમાં લડાકુ વિમાનો ખરીદવા માટે ૫૩ અબજ યુરો, મિસાઈલો અને બોમ્બ વગેરે ખરીદવા માટે ૩૫ અબજ યુરોનું બજેટ આપવામાં આવશે. એક સમયે જર્મનીની નૌસેના ખૂબ આધુનિક ગણાતી હતી. આજે ટોપ-૧૦માં પણ નથી. હવે ફરીથી એ સ્થાન અપાવવા નૌકાદળનું નવીનીકરણ કરવાની યોજના છે અને તે માટે આવતા વર્ષથી શરૂઆત પણ થઈ જશે. જર્મનીની સરકારે ૩૬ અબજ યુરોની રકમ પણ ફાળવી દીધી છે.

ટૂંકમાં, જર્મનીએ લડાકુ વિમાનોથી સબમરીન, રણગાડીઓ, મિસાઈલો, એન્ટી-મિસાઈલ સિસ્ટમ આધુનિક બનાવવાની તૈયારી આરંભી દીધી છે. જર્મનીના આ સક્રિયતાના કારણે યુરોપમાં લશ્કરી સ્પર્ધા વધે એવી પણ શક્યતા નકારી શકાતી નથી.