Editorial

આઠ લાખ સ્ટુડન્ટ્સ ઘટતાં અમેરિકન અર્થતંત્રને સાત અબજ ડોલરનો ફટકો પડશે

By GS TEAM
17 Oct 20255 mins read
આઠ લાખ સ્ટુડન્ટ્સ ઘટતાં અમેરિકન અર્થતંત્રને સાત અબજ ડોલરનો ફટકો પડશે

- વર્લ્ડ વિન્ડો

- વિદેશી નાગરિકો સામે ટ્રમ્પનું આક્રમક વલણ હોવાથી પહેલી વખત અમેરિકા જતાં સ્ટુડન્ટ્સમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેની અસર અમેરિકામાં 60 હજાર નોકરીઓ પર પણ પડશે

છેલ્લા છ-સાત દશકાથી વિદેશી સ્ટુડન્ટ્સમાં સ્ટડી કરવા માટે અમેરિકા ફેવરિટ છે. દુનિયાના તમામ દેશો કરતાં અમેરિકામાં ઉચ્ચ સ્ટડી પછી કરીઅરની શ્રેષ્ઠ તકો સર્જાય છે. અમેરિકામાં એન્ટ્રી લેવલની નોકરીથી શરૂ થયેલી કારકિર્દી જે-તે વિભાગના વડા કે કંપનીના સીઈઓ બનવા સુધી વિસ્તરે છે. સુંદર પિચાઈ, સત્યા નાડેલા જેવા અનેકાનેક ભારતીયોએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને મળેલી તકો સ્વપ્નવત્ છે. ભારત જેવા વિકસિત દેશમાં આવી તકની શક્યતા ઘણી પાંખી થઈ જાય છે. નાસામાં અમિત ક્ષત્રિય છેક એન્ટ્રી લેવલથી શરૂ કરીને આજે એસોસિએટ એડમિનિસ્ટ્રેટર બની ચૂક્યા છે. સરકારી સંસ્થામાં કોઈ વિદેશીને આટલી તક મળતી હોય એવું અન્ય દેશોમાં ઓછું બનતું હોય છે. અમેરિકામાં આવી તકો સર્જાતી હોવાથી વર્ષોથી વિદેશી સ્ટુડન્ટ્સને અમેરિકામાં જઈને સ્ટડી કરવાનું, અમેરિકામાં કારકિર્દી બનાવવાનું સપનું હોય છે.

વળી, અમેરિકામાં સ્ટડી કરીને બીજા દેશોમાં જનારા સ્ટુડન્ટ્સ તરફ લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. ભારત જેવા દેશમાં તો અમેરિકા રિટર્ન સ્ટુડન્ટ્સને અહોભાવથી જોવામાં આવતા હોય છે. અમેરિકન ઈન્સ્ટિટયુટ્સમાંથી ડિગ્રી મેળવીને સ્વદેશ આવી જનારા સ્ટુડન્ટ્સને દેશમાં એવરેજ સ્ટુડન્ટ્સ કરતાં ક્યાંક સારી તકો મળતી હોય છે. આવા અનેક કારણોથી સેંકડો વિદેશી સ્ટુડન્ટ્સ વર્ષો વર્ષ અમેરિકામાં જઈને અભ્યાસ કરે છે. અમેરિકાના અર્થતંત્રમાં વિદેશી સ્ટુડન્ટ્સની મોટી ભૂમિકા છે. અમેરિકન યુનિવર્સિટીઝ વિદેશી સ્ટુડન્ટ્સ પાસેથી ફી પેટે અબજો ડોલરની કમાણી કરે છે. સેંકડો લેબ, ઈન્સ્ટિટયુટ્સ ટયુશન ફી મેળવીને પણ અબજો કોલર્સ મેળવે છે.

અમેરિકામાં દર વર્ષે સરેરાશ ૧૧થી ૧૩ લાખ વિદેશી સ્ટુડન્ટ્સ એડમિશન મેળવે છે. વિદ્યાર્થી આધારિત જે અર્થતંત્ર છે તેને અમેરિકન અર્થશાસ્ત્રીઓ સ્ટુડન્ટ્સ ઈકોનોમી કહે છે. અમેરિકાની સ્ટુડન્ટ્સ ઈકોનોમી સાત અબજ ડોલરે પહોંચે છે. ડાઈરેક્ટ સ્પેન્ડિંગ્સ પેટે જ વિદેશી સ્ટુડન્ટ્સ અમેરિકામાં બહુ મોટી રકમ ખર્ચે છે. એમાં રહેવા જમવાના ખર્ચથી માંડીને ટ્રાન્સપોર્ટેશન, ટયુશન ફી, કોલેજ ફીનો સમાવેશ થાય છે. વિશ્વમાં વિદેશી વિદ્યાર્થીઓ આધારિત કોઈ દેશ આટલી કમાણી કરતો નથી. વિદેશી સ્ટુડન્ટ્સના કારણે દર વર્ષે ૬૦ હજાર નોકરીઓનું સર્જન થાય છે.

પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશીઓ તરફ આક્રમક પૉલિસીના કારણે પહેલી વખત અમેરિકામાં વિદેશી સ્ટુડન્ટ્સનું આગમન મોટી સંખ્યામાં ઓછું થયું છે. અમેરિકાની નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના કહેવા પ્રમાણે અમેરિકામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં આઠ લાખનો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં અમેરિકન યુનિવર્સિટીઝમાં નવું સત્ર ચાલુ થાય છે. ઓગસ્ટ-૨૦૨૪ની સરખામણીએ ઓગસ્ટ-૨૦૨૫માં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓએ આવવાનો ઉમળકો બતાવ્યો નથી. તેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝમાં અસંખ્ય બેઠકો ખાલી રહેશે. ગયા વર્ષે અમેરિકામાં ૧૧ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા. તે વખતે અમેરિકામાં જો બાઈડેન પ્રમુખ હતા અને બાઈડેન સરકારની વિદેશી વિદ્યાર્થીઓને આવકારવાની પોલિસી હતી. વર્ષના અંતે થયેલી ચૂંટણીમાં ટ્રમ્પ જીત્યા પછી અમેરિકામાં વિદેશી નાગરિકો તરફનું સરકારનું વલણ ઝડપથી બદલાયું. ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ સામેય પગલાં ભર્યા. તેમની વિઝા પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો. યુનિવર્સિટીઝની ફી પણ વધી. યુનિવર્સિટીઝને ટ્રમ્પે તાકીદ કરી કે તેઓ વિદેશી વિદ્યાર્થીઓ તરફની નિર્ભરતા ઘટાડે. ટ્રમ્પ વારંવાર વિદેશી સ્ટુડન્ટ્સને ભાષણોમાં ટાર્ગેટ કરતા કહે છે કે વિદેશી સ્ટુડન્ટ્સ અમેરિકન વિદ્યાર્થીઓના અવસરો ઘટાડે છે. વિદેશી સ્ટુડન્ટ્સના કારણે અમેરિકન નાગરિકોને નોકરી મળતી નથી. નોકરી મળે તો પણ તેમણે ઓછા વળતરથી કરવી પડે છે, કારણ કે વિદેશી સ્ટુડન્ટ્સ ઓછા વળતરમાં કામ કરવા તૈયાર થઈ જાય છે.

હજુ ગયા મહિને જ અમેરિકન સરકારે ગૃહ મંત્રાલયને તાકીદ કરેલી કે વિદેશી સ્ટુડન્ટ્સ વર્ક પરમિટ વગર નોકરી કરે તો દેશનિકાલ કરજો. અમેરિકામાં બી-૧ અને બી-૨ વિઝા મેળવીને વિઝિટ કરી શકાય છે. દુનિયાભરના વિઝિટર્સ આ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા ફરવા જાય છે. તે ઉપરાંત કામ કરવા માટે એચ-૧બી અને ઓ-૧ જેવી વિઝા કેટેગરી છે. સ્ટુડન્ટ્સ એફ-૧ શ્રેણીના વિઝા મેળવીને જાય છે. આ સંદર્ભમાં અમેરિકન સરકારે નવું નોટિફિકેશન બહાર પાડયું ને તેનો અમલ પણ તાત્કાલિક અસરથી કરી દેવાયો હતો. એ પ્રમાણે આ કેટેગરીના વિઝાની અરજી જે-તે દેશમાંથી જ કરી શકાશે. ભારતના નાગરિકો યુરોપમાં ફરવા ગયા હોય તો અત્યાર સુધી યુરોપના કોઈ દેશમાંથી અમેરિકા જવા માટે અરજી થઈ શકતી હતી, તેના બદલે હવે ભારતમાંથી જ અરજી કરી શકાશે. આ કેટેગરીના અરજદારો ઘણી વખત ભારત જેવા દેશમાં લાંબાં વેઈટિંગથી બચવા માટે વિએટનામ, થાઈલેન્ડ કે યુરોપના કોઈ દેશમાંથી અરજી કરતા હોય છે.

આ બધાના પરિણામે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ૩,૧૩,૧૩૮ વિદ્યાર્થીઓના જ એડમિશન થયાં છે. ગયા વર્ષની સરખામણીએ આ બહુ જ મોટો તફાવત છે. આફ્રિકન સ્ટુડન્ટ્સમાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. મિડલ ઈસ્ટના વિદ્યાર્થીઓમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે અને એશિયન સ્ટુડન્ટ્સ ૨૪ ટકા ઘટયા છે. ભારતમાંથી અમેરિકા જતાં વિદ્યાર્થીઓમાં ૪૫ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. ભારતીયોમાં ટ્રમ્પના આડેધડ નિર્ણયો, અમેરિકા-ભારતના સંબંધો, વિદેશી નાગરિકો તરફ અમેરિકનોનું વલણ જેવાં કારણોથી અમેરિકા જવાનું વલણ ઘટયું છે.

અમેરિકામાં ટ્રમ્પ સત્તામાં આવ્યા તે પછી સેંકડો વિદેશી નાગરિકોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. વિઝાની પ્રક્રિયા પણ અઘરી બની છે અને યુનિવર્સિટીઝની ફી તેમ જ સરકારની ફીમાં વધારો ઝીંકાયો છે. અમેરિકામાં ટ્રમ્પ તરફી વાતાવરણ, ટ્રમ્પનું વિદેશી નાગરિકો તરફનું આક્રમક વલણ અને ખર્ચ વધ્યો તેની અસર વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પડી છે. ટ્રમ્પે યુનિવર્સિટીઝ અને કોલેજોને વિદેશી વિદ્યાર્થીઓ પર નિર્ભર ન રહેવાની તાકીદ કરી એ બધાની અસર તીવ્રતાથી પડી છે. પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને અમેરિકાના આવા વાતાવરણમાં મોકલવા ઈચ્છતા નથી અને તેના બદલે અન્ય દેશોના વિકલ્પો તલાશવા લાગ્યા છે. ભારતના વિદ્યાર્થીઓ અમેરિકા જવાનું પસંદ કરતા હતા તેના બદલે હવે બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં એડમિશન લેવાનું પસંદ કરવા લાગ્યા છે. ચીનના વિદ્યાર્થીઓ પણ એશિયા કે યુરોપની યુનિવર્સિટીઝમાં જવાનું પસંદ કરે છે. એ કારણે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ ઘટયા છે. ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા મેળવીને અભ્યાસની સાથે પોતાનો ખર્ચ કાઢવા કે પછી દેશમાંથી જે સ્ટુડન્ટ લોન લીધી હોય એ ભરવા માટે પાર્ટટાઈમ નોકરી કરતા હોય છે, પરંતુ સરકારના નવા ફરમાન પછી નોકરી કરવાનું જોખમી છે. એમાં સીધા દેશનિકાલની જોગવાઈ છે.

ટ્રમ્પના આવા આકરા વલણની સીધી અસર વિદેશી સ્ટુડન્ટ્સના એડમિશન પર પડી છે. અમેરિકન યુનિવર્સિટીઝને મોટો આર્થિક ફટકો તો પડશે જ, સાથે સાથે અમેરિકન અર્થતંત્રને પણ સાત અબજ ડોલરનું નુકસાન થાય એવું જોખમ છે. ટ્રમ્પનું વલણ જોતાં વિદેશી સ્ટુડન્ટ્સને અમેરિકાને બરાબર પાઠ ભણાવ્યો છે.