જાપાનનો અમેરિકા પરથી ભરોસો ઉઠયો લશ્કરને મજબૂત બનાવવાનું લક્ષ્ય

- વર્લ્ડ વિન્ડો
- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સાથી દેશો પ્રત્યે વલણ બદલાયું છે તેની દૂરગામી અસરો થવાની છે. યુરોપ પછી હવે જાપાને પણ ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો છે
જાપાન સમુરાઈઓનો દેશ ગણાતો. સમુરાઈ એટલે અજોડ લડવૈયાઓ. જાપાનના લશ્કરે ચીન અને રશિયા જેવા દેશોની સેનાને હરાવી હોય એવો ઈતિહાસ છે. ચીન, કોરિયા, રશિયા જેવા દેશોને કાયમ જાપાનના સૈન્યથી ફફડાટ રહેતો. દુનિયાના શક્તિશાળી લશ્કરોમાં જાપાની લશ્કરનો સમાવેશ છેક વિશ્વયુદ્ધ સુધી થતો હતો. વિશ્વયુદ્ધમાં જાપાનનું સૈન્ય હાહાકાર મચાવતું હતું. જાપાની સૈન્યનાં બધાં પાસાં બરાબર પડયા હોત અને અમેરિકા પાસે પરમાણુ બોમ્બ ન હોત તો કદાચ ઈતિહાસ જુદી રીતે લખાયો હોત.
વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન પર પરમાણુ બોમ્બથી હુમલો કર્યો અને રાતોરાત વર્લ્ડ ઓર્ડર બદલાઈ ગયો. જાપાને શરણાગતિ સ્વીકારી લીધી ને એ ઘડીથી જાપાનનું નસીબ પલટાયું. વિજેતા અમેરિકા-રશિયા-બ્રિટન અને ફ્રાન્સે પરાજિત દેશોના ભવિષ્યનો નિર્ણય કર્યો. જર્મની અને જાપાન પર નિયંત્રણો મૂકવાનો પ્રસ્તાવ મંજૂર થયો. વિજેતા અને પરાજિત દેશોના વડાઓ વચ્ચે કરારો થયા. એ કરારના ભાગરૂપે ૧૯૪૭માં જાપાનના બંધારણમાં જોગવાઈ થઈ. બંધારણીય ફેરફાર પ્રમાણે જાપાન યુદ્ધ લડી શકે નહીં. જાપાનમાં લશ્કરી મથકો બનાવીને અમેરિકાએ આ દેશની સુરક્ષાની જવાબદારી લીધી.
જાપાન લશ્કર તો રાખી શકે તેમ ન હતું, પરંતુ પરમાણુ હુમલાનો ભોગ બનેલા દેશ તરફ આખી દુનિયાને સહાનુભૂતિ હતી. સરેરાશ જાપાનીઓનું વલણ પણ બદલાયું હતું. અમેરિકા-જાપાનના દ્વિપક્ષીય સંબંધો ખૂબ બહેતર બની ચૂક્યા હતા. અમેરિકા-રશિયા વચ્ચે દબદબો સ્થાપવા કોલ્ડ વોરની શરૂઆત થઈ ચૂકી હતી. ચીનનું જોર વધી રહ્યું હતું. કોરિયાના બે ભાગ પડી ચૂક્યા હતા અને એમાંથી ઉત્તર કોરિયાના હુમલાનો ખતરો જાપાન પર મંડરાઈ રહ્યો હતો. બદલાયેલી આવી સ્થિતિમાં જાપાનને આત્મરક્ષણ માટે શાંતિ સૈન્ય સ્થાપવાની પરવાનગી મળી. ૧૯૫૪માં જાપાને સેલ્ફ ડિફેન્સ ફોર્સની રચના કરી. આ લશ્કરી દળ શાંતિ સૈન્યના નામે ઓળખાયું.
કરાર પ્રમાણે જાપાન પર યુદ્ધનો ખતરો હોય તો અમેરિકા એનું રક્ષણ કરે છે. જાપાન પર ચીન અને ઉત્તર કોરિયાનો સૌથી વધુ ખતરો રહે છે તે જોતાં આજની તારીખે પણ જાપાનમાં અમેરિકાનાં ૧૪ લશ્કરી મથકો છે. લગભગ ૫૪ હજાર અમેરિકન સૈનિકો જાપાનમાં તૈનાત છે. અમેરિકાનાં આટલાં લશ્કરી મથકો બીજા એકેય દેશમાં નથી. અમેરિકા જાપાનને આત્મરક્ષણ માટે જરૂરી શસ્ત્ર-સામગ્રી આપે છે. રશિયા-ચીનનું જોર વધતું ગયું તેમ અમેરિકાના ઈશારે જાપાને લશ્કર મજબૂત બનાવવા તરફ ધ્યાન આપ્યું, પરિણામે જાપાનના શાંતિ સૈન્યમાં અઢી લાખ એક્ટિવ સૈનિકો અને ૫૦ હજાર રિઝર્વ ફોર્સ મળીને સાડા ત્રણ લાખ સૈનિકો છે. તે છતાં જાપાનના ડિફેન્સ બજેટમાં આત્મરક્ષણનો હેતુ જ મુખ્ય રહેતો હતો. જાપાને આક્રમક થઈને સૈન્ય મજબૂત બનાવવાની દોડ શરૂ કરી ન હતી.
પરંતુ છેલ્લા એક દશકામાં જાપાનના વલણમાં પરિવર્તન આવ્યું. જાપાનના લોકોને ચીન સામે મોટો ખતરો હોવાનું લાગે છે. અમેરિકા રક્ષણ કરશે કે કેમ એ પણ સવાલ ઉઠે છે. અમેરિકાએ જે રીતે લશ્કરી કાર્યવાહી પછી અફઘાનિસ્તાન જેવા ઘણા દેશોમાંથી હાથ ઊંચા કરીને લશ્કર પાછું બોલાવવાનું શરૂ કર્યું એ જોઈને જાપાનમાં મજબૂત સૈન્ય બનાવવાની માંગણી ઉઠી. જાપાનના પૂર્વ પ્રમુખ શિંજો આબેના સમયથી જ જાપાનમાં ડિફેન્સ બજેટ વધારવાનું શરૂ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખ બન્યા પછી તેમની વિદેશ નીતિ જોઈને જાપાનના ઘણા ડિફેન્સ એક્સપર્ટ્સ મજબૂત લશ્કર બનાવવાની ભલામણ કરતા હતા.
૨૦૨૨માં જાપાને સ્વદેશી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવાની જાહેરાત કરીને ડિફેન્સ પૉલિસીમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. તે વખતે જ જાપાન સરકારે ડિફેન્સના ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં ૩૦૦ અબજ ડોલરનો ખર્ચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેનો અર્થ એ કે વર્ષે ૬૦ અબજ ડોલરની ફાળવણી થઈ હતી. નોંધપાત્ર બાબત એ હતી કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર પછી તુરંત જ જાપાને લશ્કર મજબૂત બનાવવાનો પ્લાન અમલી બનાવી દીધો હતો. હોંકારા-પડકારા કર્યા પછીય યુક્રેનના રક્ષણ માટે અમેરિકા બેટલ ગ્રાઉન્ડમાં ઉતર્યું નહીં ત્યારથી જાપાનના નાગરિકોમાં અમેરિકાના ઈરાદા સામે શંકા ઉઠવા લાગી હતી. માત્ર લોન આપીને કે શસ્ત્રોની સહાય કરવાથી રક્ષણ ન થાય. જો રશિયા કે ચીન જેવા દેશ સામે યુદ્ધ થાય તો યુક્રેન જેવી સ્થિતિ થાય એ સમજી ચૂકેલા જાપાને ઝડપભેર શાંતિ સૈન્યને અપગ્રેડ કરવાનું કામ હાથમાં લીધું.
તે વખતે બાઈડેન સરકારે જાપાનને જીડીપીના ત્રણ ટકા સુધી ડિફેન્સ બજેટ ફાળવવાની ભલામણ પણ કરી હતી. જાપાન અત્યારે વર્ષે ૬૦ અબજ ડોલર જેવી રકમ ફાળવે છે અને આ રકમ ૨૦૨૭માં વધીને જીડીપીના બે ટકા એટલે કે અંદાજે ૮૦ અબજ ડોલરે પહોંચે એવી પૂરી શક્યતા છે. અમેરિકન સરકારે ભલામણ કરી હતી એ પ્રમાણે જાપાન જીડીપીના ત્રણ ટકા ડિફેન્સ બજેટ ફાળવે તો ૧૨૦ અબજ ડોલર થાય. ભારત સાથે આપણે સરખામણીએ કરીએ તો કોઈ જ પ્રતિબંધો ન હોવા છતાં ભારત ૭૫ અબજ ડોલરની ફાળવણી કરે છે. જાપાન ૨૦૨૭માં ભારતથી પણ વધારે ખર્ચ કરશે.
અત્યારે ડિફેન્સ બજેટના ટોપ-ફાઇવ દેશોમાં જાપાન નથી. ૯૦૦ અબજ ડોલરની ફાળવણી સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે. ચીન ૩૦૦ અબજનું ડિફેન્સ બજેટ ફાળવે છે. રશિયા ૧૫૦ અબજ ડોલરથી વધુ રકમ ડિફેન્સ સેક્ટરને આપે છે. બિનસત્તાવાર બજેટ વધારે હોવાનું પણ કહેવાય છે. ભારત ચોથા ક્રમે છે ને ૭૦ અબજ ડોલરની ફાળવણી સાથે સાઉદી પાંચમા નંબરે છે. જાપાન જે ઝડપે ડિફેન્સ બજેટ વધારવાનું ધારે છે એ જોતાં ૨૦૨૭માં જાપાન ટોપ-ફાઇવમાં આવી જાય તો નવાઈ નહીં અને જો એવું થશે તો વર્લ્ડ ઓર્ડર્સમાં આ બહુ જ મોટું પરિવર્તન ગણાશે.
અમેરિકાની વિદેશનીતિ પરથી છેલ્લા એક દશકામાં સાથી દેશોનો ભરોસો ઘટયો છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પની અંધાધૂંધ વિદેશનીતિ પર એકેય દેશ વિશ્વાસ મૂકવા તૈયાર નથી. ફ્રાન્સ અને બ્રિટન જેવા મજબૂત સાથીઓ પણ અમેરિકાથી અંતર જાળવતા દેખાય છે. યુરોપિયન સંઘે આત્મનિર્ભર બનવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને એક સંયુક્ત સૈન્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. યુરોપની જેમ જાપાનને પણ ટ્રમ્પની વિદેશનીતિ પરથી ભરોસો ઉઠી ગયો છે. કાલ સવારે જાપાન પર ચીન, રશિયા કે ઉત્તર કોરિયા હુમલો કરે તો અમેરિકા લોન આપવા સિવાય કશું નહીં કરે એવું જાપાન સરકારના સંરક્ષણ સલાહકારો માને છે. જાપાનમાં છેક હમણાં સુધી લશ્કરીકરણના વિરોધમાં દેખાવો થતા હતા. હવે લશ્કર મજબૂત બનાવવાની તરફેણમાં લોકો ઓપિનિયન આપી રહ્યા છે.
વેલ, જાપાન જે ઝડપે શાંતિ સેનાના તેવર આક્રમક બનાવી રહ્યું છે એનાથી દુનિયામાં લશ્કરી દોડ વધશે. જાપાનમાં સમુરાઈઓનો ઈતિહાસ આળસ મરડીને બેઠો થઈ રહ્યો છે.








