- વર્લ્ડ વિન્ડો
- 1993 થી એક્ટિવ રાજકારણમાં હોવા છતાં તેમને છેક 2025માં પાર્ટીનું નેતૃત્વ મળ્યું. છ મહિનાના ટૂંકા સમયમાં તેમણે જાપાનમાં જે લોકપ્રિયતા મેળવી છે તે અભૂતપૂર્વ અને અદ્વિતીય છે
સનાઈ તાકાઈચી.
૧૯૯૩થી એકધારા સાંસદ બનતાં હોવા છતાં આ મહિલા નેતાની ચર્ચા છેક ૨૦૨૧ સુધી જાપાનના મીડિયામાં પણ ભાગ્યે જ ક્યાંય થતી. રાજકીય કારકિર્દી શરૂ થઈ તે પહેલાં તેઓ સામાજિક કાર્યકર હતાં. ૧૯૯૩માં જાપાનની એકેય પાર્ટીએ તેમને ટિકિટ ન આપી તો લોકોના સમર્થનથી તેમણે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી અને વિજેતા બન્યાં. ૧૯૯૬માં શિંજો આબેના કહેવાથી તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા. સતત ચૂંટાતા સીનિયર સાંસદોમાં તેમની ગણતરી થતી હતી અને તેમનાં મતવિસ્તારમાં મજબૂત જનાધાર હોવાથી ત્રણ ટર્મ પછી તેમને ૨૦૦૫માં શિંજો આબેની ભલામણથી મંત્રી બનાવાયાં. શિંજો આબેની સરકારમાં વિવિધ મંત્રાલય તેમની પાસે હતા ને તે પછી ૨૦૨૧માં ફુમિયો કિશિદાની સરકારમાં પણ મંત્રી બન્યાં, પણ તે પહેલાં પાર્ટીમાં લીડરશિપ માટે ચૂંટણી થઈ એમાં તેમણે ઝંપલાવ્યું ને તે વખતે આખા જાપાનમાં તેમનું નામ જાણીતું થયું. એ વખતે ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં.
ફુમિયોને પાર્ટીનું નેતૃત્વ મળ્યું. તેમનો રાજકીય દબદબો વધ્યો હતો એટલે ફુમિયોની સરકારમાં તેમણે નાણા મંત્રાલય મેળવ્યું. ૨૦૨૪માં ફુમિયોએ સત્તા છોડી ને પાર્ટીમાં ફરીથી લીડરશિપ માટે ચૂંટણી થઈ ત્યારેય તાકાઈચીએ ફરીથી ઝંપલાવ્યું, પરંતુ શિગેરુ ઈશિબાને વધારે મતો મળ્યા. નજીવા અંતરથી ૨૦૨૪માં તાકાઈચી વડાંપ્રધાન બનતાં રહી ગયાં. ૨૦૨૧થી જાપાનના રાજકારણમાં તેમનો દૃષ્ટિકોણ ચર્ચાતો થયો. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને જમાના પ્રમાણે બદલવાની જરૂર છે એવું તેઓ કહેતા થયા અને તેમના ઓપિનિયનને કાર્યકરો સ્વીકારવા લાગ્યા હતા. નવી જનરેશનમાં તેમના બોલ્ડ વિચારો લોકપ્રિય થવા લાગ્યા.
ચાર વર્ષમાં તેઓ પાર્ટીનો ચહેરો બનીને ઉભરી આવ્યાં. ઈશિબાને ૨૦૨૫માં રાજીનામું આપવું પડયું ને પાર્ટીમાં લીડરશિપ માટે ફરીથી ચૂંટણી થઈ. બંને રાઉન્ડમાં તેમનો વિજય થયો. તાકાઈચી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં. જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ગઠબંધનની સરકાર ચાલતી હતી. ગઠબંધનમાંથી અન્ય પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો હતો. લિબરલ પાર્ટીના પ્રમુખ બન્યાં પછી તાકાઈચીએ જમણેરી પક્ષ જાપાન ઈનોવેશન પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને સરકારની રચના કરી. ઓક્ટોબર-૨૦૨૫માં જાપાનના રાજકારણમાં ઈતિહાસ સર્જાયો, તાકાઈચી જાપાનનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં.
અહીં સુધીની તેમની રાજકીય સફરમાં ઘણાં ચઢાવ-ઉતાર આવ્યાં. શિંજો આબે સક્રિય રાજકારણમાં હતા ત્યાં સુધી તેમને મંત્રાલયમાં સ્થાન મળ્યું. જાપાનમાં સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ જેમના નામે છે એ શિંજો આબેએ ૨૦૨૦માં રાજીનામું આપ્યું તે પછી શિંજો આબે જૂથના નેતા ગણાતા હોવાથી તેમને સાઈડલાઈન કરવાના પણ પ્રયાસો થયેલા. આબેના રાજીનામા પછી યોશિહિડે સુગા વડાપ્રધાન બન્યા તે વખતે તાકાઈચીનો મંત્રાલયમાં સમાવેશ થયો ન હતો. સુગા જૂથના નેતાઓ તાકાઈચીને મંત્રાલયમાં સમાવવાના પક્ષમાં ન હતા. એ ગાળામાં તેમણે પાર્ટીમાં કામ કર્યું. જનસંપર્ક વધાર્યો, આખાય દેશમાં ફરીથી પાર્ટીના કાર્યકરો સાથે સંપર્ક બનાવ્યો. તેના પરિણામે ૨૦૨૧માં પાર્ટીની લીડરશિપની ચૂંટણીમાં તેમને સારો પ્રતિભાવ મળ્યો અને એ કારણે સતત બે વખત પાર્ટીની લીડરશિપ માટે તેમણે મહેનત કરી. શિંજો આબેના રાજીનામા પછી અને તેમના મૃત્યુ પછી તાકાઈચી પાર્ટી પ્રમુખ બની શકે એવી શક્યતા દેખાતી ન હતી, પરંતુ તેમણે નવી જનરેશનમાં આક્રમક વલણ બતાવીને નવેસરથી પોપ્યુલારિટી મેળવી.
છ-સાત મહિના પહેલાં વડાંપ્રધાન બન્યાં તે પછી તેમણે ચીનના વલણ સામે આક્રમક મિજાજ બતાવ્યો. તાઈવાન પર ચીન હુમલો કરશે તો જાપાન બેસી નહીં રહે એવું તેમણે નિવેદન આપ્યું તેના કારણે ચીન છંછેડાઈ ગયું. જાપાન-ચીન વચ્ચે એ ગાળામાં દ્વિપક્ષીય સંબંધો ખૂબ બગડયા ને તેની અસર હજુય જોવા મળે છે. જાપાનના લોકોમાં ચીનનો ભય છે. તેમણે ખોંખારીને ચીન સામે હોંકારા પડકારા કર્યાં તેનાથી દેશમાં તેમની લોકપ્રિયતા વધી. તેમનો આક્રમક મિજાજ જાપાનના લોકોને ગમ્યો. આ બધું ચાલતું હતું ત્યારે જ તેમણે ચૂંટણી જાહેર કરી દીધી. જાપાનના મીડિયામાં આ અચાનક આવી પડેલી ચૂંટણીની ટીકા થઈ. ૨૦૨૪માં જ ચૂંટણી થઈ હતી. ૨૦૨૮માં ચૂંટણી થવાની હતી, પરંતુ ગઠબંધનમાં નિર્ણયો લેવામાં મુશ્કેલી પડતી હોવાથી તાકાઈચીએ આ સાહસી પગલું ભર્યું હતું. ઘણા રાજકીય નિષ્ણાતોએ તો એવુંય કહેલું કે તાકાઈચી પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે, કારણ કે સતત વડાપ્રધાનો બદલતા રહ્યા હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. શિંબો આબેનો જે જનાધાર હતો એવો જનાધાર તે પછીના એકેય નેતા મેળવી શક્યા નથી.
પરંતુ આ ધારણાથી તદ્ન વિપરીત થયું. ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે જ પ્રી-પોલમાં કહેવાતું હતું કે તાકાઈચીના નેતૃત્વમાં પાર્ટીને અગાઉ કરતાં વધારે બેઠકો મળશે. તેમની ખુરશીને ખતરો નથી. ચૂંટણીનાં પરિણામો ગયાં સપ્તાહમાં આવ્યાં તે આ પ્રી-પોલની ધારણાથી ક્યાંય વધુ ચોંકાવનારા હતાં. તાકાઈચીએ એટલી બેઠકો મેળવી કે જાપાનના ચૂંટણી ઈતિહાસમાં એકેય પાર્ટીને, એકેય નેતાને આટલી બેઠકો ક્યારેય મળી નથી. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને છેલ્લી ત્રણ ચૂંટણીથી જાપાનની ૪૬૫ બેઠકો ધરાવતા સંસદગૃહમાં ૧૯૦ આસપાસ બેઠકો મળે છે. બહુમતી માટે ૨૩૩ બેઠકોની જરૂર પડે છે. લિબરલ પાર્ટી જ લાંબા સમયથી સત્તા છે, પરંતુ બીજી પાર્ટીના સમર્થન વગર સરકાર બનતી નથી. તાજેતરની ચૂંટણીમાં તાકાઈચીએ એવી પ્રચંડ બહુમતી મેળવી કે જાપાનના ઈતિહાસમાં કોઈએ મેળવી નથી. તેમણે ૪૬૫ બેઠકોમાંથી ૩૧૬ બેઠકો જીતી બતાવી. પાર્ટીને ૧૨૫ બેઠકો ગત ચૂંટણીથી વધારે મળી અને એમાં એકમાત્ર ફેક્ટર હતું - સનાઈ તાકાઈચી. જેમ ઓબામાએ ૨૦૦૮માં અમેરિકામાં પોતાના ફેસ પર ચૂંટણી જીતી હતી અને જેમ મોદીએ ૨૦૧૪માં ભારતમાં તેમના નામથી ભાજપને બહુમતીના આંકડા સુધી પહોંચાડયો હતો ને જેમ ટ્રમ્પે ફરીથી પ્રચંડ વિજય મેળવ્યો એ જ રીતે તાકાઈચીએ પોતાના નામથી પાર્ટીને અભૂતપૂર્વ સફળતા અપાવી છે.
જાપાનના મીડિયાએ આ વિજય પછી તેમને આયરન લેડીનું ઉપનામ આપ્યું છે. તેમણે જે પ્રકારે ચૂંટણી પ્રચાર કર્યો હતો એ જોતાં જાપાન તેમના નેતૃત્વમાં એક નવા યુગમાં પ્રવેશ કરશે. તેમણે સૈન્યને મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શસ્ત્રો વધારવાથી લઈને ચીન-રશિયા જેવા દેશો સામે મજબૂત લડત આપવાનો મનસૂબો સેવ્યો છે એ જાપાનને વિશ્વમાં ફરીથી આક્રમક દેશની ઓળખ આપે તો નવાઈ નહીં રહે. યુરોપ-અમેરિકામાં છેલ્લાં એકાદ દશકાથી રાઈટ વિંગ પોલિટિક્સનો ઉદય થયો છે. ભારતમાં પણ એ ટ્રેન્ડ ૨૦૧૪થી જોવા મળ્યો છે. જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સામે જમણેરી પાર્ટીના નેતાઓ પ્રખર રાષ્ટ્રવાદની પૉલિસીની હિમાયત કરતા હતા. તાકાઈચીએ લોકજુવાળ પારખીને લિબરલ પાર્ટીની વિચારધારામાં જ મોટું પરિવર્તન લાવી દીધું છે. તાકાઈચીના નેતૃત્વમાં જાપાન-રશિયા, જાપાન-ચીન, જાપાન-ઉત્તર કોરિયા વચ્ચે ઘર્ષણ વધે તેવી શક્યતા નકારી શકાતી નથી.


