Editorial

રશિયા-ચીન વચ્ચે નવી ગેસ પાઈપલાઈનથી ઉર્જા સેક્ટરમાં પરિવર્તન આવશે

By GS TEAM
12 Sep 20255 mins read
રશિયા-ચીન વચ્ચે નવી ગેસ પાઈપલાઈનથી ઉર્જા સેક્ટરમાં પરિવર્તન આવશે

- વર્લ્ડ વિન્ડો

- બે-ત્રણ વખત લટકી પડેલો ગેસ પાઈપલાઈનનો પ્રોજેક્ટ આગળ તો વધ્યો છે, પરંતુ એમાં હજુય અટચણો આવે એવી પૂરી શક્યતા છે. જો આ પાઈપલાઈનનો પ્રોજેક્ટ પૂરો થશે તો રશિયા ગેસનું મોટું માર્કેટ મેળવશે

રશિયા પાસે કુદરતી ગેસનો સર્વાધિક જથ્થો છે. રશિયાને સર્બિયા અને આર્કટિક સર્કલના પેટાળમાંથી કુદરતી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. જુદી જુદી સંસ્થાઓના અંદાજ પ્રમાણે રશિયા પાસે ૫૦ હજાર ક્યુબિક કિલોમીટર સુધી ફેલાયેલો ગેસનો જથ્થો છે. એમાંથી રશિયા દર વર્ષે ૭૦૦ ક્યુબિક કિલોમીટરનો ગેસ કાઢીને એનો વેપાર કરે છે. રશિયા દર વર્ષે આટલો જથ્થો વેચશે તો પણ હજુ સાત-આઠ દશકા સુધી દુનિયાને ગેસ વેચી શકશે.

ગેસ પ્રોડક્શનની વાત આવે તો એમાં રશિયા નંબર વન નથી, અમેરિકા નંબર વન છે. અમેરિકા પાસે રિઝર્વ જથ્થો માત્ર ૧૭ હજાર ક્યુબિક કિલોમીટર છે, પરંતુ અમેરિકા ગલ્ફ દેશો પાસેથી મોટાપાયે ગેસની આયાત કરે છે અને એનું પ્રોડક્શન કરીને દુનિયાને વેચે છે. પેટ્રોલિયમ પ્રોડક્શનમાં પણ અમેરિકા જ આ રીતે નંબર વન છે. અમેરિકા ક્રૂડ ઉત્પાદક દેશો પાસેથી કાચી સામગ્રી ખરીદે છે અને પછી અમેરિકન કંપનીઓ એની રિફાઈનરીઝમાં પ્રોસેસ કરીને આખી દુનિયાને સપ્લાય કરે છે. આ પ્રોસેસમાં જ અમેરિકા માતબર કમાણી કરે છે. ગેસની સપ્લાયની રીતે જોઈએ તો કુદરતી ગેસના બિઝનેસમાં અમેરિકાનો શેર ૨૨ ટકા છે. રશિયા ૧૨ ટકા સાથે બીજા નંબરે છે. બીજા એકેય દેશો બે આંકડે પહોંચતા નથી. એનો અર્થ એ કે ગેસના વેપારમાં અમેરિકા-રશિયાની મોનોપોલી છે. બંનેને પોત-પોતાના બાંધેલા 'ગ્રાહકો' છે. રશિયાના એવા જ એક મોટા ગ્રાહકનું નામ છે - યુરોપ.

યુરોપમાં ગેસ પહોંચાડવા માટે રશિયા-જર્મનીએ ૧૨૨૨ કિલોમીટરની લાંબી ગેસ પાઈપલાઈન બનાવી. આ ગેસ પાઈપલાઈન નોર્ડ સ્ટ્રીમ-૧ નામથી જાણીતી છે. રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ અને જર્મનીની કંપનીઓ સહિત પાંચ કંપનીઓનો એમાં હિસ્સો છે. જર્મની સુધી ગેસ પહોંચે છે એટલે જર્મન કંપનીઓ તો કમાણી કરે જ છે, સાથે સાથે જેટલા દેશોમાંથી આ પાઈપલાઈન પસાર થાય એ તમામને ટ્રાન્ઝિટ ફી પણ મળે છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ થયું પછી રશિયા પર યુરોપિયન સંઘે પ્રતિબંધો મૂક્યા, ત્યારથી આ ગેસ પાઈપલાઈન બંધ છે. ૨૦૧૧થી ચાલતી આ ગેસલાઈન સફળ થઈ પછી ૨૦૧૨માં રશિયા-જર્મનીએ નોર્ડ સ્ટ્રીમ-૨ નામની બીજી પાઈપલાઈન પણ શરૂ કરી છે. જોકે, બીજી પાઈપલાઈન હજુ એક્ટિવ થઈ નથી.

વેલ, રશિયા-યુરોપની પાઈપલાઈન ધીકતી કમાણી કરીને આપવા માંડી એનાથી ઉત્સાહિત થઈને રશિયાએ ચીનને જોડતી પાઈપલાઈન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રશિયાના સાઈબેરિયાથી રશિયન સરહદે આવેલા ચીનના હૈહી સુધી બિછાવાયેલી આ પાઈપલાઈન પાવર ઓફ સાઈબેરિયાના નામે ઓળખાય છે. જર્મની સાથે નોર્ડ સ્ટ્રીમ-૧ માટેે જે અરસામાં વાટાઘાટો ચાલતી હતી એ પછી તુરંત જ રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમે ચીનની સરકારી કંપની સીએનપીસી સાથે ચર્ચા વિચારણા શરૂ કરી હતી. ઘણાં વર્ષોની વાટાઘાટો બાદ આખરે ૨૦૧૧માં કરારો થયા હતા અને ૨૦૧૨માં એનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું. ૨૦૧૯થી ઓપરેશનલ થયેલી આ પાઈપલાઈનના હજુ માત્ર બે કમ્પ્રેશન સ્ટેશન્સ બન્યાં છે. એ પાઈપલાઈન સંપૂર્ણપણે આ વર્ષના અંતે કે આવતા વર્ષે ઓપરેશનલ થશે. રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ અને ચીનની સરકારી કંપની સીએનપીસી આ ગેસલાઈનની માલિકી ધરાવે છે. રશિયા વર્ષે આ પાઈપલાઈન મારફતે ચીનને ૩૫ અબજ ક્યુબિક મીટર ગેસ મોકલે છે. એકાદ વર્ષમાં પાઈપલાઈનથી ચીનમાં પહોંચતો ગેસનો જથ્થો વર્ષે ૪૪ અબજ ક્યૂબિક મીટરનો થઈ જશે. આમ તો પાઈપલાઈનની વાર્ષિક ક્ષમતા ૬૧ અબજ ક્યુબિક મીટર સુધીની છે. તમામ ૯ કમ્પ્રેશન સ્ટેશન એક્ટિવ થઈ જશે પછી શક્ય એટલો મોટો જથ્થો આ પાઈપલાઈનથી જ ચીન પહોંચશે. ચીને પણ પછી છેક હૈહીથી શાંઘાઈ સુધીની ૩૩૭૧ કિલોમીટરની પાઈપલાઈન બિછાવી છે. એના માધ્યમથી આ ગેસ શાંઘાઈ પહોંચે છે અને ત્યાં પ્રોસેસ થયા બાદ ચીન એને દેશના જુદા જુદા પ્રાંતોમાં સપ્લાય કરે છે.

આ પાઈપલાઈનનું કામ શરૂ થયું કે તરત રશિયાએ એક તરફ જર્મની સાથે નોર્ડ સ્ટ્રીમ-૨ના કરારો કર્યા, બીજી તરફ ચીન સાથેય પાવર ઓફ સાઈબેરિયા-૨ની વાટાઘાટો આદરી દીધી. આ પાઈપલાઈનમાં રૂટ બદલાયો હતો. પહેલી લાઈન સાઈબેરિયાના ઈસ્ટર્ન રૂટમાંથી પસાર થતી હતી. બીજો પ્રસ્તાવ સાઈબેરિયાના વેસ્ટર્ન ભાગમાંથી નીકળીને મોંગોલિયામાંથી ચીનમાં જતો હતો. એ રૂટ ચીનના કહેવાથી વાયા મોંગોલિયા કરાયો હતો. કારણ કે મોંગોલિયાની સરહદે પહોંચેલા ગેસને વિશાળ ચીનના અન્ય પ્રાંતોમાં પહોંચાડવાનું સરળ બને તેમ હતું. ચીને જ એનો બીજો વિકલ્પ કઝાખ્સ્તાનમાંથી પસાર કરવાનો પણ આપ્યો. ચીન ઈચ્છતું હતું કે આ પાઈપલાઈનના બે એક્સટેન્શન હોય - રશિયાના સાઈબેરિયામાંથી નીકળતી પાઈપલાઈનનો એક રૂટ કઝાખ્સ્તાનમાંથી ચીનમાં આવે, બીજો રૂટ મોંગોલિયામાંથી ચીનમાં આવે. અથવા તો મોંગોલિયા કે કઝાખ્સ્તાન બેમાંથી કોઈ એક દેશમાંથી ચીનમાં આવે. રશિયા સાઈબેરિયાના રસ્તે એક લાઈન ચાલે છે એ જ રૂટમાં ચીનમાં પહોંચાડે એવી ચીનની ઈચ્છા ન હતી.

બે-ત્રણ વર્ષની વાટાઘાટો પછી આખરે બંને પક્ષે સહમતી ન થઈ એટલે ૨૦૧૩માં વાત અટકી ગઈ. ૨૦૧૪માં ચીનના પ્રમુખ જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિને બંને દેશની સરકારી કંપનીઓના અધિકારીઓના નિર્ણયમાં દખલ કરીને પ્રોજેક્ટ ફરી શરૂ કરાવ્યો. બંને દેશોના વડાઓના કહેવાથી વાયા મોંગોલિયા રૂટ ફાઈનલ થયો. મોંગોલિયાની સરકાર અને રશિયન કંપની વચ્ચે ચર્ચા-વિચારણા થઈ. વર્ષે મોંગોલિયાની સરકારને ટ્રાન્ઝિટ ફી પેટે એક અબજ ડોલરની રકમ આપવાનું નક્કી થયું. મોંગોલિયાની સરકારે લીલી ઝંડી આપી પછી ફરીથી પ્રોજેક્ટ આગળ વધ્યો, પરંતુ ૨૦૧૫માં પ્રોજેક્ટ ફરી અટકી પડયો. કારણ એવું હતું કે મોંગોલિયાને ટ્રાન્ઝિટ ફી આપવાની હતી એટલે રશિયાએ ગેસની કિંમતમાં થોડો વધારો કર્યો હતો. ચીન વધારો આપવા તૈયાર ન થયું. ૧૫ વર્ષ સુધી જૂના ભાવે અને પછીના ૧૫ વર્ષ નવા ભાવે એમ ૩૦ વર્ષના સમયગાળાની શરતો સાથે ૨૦૨૦માં બંને દેશો નવી પાઈપલાઈન માટે તૈયાર થયા, પરંતુ રશિયા-યુક્રેનનું યુદ્ધ થયું ને યુરોપે રશિયન ગેસ પર પ્રતિબંધ મૂક્યો એટલે ચીને તક ઝડપી લીધી. ભાવમાં ફેરવિચારણા કરવાના નામે ચીની કંપનીએ પ્રોજેક્ટ લટકાવી દીધો.

આખરે તાજેતરની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓમાં જિનપિંગ-પુતિનની બેઠકમાં પાવર ઓફ સાઈબેરિયા-૨ પાઈપલાઈન બિછાવવા કરાર થયો છે. બંને દેશોએ એની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ૨૦૩૦ સુધીમાં એ ઓપરેશનલ કરવાની ધારણા છે. જોકે, કઈ શરતો સાથે સહમતી થઈ છે અને ભાવમાં કોણે બાંધછોડ કરી એની કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આ પાઈપલાઈન આવતા પાંચ વર્ષમાં એક્ટિવ થઈ જશે તો રશિયા વર્ષે બમણો ગેસ ચીન મોકલશે. તેનાથી રશિયાને ગ્લોબલ ગેસનું મોટું માર્કેટ મળશે. કદાચ યુરોપનો રૂટ કાયમ માટે બંધ થાય તો પણ રશિયા આ રૂટના માધ્યમથી એની ભરપાઈ કરી લેશે. ઉર્જા સેક્ટરમાં રશિયા-ચીનનો પ્રભાવ વધશે.