Editorial

આદત સે મજબૂર: મધ્ય-પૂર્વમાં અમેરિકાની દખલ નાકામ નીવડી

By GS TEAM
11 Jul 20255 mins read
આદત સે મજબૂર: મધ્ય-પૂર્વમાં અમેરિકાની દખલ નાકામ નીવડી

- વર્લ્ડ વિન્ડો

- સુએઝ નહેરને લઈને 1956માં શરૂ થયેલી ક્રાઈસિસ હોય કે ઈરાન-ઈરાક યુદ્ધ હોય કે પછી સીરિયાનું ગૃહયુદ્ધ હોય, ગલ્ફ વૉર હોય કે લેટેસ્ટ ઈરાન-ઈઝરાયલનો સંઘર્ષ હોય - અમેરિકાને મધ્ય-પૂર્વમાં દખલ દીધા વગર ચાલ્યું નથી

૧૮૫૭માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ અરસામાં બ્રિટિશ અધિકારીઓએ તેની સમજ માટે અરબી સમુદ્રના સામા કાંઠાના અને પર્શિયન ગલ્ફના કાંઠે આવેલા દેશોને 'મિડલ ઈસ્ટ' કહેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઈરાન, ઈરાક, તુર્કી, સાઉદી, ઈજિપ્ત, સુદાન, યમન, ઓમાન જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે સમયે તો ૨૧ જેટલા દેશો મિડલ ઈસ્ટ ગણાતા હતા, પરંતુ વિશ્વયુદ્ધ પછી મધ્ય-પૂર્વની વ્યાખ્યા સ્પષ્ટ થઈ એ પ્રમાણે બહેરિન, સાયપ્રસ, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, ઓમાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કી, યુએઈ, યમન મિડલ ઈસ્ટના દેશો કહેવાય છે.

પેટ્રોલિયમના કારણે ગ્લોબલ પોલિટિક્સનું મેદાન બનેલો આ વિસ્તાર સેંકડો વર્ષોથી હિંસાની આગમાં બળી રહ્યો છે. એક સમયે ધર્મયુદ્ધો થયેલાં ત્યારે એનું એપી સેન્ટર પણ આ મિડલ ઈસ્ટમાં હતું. યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ, જરથોસ્તી જેવા ધર્મોનો ઉદય આ વિસ્તારમાં થયો હતો. ઈઝરાયલનું જેરૂસલેમ યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ એમ ત્રણ મહત્ત્વના ધર્મોનું પવિત્ર સ્થાન હોવાથી કાયમ વિવાદ રહ્યો છે અને મિડલ ઈસ્ટ અશાંત રહેવા પાછળ આ એક અગત્યનું કારણ રહ્યું છે.

પેટાળમાં ખનીજતેલ સાચવીને બેઠેલા આ વિસ્તાર પર આધિપત્ય જમાવવા માટે વિશ્વયુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે સ્પર્ધા જામી હતી. ૬૦ના દશકામાં ખનીજતેલના ભાવ-તાલ માટે નિર્ણાયક ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) સંગઠન બનાવવા પાછળ રશિયાની સક્રિયતા જવાબદાર હતી. ૭૦ના દાયકામાં પેટ્રોલિયમનો સોદો ડોલરમાં કરવા માટે અમેરિકાએ ખાડી દેશો સાથે પેટ્રોડોલરનો કરાર કર્યો. એ અરસામાં મિડલ ઈસ્ટના દેશો અને ઈઝરાયલ વચ્ચે થયેલા સંઘર્ષમાં પણ અમેરિકાએ ઈઝરાયલને ટેકો આપ્યો હતો. ૧૯૫૬માં ઈજિપ્તે સુએઝ નહેર પર કંટ્રોલ મેળવવાની કવાયત કરી ત્યારે અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-ઈઝરાયલે સંયુક્ત રીતે ઈજિપ્ત સામે મોરચો માંડયો હતો. ઈઝરાયલને એ દશકામાં આરબ લીગ સાથે જેટલી વખત સંઘર્ષ થયો એમાં અમેરિકાની સીધી દખલ હતી.

અમેરિકાના ઈતિહાસકારો જ દાવો કરે છે એમ અમેરિકાએ શાંતિ સ્થાપવાના નામે વિશ્વમાં અસંખ્ય વખત દખલ દીધી છે. એમાંય મિડલ ઈસ્ટ દખલગીરી માટે અમેરિકાની ફેવરિટ જગ્યા છે. ૨૦મી સદીની શરૂઆતમાં વૂડ્રો વિલ્સન પ્રમુખ હતા એ ગાળામાં અમેરિકાએ પહેલી વખત મિડલ ઈસ્ટમાં હસ્તક્ષેપ શરૂ કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ મિડલ ઈસ્ટની ભૂરાજકીય પરિસ્થિતિ પર અમેરિકાની નજર હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટનનો સૂરજ સોળે કળાએ તપતો હતો એટલે અમેરિકાએ મિડલ ઈસ્ટને લગતા નિર્ણયોમાં બ્રિટનનું સમર્થન કર્યું હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ સુધીમાં પાવરહાઉસ બની ગયેલા અમેરિકાએ એ જ અરસામાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો લડાકુ વિમાનો ઉડાડી શકાય ને લેન્ડ કરાવી શકાય તે માટે સાઉદી અરબમાં એરસ્ટ્રીપ બનાવી હતી. મિડલ ઈસ્ટમાં અમેરિકાએ કોઈ લશ્કરી યોજના પાર પાડી હોય એવો એ પહેલો બનાવ હતો.

અમેરિકાની પહેલી બોલકી દખલ ૧૯૫૩માં ઈરાનમાં થઈ હતી. ઈરાનની સરકારે અમેરિકા સાથે પેટ્રોલિયમના કરારમાં આનાકાની કરી એટલે અમેરિકા-બ્રિટને મળીને સંયુક્ત ઓપરેશન પાર પાડયું અને એમાં સરકાર જ ઉથલાવી નાખી. અમેરિકા તરફી શાહ મોહમ્મદ રઝા પહલવીને સત્તા પર બેસાડયા. મધ્ય-પૂર્વમાં અમેરિકન હસ્તક્ષેપની એ નિર્ણાયક ઘડી હતી. લોહી ચાખી ગયેલું અમેરિકા આ ઘટના પછી સતત દખલ કરતું રહેવાનું હતું.

અમેરિકામાં યહૂદી ઉદ્યોગપતિઓનો દબદબો રહેતો આવ્યો છે. આ ધનવાન યહૂદીઓના કહેવાથી અમેરિકાએ શરૂઆતથી જ ઈઝરાયલને 'યુદ્ધ-કવર' આપ્યું છે. મધ્ય-પૂર્વમાં ચારેબાજુ આરબ લીગના દેશોથી ઘેરાયેલા ઈઝરાયલના હિતોનું રક્ષણ થાય તે માટેય અમેરિકાએ એકાધિક વખત આ વિસ્તારના રાજકારણમાં દખલ દીધી છે. આરબ વર્લ્ડે જેટલી વખત ઈઝરાયલ સામે મોરચો માંડયો એટલી વખત અમેરિકા ઈઝરાયલની પાછળ મજબૂતાઈથી ઊભું રહ્યું. ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ અમેરિકાએ આરબ વર્લ્ડની આંતરિક લડાઈઓમાં પણ દખલ આપવાનું શરૂ કર્યું. એવો પહેલો હસ્તક્ષેપ હતો - ઈરાન-ઈરાક યુદ્ધમાં. ૧૯૮૦-૮૮ દરમિયાન ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાકને સમર્થન આપ્યું હતું. એ જ ઈરાકના સત્તાધીશ સદ્દામ હુસૈને કુવૈત સામે લડાઈ કરી એટલે અમેરિકાને વાંધો પડયો. ૧૯૯૦-૯૧ની આ ગલ્ફ વૉરમાં અમેરિકા સાઉદી, કુવૈત, ઈજિપ્તના પક્ષે રહ્યું ને ઈરાકને હરાવ્યું. પેટ્રોલિયમ કરારોના મુદ્દે પોતાના કહેવામાં ન રહેતા સદ્દામ હુસૈનની સત્તા પૂરી કરવા ૨૦૦૩માં ઈરાક પર અમેરિકન સૈન્યએ ચડાઈ કરી, સદ્દામને પકડી પાડવા આકાશ-પાતાળ એક કર્યાં ને અંતે સદ્દામને પકડીને મૃત્યુદંડની સજા કરાવી. મધ્ય-પૂર્વમાં આ કટોકટીના કારણે તો શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચેય સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ હતી.

૨૦૦૨થી અમેરિકાના યમનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બબ્બે દશકા બાદ પણ એમાં સફળતા મળી નહીં. અલ કાયદાથી લઈને યમન બળવાખોરો પર અમેરિકન લશ્કર હુમલા કરે છે. મૂળ તો સાઉદી સામે યમનના બળવાખોરોની લડાઈ છે. સીરિયા, ઈરાન, રશિયા, દક્ષિણ કોરિયા જેવા દેશો યમનના બળવાખોર જૂથોને સમર્થન કરે છે. અમેરિકાએ એમાં ઝંપલાવીને લડાઈને એક દશકા લાંબી ખેંચી કાઢી છે. યમનના હૂથી બળવાખોરો અમેરિકન-સાઉદી-કુવૈતના માલવાહક જહાજોને નિશાન બનાવે છે. બે વર્ષમાં હૂથી બળવાખોરોએ ૧૦૦થી વધુ હુમલા કર્યા છે. સામે અમેરિકા હૂથીઓના કેમ્પ ઉડાવી દે છે, હૂથી બળવાખોરોનાં વહાણોનો કચ્ચરઘાણ વાળી દે છે. આ સામસામી લડાઈના કારણે રાતા સમુદ્રના માર્ગે થતાં અબજો રૂપિયાના વેપાર પર કાયમ જોખમ મંડરાતું રહે છે.

સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી જ આ દેશ અમેરિકા-રશિયા વચ્ચેના પરોક્ષ યુદ્ધની રણભૂમિ બની ચૂક્યો છે. એટલું જ નહીં, સીરિયામાં તો અમેરિકાએ અડધા ડઝન દેશોને યુદ્ધમાં જોતરી રાખ્યા છે. સાઉદી અરબિયા, યુએઈ, કતર, બહેરિન, બ્રિટન જેવા દેશો પણ સીરિયન સિવિલ વૉરમાં સક્રિય છે. ઈરાન સાથેય એક દશકા કરતાં વધુ સમયથી સંઘર્ષ ચાલે છે. ઈરાન પરમાણુ હથિયારો ન બનાવે તે માટે અમેરિકા-ઈઝરાયલ મળીને હુમલા કરે છે. એવો જ હુમલો થોડા દિવસ પહેલાં થયો એમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા માંડયા હતા. હજુય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકી આપી રહ્યાં છે એ જોતાં મામલો શાંત પડયો નથી. ગમે ત્યારે ભારેલો અગ્નિ ભભૂકવા લાગશે ને એની જ્વાળાઓ આખા વિશ્વને દઝાડશે.

વેલ, મધ્ય-પૂર્વના દેશોમાં શાંતિ સ્થાપવાના નામે અમેરિકાની દખલગીરી ખરેખર તો અશાંતિ સર્જે છે. છેલ્લા આઠ દશકાનો રેકોર્ડ જોતાં કહેવું જોઈએ કે મિડલ-ઈસ્ટમાં અમેરિકાનો છેલ્લામાં છેલ્લો હસ્તક્ષેપ પહેલીવારનો નથી અને છેલ્લીવારનો પણ નહીં હોય.