અરબી સમુદ્રમાં આવેલું પાસની બંદર અમેરિકાને આપવાની પાકિસ્તાનની ફિરાકવર્લ્ડ વિન્ડો

- અરબી સમુદ્રમાં આવેલા પાસની બંદરનો વિકાસ કરવાના બહાને અમેરિકા એનો કબજો મેળવવા માગે છે. એનાથી અમેરિકાની પહોંચ અરબી સમુદ્રમાં વધી જાય અને તેનાથી ચેતવું જરૂરી છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે છેલ્લાં ૧૦ મહિનામાં વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલાઈ ગયા. ટ્રમ્પે એવા અણધાર્યા નિર્ણયો લીધા કે જેનાથી કેટલાય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં પરિવર્તન આવ્યું. યુરોપિયન સંઘ અમેરિકાના ભરોસે રહેતું આવે છે. અમેરિકા યુરોપિયન સંઘના આર્થિક-રાજકીય અને સંરક્ષણ હિતોને પ્રાધાન્ય આપતું આવે છે. અમેરિકા-બ્રિટન વચ્ચેના સંબંધો પણ કાયમ મજબૂત રહ્યા છે. અમેરિકા-જાપાનના આર્થિક સંબંધોમાં એકબીજાના હિતોને ધ્યાનમાં લેવામાં આવે છે. નાટોમાં અમેરિકાનો પડયો બોલ ઝીલાતો આવે છે. અમેરિકા-ભારતના દ્વિપક્ષીય સંબંધો અગાઉ ક્યારેય ન હતા એટલા મજબૂત છેલ્લાં એક-દોઢ દશકામાં થયા હતા.
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક આ બધા જ સમીકરણો બદલી નાખ્યા. દુનિયાભરના દેશો સામે ટ્રેડ વૉર છેડીને ટ્રમ્પે આર્થિક કરારોને મોટો ફટકો પહોંચાડયો. યુરોપિયન સંઘે તો અમેરિકાના ઓછાયામાંથી બહાર નીકળીને આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના પ્રયાસો આદરી દીધા. જર્મની અને ફ્રાન્સે સૈન્યનો વિસ્તાર કરવાનો મનસૂબો જાહેર કરી દીધો. જાપાને સૈન્યની શક્તિ વધારવા બજેટની ફાળવણી કરી દીધી. ભારતે અમેરિકાના ટેરિફ પછી વૈકલ્પિક માર્કેટની તલાશ આદરી દીધી. ભારત-ચીનના સંબંધો કેટલાય સમયથી વણસેલા હતા, પરંતુ ટ્રમ્પના આડેધડ નિર્ણયો પછી બંને દેશોને એકબીજાનો ખપ પડયો એટલે સંબંધોમાં સ્થિરતા લાવવાના પ્રયાસો શરૂ થયા. આ બધા સમીકરણો તીવ્ર ઝડપે બદલાતા જોવા મળ્યા છે.
આ બધા વચ્ચે ભારતના દૃષ્ટિકોણથી એક અણધાર્યા સમીકરણે એકાએક આકાર લીધો. એ સમીકરણનું નામ છે - અમેરિકા-પાકિસ્તાન. અમેરિકા વર્ષો પહેલાં અલકાયદાના નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને મદદ કરતું હતું. એકાદ દશકા પહેલાં અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય તૈનાત હતું. તાલિબાન અને અલકાયદાના આતંકવાદી સંગઠનોનો ખાતમો બોલાવવા માટે અમેરિકા તો લડત આપતું હતું, પરંતુ પાકિસ્તાનની સરહદેથી અફઘાનિસ્તાનમાં અમેરિકાના લશ્કરી કેમ્પો પર હુમલો થતો હતો તેને અટકાવવા માટે અમેરિકન સરકાર પાકિસ્તાનને સહાય આપતી હતી. પાકિસ્તાની સૈન્ય તાલિબાન અને અલકાયદા પર હુમલો કરે એવો કરાર બંને દેશો વચ્ચે થયો હતો.
એ આર્થિક સહાયનો ઉપયોગ પાકિસ્તાનની સરકાર ભારતમાં આતંકવાદ ફેલાવવા કરતી હતી. પાકિસ્તાનનું લશ્કર અમેરિકાના ફંડમાંથી આતંકવાદીઓને તાલીમ આપતું અને ભારતની સરહદેથી ઘૂસણખોરી કરાવીને ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપતું હતું. ભારતે એકથી વધુ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે એના પુરાવા આપ્યા પછી દુનિયા સામે પાકિસ્તાનની પોલ ખુલી. અમેરિકાએ પણ પાકિસ્તાનને જે ફંડ મળતું એ બંધ કર્યું. આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને મળતું ફંડ બંધ કરનારા પ્રમુખનું નામ હતું ડોનાલ્ડ ટ્રમ્પ.
૨૦૧૬માં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી પાકિસ્તાનને સહાય બંધ કરી. એ ચાર વર્ષના સમયગાળામાં અમેરિકા-પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધોમાં અભૂતપૂર્વ ઓટ આવી હતી. પાકિસ્તાન બન્યું ત્યારથી અમેરિકા પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી સહાય કરતું હતું, પરંતુ ઓબામાની વિદેશનીતિમાં પરિવર્તન દેખાયું. ૯-૧૧નો હુમલો કરનારો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી પકડાયો એ પછી ઓબામાને સમજાઈ ગયું કે પાકિસ્તાન ડબલ ગેમ રમતું હતું. અમેરિકા પાસેથી ફંડ લઈને અમેરિકાના દુશ્મનને જ સાચવતું હતું. છતાં અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય તૈનાત હતું એટલે પાકિસ્તાનને મળતી સહાય સદંતર બંધ ન કરી. એ સિવાયના સંબંધોમાં અસર દેખાવાની શરૂ થઈ હતી.
તેમના અનુગામી ટ્રમ્પે તો એ ફંડ સદંતર બંધ કરી દીધું અને પાકિસ્તાન સાથેના સંબંધો ઐતિહાસિક તળિયે પહોંચી ગયા! ઓબામાએ ભારત સાથેના સંબંધો વધુ બહેતર બનાવ્યા અને ટ્રમ્પે એ પરંપરાને પહેલી ટર્મમાં આગળ વધારી. ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા એવો દાવો તો ખુદ અમેરિકા કરવા લાગ્યું હતું. ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રના અગાઉ ક્યારેય ન થયા હોય એવા સોદા પાર પડવા માંડયા હતા. કોરોનાની મહામારી દેશ પર મંડરાતી હતી એ પહેલાં તો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે પણ આવી ગયેલા. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને ખાળવા માટે અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયાના ક્વાડ સહયોગની વૈશ્વિક સ્તરે ચર્ચા થવા માંડી હતી. ચારેય દેશોના નેતાઓ - ખાસ તો ભારત-અમેરિકાના સ્ટેટ હેડ અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળોએ દોસ્તીની દુહાઈઓ દેવા માંડયા હતા. બાઈડેનના કાર્યકાળમાં પણ ભારત-અમેરિકાના સંબંધો સ્થિર રહ્યા અને અમેરિકા-પાકિસ્તાનના સંબંધો શુષ્ક રહ્યા. પાકિસ્તાનના વડાપ્રધાનોને અમેરિકામાં ભાવ મળતો પણ બંધ થઈ ગયો.
પરંતુ ટ્રમ્પ આ વર્ષની શરૂઆતે બીજી ટર્મ માટે સત્તામાં આવ્યા બાદ મહિનાઓમાં બધા સમીકરણો બદલાઈ ગયા. ટ્રમ્પને અચાનક જ્ઞાાન લાદ્યું કે ભારત-અમેરિકાના વેપારમાં અમેરિકાને નુકસાન થાય છે. ભારતને પણ ચીનની જ લાકડીએ હાંકીને ટેરિફ લગાડી દીધો. આટલું ઓછું હોય એમ પાકિસ્તાનને ગળે લગાડવા દોટ મૂકી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના સૈન્ય વડા અસીમ મુનીરનું અમેરિકામાં સ્વાગત કર્યું અને બંને સાથે ટ્રમ્પે દુર્લભ ખનીજની 'સિક્રેટ ડીલ' પણ કરી. પાકિસ્તાને દુર્લભ ખનીજ ભરેલું પહેલું જહાજ અમેરિકા મોકલ્યું એ પછી સિક્રેટ ડીલની પાકિસ્તાનમાં ભારે ચર્ચા થઈ. પાકિસ્તાનના મિડીયામાં શાહબાઝ સરકારની આકરી ટીકા થઈ. વિપક્ષોએ પણ સરકાર દેશનો દુર્લભ ખજાનો અમેરિકાને આપે છે તેનો વિરોધ કર્યો. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-પાકિસ્તાને એવી માગણી કરી કે શાહબાઝ સરકાર સંસદગૃહમાં દેશ સમક્ષ સિક્રેટ ડીલમાં શું રંધાયું એ જણાવે.
આ બધા અહેવાલો વચ્ચે જે નવો દાવો થયો એ ભારતના દૃષ્ટિકોણથી ચોંકાવનારો છે. પાકિસ્તાનની સરકાર અમેરિકાને પાસની બંદર આપવાની ફિરાકમાં છે. અરબી સમુદ્રમાં આવેલા પાસની બંદરને વિકસાવવા માટે અમેરિકા સાથે કરાર થશે. પાસની બંદરમાં ખૂબ કાંપ ભરાઈ ગયો છે. એમાં એટલો મોટો ખર્ચ થાય એમ છે કે પાકિસ્તાનની સરકારને પોષાય તેમ નથી. અમેરિકાએ એ તોતિંગ ખર્ચ ઉઠાવવા તૈયાર છે.પાસની બંદર ગ્વાદરની નજીક છે. બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા પાસની બંદરથી અમેરિકાની નજર ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડર પર પણ રહેશે એટલે ચીન માટેય આ અનુકૂળ સ્થિતિ નહીં હોય. પાસની બંદર પાકિસ્તાન-ઈરાન સરહદે છે એટલે અમેરિકાને વધારે અનુકૂળ છે.
આ બંદર અમેરિકા પાસે હોય તો ઈરાન-અફઘાનિસ્તાન સુધી અમેરિકાની પક્કડ મજબૂત બનશે, પરંતુ ભારત માટે પણ આ સારી નિશાની નથી. એનાથી અમેરિકાનો અરબી સમુદ્રમાં પ્રભાવ વધશે. અત્યારે અરબી સમુદ્રમાં ભારતની પક્કડ ખૂબ સ્ટ્રોંગ છે. પાકિસ્તાન ભારતને ટક્કર આપી શકે તેમ નથી. પાકિસ્તાન પાસે ભારત જેવી ટેકનોલોજી નથી, પરંતુ અમેરિકા પાસે આ બંદર હોય તો ભારત પણ નજર રાખી શકે. અમેરિકા ટેકનિકલ સાઉન્ડ છે.
વિશ્વમાં રાજકીય સમીકરણો બદલાય ત્યારે ઘણું બદલાતું હોય છે. પાકિસ્તાન અમેરિકાને દુર્લભ ખનીજો આપે ત્યાં સુધી વાંધો નથી, આખેઆખું બંદર આપી દે એ ભારત માટે ગંભીર નિશાની ગણાવી જોઈએ. ભારતના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે આ યોગ્ય સ્થિતિ નથી.








