Editorial

ટેરિફ વૉરથી 2025ના અંત સુધીમાં ચીનના અર્થતંત્રને ફટકો પડશે

By GS TEAM
8 Aug 20255 mins read
ટેરિફ વૉરથી 2025ના અંત સુધીમાં ચીનના અર્થતંત્રને ફટકો પડશે

- વર્લ્ડ વિન્ડો

- ચીનના આયાત-નિકાસ ક્ષેત્રમાં 18 કરોડ લોકોને રોજગારી મળતી હતી. હવે એ ક્ષેત્રમાં દોઢ કરોડ લોકો બેરોજગાર બન્યા છે. અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરની સીધી અસર ચીનના અર્થતંત્ર પર પડવા માંડી છે

ચીનમાં ૨૦૧૩માં શિ જિનપિંગે સત્તા સંભાળી એ સાથે જ ઘણાં પરિવર્તનો શરૂ થયા હતા. જિનપિંગે બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ નામનો મહાત્વાંકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ચીનના દાવા પ્રમાણે ૧૪૬ દેશો બીઆરઆઈ પ્રોજેક્ટમાં જોડાઈ ચૂક્યા છે. ૧૦૦ જેટલા દેશોમાં બીઆરઆઈના બેનર હેઠળ ૨૬૦૦ નાના-મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટમાં કુલ ૧.૫ ટ્રિલિયન ડોલરનું રોકાણ થઈ ચૂક્યું છે. બીજી તરફ જિનપિંગે નિકાસમાં ધ્યાન આપ્યું. દુનિયાના ખૂણે ખૂણે ચીનની સસ્તી ચીજવસ્તુઓ પહોંચતી હતી. એનો વિસ્તાર કર્યો. વિદેશી રોકાણકારોને ચીનમાં આવકાર્યા. મોબાઈલ કંપનીઓથી લઈને કાર ઉત્પાદક કંપનીઓએ આ ગાળામાં ચીનમાં ઉત્પાદન શરૂ કર્યું. ચીનની સરકાર હસ્તકની કંપનીઓને લાભ થાય એવી પોલિસી બનાવી. દેશની મોટી કંપનીઓને વિદેશમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી અને એ રીતે ચીની કંપનીઓનો પથારો ભારત-અમેરિકા સહિતના દેશોમાં વધ્યો. ઠેર-ઠેર ચીની મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ યુનિટ બનાવીને ચીનમાં નફાનો હિસ્સો મોકલાવ્યો. બેંકિંગ સિસ્ટમને સરળ બનાવવા માટે જિનપિંગે પગલાં ભર્યા. ગયા વર્ષે તો જિનપિંગે દાવો પણ કર્યો કે તેના કાર્યકાળમાં ચીનની સરકારે ૧૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને તેમને રોજગારી આપી છે.

જિનપિંગના કાર્યકાળમાં જ ચીનના અર્થતંત્રમાં મોટો ઉછાળો આવ્યો. ૨૦૧૨માં ચીનનું અર્થતંત્ર ૮.૫૩ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૧માં વધીને ૧૭.૭૩ ટ્રિલિયન ડોલર થયું. જિનપિંગ પોતાની આર્થિકનીતિને ડયૂઅલ સરક્યુલેશન કહે છે. એટલે કે સ્થાનિક સ્તરે જે આર્થિક વિકાસ થયો એટલો જ વિકાસ વિદેશી વેપારમાં પણ થયો. ચીનની પ્રોડક્ટિવિટી છેલ્લાં આઠેક વર્ષમાં વધી તેનો યશ પણ જિનપિંગને અપાઈ રહ્યો છે. કેટલાય સેક્ટર્સ તો એવા છે ચીનનો વિરોધ છતાં એ ચીજવસ્તુઓ ચીનમાંથી જ આયાત કરવી પડે છે. અમેરિકા-ભારત સહિતના દેશોએ કોરોના દરમિયાન કે બીજા વિવાદોના કારણે ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અસંખ્ય ચીજવસ્તુઓ ચીનમાંથી આયાત કરી હતી. અમેરિકાની એકથી વધુ થિંક ટેન્ક રશિયાને નહીં પણ ચીનને અમેરિકાનું નજીકનું હરીફ ગણાવે છે - આર્થિક અને સંરક્ષણ બંને રીતે.

આવી સ્થિતિ વચ્ચે ૨૦૨૦ પછી ચીનની નિકાસ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. કોરોના ફેલાવવામાં ચીની લેબની શંકાસ્પદ ભૂમિકાનો આરોપ લાગ્યો એ પછી દુનિયાભરમાં ચીન સામે રોષ ભભૂક્યો હતો. મોટાભાગના દેશો કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવતા હતા. ચીનમાંથી ઘણાં દેશોએ અનિવાર્ય ચીજવસ્તુઓ સિવાયની આયાત ઓછી કરી હતી. ભારત સાથે ચીનને લદાખ સરહદનો વિવાદ સર્જાયો હોવાથી ભારતે અસંખ્ય ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકા સાથે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ટ્રેડવોર શરૂ થયું હોવાથી ચીનને મોટો ફટકો પડયો હતો. અમેરિકાએ તો તાઈવાન અને દક્ષિણ ચીની સમુદ્રમાં ફ્રી નેવિગેશનના મુદ્દે ચીનની કંપનીઓ સામે આક્રમક પગલાં ભર્યા હતા. યુરોપિયન સંઘે હ્મુમન રાઈટ્સ સહિતના મુદ્દે ચીનનો વિરોધ કરીને તેનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું હતું. બ્રિટને પણ ચીની કંપનીઓ પર ટેક્સ વધારીને નિયંત્રણો મૂક્યા હતા. આ બધાની સીધી અસર ચીનના અર્થતંત્ર પર પડી.

વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે ચીનની નિકાસવૃદ્ધિનો દર ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન જીડીપીના ૨૩.૫ ટકા જેટલો ઊંચો હતો. કોરોનાકાળ પછી એ નિકાસવૃદ્ધિ દર ઘટીને જીડીપીના ૧૮.૪ ટકા થયો છે. ચીનના આયાત-નિકાસ ક્ષેત્રમાં ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી. હવે એ ક્ષેત્રમાં દોઢ કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ચીની અર્થતંત્રની વૈશ્વિક ગતિ ધીમી પડી ગઈ છે. જીડીપીની રીતે દુનિયાનું બીજા નંબરનું અર્થતંત્ર ધરાવતા ચીને ૫.૫ ટકાના દરે વિકાસનો લક્ષ્યાંક બનાવ્યો હતો, પરંતુ ૪.૩ ટકાએ વિકાસદર રોકાઈ ગયો છે. ટ્રમ્પ સામે જિનપિંગે ટેરિફ વોર શરૂ કરી દીધું છે ને અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું છે, પરંતુ એનાથી ચીનની ડીજીપી એક ટકા ઘટે એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ચીનની સેન્ટ્રલ બેંક માટે અર્થતંત્રને ધમધમતું રાખવાનું મુશ્કેલ બની ગયું છે. ચીનની સેન્ટ્રલ બેંકે વ્યાજદર વધારીને એક આકરું પગલું તો ભર્યું છે, હજુય વિવિધ લોન મોંઘી થાય એવું જોખમ મંડરાઈ રહ્યું છે. ટ્રેડવોરના કારણે અરાજકતાનો માહોલ છે. અધૂરી ઈમારતોનું કામ શરૂ ન થતાં લોકોએ હોમલોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે, તેનાથી બેંકો પર ભારણ વધ્યું છે. અર્થતંત્રમાં બાંધકામ ક્ષેત્રનો હિસ્સો ૨૫ ટકા જેટલો છે. પરંતુ ચીની નાગરિકોનો વિશ્વાસ હાઉસિંગ સેક્ટરમાંથી ઉડી જતાં મધ્યમવર્ગનું રોકાણ મળતું નથી. ટૂરિઝમથી લઈને બાંધકામ ક્ષેત્ર સુધી તેની અસર થઈ છે. અધૂરામાં પૂરું ક્લાઈમેટ ચેન્જની માઠી અસરો પણ ચીનમાં પડવા માંડી છે. ચીનમાં જળપ્રપાતની પરિસ્થિતિ સર્જાતા અબજો ડોલરનું નુકસાન થયું છે. 

ચીની કંપનીઓ ટેન્સેટ અને અલીબાબાના નફામાં ગયા ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો. છેલ્લાં બે મહિનામાં જ ટેકનોલોજી ક્ષેત્રમાં હજારો લોકોએ નોકરી ગુમાવી છે. વિદેશી રોકાણકારોએ ટેકનોલોજી કંપનીઓમાંથી રોકાણ પાછું ખેંચવાનુું શરૂ કરતાં આ કંપનીઓ આર્થિક તંગી વેઠી રહી છે. જાપાનની સોફ્ટબેંકે અલીબાબામાંથી રોકાણ પાછું ખેંચી લીધું તો વોરેન બફેટે પણ ચીની કંપની સાથે ભાગીદારીનો અંત લાવવાની તૈયારી આદરી છે. બીજી તરફ ભારત-અમેરિકા જેવા દેશો સાથે ચીને વિસ્તારવાદની મહાત્વાકાંક્ષા અને આતંકવાદ સહિતના મુદ્દે અવળચંડાઈના કારણે સંબંધો બગાડયા છે. ભારતમાં કેટલીય ચીની કંપનીઓ સામે આર્થિક ગોટાળાની તપાસ ચાલી રહી છે. અમેરિકાએ તો પ્રતિબંધો મૂકીને ઘણી કંપનીઓના ઉત્પાદન યુનિટ બંધ કરી દીધા છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ ચીની કંપનીઓ પર પણ અમેરિકન તપાસ એજન્સી દબાવ બનાવી રહી છે. ટૂંકમાં, સ્થાનિક અને વિદેશી એમ બંને સ્તરે પૂરપાટ દોડતું ચીનનું અર્થતંત્ર અત્યારે એ બંને સ્તરે નબળું પડી રહ્યું છે.

આ વર્ષે ફિચના અહેવાલમાં દાવો થયો હતો કે ચીનનું અર્થતંત્ર ધારણા કરતાં વધુ મંદ પડી જશે. ચીનને કોરોના પછીની સ્થિતિથી નીકળવામાં માંડ સફળતા મળી હતી ત્યાં જ અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ આવી જતાં કંપનીઓનો દ્વિપક્ષીય વેપારને ફટકો પડયો છે. ટ્રમ્પની ધમકીઓના પગલે ચીનને રોકાણ મળતું બંધ થયું છે. વિદેશી રોકાણકારો અન્ય દેશોમાં રોકાણની શક્યતા તલાશી રહ્યા છે. ચીનની નિકાસ ઘટશે એટલે પ્રોડક્શન પર અસર થયા વગર રહેવાની નથી. અમેરિકા-ચીન વચ્ચે અબજો ડોલરનો વેપાર છે. ગયા વર્ષે જ ચીને ૫૦૦ અબજ ડોલરનો સામાન અમેરિકામાં વેચ્યો હતો. ચીન આ વર્ષે આટલી નિકાસ અમેરિકામાં કરી શકે તેમ નથી. ચીન પર જો ટ્રમ્પ મોટો ટેરિફ લગાડશે તો ચીનના અર્થતંત્રને આ વર્ષના અંત સુધીમાં બહુ જ મોટો ફટકો પડશે એ નક્કી છે. અમેરિકાને તો ચીન સામે ટ્રેડ વોર હજુ પોષાય તેમ છે, પરંતુ ચીનને અમેરિકા સામેનું ટ્રેડ વોર બહુ જ ભારે પડવાનું છે. ચીનને નવું માર્કેટ તલાશતા પાંચ વર્ષ નીકળી જશે.