Editorial

ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકા-કેનેડાનો ક્રેઝ ઘટયો

By GS TEAM
6 Nov 20255 mins read
ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકા-કેનેડાનો ક્રેઝ ઘટયો

- વર્લ્ડ વિન્ડો

- ટ્રમ્પના કડક વલણના કારણે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં ૪૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેની સામે યુરોપના દેશોમાં ૩૨ ટકા જેટલો વધારો નોંધાયો છે

વિશ્વયુદ્ધ પછી આખી દુનિયામાં સ્વતંત્રતાનો માહોલ સર્જાયો હતો. તેની સીધી અસર શિક્ષણ પર પણ પડી હતી. દુનિયાભરના વિદ્યાર્થીઓ જે દેશોમાં શિક્ષણની સારામાં સારી તકો હતી ત્યાં જઈને ભણવા લાગ્યા. એ વખતે ટેલેન્ટેડ વિદેશી વિદ્યાર્થીઓને આવકારવા માટે વિદેશી યુનિવર્સિટીઝ સ્કોલરશિપ ઓફર કરતી હતી. પોતાના દેશને બદલે બીજા કોઈ દેશમાં, ખાસ તો અમેરિકામાં ભણીને એ જ દેશમાં નોકરી કરવાનું વધ્યું હતું. અમેરિકા તો ઉચ્ચ શિક્ષણ માટે કેન્દ્રબિંદુ બની ગયું. વિદેશી ટેલેન્ટને તક આપવામાં અમેરિકાનાં ઉદાહરણો અપાતાં થયાં.

અમેરિકામાં કેટલાય વિદેશી મૂળના નાગરિકોએ પછી તો વિભિન્ન ક્ષેત્રોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. એમાંય અમેરિકાના સાયન્સ અને ટેકનોલોજીના વિકાસમાં તો વિદેશી ટેલેન્ટનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. અમેરિકામાં સાયન્સ-ટેકનોલોજીની આખી ક્રાંતિ જ વિદેશી ટેલેન્ટના ખભા પર થઈ. કેટલાય વિદેશી નાગરિકોએ અમેરિકાને ઘર બનાવીને તેમનું શ્રેષ્ઠ કામ અમેરિકાને આપ્યું. અમેરિકાએ ઉચ્ચ શિક્ષણની તક આપી ને તેના બદલામાં સેંકડો વિદેશી સ્ટુડન્ટ્સને અમેરિકાને પોતાનાં સર્જનો આપ્યા. વિદેશી સ્ટુડન્ટ્સને આવકારવાનો ફાયદો આ રીતે બંને પક્ષે થયો.

અમેરિકાની તર્જ પર પછી તો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જેવા કેટલાય દેશોએ હાથ પહોળા કરીને વિદેશી ટેલેન્ટને આવકારી. આ દેશોમાં ઉચ્ચ સ્ટડીનો એવો માહોલ બન્યો કે એશિયા-આફ્રિકાથી સેંકડો સ્ટુડન્ટ્સ દર વર્ષે આ દેશોમાં આવીને સ્ટડી કરવા લાગ્યા અને પછી નોકરી કરીને તેમના અર્થતંત્રમાં પ્રદાન પણ આપવા લાગ્યા. તેના પરિણામે આખી સ્ટૂડન્ટ ઈકોનોમી સર્જાઈ. સ્ટુડન્ટ્સને વિઝા આપવાથી લઈને તેમની કોલેજ-ટયુશન ફી, તેમને રહેવા-જમવાની સુવિધા આપવા પર સેંકડો લોકોને રોજગારી મળવા લાગી. એકલા અમેરિકામાં જ ૬૦ લાખ નોકરીઓ વિદેશી વિદ્યાર્થીઓના કારણે સર્જાય છે.

પરંતુ અચાનક છેલ્લાં પાંચ-આઠ વર્ષથી દુનિયાભરમાં અતિ રાષ્ટ્રવાદનું મોજું ફરી વળ્યું છે. કેટલાય દેશોમાં કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટીઓનો દબદબો વધ્યો છે. કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારાના સમર્થક નાગરિકોને લાગવા માંડયું કે વિદેશીઓ આવીને તેમની રોજગારી ઝૂંટવી રહ્યા છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન રાજકારણમાં ઉદય થયો પછી તો આખું ચિત્ર જ બદલાઈ ગયું. પ્રોગ્રેસિવ દેશોમાં જે વાત માનવતાના ધોરણે જાહેરમાં કહેવાતી ન હતી એ જ ભેદભાવની વાત ટ્રમ્પ ચૂંટણી સભાઓમાં કહેવા લાગ્યા. વિદેશીઓ આવીને સ્થાનિક યુવાનોની તકો આંચકી લે છે એ વાત એટલી જોરશોરથી કહેવાઈ કે તેની અસર તો પછી દુનિયાભરમાં પડી. અમેરિકામાં ટ્રમ્પની પ્રથમ ટર્મથી જ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના કિસ્સા વધવા લાગ્યા. હેટ-ક્રાઈમનો રેટ અગાઉ ક્યારેય ન હતો એટલો વધ્યો. તેના પગલે યુરોપમાં પણ હેટ-ક્રાઈમ વધ્યાં. ભારતીયો સહિત વિદેશી સ્ટુડન્ટ્સ સાથે મારપીટના કિસ્સા સામે આવતા થયા.

પછી તો સરકારી પૉલિસીના ભાગરૂપે જ વિદેશી વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને વિઝા આપવાના નિયમો કડક બનાવાયા. અમેરિકામાં તેની શરૂઆત થયેલી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં સીધી કે આડકતરી એની અસર થઈ. નિયમો ઉત્તરોત્તર આકરા બનતા રહ્યા. ને એમાં ટ્વિસ્ટ આવ્યો ગયા વર્ષે. ટ્રમ્પ ફરીથી અમેરિકાની ચૂંટણીમાં જીતી ગયા. એ સાથે જ તેમણે અતિ રાષ્ટ્રવાદની પૉલિસી નવેસરથી અમલી બનાવી. વિદેશી નાગરિકોનો અમેરિકા-પ્રવેશ મુશ્કેલ બન્યો. એમાં સૌથી વધુ અસર થઈ વિદેશી વિદ્યાર્થીઓને. ટ્રમ્પના આકરા વલણના કારણે આ વર્ષે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓનું આગમન અભૂતપૂર્વ ઘટયું. ગયા વર્ષે બાઈડન પ્રમુખ હતા ત્યારે અમેરિકામાં ૧૧ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા. ૨૦૨૫માં સવા ત્રણ લાખ વિદ્યાર્થીઓના જ એડમિશન થયા છે. એક તરફ વિઝા આપવાનું ઘટયું તેમ બીજી તરફ વિદેશી વિદ્યાર્થીઓએ પણ અન્ય વિકલ્પો તલાશવાનું શરૂ કર્યું. એમાંય અમેરિકામાં જતાં ભારતીય વિદ્યાર્થીઓમાં જ ૪૫ ટકા જેવો માતબર ઘટાડો થયો.

અદ્લ એવું જ કેનેડામાં થયું. ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધો ખરાબ થયા તેના કારણે અને કેનેડામાં ભારતીયો પર ભેદભાવપૂર્ણ વર્તન થઈ રહ્યું છે તેના લીધે ભારતીય સ્ટુડન્ટ્સનું કેનેડા જવાનું વલણ ઓછું થયું છે. ૨૦૨૩માં ૨૦,૯૦૦ ભારતીય સ્ટુડન્ટ્સે કેનેડા જવા માટે અરજી કરી હતી. તેની સરખામણીએ ૨૦૨૫માં માત્ર ૪૫૧૫ સ્ટુડન્ટ્સે જ વિઝા માટે અરજી કરી. વળી, કેનેડાના ઈમિગ્રેશન વિભાગે પણ ભારતીય સ્ટુડન્ટ્સની અરજીઓ મોટા પ્રમાણમાં રિજેક્ટ કરીને તેમને દેશમાં આવતા રોક્યા છે. એક વર્ષ પહેલાં રિજેક્શન રેટ ૩૨ ટકા હતો, જે વધીને ૭૪ ટકા થયો છે. વળી, કેનેડાની સરકારે પાર્લામેન્ટમાં વિશેષ બિલ પસાર કરીને અસંખ્ય વિદેશી નાગરિકોના કામચલાઉ વિઝા રદ્દ કરવાનો અધિકાર મેળવ્યો છે એ પછી સેંકડો ભારતીયો પર કેનેડા નિકાલનું જોખમ છે.

આવી પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓનું સ્ટડી ડેસ્ટિનેશન બદલાયું છે. અમેરિકા-કેનેડાનો ભારતમાં સર્વાધિક ક્રેઝ જોવા મળતો હોય છે, પરંતુ પહેલી વખત આ બંને દેશોમાં અરજી ઘટી છે અને તેની સામે યુરોપના દેશોમાં જવાનું વલણ વધ્યું છે. આ વર્ષે જર્મની ભારતીય વિદ્યાર્થીઓમાં સૌથી પોપ્યુલર છે. ગયા વર્ષે જર્મનીમાં એડમિશન લેનારા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં માત્ર ૧૩.૨ ટકા ભારતીય વિદ્યાર્થીઓ હતા. તેની સરખામણીએ જર્મનીમાં શરૂ થયેલા નવા સત્રમાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨.૬ ટકા જેટલી ઊંચી છે.

ફ્રાન્સમાં એક વર્ષ પહેલાં ભારતીય સ્ટુડન્ટ્સનો આંકડો હતો ૭૩૪૪. એક જ વર્ષમાં આ આંકડો બમણો થઈને ૧૫ હજારે પહોંચ્યો છે. ફ્રાન્સ તો ૨૦૩૦ સુધીમાં ૩૦થી ૫૦ હજાર ભારતીય સ્ટુડન્ટ્સ તેની યુનિવર્સિટીઝમાં એડમિશન મેળવે એવા પ્રયાસો કરે છે. ઈટાલીમાં ૨૦૨૩માં ૯૩ હજાર વિદેશી વિદ્યાર્થીઓ આવ્યા હતા, એમાં ભારતીયોની સંખ્યા માંડ ૬૧૦૦ હતી. ૨૦૨૫માં ૨૫ ટકાથી વધારે ઉછાળો થયો છે અને આંકડો લગભગ ૭૮૦૦ને આંબી ગયો છે. આવતા વર્ષે ઈટાલીમાં ૧૨થી ૧૫ હજાર ભારતીય સ્ટુડન્ટ્સ એડમિશન મેળવે તો નવાઈ નહીં. સ્પેનમાં ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૧૦૮૭ ભારતીય સ્ટુડન્ટ્સ ભણતા હતા. તેની સરખામણીએ ૨૦૨૫માં આંકડો ત્રણથી ચાર હજારને પાર ગયાનો અંદાજ છે.

ભારતીય સ્ટુડન્ટ્સ પોર્ટુગલ, સ્લોવેનિયા, એસ્ટોનિયા જેવા દેશોના વિકલ્પો પણ તલાશવા માંડયા છે. આગામી બે-ચાર વર્ષોમાં યુરોપની યુનિવર્સિટીઝ ઈન્ડિયન સ્ટુડન્ટ્સથી ઉભરાઈ જાય તો બિલકુલ નવાઈ નહીં હોય. અમેરિકા-કેનેડાની સરખામણીએ યુરોપના દેશોમાં પાર્ટટાઈમ જોબના વિકલ્પો ઓછા છે. યુરોપમાં સ્ટડીનો ખર્ચ ન નીકળે તો સરવાળે મોંઘું પડે એ એક ફેક્ટર વિચારણા માગે છે. તેમ છતાં યુરોપના દેશો પણ સ્ટુડન્ટ્સ ઈકોનોમી બહેતર બનાવવા માગે છે એ જોતાં ભારતીય સ્ટુડન્ટ્સ માટે નવા દેશોમાં તકો રાહ જોઈ રહી છે.