વિશ્વભરમાં યુદ્ધોમાં અટવાયેલી માનવજાત સામે ખરો ખતરો છે બદલાતું હવામાન

- વર્લ્ડ વિન્ડો
- દુનિયામાં અત્યારે એક તરફ યુદ્ધો ચાલી રહ્યાં છે, સશસ્ત્ર અથડામણો સતત વધી રહી છે. બીજી તરફ ઝડપભેર બદલાઈ રહેલું વાતાવરણ સૌથી મોટો પડકાર છે
સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૩ દેશોનો માન્યતા આપી છે. એમાંથી ૯૮ દેશો કોઈને કોઈ સશસ્ત્ર લડાઈમાં લિપ્ત છે. વિશ્વમાં આજની તારીખે ૬૦ જેટલા લોહિયાળ સંઘર્ષો ચાલી રહ્યાં છે. યુક્રેન-રશિયા, ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-ઈરાન જેવા સંઘર્ષો ટ્રેન્ડમાં ભલે રહેતા હોય, પરંતુ તે સિવાયના લોહિયાળ સંઘર્ષોમાં કેટલાય લોકો જીવ ગુમાવે છે. એ લડાઈઓમાં આંતરિક અથડામણોનો પણ સમાવેશ થાય છે. ક્યાંય ગૃહયુદ્ધોની પરિસ્થિતિ છે, તો ક્યાંક આતંકવાદી ઘટનાઓ બની રહી છે. ઈઝરાયલ, પેલેસ્ટાઈન, ઈરાન, લેબેનોન, સીરિયા, તુર્કી, યમનમાં હિંસા થઈ રહી હોવાથી હજારો લોકોએ જીવ ખોયો છે. વેસ્ટર્ન સહારામાં પણ મોરોક્કો અને સહરાબી આરબ ડેમોક્રેટિક રિપબ્લિક વચ્ચે ટેરેટરીનો વિવાદ ચાલે છે. દાયકાઓથી આ વેસ્ટર્ન સહારામાં પ્રભુત્વની લડાઈ ચાલતી હોવાથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે. કેટલાયને દર દર ભટકતા રહેવું પડે છે.
મિડલ ઈસ્ટ પછી બીજો કોઈ સૌથી સળગતો વિસ્તાર હોય તો એ આફ્રિકા છે. આફ્રિકાના જુદા જુદા દેશોમાં લગભગ ૩૫ જેટલા સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. એમાંથી ઘણાં આંતરરાષ્ટ્રીય સ્તરના નથી એટલે બહુ ચર્ચા થતી નથી. આમાંથી ઘણાં આંતરિક ઝઘડા છે, પણ તેમાં લાખો નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું માનીએ તો એક વર્ષમાં ૩૩,૪૪૩ નાગરિકો યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા છે. બિનસત્તાવાર રીતે આ આંકડો ઘણો મોટો હશે. એમાં ચિંતાજનક રીતે બાળકો અને મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. આ મૃત્યુમાંથી ૭૦-૭૨ ટકા મોત મહિલાઓ-બાળકોનાં થયા હતા.
યુદ્ધના કારણે કરોડો લોકો બેઘર બની જાય છે. કેટલાક કમભાગી લોકોને રાતોરાત ઉચાળા ભરવા પડે છે. તેમની સંપત્તિનો નાશ કરવામાં આવે છે એટલે તેમણે અન્ય દેશોમાં જીવ બચાવીને ભાગવું પડે છે. ૨૦૨૨થી યુદ્ધો અને અરાજકતાના કારણે શરણાર્થીઓની સંખ્યામાં ૮ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે દુનિયાની ૧૧૦ સશસ્ત્ર લડાઈઓમાં ૩૫ હજાર લોકો મોતનાં ખપ્પરમાં હોમાયા હતા.
એક તરફ માનવજાત અંદરો અંદર કપાય મરે છે, તો બીજી તરફ પ્રકૃતિએ મોરચો માંડયો છે. જેટલા લોકો યુદ્ધમાં મૃત્યુ પામે છે લગભગ એટલા જ લોકો દર વર્ષે કુદરતી હોનારતોમાં હોમાઈ જાય છે. ક્યાંક કાતિલ ઠંડી પડે છે અને લોકો એમાં થીજી જાય છે. ક્યાંક અતિભારે વરસાદ પડે છે ને જાનમાલનું નુકસાન થાય છે. ક્યાંક આકરો તાપ પડે છે લોકો એમાં ભડથું થઈ જાય છે. સંસ્કૃતમાં ઉક્તિ છે કે અતિ સદા વર્જ્યમ્ - પણ અત્યારે સ્થિતિ એવી છે કે બધાની અતિ જ થઈ રહી છે. કશું નોર્મલ તો જાણે થતું જ નથી.
આપણે તાજેતરમાં જોયું કે ભારતમાં ચોમાસું બેઠું એ સાથે જ વરસાદના દાયકાઓ જૂના રેકોર્ડ્સ ફટાફટ તૂટવા માંડયા. અમુક વિસ્તારોમાં જેટલો વરસાદ આખી સિઝનમાં થાય એટલો વરસાદ માત્ર ૧૫ દિવસમાં પડી ગયો. અમુક સ્થળોએ વાદળ રીતસર તૂટી પડે છે, આભ ફાટી જાય છે. યુરોપમાં જેટલા તાપમાનની કલ્પના થતી ન હતી એટલી ગરમી પડી રહી છે, તો વળી ક્યાંક ક્યાંય ભારે વરસાદે તારાજી પણ સર્જી. ફ્રાન્સના પેરિસમાં એક સપ્તાહ પહેલાં ભારે વરસાદ પડયો. લાખો ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ ને સંસદભવનની બિલ્ડિંગમાંથી પાણી ટપકવા માંડયું. બીજી તરફ યુરોપમાં અચાનક વાતાવરણે એવો પલટો માર્યો કે લોકો કાળઝાળ ગરમીમાં શેકાવા લાગ્યા. ફ્રાન્સનું પાટનગર પેરિસ, જે એક સપ્તાહ પહેલાં જળબંબાકારમાં ડૂબ્યું હતું અને પ્રવાસીઓને પણ રેસ્ક્યૂ કરવા પડયા હતા, એ જ પેરિસમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું. પેરિસમાં આટલા તાપમાનનું સપનું આવે નહીં, એના બદલે લોકોએ સ્વીમિંગ પૂલમાં આશરો લેવો પડયો. સ્પેનમાં તો તાપમાનના તમામ રેકોર્ડ તૂટી ગયા અને પારો ૪૬ને ટચ થઈ ગયો. ઈટાલીના ૨૭ મોટા શહેરોમાંથી ૧૭માં તાપમાનના નવા રેકોર્ડ બન્યાં. બ્રિટનમાં એટલો આકરો તાપ પડયો કે સ્કૂલ-કોલેજ બંધ કરવાની ફરજ પડી.
૨૦૨૪માં જેને એક્સ્ટ્રીમ વેધર કહેવાય એની ૬૦૫ ઘટનાઓ નોંધાઈ. એક્સ્ટ્રીમ વેધર એટલે એવી પરિસ્થિતિ જેમાં પર્યાવરણને લગતી ઘટનાઓમાં અતિરેક હોય. ગરમી પડે તોય અતિ પડે, વરસાદ પડે તો અતિભારે પડે, ઠંડી પડે તો અતિશય કાતિલ પડે. બરફ પડે તો અતિ પડે. કુદરતી રીતે જંગલમાં જે આગ લાગે તેને દાવાનળ કહેવાય. એ ઘટનાઓ દુનિયાભરના જંગલોમાં બનતી રહે છે, પરંતુ તાપમાન વધી જતાં એવી ઘટનાઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ૨૦૨૪માં આ એક્સ્ટ્રીમ વેધરના કારણે દુનિયામાં આઠ લાખથી વધુ લોકોએ તેમના ઘર છોડવા પડયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કે પછી ખૂબ ઠંડી પડવાને કારણે આ લોકોએ અન્યત્ર આશરો લેવો પડયો હતો. તે એટલે સુધી કે એક્સ્ટ્રીમ વેધરની ઘટનાઓમાં ગયા વર્ષે ૨૦૦૦થી વધુ લોકો હોમાઈ ગયા હતા.
ગરમીના કારણે એક જ સપ્તાહમાં ૩૫ કરોડ લોકો પરેશાન થઈ ગયા. તાપમાન વધતા સજીવસૃષ્ટિને પણ અસર થઈ. કેનેડા-અમેરિકાના જંગલમાં લાગેલી આગના કારણે સેંકડો સજીવો બળીને ખાક થઈ ગયાની દહેશત છે. ૨૦૦૮ પછી ક્લાઈમેટ ચેન્જના કારણે એક્સ્ટ્રીમ વેધરની ઘટનાઓ ઝડપભેર વધવા માંડી હતી, પરંતુ ૨૦૨૦ પછી તો જાણે પ્રકૃતિએ એક્સ્ટ્રીમ વેધરની સ્વિચ જ ઓન કરી દીધી હોય એવી પરિસ્થિતિ છે.
અસહ્ય ગરમી, આકરી ઠંડી, તોફાની વરસાદ, રેતીના તોફાનો, ભૂસ્ખલન, બરફવર્ષાના બનાવો તો અગાઉ પણ બનતા હતા, પરંતુ હવે એ રોજિંદી ઘટનાઓ બનતી જાય છે. એક જ સમયે વિશ્વના અનેક દેશો અલગ અલગ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમતા હોય એવું અગાઉ પણ બનતું હતું, પરંતુ હવે દર વર્ષે એ સ્થિતિ આવે છે. ગયા વર્ષે બરાબર જૂન-જુલાઈમાં જ્યારે ભારતમાં વરસાદ પડતો હતો ત્યારે ચીનમાં અતિભારે વરસાદથી ૫૦ વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. ને યુરોપમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. કેનેડામાં ધારણા બહારની ગરમી પડતાં બે ડઝન લોકોનાં મોત થયા હતા. કેનેડા માટે હીટવેવથી મૃત્યુ થાય એ વાત નવી હતી. કેનેડામાં આટલી ગરમી પડશે એવી તો કલ્પના પણ કોઈએ કરી ન હતી.
એક્સ્ટ્રીમ વેધરથી દુનિયાભરમાં દિવસો સુધી જનજીવન ખોરવાઈ જાય છે, રોજગાર-ધંધા બંધ કરવા પડે છે, જાન-માલનું નુકસાન થાય છે. પરિણામે આ એક્સ્ટ્રીમ વેધર જગતને વર્ષે કરોડો-અબજો રૂપિયામાં પડે છે. એક અંદાજ એવો છે કે ૧૯૯૦થી ૨૦૨૦ સુધીમાં ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લોબલ ઈકોનોમીને ૧૬ ટ્રિલિયન ડોલરનું માતબર નુકસાન વેઠવું પડયું છે.
ટૂંકમાં, દુનિયાભરના દેશો અંદરો અંદર જે મુદ્દે બાખડી રહ્યાં છે એ કદાચ એટલા મહત્ત્વના નથી, જેટલું મહત્ત્વનું ઝડપભેર બદલાઈ રહેલું વાતાવરણ છે. યુદ્ધોમાં અટકાવેલી માનવજાત જેટલી ઝડપથી એ સમજે તો સારું કે તેમની સામે ખરો ખતરો બદલાઈ રહેલું વાતાવરણ છે!








