Editorial

ટ્રમ્પના કારણે અમેરિકા-તાઈવાનના સંબંધોમાં સમીકરણો બદલાશે

By GS TEAM
3 Oct 20255 mins read
ટ્રમ્પના કારણે અમેરિકા-તાઈવાનના સંબંધોમાં સમીકરણો બદલાશે

- વર્લ્ડ વિન્ડો

- નાનકડું તાઈવાન સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં નંબર વન છે. ટેકનોલોજીની ક્રાંતિ સેમિકન્ડક્ટર વગર શક્ય નથી. હવે ટ્રમ્પને આ નાનકડા દેશની મુખ્ય આવકમાં 50 ટકાની હિસ્સેદારી જોઈએ છે

માઈક્રોચિપના નામથી ઓળખાતાં સેમિકન્ડક્ટરની સાઈઝ માંડ અડધા ઈંચની હોય છે, પણ તેનો ખપ બધી જ ડિવાઈસને પડે છે. ડિજિટલ દુનિયામાં સ્માર્ટફોનથી લઈને લેપટોપ, સ્માર્ટવોચ, કાર, હોસ્પિટલનાં ટેસ્ટિંગ મશીનોથી લઈને ઘર-કિચનમાં વપરાતી સ્માર્ટ ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ અનિવાર્ય છે. રેડિયોનો જમાનો હતો ત્યારથી લઈને સ્માર્ટફોનના યુગ સુધી ઘણું બદલાયું છે, પરંતુ સેમિકન્ડક્ટરની જરૂરિયાત એવી ને એવી રહી છે. વળી, લશ્કરી સાધનોનું ઉત્પાદન તેના વગર શક્ય નથી. મિસાઈલથી લઈને એન્ટિ- મિસાઈલ સિસ્ટમ, રડાર સિસ્ટમથી માંડીને કમ્યુનિકેશન સિસ્ટમ સુધીની પ્રોડક્ટ્સમાં એની જરૂર પડે છે.

સિલિકોનથી બનેલી આ માઈક્રોચિપના બે-ત્રણ પ્રકાર છે. વિમાનો, લડાકુ વિમાનો, હેલિકોપ્ટર્સ, કમ્પ્યુટર્સ, એટીએમ જેવાં તમામ ઉત્પાદનો માટે માઈક્રોચિપ જરૂરી છે. આ ટચૂકડી ચીજની અછત સર્જાય તો બધાં જ ઉત્પાદનો અટકી પડે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં દુનિયાભરમાં કોરોના હાહાકાર મચાવતો હતો ત્યારે માઈક્રોચિપ યાને સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. તેની સીધી અસર વિશ્વની અસંખ્ય મોટર ઉત્પાદક અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપનીઓને થઈ હતી. કેટલીય કંપનીઓએ પ્રોડક્શન અટકાવી દેવાની ફરજ પડી હતી.

આ માઈક્રોચિપના ઉત્પાદનમાં મોનોપોલી ધરાવે છે ટચૂકડો દેશ તાઈવાન. અમેરિકા-જાપાન-ચીનની ઘણી કંપનીઓ માઈક્રોચિપનું ઉત્પાદન કરે છે ખરી, પરંતુ તાઈવાન એ બધાને ભારે પડે છે. નાનકડા તાઈવાને માઈક્રોચિપના ઉત્પાદનમાં જે સ્થાન મેળવ્યું છે એ મોટા-મોટા દેશો પણ મેળવી શક્યા નથી. દુનિયામાં માઈક્રોચિપના કુલ માર્કેટમાં ૬૩ ટકા હિસ્સેદારી એકલા તાઈવાનની છે. એમાંય તાઈવાનની એક જ કંપની તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (ટીએસએમસી) પાસે વિશ્વના ૫૩ ટકા માર્કેટ પર એકહથ્થુ કબજો છે.

ચીન-અમેરિકા તાઈવાનના બે મોટા ગ્રાહક છે. અમેરિકન ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ માટે મેઈડ ઈન તાઈવાન સેમિકન્ડક્ટર્સે ખૂબ જ ઉપયોગી થઈ પડયા હતા. અમેરિકા એ બાબતે આત્મનિર્ભર થવા માટે ઘણા પ્રયાસો કરે છે, છતાં જરૂરિયાત મુજબનું ઉત્પાદન થતું નથી. એક વર્ષ પહેલાં જ અમેરિકન કોંગ્રેસે ઈન્ટેલને ૫૩ અબજ ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. એ ફંડમાંથી ઈન્ટેલ સેમિકન્ડક્ટર્સનું નવું યુનિટ બનાવશે, પરંતુ એ બધું તો થાય ત્યારે, અત્યારે અમેરિકાને તાઈવાનની આ ટચૂકડી પ્રોડક્ટ વગર ચાલે તેમ નથી.

ચીનની સ્થિતિ પણ લગભગ એવી જ છે. ચીની કંપનીઓ માઈક્રોચિપનું ઉત્પાદન કરે તો છે, પણ એ પર્યાપ્ત નથી. ચીનની ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓએ જ્યારે દુનિયાભરનું માર્કેટ સર કરવા માંડયું છે ત્યારે ચીની કંપનીઓને ચિપની અમર્યાદ જરૂરિયાત છે. સ્માર્ટબેલ્ટ, સ્માર્ટફોન, ટેબલેટ્સ, લેપટોપ વગેરે ચીનની કંપનીઓ દુનિયાભરમાં એક્સપોર્ટ કરે છે અને એ બધામાં માઈક્રોચિપ અનિવાર્ય છે. ચીન-તાઈવાન સાથે ઘૂરકિયા કરે છે છતાં તાઈવાન પાસેથી સૌથી વધુ માઈક્રોચિપની આયાત ચીની કંપનીઓ કરે છે. ચીન-તાઈવાન વર્ષે ૪૦૦ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે, એમાં તાઈવાનની નિકાસ ૨૦૦ અબજ ડોલરની છે. ચીનની સરકાર સામાન્ય રીતે જેટલી નિકાસ કરે છે એટલી આયાત કરતી નથી - એવી એક સામાન્ય ઈમેજ છે. તાઈવાન-ચીનના વેપારી સંબંધોમાં આ વાત લાગુ પડતી નથી. કહેવાની જરૂર નથી કે તાઈવાનની નિકાસમાં મોટો હિસ્સો માઈક્રોચિપ સહિતની ઈલેક્ટ્રિક્સ ચીજવસ્તુઓનો હતો. આપણે સતત વાંચતા-સાંભળતા રહીએ છીએ કે ચીન ગમે તે ઘડીએ તાઈવાનને ગળી જશે. ચીન ગમે ત્યારે હુમલો કરશે. ચીને લડાકુ વિમાનો ઉડાવીને તાઈવાનને ડરાવ્યું... પણ એ અહેવાલો વચ્ચે ચીન તાઈવાનનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.

ચીનને હજુય મોટા પ્રમાણમાં માઈક્રોચિપની જરૂરિયાત છે. જો અહીંથી ચીન માઈક્રોચિપના જથ્થામાં મેદાન મારી જાય તો અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ-મોબાઈલ-ડિફેન્સ-હોમ એપ્લાયન્સ કંપનીઓ દુનિયામાં ચીની કંપનીઓથી પાછળ રહી જાય. એવું થાય તો અમેરિકાને વૈશ્વિક માર્કેટમાં સીધો ફટકો પડે. અમેરિકન પ્રોડક્ટને ન મળે તો દુનિયાભરના ગ્રાહકો ચીની નીતિઓની ટીકા કરતા હોવા છતાં ચીની પ્રોડક્ટ ખરીદવા મજબૂર બની જાય. ચીન બે-એક દશકામાં ઈલેક્ટ્રોનિક્સમાં એવી મોનોપોલી સર્જી નાખે કે પછી અમેરિકન કંપનીઓ એની સ્પર્ધામાંથી બહાર ફેંકાય જાય. વિદેશનીતિમાં સ્માર્ટ મૂવ માટે અમેરિકા જાણીતું છે. અમેરિકાએ તાઈવાનની ટીએસએમસી કંપનીને ફંડ આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર્સ કંપનીમાં અમેરિકા રિસર્ચ માટે ફંડિંગ આપે છે. એટલું જ નહીં, અમેરિકન રોકાણકારોએ આ કંપનીમાં માતબર રોકાણ પણ કર્યું છે. એના બદલામાં તાઈવાનની કંપનીની પોલિસી અમેરિકાની તરફેણમાં રહે એ મૂળ ઈરાદો હતો. તાઈવાનના રક્ષણ માટે અમેરિકા કટિબદ્ધ પણ એટલે જ છે. તાઈવાન માટે થઈને અમેરિકા ચીન સામે શિંગડાં ભેરવવા તૈયાર છે એની પાછળ તાઈવાનની સેમિકન્ડક્ટર્સની મોનોપોલીનો બહુ મોટો રોલ છે. અમેરિકાની તાઈવાન પોલિસી સ્ટ્રોંગ છે. અમેરિકામાં સત્તા પરિવર્તન થાય તે છતાં તાઈવાન પોલિસીમાં બહુ મોટો ફેરફાર થતો નથી, પણ અંધાધૂંધી સર્જવા માટે જાણીતા ટ્રમ્પના કારણે અમેરિકા-તાઈવાનના સંબંધોમાં ઐતિહાસિક વળાંક આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

અરાજકતા-અંધાધૂંધીનો પર્યાય બની ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક તાઈવાન પાસે ડિમાન્ડ કરી કે તાઈવાન સેમિકન્ડક્ટર્સનું જે ઉત્પાદન કરે છે એમાં અમેરિકાનો ૫૦ ટકા ભાગ! અમેરિકા કેવી રીતે ૫૦ ટકા ભાગ પડાવવા ધારે છે? ટ્રમ્પનો પ્રસ્તાવ એવો છે કે તાઈવાનની સેમિકન્ડક્ટર્સ બનાવતી કંપનીઓ એનું ૫૦ ટકા ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરે. આ કંપનીઓ અમેરિકામાં યુનિટ બનાવે અને અમેરિકન કંપનીઓ સાથે મળીને ઉત્પાદન કરે. એનાથી અમેરિકા-તાઈવાનને ધારણા બહારનો ફાયદો થશે એમ ટ્રમ્પ કહે છે, પરંતુ પહેલી નજરે જ સ્પષ્ટ છે કે એમાં ફાયદો તાઈવાનને ઓછો, અમેરિકાને વધારે થશે. તાઈવાન અત્યારે ચિપના માર્કેટમાં ૬૩ ટકા હિસ્સો ધરાવે છે. ટ્રમ્પ તાઈવાનના ૫૦ ટકા ઉત્પાદનને અમેરિકામાં ખસેડવાનું કહે એનો અર્થ એવો થાય કે ૬૩ ટકા હિસ્સેદારીમાં અમેરિકા અડધો ભાગ પડાવી લે.

અમેરિકા સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માગે છે ને એના ભાગરૂપે ટ્રમ્પ તાઈવાનને આ પ્રસ્તાવ આપે છે, પરંતુ તાઈવાને શબ્દો ચોર્યા વગર તરત જ આ પ્રસ્તાવ નકારી દીધો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં ક્યારેય તાઈવાનની કંપનીઓ આવો પ્રસ્તાવ સ્વીકારવાના પક્ષમાં નહીં હોય એવીય સ્પષ્ટતા કરી દીધી છે. તાઈવાનના ઉપ-પ્રીમિયર ચેંગ લી-ચિયૂને કહ્યું કે આ મુદ્દે કોઈ ચર્ચાને અવકાશ જ નથી. વાટાઘાટોનો સવાલ ઉઠતો નથી. છતાં ટ્રમ્પે એની આદત પ્રમાણે કહ્યું કે અમે વાટાઘાટો કરી રહ્યા છીએ.

આ વાતે સામસામે વાંધો ઉઠશે તો તાઈવાન-અમેરિકાના સંબંધોમાં ઓટ આવશે. ટ્રમ્પ કદાચ તાઈવાન પોલિસી બદલશે ને ચીન એ તક ઝડપી લેવા એકદમ તૈયાર છે. તાઈવાન સાથે વિવાદો ઉકેલીને ચીન ચિપનો મોટો હિસ્સો પોતાના હાથમાં રાખવા માંડે તો આખી દુનિયાની ચીન પ્રત્યેની નિર્ભરતા વધી જાય ને વૈશ્વિક રાજકારણના સંતુલન માટે આ બહુ મોટું જોખમ ગણાશે.