Editorial

જ્યોર્જિયો અરમાની : 91 વર્ષ સુધી ફેશનેબલ જીવન જીવવાનું રહસ્ય

By GS TEAM
5 Sep 20256 mins read
જ્યોર્જિયો અરમાની : 91 વર્ષ સુધી ફેશનેબલ જીવન જીવવાનું રહસ્ય

- વાત-વિચાર - શિશિર રામાવત

- જ્યોર્જિયો અરમાનીના જીવનમાંથી આ જ શીખવા જેના છેઃ તમારી જોબ અને જોય બન્ને એક જ જગ્યા પર હોવાં જોઈએ. જો એમ હશે તો તમારે જીવન જીવવાની બીજી કોઈ કળા શીકવાની જરૂર નહીં પડે

૯૧ વર્ષ સુધી સતત સક્રિય રહેવા માટે, પોતાના ફિલ્ડમાં રિલેવન્ટ રહેવા માટે માણસમાં શું જોઈએ? આ પ્રશ્નોના જવાબ કદાચ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીના જીવનને ઝીણવટભેર જોવાથી કદાચ મળી જાય. આ અબજોપતિ સેલિબ્રિટી ઇટાલિયન 'ફેશન ગોડ'નું ગુરૂવારે મૃત્યુ થયું. અરમાનીનું નામ મોંઘીદાટ હાઇ ફેશન સાથે સંકળાયેલું છે, જેની પ્રોડકટ્સની સતત સસ્તી નકલો થઈ છે.  

અરમાનીનું ખરું યોગદાર પુરુષો માટેના ફોર્મલ જેકેટમાં છે. એમણે પુરુષોના જેકેટમાંથી સ્ટ્રક્ચર્ટ  લાઇનિંગ દૂર કરી, બખ્તર જેવા પેડેડ ખભાને હળવા બનાવ્યા અને ડિઝાઇનમાં એક પ્રકારની પ્રવાહિતા ઉમેરી. અગાઉ જેકેટ એટલા કડક રહેતા કે તે ધાતુના બખ્તરની જેમ ઊભા રહેી શકાત. અરમાનીએ એને સ્વેટરની જેમ હેંગરમાં લટકાવી શકાય તેવા બનાવ્યા. પાવર ડ્રેસિંગ શબ્દપ્રયોગ આપણે ખૂબ સાંભળીએ છીએ. અરમાનીએ આ પાવર ડ્રેસિંગની વ્યાખ્યા બદલી નથી. તને હળવા કલર્સ આપ્યા. 

એલિગન્સ શબ્દને ગુજરાતીમાં શું કહીશું? અભિજાત્ય, સુચારુતા અને ઠાઠનો સરવાળો? અરમાની કહેતા, 'એલિગન્સ એટલે સૌથી અલગ પડી જવું એમ નહીં, પણ સૌને યાદ રહી જવું.' અરમાની એક વાર કોઈ વસ્તુનો તંત પકડી લે પછી છોડતા નહીં. તેઓ કહેેતા, 'જો મારા મનમાં કોઈ વાત ઠસાઈ જાય તો હું કૂતરાની જેમ એની પાછળ પડી જાઉં. કૂતરાના મોઢામાંથી તમે હાડકું ન છાડાવી શકો. મારું પણ એવું જ છે. એક વાર મારા મનમાં કોઈ વાત અટકી ગઈ હોય તો જ્યાં સુધી ધાર્યું પરિણામ ન આવે ત્યાં સુધી હું એનો તંત ન છોડું.'

આટલું લાંબું આયુષ્ય પામનાર અરમાની વહેલી સવારે ઉઠી જતા. પછી અડધી કલાક કસરત કરે. ત્યારે બાદ કોફી પીએ. પછી ટોસ્ટને મધ અને દહીંમાં ઝબોળીને ખાય, સાથે ફ્રેશ ફ્રુટ્સ પણ લે. આ એમનો બ્રેકફાસ્ટ. આપણને સહેજે થાય કે જે માણસ ફેશનનો શહેનશાહ ગણાતો હોય એ પોતે ચોવીસે કલાલ ફેશનમાં જ રચ્યોપચ્યો રહેતો હશે. એેવું જરાય નહોતું. તેઓ મોટે ભાગે સાદું પ્લેન ટીશર્ટ અથવા બ્લુ સ્વેટર ને નીચે જીન્સ પહેરતા. તેમનો તર્ક સ્પષ્ટ હતો, 'મારી સાથે કામ કરતા લોકોનું કે મને મળવા આવનારાઓનું ધ્યાન મારી વાતોમાં હોવું જોઈએ, મેં શું પહેર્યું છે તેમાં નહીં.' અરમાની ખુદ કદી ફેશનને અનુસર્યા નથી. તેઓ કહેતા, 'મને 'ફેશનમાં' હોવાનો કશો મોહ રહ્યો નથી. કારણે ફેશન તો બદલાતી રહે છે. ફેશનમાં તો તમે આજે છો ને કાલે નથી.'

ઇટાલીના નાનકડા નગરમાં ૧૯૩૪માં એમનો જન્મ. ફાધર શિપિંગ મેનેજર, મધર ગૃહિણી. બે મોટા ભાઈ અને એક નાની બહેન. સ્વભાવે શરમાળ અને અંતર્મુખ, પણ ભાઈઓ સાથે ખૂબ મસ્તી કરે. બીજા વિશ્વયુદ્ધની અરમાનીના પર આજીવન અસર રહી,કેમ કે એમનો પાક્કો દોસ્તાર બોમ્બિંગમાં મૃત્યુ પામ્યો હતો. અરમાની પોતે પણ ખૂબ ઘાયલ થયા હતા અને ચાલીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. નાનપણમાં એમને ડ્રોઈંગ અને ખાસ કરીને શરીરની જુદી જુદી મુદ્રાઓ દોરવી બહુ ગમતી. મા-બાપે જીદ કરીને એને મેડિકલ કોલેજમાં દાખલ કરી દીધો. થોડા જ દિવસોમાં અરમાનીને સમજાઈ ગયું કે આ આપણી લેન નહીં. જે છોકરો લોહી જોઈને ધૂ્રજી ઉઠતો હોય તે ઓપરેશનો ક્યાંથી કરી શકવાનો હતો? ત્રણ વર્ષમાં એમણે મેડિકલનું ભણવાનું પડતું મૂકી દીધું અને લશ્કરમાં જોઈન થઈ ગયા. તેમને વરોના નામના શહેરમાં રહેવાનું થયું આ શહેર આર્કિટેક્ચરને કારણે ખૂબ પ્રચલિત હતું. કલાત્મક આકારો પ્રત્યેનું સૌથી પહેલું આકર્ષણ એમને સંભવતઃ અહીં થયું. અરમાનીને હોલિવુડની ફિલ્મો નાનપણથી ખૂબ ગમતી. હીરો-હિરોઈનોની ખૂબસૂરતી જોઈને તેઓ ચકિત થઈ જતાં. કદાચ સૌંદર્ય પ્રત્યેનું લગાવનાં મૂળિયાં અહીંથી રોપાયાં. 

વીસ દિવસનું વેકેશન મળ્યું તે દરમિયાન તેઓ મિલાન શહેરના એક ફેશન સ્ટોરમાં ફોટોગ્રાફરના આસિસ્ટન્ટ બનવાનું કામ મળ્યું. ફાજલ સમયમાં એમણે સ્ત્રી-પુરુષોની મૂર્તિઓ (મેનીક્વીન્સ)ને શણગારવાનું કામ કરવાનું રહેતું. ૧૯૫૭માં એમને એક મોટા ફેશન સ્ટોરમાં જોબ મળી ગઈ. અહીં તેઓ વિન્ડો ડ્રેસિંગ તો કરતાં જ, પણ ધીમે ધીમે તેમને પુરુષોના વિભાગમાં સેલ્સમેન તેમજ કો-ઓર્ડિનેટરનું કામ પણ મળવા લાગ્યું. અહીં તેઓ બધું જ શીખ્યા - કાપડનાં પ્રકારો, વસ્ત્રોની ડિઝાઇન, ગ્રાહકો સાથે શી રીતે વાતચીત કરવી, ઘરાકોની સાઇકોલોજી કેવી હોય છે, વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનનું શું મહત્ત્વ છે. ક્રમશઃ એમના મનમાં માનસિક સ્પષ્ટતા થઈ રહી હતી કે યેસ, મને સૌથી વધારે તો આમાં રસ પડે છે - શરીરોને સજાવતાં વસ્ત્રોમાં, એસ્થેટિક્સમાં, ગ્લેમરમાં... 

૧૯૬૦ના દાયકામાં તેઓ નિનો સેરુટી નામના ડિઝાઇનર સાથે જોડાઈ ગયા અને પાક્કા પાયે ટેલરિંગ શીખ્યા. જુદાં જુદાં લેબલ્સ માટે તેઓ ફ્રીલાન્સિંગ કરતા હતા. માર્કેટમાં તેમની શાખ બનતી જતી હતી. આ જ દાયકામાં એમની મુલાકાત સર્જિયો ગેલોટી સાથે થઈ. સર્જિયો ઉંમરમાં એમના કરતાં નવ વર્ષ નાના. વ્યવસાયે આર્કિટેક્ટ. ધીમે ધીમે બન્ને નિકટ આવતા ગયા. સર્જિયોએ જ અરમાનીને આગ્રહ ક્યોઃ તું તારો પાતાનો સ્ટોર શા માટે શરુ કરતો નથી? સર્જિયોનો સતત પ્રોત્સાહન અને સહાયના પરિણામે અરમાનીએ આખરે ૧૯૭૩માં પોતાનો સ્ટુડિયો શરુ કર્યો. સર્જિયો એનો બિઝનેસ પાર્ટનર બન્યો. બન્નેનો સંબંધ માત્ર બિઝનેસ પૂરતો સીમિત ન રહ્યો. તેઓ હવે લાઇફ પાર્ટનર બની ગયા હતા. અરમાનીએ પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુંઃ 'સર્જિયોને કારણે હું મારી જાતમાં વિશ્વાસ રાખતા શીખ્યો. એણે મને દુનિયાને જોવાનો નવો દ્રષ્ટિકોણ આપ્યો.'

અરમાનીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળવાની શરૂઆત થઈ ૧૯૭૮થી કે જ્યારે હોલિવુડ સ્ટાર ડિએન કિટન બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ લેવા સ્ટેજ પર અરમાનીનું જેકેટ પહેરીને ગઈ. તે પછી રિચર્ડ ગિઅરની બહુર્ચચિત ફિલ્મ 'અમેરિકન જિગોલો' આવી. એમાં રિચર્ડ એટલો હેન્ડસમ દેખાતો હતો કે વાત ન પૂછો. આખી ફિલ્મમાં એણે અરમાનીએ ડિઝાઇન કરેલા કોસ્ચ્યુમ પહેરેલાં હતાં. દરેક જગ્યાએ એક જ સવાલ ચર્ચાતો હતોઃ આ ફિલ્મમાં રિચર્ડ આટલો સરસ કેમ દેખાય છે? એના કપડાં કોણે ડિઝાઇન કર્યાં છે? રિચર્ડ ગિઅરના વસ્ત્ર પરિધાન પર મેગેઝિનોમાં લેખો લખાયા.  

અરમાનીનું કામ વધતું ગયું. દશવિદેશમાં એના સ્ટોર્સ ખૂલતાં ગયાં. અરમાનીનાં કપડાં પહેરવાં એક સ્ટેટસ સિમ્બોલ ગણાવા લાગ્યું.  ૨૦૧૯માં અરમાનીની કંપનીની માર્કેટ વેલ્યુ ૨.૧ બિલિયન યુરો હતું. આઠ હજાર લોકો એની કંપનીમાં કામ કરતા હતા. અરમાનીનું પોતાની સંપત્તિનું મૂલ્ય ૧૧ બિલિયન ડોલરની આસપાસ અંકાતું હતું. જોકે પાછલાં વર્ષોમાં અરમાનીની ડિઝાઇનોમાં બોલ્ડનેસનું તત્ત્વ ઓછું થઈ ગયું હતું. તેઓ સમજતા હતા કે હું હવે ઝાઝું રિસ્ક લઈ શકું તેમ નથી. મારે હવે આવડી મોટી કંપની ચલાવવાની છે. 

અરમાનીને મોટો ઝટકો લાગી ગયો ૧૯૮૫માં, કે જ્યારે એના સાથી સર્જિયો ગેલોટીનું મોત થઈ ગયું. સર્જિયા હાર્ટ પેશન્ટ હતો, પણે એણે કોઈને ખાસ કળાવા દીધું નહોતું. અરમાની કહે છે, 'અમે કોઈ દિવસ બીમારી વિશે વાતો કરી નથી. આટલાં વર્ષોમાં ફક્ત એક જ વખત એ એવું બોલ્યો હતો કે, જ્યોર્જિયો, હું સાવ પાતળો થઈ ગયો છું, નહીં? બસ, આટલું જ.'

અરમાની અનો સર્જિયોએ ક્યારેય કોઈ સંતાન દત્તક ન લીધું. છતાં પણ અરમાની માટે પરિવારનું મહત્ત્વ અદકેરું હતું. તેઓ કહેતા, 'પરિવાર માત્ર મહત્ત્વનો નથી, પરિવાર તો સર્વસ્વ છે. જીવનનો પાયો જ પરિવાર છે.' સર્જિયોના નિધન પછી એમનું સ્થાન કંઈક અંશે ૭૨ વર્ષીય લિઓ ડેલઓર્કો નામના મહાશય લઈ શક્યા. લિઓ અરમાની ગુ્રપમાં પુરુષોના ફેશન ડિપાર્ટમેન્ટના હેડ છે અને અરમાની સાથે તેઓ ૪૫ વર્ષથી કામ કરે છે. 

અરમાનીનું નિધન થયું ત્યારે માસ્ટર ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝીએ અંજલિ આપતા કહ્યું, 'અરમાની અસલી કલાકાર હતા. હી વોઝ ટાઇમલેસ...' જ્યોર્જિયો અરમાનીના જીવનમાંથી આ જ શીખવા જેવું છેઃ તમારી જોબ અને જોય બન્ને એક જ જગ્યા પર હોવાં જોઈએ. જો એમ હશે તો તમારે જીવન જીવવાની બીજી કોઈ કળા શીખવાની જરૂર નહીં પડે..