Editorial

અમારો સમય, તમારો સમયઃ એક પીઢી આતી હૈ, એક પીઢી જાતી હૈ...

By GS TEAM
26 Jul 20256 mins read
અમારો સમય, તમારો સમયઃ એક પીઢી આતી હૈ, એક પીઢી જાતી હૈ...

- વાત-વિચાર-શિશિર રામાવત

- ધ ગ્રટેસ્ટ જનરેશન, સાયલન્ટ જનરેશન, બૂમર્સ, જનરેશન-એક્સ, મિલેનિયલ્સ, જેન-ઝી, જેન-આલ્ફા... મીડિયામાં આ બધા શબ્દો સતત ઊછળતા રહે છે. જનરેશન વોરને સમજવા માટે એની વ્યાખ્યાઓને પણ સમજી લેવી જોઈએ

જેન-ઝી, મિલેનિયલ્સ, જનરેશન-એક્સ, બૂમર્સ... શું છે આ બધું? મીડિયા એનેલિસ્ટો, માર્કેટિંગ ક્ષેત્રના ઉસ્તાદો અને કંઈક અંશે સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી પેઢીઓને આવાં બધાં નામો આપી દીધાં છે તે બરાબર છે, પણ શો અર્થ થાય એનો? ધ ગ્રેટેસ્ટ જનરેશન (ઈ.સ. ૧૯૦૧થી ઈ.સ. ૧૯૨૭ દરમિયાન જન્મેલા વડીલોની પેઢી) અને સાયલન્ટ જનરેશન (૧૯૨૮થી ૧૯૪૫ વચ્ચે જન્મેલા સિનિયર સિટીઝનોની પેઢી)નો માનભેર ઉલ્લેખ કરી લઈને આપણે સીધા બૂમર્સ પર આવી જઈએ. 

બૂમર્સ: ૧૯૪૬થી ૧૯૬૪ની વચ્ચે જન્મેલા લોકો, એટલે કે આજે જેમની ઉંમર ૬૧થી ૭૯ની વર્ષની વચ્ચે છે, તેઓ 'બૂમર્સ' તરીકે ઓળખાય છે. આ એ પઢી છે જેમના માટે સરકારી નોકરી બેસ્ટ છે! જીવતા રહીએ ત્યાં સુધી પેન્શન બીજું કોણ આપવાનું છે? છોકરાએ મોટા થઈને ફેમિલી બિઝનેસ સંભાળવાનો હોય તો અલગ વાત છે, બાકી ભણીગણીને બનવા જેવી આ બે જ વસ્તુ છે - કાં ડોક્ટર, કાં એન્જિનીયર! આ સિવાયનું તમે કંઈ પણ ભણશો તો તમે 'આડી લાઇને' ચડી ગયેલા ગણાશો. દીકરો વકીલ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યો હોય તો તેમણેે ક-મને ચલાવી લીધું છે. બૂમર્સ જનરેશ માટે સાયકલ ખરેખર 'શાન કી સવારી' હતી. સ્કૂટરને ત્રાંસુ કરીને ચાલુ કરી દેવાની કળા તેમને હસ્તગત, ના, પાદગ્રસ્ત હતી. એમણે ક્યાંક જમીનનો ટુકડો લઈ રાખ્યો હતો, જેની વધી ગયેલી કિંમત જોઈને તેઓ રોજ હરખાય છે. રોજ સવારે ઉઠીને તેઓ સુંદર કુદરતી દ્રશ્ય સાથે સમગ્ર સમાજને ગુડ મોર્નિંગના વોટ્સએપ મેસેજ મોકલી દે છે. મોબાઇલ પર થતી આ એમની મુખ્ય પ્રવૃત્તિ છે. એમ તો તેમને હવે યુટયુબ પર ફુલ વોલ્યુમ કરીને વીડિયો જોતાં પણ આવડી ગયું છે. 

ક્યુઆર કોડ નવા નવા આવ્યા ત્યારે એમને મૂંઝવણનો પાર નહોતો. કેટલાક બૂમર્સ આજેય શંકાશીલ બનીને પૂછી લે છેઃ યુપીઆઈ પેમેન્ટ એટલે... ઉત્તરપ્રદેશમાં કોનેે પેમેન્ટ કરવાનું છે? મોબાઇલ પર ઓટીપી આવે તો તેઓ ઘાંઘા થઈ જાય છે. એમનું સૌથી ફેવરિટ વાક્ય છે - 'કેમ ભાઈ, પૈસા ઝાડ પર ઊગે છે?'  

જનરેશન-એક્સઃ ૧૯૬૫થી ૧૯૮૦ વચ્ચે જન્મેલી પેઢી જનરેશન-એક્સ તરીકે ઓળખાય છે. આજે તેમની ઉંમર ૪૫થી ૬૦ વર્ષની વચ્ચે છે. આ પેઢીમાંથી કેટલાય સાસુ-સસરા બની ગયાં છે અથવા નજીકના ભવિષ્યમાં બનવાનાં છે. આ એ પેઢી છે, જે બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીવી સામે ગોઠવાઈ જતી હતી અને દૂરદર્શન પર ચિત્રહાર જોઈને ઝૂમી ઉઠતી હતી. એમણે રાજેશ ખન્નાનો જમાનો પણ જોયો છે અને અમિતાભ બચ્ચનનો ઉદય થતાં પણ જોયો છે. નાનપણમાં તેઓ દેશ-વિદેશમાં પત્રમિત્રો બનાવીને લાંબા લાંબા કાગળો લખતા ને પછી કવર પરથી કાળજીપૂર્વક ટિકિટો કાપીને તેનો સંગ્રહ કરતા. તેમને 'કોઈન્સ' એટલે કે ચણણી સિક્કા એકઠા કરવાની પણ 'હોબી' પણ હતી. તેઓ છાપાં અને મેગેઝિનોમાંથી પોતાના મનગમતા લેખકોની કટારો ને લેખો કાપી રાખતા ને તેની ફાઇલો બનાવતા કે પછી બુક બાઇન્ડિંગ  કરાવતા. દેશમાં ૧૯૯૧ પછી ઉદારીકરણનો પવન વાયો તેનો પહેલો પહેલો લાભ આ પેઢીને મળ્યો. તેમના ટીવીસેટ શ્વેત-શ્યામમાંથી કલર બન્યા ને પછી ધડાધડ સેટેલાઇટ ચેનલો આવવા માંડી. તેઓ અચંબિત થઈને કહેતાઃ ઓહો, હવે તો ટીવીમાં ચોવીસે કલાક જોવાનું આવે છે, બોલો!  

ઓફિસમાં તેઓ કાં તો ખૂબ સિનિયર છે અથવા ખુદ બોસ બની ગયા છે. તેમને એકેએક વસ્તુની પ્રિન્ટઆઉટ કાઢ્યા વગર ચાલતું નથી. જનરેશન એક્સે બબ્બે પેઢીઓ સાથે યુદ્ધ લડવાં પડે છે. એક બાજુ વૃદ્ધ માતા-પિતા છે, અને બીજી બાજુ યુવાન કલિગ્સ તેમજ સંતાનો છે, જે મિલેનિયલ્સ કે જેન-ઝી છે. એમણે પપ્પાને કહેવું પડે છે કે, 'તમે આખો દહાડો એફડી-એફડી ના કર્યા કરો' ને સંતાનને કહેવું પડે છે કે, 'લ્યા, તું ક્રિપ્ટો કરન્સીના રવાડે ક્યાં ચડયો!' આ પેઢી 'બ્રિજ જનરેશન' છે - તેમણે વીસમી સદી પણ ભરપૂર માણી છે અને અત્યારે એકવીસમી સદી પણ પૂરેપૂરી માણી રહ્યા છે. ઇન્ટરનેટ આવ્યું તે પહેલાં તેઓ જુવાન થઈ ગયા હતા. તેઓ મોટે ઉપાડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ત્રણ-ત્રણ કલાકના ફ્રી ઓનલાઇન કોર્સમાં નામ નોંધાવી દે છે. એ વાત અલગ છે કે કોર્સ કર્યા પછીય ચેટજીપીટીને ગૂગલની જેમ વાપરવા સિવાય એમને બીજું કશુંય આવડતું નથી!

મિલેનિયલ્સ: ૧૯૮૧થી ૧૯૯૬ વચ્ચે જન્મેલી પેઢી મિલેનિયલ્સ છે. મતલબ કે આજે જેમની ઉંમર ૨૯થી ૪૪ વર્ષની વચ્ચે છે. આ ઇએમઆઈ નીચે ચગદાઈ ગયેલી પેઢી છે. તેમને પોતાનું 'પેશન' ફોલો કરવાના અભરખા છે, પણ બિચારા એવું કરી શકતા નથી, કેમ કે એમનું ઘર, કાર, આઇફોન બધું ઇએમઆઇ પર ચાલે છે! 'જિંદગી ના મિલેગી દોબારા'ના હૃતિક રોશનની જેમ ૪૦-૪૫ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં ચિક્કાર કમાઈ લઈને અર્લી રિટાયરમેન્ટ લઈ લેવું - આ એમની અલ્ટિમેટ ફેન્ટસી છે. ઘરમાં મમ્મી-પપ્પા આખો દિવસ સ્થિરતા-સ્થિરતા કર્યાં કરે છે એટલે યુરોપમાં રોડ ટ્રિપ કરવાનાં એમનાં સપનાં ડિસ્ટર્બ થઈ જાય છે. કોલેજમાં સાથે ભણતા મિત્રો, કે જે અત્યારે 'કોર્પોરેટ ગુલામી' કરી રહ્યા છે, તેઓ વીકએન્ડમાં ભેગા થાય ત્યારે સ્ટાર્ટઅપ ખોલવાનાં ભવ્ય પ્લાનિંગ કરે છે, અને પછી સોમવારે ડાહ્યાડમરા થઈને ઓફિસે પહોંચી જાય છે. એમના કેટલાય ફ્રેન્ડ્ઝ લગ્ન કરવાનું હજુ ફક્ત વિચારી રહ્યા છે, તો કેટલાક ડિવોર્સ લઈને ડેટિંગ એપ્સ પર અખતરા કરી રહ્યા છે. પોતાને 'નાઇન્ટીઝ કિડ્સ' ગણાવવામાં આ પેઢીને અપૂર્વ આનંદ આવે છે. 

જનરેશન-ઝેડ અથવા જેન-ઝી: જનરેશન-ઝેડ અથવા જેન-ઝી એટલે ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે જન્મેલા જુવાનિયાઓ. આજની તારીખે એમની ઉંમર ૧૩થી ૨૮ વર્ષ છે. આ જ એ ખતરનાક પેઢી છે, જેણે હાલ 'સૈયારા' નામની ફિલ્મ જોઈને આતંક મચાવી દીધો છે! આ સોશિયલ મીડિયા જનરેશન છે, જેમને રેસ્ટોરાંમાં જઈને ખાવામાં નહીં, પણ ડિશના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં વધારે રસ છે. ઓફિસમાં શુક્રવાર આવતા સુધીમાં તો એમને સ્ટ્રેસ આવી જાય છે. વીકએન્ડમાં કામ? આ વાત જ એમને સમજાતી નથી. ઇન્ફોસિસવાળા નારાયણ મૂત અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની વાત કરે છે ત્યારે તેમની ભીતર રહેલો ક્રાંતિકારી ઉછળીને ઊભો થઈ જાય છે અને વિદ્રોહ-વિદ્રોહના પોકારો કરે છે. 'લે, ૭૦ કલાકમાં શું? અમે તો અમારી જુવાનીમાં રોજ પંદર-પંદર, સોળ-સોળ કલાક કામ કરતા...' - એમના પપ્પાઓ અને દાદાઓ આવું બોલે ત્યારે આ ઉર્જાવાન જુવાનિયાઓ મૂર્છિત થઈને ઢળી પડે છે. તેમના પપ્પાઓ 'હું  રાજીનામું ખિસ્સામાં રાખીને ફરું છું' એવું બોલવામાં બહાદૂરી સમજતા હતા, જ્યારે જેન-ઝી તો રાજીનામું લખવાની તસ્દી પણ લેતી નથી. ઓફિસમાં મજા નથી આવતી? તો સોમવારથી ઓફિસે જવાનું બંધ. સિમ્પલ! એચઆરનો ફોન બ્લોક. બોસનો ફોન પણ બ્લોક! જેન-ઝીને જોબ નથી કરવી, એમને બિઝનેસ પણ નથી કરવો, એમને માત્ર સ્ટાર્ટ-અપ શરૂ કરીને આન્ત્રપ્રિન્યોર બનવામાં રસ છે. એમના માટે સોશિયલ મીડિયા પર ચિક્કાર ફોલોઅર્સ ધરાવવા એ સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. 

જનરેશન આલ્ફા: ૨૦૧૩ પછી જન્મેલાં બાળકો-કિશોરો જનરેશન આલ્ફાના સભ્યો છે, જેમને કલ્પના જ નથી કે ઇન્ટરનેટ અને વાઇફાઇ વગરની પૃથ્વી કેવી હોય! આ એઆઈ જનરેશન છે, જે ચાલતાં પછી શીખે છે, મોબાઇલની સ્ક્રીન સ્ક્રોલ કરતાં પહેલાં શીખી જાય છે. આ પેઢીને કંટાળો એટલે શું તેની ખબર નથી, કેમ કે તેમના મોબાઇલમાં મનોરંજક કોન્ટેન્ટનો નોનસ્ટોપ વરસાદ વરસી રહ્યો છે. તેમના માટે છાપું દાદાજીના જમાનાની વસ્તુ છે. તેમનાં કન્ફ્યુઝ્ડ મિલેનિયલ મમ્મી-ડેડી વાતવાતમાં 'આજકાલનાં કિડ્સ...' એવું બોલતાં રહે છે. જનરેશન આલ્ફા એમના દાદાજીને મોબાઇલ પરથી ઉબર ટેક્સી બોલાવતાં અને બુકમાયશો એપ પરથી ફિલ્મની ટિકિટ બુક કરતાં શીખવે છે. 

માણસમાં એક કરતાં વધારે પેઢીઓનાં સુલક્ષણો અને કુલક્ષણોનું કોમ્બિનેશન બિલકુલ હોઈ શકે છે!