ફોટોગ્રાફર બાબા: ગંગોત્રી શિખર જોયું ને જાણે મારાં બધાં પાપ ધોવાઈ ગયાં...

- વાત-વિચાર-શિશિર રામાવત
- સ્વામી સુંદરાનંદ એવા સાધુ હતા જેમના એક હાથમાં ભીક્ષાપાત્ર અને બીજા હાથમાં કેમેરા રહેતો! હિમાલયમાં દાયકાઓ સુધી ભ્રમણ કરીને એમણે એક લાખ કરતાં વધારે તસવીરો ખેંચી છે. ગ્લોબલ વોર્મિંગ શબ્દ હજુ ચલણમાં પણ નહોતો આવ્યો ત્યારથી તેઓ હિમાલયમાં માણસજાતે જે મૂર્ખતા આચરી રહી છે તે વિશે બોલતા-લખતા રહ્યા હતા
- સ્વામી સુંદરાનંદ : ગ્લોબલ વોર્મિંગ નહીં, ગ્લોબલ વોર્નિંગ
કલ્પના કરો કે હિમાલયની બર્ફીલી પર્વતમાળાઓમાં ભગવા વધારી એક સાધુ વિહાર કરી રહ્યા છે. એમની લાંબી શ્વેતશ્યામ દાઢી હવામાં ફરફરી રહી છે. ચહેરા પર સૌમ્યતા અને કઠોરતાનું આકર્ષક સંયોજન છે. સૌમ્યતા એટલા માટે કે તેઓ કશુંક 'ભાળી' ચૂક્યા છે. કઠોરતા એટલા માટે કે હિમાલયની વિષમ આબોહવામાં તેમણે દાયકાઓ પસાર કર્યા છે. સૌથી ધ્યાનાકર્ષક વાત હવે આવે છે: એમના ગળામાં એક કેમેરા લટકી રહ્યો છે. તેઓ આધ્યાત્મ પુરૂષ તો છે જ, પણ સાથે સાથે ફોટોગ્રાફર પણ છે. તે પણ જેવા તેવા નહીં, વૈશ્વિક સ્તરે જેમની નોંધ લેવાઈ હોય એવા ફોટોગ્રાફર. હાલ વર્લ્ડ ફોટોગ્રાફી વીક ચાલી રહ્યું છે (ખરેખર તો બે વીક - ૧૨ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ) ત્યારે ચાલો, આ સાધુના જીવનનો ક્લોઝ અપ લઈએ.
એમનું નામ છે, સ્વામી સુંદરાનંદ. એમનું હુલામણું નામ, 'ફોટોગ્રાફર બાબા'. તેમના માટે 'ધ સાધુ હુ ક્લિક્સ' જેવો શબ્દપ્રયોગ પણ થાય. તેઓ સાધુ અને ફોટોગ્રાફર ઉપરાંત લેખક અને ડોક્યુમેન્ટેરીઅન પણ હતા, પર્વતારોહક અને પર્યાવરણપ્રેમી પણ હતા. હિમાલય એમની ધર્મભૂમિ અને કર્મભૂમિ. સાઠ વર્ષના સમયગાળામાં એમણે હિમાલયની કમસે કમ એક લાખ તસવીરો ખેંચી છે. ગંગોત્રી ગ્લેશિયર, એટલે કે ગંગોત્રી શિખરનું બર્ફીલું આવરણ ક્રમશ: સંકોચાઈ રહ્યું છે તે એમના માટે ઊંડી ચિંતાનો વિષય હતો. આ ચિંતા ખરેખર તો આપણા સૌની હોવી જોઈએ. સ્વામી સુંદરાનંદે દેશભરમાં ફરીને ગંગોત્રીના થઈ વિનાશ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. ગંગોત્રી ગ્લેશિયરનું ક્રમિક સંકોચન એમની તસવીરોમાં આબાદ કેપ્ચર થયું છે.
૧૯૨૬ની સાલમાં આંધ્રપ્રદેશના નેલ્લોરમાં જન્મેલા સ્વામી સુંદરાનંદે હિમાલયનાં પચ્ચીસ શિખરોનું આરોહણ કર્યું હતું. અરે, સર્વપ્રથમ વખત એવરેસ્ટ સર કરનાર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે સાથે પણ એમણે હિમાલય ખૂંદ્યો છે. ૧૯૮૦ના દાયકામાં હિલેરી અને તેનઝિંગ ખાસ સ્વામીજીને મળવા એમના ગંગોત્રી સ્થિત એમના આશ્રમે ગયા હતા. સ્વામીએ એક વાત કેટલીય વાર, કેટલીય જગ્યાએ કહી છે, અને તે એમણે હિલેરી-તેનઝિંગને પણ કહી હશે કે, '૧૯૪૯માં મેં પહેલી વાર હિમાચ્છાદિત ગંગોત્રી શિખર જોયું ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે જાણે મારાં તમામ પાપ ધોવાઈ ગયાં છે અને જાણે કે મારો નવો જન્મ થઈ રહ્યો છે...' આટલું કહીને તેઓ પીડા સાથે આ વાત પણ ઉમેરતા, '...પણ ગંગોત્રી અને ગંગાને જોઈને આજે આવી અનુભૂતિ થવી અશક્ય છે.' વિચારો કે આ વ્યથા એમણે દાયકાઓ પહેલાં વ્યક્ત કરી હતી. આજે તો ગંગામૈયાની દુ:સ્થિતિ જોઈને થથરી ઉઠાય છે.
સ્વામી સુંદરાનંદનું જીવન પણ એમણે ખેંચેલી તસવીરો જેવું જ નાટયાત્મક રહ્યું. એમનું મૂળ નામ સુંદર રામૈયા. નાનપણથી જ એમને કોણ જાણે કેમ, સાધુ બનવાની લગની લાગી હતી. કદાચ ભક્ત પ્રહ્લાદ, નચિકેતા અને ધુ્રવની કથાઓના વાંચન-શ્રવણનો આ પ્રભાવ હતો. બાર વર્ષની ઉંમરે તેમણે સાધુ બનવા માટે પહેલી વાર ઘરેથી ભાગવાની કોશિશ કરી હતી, પણ પકડાઈ ગયા. પિતાજી એમને સમજાવીને પાછા ઘરે લઈ આવ્યા. પંદર વર્ષની ઉંમરે તેઓ બીજી વાર ભાગ્યા. પાછા ઝડપાઈ ગયા... પણ વીસ વર્ષની ઉંમરે ત્રીજા પ્રયત્નમાં તેઓ ઘરેથી નાસી જવામાં સફળ રહ્યા.
સૌથી પહેલાં તો તેઓ કલકત્તા ગયા, પણ કાશી ગયા વગર સાધુ કેવી રીતે થવાય? એટલે તેઓ કાશી ગયા. રસ્તામાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા. માંડ માંડ સાજા થયા ત્યાં પગપાળા હરિદ્વાર ને પછી હૃષિકેશ ગયા. એમના હાલહવાલ જરાય સારા નહીં. હૃષિકેશમાં બાબા કાલી કમલીવાલા ટ્રસ્ટ તરફથી સાધુઓને ભિક્ષા આપવામાં આવી. સ્વામીજી ભિક્ષા લેવા ગયા, પણ એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું: 'અહીં સાધુઓને ભિક્ષા અપાય છે, ભિખારીઓને નહીં!' સુંદરાનંદ ચુપચાપ બહાર નીકળી ગયા. ત્યાર બાદ સ્વામી દયાનંદગિરિ સાથે એમનો ભેટો થયો. દયાનંદગિરિએ એમને વિધિવત્ દીક્ષા આપી. સુંદર રામૈયા હવે સ્વામી આનંદ બન્યા. એમણે અન્ય સાધુઓ પાસેથી ઉત્તર કાશીમાં વસતા તપોવનજી મહારાજના બહુ ગુણગાન સાંભળ્યા હતા. પોતાના ગુરૂની પરવાનગી લઈ તેઓ પગપાળા ઉત્તર કાશી જવા નીકળી પડયા. અહીં હાડ થિજાવી નાખતી ભયાનક ઠંડી, ને સ્વામી સુંદરાનંદ પાસે સુતરાઉ કાપડનો ટુકડો અને ભીક્ષાપાત્ર સિવાય બીજું કશું નહીં. અનેક કષ્ટ વેઠીને તેઓ તપોવનજી મહારાજની કુટિર સુધી પહોંચ્યા. એમને જોતાંવેંત તપોવનજી મહારાજે કહ્યું, 'જુવાન, આવું આકરું દેહદમન કરીને તું ક્યાં જવા માગે છે? પરમાત્માને પામવાનો આ માર્ગ નથી...'
તપોવનજી મહારાજ પાસેથી સ્વામી સુંદરાનંદે વેદ-વેદાંતનું શિક્ષણ મળવ્યું. થોડા સમય પછી સ્વામી ચિન્મયાનંદજી તપોવનજી મહારાજ પાસે વેદાંતનું શિક્ષણ લેવા આવ્યા. આમ, સ્વામી સુંદરાનંદ અને સ્વામી ચિન્મયાનંદ ગુરૂભાઈ બન્યા. ચિન્મયાનંદજીએ પછી ચિન્મય મિશનની સ્થાપની કરી અને દેશ-વિદેશ ખૂબ ફર્યા, જ્યારે સ્વામી સુંદરાનંદ હિમાલય છોડીને કશે ન ગયા.
એક વખત સુંદરાનંદજીએ ગંગોત્રી-ગોમુખ થઈને બર્ફીલા રસ્તે બદરીનાથ સુધીની યાત્રા કરી. રસ્તો દુર્ગમ હતો, પણ આંખો સામે જે દ્રશ્યાલિઓ ખૂલતી હતી તે અવર્ણનીય હતી. સ્વામીજીને થયું: આ દ્રશ્યોને કેમેરામાં કંડારી લીધાં હોય તો અનેક લોકો તે જોઈ શકે... આ કામ હું જ કેમ ન કરું? સ્વામીજીની તાસીર નોખી હતી. સાધુ હોવા છતાં કેમેરા જેવું આધુનિક ઉપકરણ વસાવવામાં એમને છોછ નહોતી. ગુરૂની પરવાનગી લઈને એમણે પચ્ચીસ રૂપિયામાં એક કેમેરા ખરીદ્યો. ૧૯૫૭માં લાંબી બીમારી બાદ ગુરૂનું અવસાન થયું. સ્વામી સુંદરાનંદ પર હવે ગુરૂસેવાનું બંધન પણ ન રહ્યું. તેમણે હિમાલયનું પરિભ્રમણ શરૂ કર્યું. સાથે સાથે ફોટોગ્રાફી પણ. કૈલાસ માનસરોવર, તિબેટ, બદરીનાથ, કેદારનાથ... ને ગંગોત્રીની મુલાકાત તો કેટલીય વાર લીધી. તેઓ હિમાલયમાં એટલું બધું ફર્યા કે આ વિસ્તારના ભોમિયા બની ગયા હતા. કેટલાય પર્વતારોહકો દુર્ગમ જગ્યાએ જતાં પહેલાં સ્વામીજીનું માર્ગદર્શન લેતા. ૧૯૬૨માં ભારત-ચીનના યુદ્ધ વખતે સ્વામીજીએ ભારતીય સૈનિકોની એક ટુકડી માટે રીતસર ગાઇડ તરીકે કામ કર્યું હતું અને સૌને નેલાંગથી બદરીનાથ સુધી સલામત રીતે લઈ ગયા હતા. કેમેરા સદાય એમની સાથે ને સાથે જ હોય.
સ્વામી સુંદરાનંદે પોતાની કુટિરમાં ફોટો ગેલેરી બનાવી હતી, જે એક પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે ટુરિસ્ટ સ્પોટ બની ગઈ હતી. ફોટોગ્રાફી કંઈ સ્વામીજીનો વ્યવસાય નહોતો. તેઓ મુલાકાતીઓને પ્રેમપૂર્વક તસવીરો દેખાડતા ને એની કોપી પણ કરવા દેતા. તેમણે પોતાની એક પણ તસવીર પર ક્યારેય કોપીરાઇટ રાખ્યો નહોતો. તેઓ દેશવિદેશ ઘુમીને ફોટોગ્રાફીની કોન્ફરન્સમાં ભાગ લેતા, આંતરરાષ્ટ્રીય સ્તરની ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા પણ આપતા. તેઓ બધું જ કરતા, પણ પોતાનો સાધુધર્મ જાળવી રાખીને.
એમનો મુખ્ય ઉદ્દેશ તો હિમાલય સાથે આપણે જે મૂર્ખતાભર્યું અને ક્રૂરતાભર્યું વર્તન કરીએ છીએ તેના વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. ગ્લોબલ વોર્મિંગ શબ્દ હજુ ચલણી નહોતો બન્યો ત્યારથી તેઓ દેશ-વિદેશમાં તેના વિશે પ્રવચનો આપતા હતા. તેઓ કહેતા, 'આ 'ગ્લોબલ વોર્મિંગ' નથી, હું કહું છું કે આ 'ગ્લોબલ વોર્નિંગ' છે.'
તેમણે દેશનાં પ્રથમકક્ષ અંગ્રેજી અખબારો અને મેગેઝિનોમાં આ વિશે કંઈકેટલાય લેખો લખ્યા છે. મજા જુઓ કે તેઓ ઔપચારિક રીતે ચાર ધોરણ જ ભણ્યા હતા. અંગ્રેજી ભાષા તેઓ જાતે જ શીખ્યા હતા.
'હિમાલયા: થૂ્ર ધ લેન્સ ઓફ અ સાધુ' નામના પુસ્તકમાં એમની ૪૨૫ ચુનંદી તસવીરોનો સંગ્રહ થયો છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એમણે ગંગોત્રીની સુરક્ષા માટે એક પત્ર લખ્યો હતો, તે પણ આ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યો છે. સ્વામીના જીવન અને કર્મ પર એક ડોક્યુમેન્ટરી પણ બની છે, જેનું ટાઇટલ છે, 'પર્સનલ ટાઇમ વિથ સ્વામીજી'. એમણે અંગ્રેજીમાં એક આત્મકથા પણ લખી છે - 'વંડરિંગ્સ ઇન ધ હિમાલયા'. આ પુસ્તક હિમાલય વિશેનો દસ્તાવેજ સમાન છે.
૨૦૨૦માં કોરોનાની પહેલી લહેરે સ્વામીજીને ઝપટમાં લઈ લીધા હતા. ૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ દહેરાદૂનમાં તેઓ અવસાન પામ્યા. એમનું જીવન વૈજ્ઞાાનિકો માટે, પર્યાવરણપ્રેમીઓ માટે, પર્વતારોહકો અને અલબત્ત, ફોટોગ્રાફરો માટે પ્રેરણાદાયી બની રહેવાનું છે એ તો નક્કી.








