ઓપરેશન રાઇઝિંગ લાયનઃ ઇઝરાયલી ડ્રોન્સના હેરતઅંગેજ કારનામા

- વાત-વિચાર-શિશિર રામાવત
- વેપારી, ડ્રાઇવર કે એન્જિનીયર બનીને ઇરાનમાં ચોરીછૂપીથી ઘુસી ગયેલા ઇઝરાયલના એજન્ટ્સ ખાલી હાથે નહોતા આવ્યા. શક્તિશાળી વિસ્ફોટકો, હાઇટેક સર્વેલન્સ ગિઅર અને હુમલાખોર ડ્રોન્સ જેવાં ખતરનાક આયુધોનાં છૂટક સ્પેર પાર્ટ્સ પણ તેમણે સ્મગલ કરીને ઇરાનમાં ઘુસાડયા હતા
આ મહિનાની પહેલી જૂને યુક્રેને ઓપરેશન સ્પાઇડરવેબને અંજામ આપીને રશિયાની કેવી ઊંઘ ઉડાડી દીધી હતી ને વિશ્વભરમાં કેવો તહેલકો મચાવી દીધો હતો તે આપણને બરાબર યાદ છે. આ અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહીએ પેદા કરેલા તરંગો હજુ શાંત થાય તે પહેલાં ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન હાથ ધર્યું ને નવેસર સનસનાટી મચી ગઈ. આ બન્ને ઓપરેશનોએ એક વાત સાબિત કરી દીધીઃ જમાનો બદલાઈ ગયો છે, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. માત્ર ફાઇટર પ્લેન જ લક્ષ્યસ્થાનોને ખાત્મો બોલાવી શકે તે જરૂરી નથી. અરે, મોંઘી મિસાઇલ્સ છોડવી પણ ફરજિયાત નથી. હવે આ કામ સ્માર્ટ ડ્રોન્સ પણ કરી શકે છે! તમે આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને પાક્કા કો-ઓડનેશનના જોરે ડ્રોન્સનું ખતરનાક ઝુંડ દુશ્મન ઇલાકામાં મોકલી શકો છો, પરંપરાગત એર-ડિફેન્સ સિસ્ટમની આંખમાં ધૂળ નાખી શકો છો અને ટાર્ગેટ્સનું ધનોતપનોત કાઢી શકો છો!
આ આખી વાતને વિગતવાર સમજવા જેવી છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ને આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ ગયા. ૧૨ જૂનની મધરાતે (આમ તો ૧૩ જૂનની પરોઢે) ઇઝરાયલે ઇરાન પર સૌથી પહેલાં તો ડ્રોન્સ વડે જોરદાર અટેક કર્યો, પછી ફાઇટર જેટ્સ અને મિસાઇલ્સ પણ જોડાયાં. આ સિલસિલો લાગલગાટ ૭૨ કલાક ચાલ્યો. ઇઝરાયલે આ લશ્કરી ગતિવિધિને નામ આપ્યું - ઓપરેશન રાઇઝિંગ લાયન! ઇઝરાયલે ઇરાનનાં મોબાઇલ રોકેટ લોન્ચર્સ, અન્ડરગાઉન્ડ બંકર્સ અને અન્ય છૂપાં લશ્કરી થાણાંને નિશાન બનાવીને પ્રિસીઝન અટેક કર્યા. ઇરાને પણ વળતો હુમલો કર્યો, જેનું સ્વરૂપ બહુધા ટ્રેડિશનલ હતું. ઓપરેશન રાઇઝિંગ લાયન પણ, અગાઉ નોંધ્યું તેમ, ફક્ત ડ્રોન્સ પૂરતું સીમિત નહોતું રહ્યું. ઇઝરાયલે એફ-ફિફ્ટીન, એફ-સિક્સટીન અને એફ-થર્ટીફાઇવ જેવાં ફાઇટર જેટ્સ ઉપરાંત મિસાઇલ્સ અને અન્ય આયુધોનો ઉપયોગ કર્યો જ હતો. આ પરંપરાગત ઓશોને અને જિઓપોલિટિક્સના આટાપાટાને આપણે હાલ પૂરતા ચર્ચામાંથી દૂર રાખીશું, કેમ કે આપણને રસ મુખ્યત્વે એ જાણવામાં છે કે એકવીસમી સદીમાં ડ્રોન ટેકનોલોજીએ કઈ રીતે આધુનિક યુદ્ધશાસ્ત્રમાં અવનવા રંગો પૂરવાનું કામ કર્યું છે.
૧૨મી અને ૧૩મી જૂનને વિભાજિત કરતી રાત્રિએ ઇરાનના પાટનગર તહેરાનની નજીકથી ઇઝરાયલી ડ્રોન્સનું આખું ઝુમખું રમરમાટ કરતું ઉપડયું હતું. આ ડ્રોન્સ પર વિસ્ફોટકો લદાયેલાં હતાં. ઇરાનનાં ૩૦ જેટલાં સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ લોન્ચર્સ અને એર-ડિફેન્સ બેટરી પર આ ડ્રોન્સ ત્રાટક્યાં ને તેનો ખુડદો બાવી દીધો. ડ્રોન અટેક સફળ થયો એટલે ઇઝરાયલ માટે હવે પછી ફાઇટર પ્લેન તેમજ મિસાઇલ વડે થનારા હુમલા પ્રમાણમાં આસાન બન્યા. ઇઝરાયલ અને તહેરાન વચ્ચે લગભગ ૧૬૦૦ કિલોમીટર જેટલું અંતર છે, પણ ડ્રોન્સની લોન્ચિંગ સાઇટ તો સાવ તહેરાનને લગોલગ હતી. અહીંથી ટાર્ગેટ સુધીનું ઉડ્ડયન ફક્ત ૩૦થી ૫૦ કિલોમીટર જેટલું જ હતું. સવાલ આ છેઃ આટલાં બધાં ડ્રોન દુશ્મન દેશની ભીતર, સરહદથી ૫૦૦થી ૭૫૦ કિલોમીટર ઊંડે તહેરાન સુધી પહોંચ્યાં શી રીતે? આ સમજવા માટે થોડા મહિનાઓ પાછળ જવું પડશે.
ઇઝરાયલની મોસાદ વિશ્વની ટોચની ગુપ્તચર સંસ્થાઓમાં સ્થાન પામે છે. મોસાદ એ વાસ્તવમાં લાંબાલચ્ચ અને અટપટા હિબુ્ર નામનું શોર્ટ ફોર્મ છે. મૂળ નામનો અંગ્રેજી અર્થ થાય છે, ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ. ઓપરેશન રાઇઝિંગ લાયનને અંજામ મળ્યો એના કેટલાય મહિનાઓ પહેલાં મોસાદના એજન્ટ્સ એક-એક કરીને યેનકેન પ્રકારેણ ઇરાનમાં ઘૂસી ગયા હતા. કોઈ ડ્રાઇવર બનીને, કોઈ વેપારી બનીને, કોઈ સ્થાનિક કંપનીનો એન્જિનીયર બનીને. આ સૌ એજન્ટ્સ સ્થાનિક ઇરાની પ્રજામાં એવી રીતે ભળી ગયા કે કોઈનું એમના પર ધ્યાન સુધ્ધાં ન જાય.
મોસાદના એજન્ટ્સ ખાલી હાથે નહોતા આવ્યા. તેમણે ડ્રોન્સ, શક્તિશાળી વિસ્ફોટકો, હાઇટેક સર્વેલન્સ ગિઅર વગેરે જેવાં ખતરનાક આયુધોના નાના નાના સ્પેર પાર્ટ્સ સ્મગલ કરીને ઇરાનમાં ઘુસાડયા હતા. આ સ્પેર પોર્ટ્સ જો છૂટક કોઈના હાથમાં આવી જાય તો સહેજે શંકા ન જાય, પણ જો તેમને જિગસો પઝલની જેમ એકબીજા સાથે ફિટ કરવામાં આવે તો ખતરનાક ઇક્વિપમેન્ટનું રૂપ ધારણ કરી લે. આ સઘળું કામકાજ તહેરાન શહેરની બહાર નિર્જન ઇલાકામાં ઊભેલા એક જૂના જર્જરિત મકાનમાં ચોરીછૂપીથી થતું હતું. બહારથી તે ખખડધજ મકાન જેવું લાગે, પણ અંદર જાઓ તો જાતજાતની સ્ક્રીન, ટ્રાન્સમીટર અને કંઈકેટલાય ગેજેટ્સ જોવા મળે. જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય જોઈ લો! આ મકાન ડ્રોન્સનું લોન્ચિંગ પેડ હતું. અહીંથી જ નિયત સમયે ડ્રોન્સ ઉડવાના હતાં અને ટાર્ગેટ પર ત્રાટકવાનાં હતાં.
મોસાદના એજન્ટ્સ છદ્મવેશે ઇરાનના સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત ઠેકાણાંથી બને એટલા નજીક પહોંચવાની કોશિશ કરતા. આ ઠેકાણાં એટલે મિસાઇલ ટ્રક્સ, રડાર ટાવર, અન્ડરગ્રાઉન્ડ બન્કર વગેરે. પછી ભારે સિફતથી તેઓ ટચુકડા જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ટ્રેકર્સ અને લેઝર માર્કર્સ આ લક્ષ્યસ્થાનો પર પ્લાન્ટ કરી દેતા. આ ડિવાઇસના આધારે જ ડ્રોન્સ અને પછી ફાઇટર જેટ્સ અંધારામાં અટેક કરવાનાં હતાં. અમુક ઇઝરાયલી એજન્ટ્સ ઇલેક્ટ્રોનિક વોરફેરમાં ઉસ્તાદ હતા. એમણે ઇરાનની ડિફેન્સ સિસ્ટમમાં ડિજિટલ ઘૂસણખોરી કરીને રડાર સ્ટેશનો અને કમ્યુનિકેશન સેન્ટરોને હેક કરી નાખ્યા.
આ બાજુ, તેલ અવીવમાં મોસાદની બીજી ટીમ તહેરાન તેમજ અન્ય ચાવીરૂપ શહેરોની એકેએક ગલી, એકેએક મકાન અને એકેએક છતનો અત્યંત ઝીણવેટભેર અભ્યાસ કરી રહી હતી. આ ડેટાના આધારે તેમણે મહત્ત્વની ન્યુક્લિયર સાઇટ્સ, એર-ડિફેન્સ બન્કર, શસ્ત્રાગાર અને હરતાફરતા માણસો સુધ્ધાંને લક્ષ્ય બનાવતા નક્શા તૈયાર કરી નાખ્યા.
તમામ ટુકડીઓનું પરફેક્ટ પ્લાનિંગ થઈ ગયું એટલે ડ્રોન અટેક માટે તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યાઃ સ્થાનિક સમય મુજબ, ૧૨ જૂન અને ૧૩ જૂન વચ્ચેની મધરાતે ત્રણ વાગે. સમય આવતાં જ મોસાદની ઓન-ગ્રાઉન્ડ ટીમ એક્ટિવેટ થઈ. ટચુકડા પણ કાતિલ એવાં ડ્રોન્સનું આખું ઝુંડ પોતપોતાનાં લક્ષ્યસ્થાનો તરફ ઉડયું. પાક્કો આંકડો ઉપલબ્ધ નથી, પણ અંદાજ એવો છે કે ડ્રોનની સંખ્યા ડઝનોમાં હતી. ઇઝરાયલી હેકરોએ ઇરાનની ડિફેન્સ સિસ્ટમને હેક કરી નાખી હતી એટલે છેક છેલ્લી ઘડી સુધી ઇરાની સૈનિકોને અંદેશો જ ન આવ્યો કે શું થઈ રહ્યું છે, અને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
ડ્રોન્સ દ્વારા ઇરાનની ડિફેન્સ સિસ્ટમ તદ્ન નિષ્ક્રિય બનાવી નાખી ને તે સાથે જ ગણતરીની મિનિટોમાં ઓપરેશન રાઇઝિંગ લાયનનો બીજો તબક્કો શરૂ થયો. ૨૦૦ કરતાંય વધારે ઇઝરાયલી ફાઇટર જેટ્સ ઇરાની આકાશમાં ઘૂસી ગયાં અને તેમણે ૧૦૦ ટાર્ગેટ્સ પર કુલ ૩૩૦ જેટલાં મિસાઇલ, બોમ્બ ઇત્યાદિનો વરસાદ વરસાવ્યો. આ આયુધોના નિશાના પર તહેરાન ઉપરાંત નટાન્ઝ, એરાક, ફોરડો, ઇસફહાન જેવાં શહેરો પણ હતાં. ઇરાનના ચીફ ઓફ સ્ટાફ સહિત ટોચની અન્ય ત્રણ લશ્કરી વ્યક્તિઓ ઉપરાંત બે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવી ને તેમના પ્રાણ હરી લેવામાં આવી.
ઇઝરાયલે આટલો વિનાશ વેર્યો એટલે શું ઇરાન ઘૂંટણિયે પડી ગયું? ના રે ના. ઇરાને ૧૩ જૂનની સાંજે જ ઇઝરાયલ પર ૧૫૦ કરતાં વધારે બેલિસ્ટિક મિસાઇલ અને ૧૦૦ કરતાં વધારે ડ્રોનથી વળતો હુમલો કર્યો. ઇઝરાયલની ખૂબ જાણીતી આર્યન ડોમ ડિફેન્સ સિસ્ટમે ઝીંક ઝીલી તો પણ ઇઝરાયલમાંય જાનમાલનું નુક્સાન તો થયું જ.
સહેજે સવાલ થાય કે ડ્રોનનો ઉપયોગ તો ઇઝરાયલ અને ઇરાન બન્નેએ કર્યો હતો, તો પણ ઇઝરાયલના ડ્રોન અટેક પર દુનિયાનું ધ્યાન કેમ વધારે ગયું? તે એટલા માટે કે, અગાઉ વર્ણવ્યું તેમ, ઇઝરાયલની મોસાદ સંસ્થાએ અટેકના મહિનાઓ પહેલાં ડ્રોનના સ્પેર પાર્ટ્સ ઇરાનમાં સ્મગલ કરીને ઘૂસાડયા હતા અને ટાર્ગેટથી ફ્કત ૩૦થી ૫૦ કિલોમીટરના અંતરેથી ડ્રોન્સને લોન્ચ કર્યાં હતાં. આ બાજુ, ઇરાને પોતાની ધરતી પરથી ડ્રોન છોડયાં હતાં, જે ૮૦૦થી ૧૫૦૦ કિલોમીટર કરતાં વધારે અંતર કાપીને ઇઝરાયલ સુધી પહોંચ્યાં હતાં. આટલું અંતર કાપતાં ડ્રોન્સને ૪થી ૭ કલાક થાય. વળી, જોર્ડન અને ઇરાક જેવા ભૌગોલિક રીતે વચ્ચે આવતા દેશોની એર ડિફેન્સ ગતિવિધિઓથી પણ બચવું પડે. આટલું લાંબુ અંતર કાપી રહેલાં ડ્રોન્સ પર અધવચ્ચે ઇન્ટરસેપ્ટ થઈને તૂટી પડવાનું જોખમ ઘણું વધારે હોય. વધુ એક મુદ્દો. ઇઝરાયલને ડ્રોન અટેક સાવ સસ્તો પડયો. ઇઝરાયલ થોડાક હજાર ડોલરમાં ઇરાનની કંઈકેટલાય મિલિયન્સની મિસાઇલ સિસ્ટમ્સને નિષ્ક્રિય બનાવી નાખી. સામે પક્ષે, ઇરાનને એક-એક લોન્ગ-રેન્જ ડ્રોન ૨૦થી ૫૦ હજાર ડોલરમાં પડયું. વળી, તેનો સક્સેસ રેશિયો તો ઇઝરાયલના ડ્રોન કરતાં નીચે જ રહ્યો.
ઇઝરાયલે ભલે સફળ ડ્રોન અટેક કર્યો, પણ એકવીસમી સદીના યુદ્ધશાસ્ત્રમાં ડ્રોન અટેકનું નવું પ્રકરણ તો યુક્રેનના દિલધડક ઓપરેશન સ્પાઇડરવેબને કારણે ઉમેરાયું. શું થયું હતું ઓપરેશન સ્પાઇડરવેબમાં. આવતા શનિવારે વાત.








