આપણને સેલ્ફ-હેલ્પની નહીં, સેલ્ફ-નોલેજની જરૂર છે

- વાત-વિચાર-શિશિર રામાવત
- 'સેલ્ફ-હેલ્પની જરૂર હોવાનો અર્થ તો એ જ થયોને કે આપણને કંઈક સમસ્યા છે. તે સમસ્યા આ જ છેઃ આપણે ખુદને ઓળખતા નથી. આપણને આપણી અસલિયતની, આપણા માંહ્યલાની જાણકારી નથી.'
પુસ્તકનું શીર્ષક સુંદર છે - 'ટ્રુથ વિધાઉટ અપોલોજી'. એવું સત્ય, જેને ક્ષમાયાચના વગર, બિન્ધાસ્તપણે, નીડરતાથી સ્વીકારી લેવાનું છે. સત્યને ક્ષમાયાચના સાથે શી લેવાદેવા? શીર્ષકની ટેગલાઇન પણ સરસ છેઃ 'ફોર ધોઝ ટાયર્ડ ઓફ સ્વીટ લાઇઝ'. આ એવા લોકો માટે છે, જે સફેદ જૂથથી, મીઠી મીઠી પણ ખોટી વાતોથી થાકી ગયા છે. આ અંગ્રેજી પુસ્તકના લેખક છે, આચાર્ય પ્રશાંત. આચાર્ય પ્રશાંત જે તીવ્રતાથી વાસ્તવિક સનાતન ધર્મ અને ગીતા-વેદાંત-ઉપનિષદનું જ્ઞાાન જનસામાન્ય સુધી લઈ જઈ રહ્યા છે તે અસાધારણ છે. જે વ્યક્તિ તેમના કામથી હજુ ખાસ પરિચિત નથી એ જો આ તાજા પુસ્તકનું શીર્ષક અને પાનાં ફેરવીને નાનાં નાનાં પ્રકરણોનાં માત્ર મથાળાં વાંચે તો કદાચ મોઢું મચકોડીને કહી શકેઃ આ લો, આવી ગઈ ઔર એક સેલ્ફ-હેલ્પ બુક. આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ આ છે - તે પહેલી નજરે ભલે ટિપિકલ મોટિવેશનલ ચોપડી જેવી લાગે, પણ તેનાં મૂળિયાં આપણા જ્ઞાાનસાહિત્યમાં સજ્જડ રીતે રોપાયેલાં છે. ઇન ફેક્ટ, એક પોડકાસ્ટરે આચાર્ય પ્રશાંતને પૂછ્યું પણ ખરું કે આ પુસ્તક શી રીતે સેલ્ફ-હેલ્પ બુક નથી?
આચાર્ય પ્રશાંતનો ઉત્તર સાંભળવા જેવો છે, 'આપણે અત્યારે જેવા છીએ તેમાં કશો જ ફેરફાર ન કરીએ, આપણે જેવા છીએ એવા ને એવા રહીએ તો ખુદની મદદ ન થઈ શકે. ધારો કે એક માણસની આંખો ખરાબ થઈ ગઈ છે. એ કહે છે કે મારી આંખોમાં શું તકલીફ છે તે હું પોતે ચેક કરીશ અને હું જ મારી આંખનું ઓપરેશન કરી નાખીશ! આ સેલ્ફ-હેલ્પ છે. આપણે પેશન્ટ છીએ, પણ આપણો ઇગો ડોક્ટર બનીને ઇલાજ કરવા માગે છે. સેલ્ફ-હેલ્પને લગતાં પુસ્તકો કે વીડિયો કે ભાષણોમાં ક્યારેય એવું નહીં આવે કે પોતાની જાતને જુઓ, આત્મનિરીક્ષણ કરો. સેલ્ફ-હેલ્પ કહેશે, તમે જેવો છો એવા બરાબર છો, બસ, આટલું-આટલું કરી નાખો એટલે તમને ફાયદો થઈ જશે. 'સફળ થવાના સાત ઉપાયો', 'કાર્યક્ષમતા કેવી રીતે વધારવી?', 'સુંદર સંબંધો કેવી રીતે વિકસાવશો?'... આ સેલ્ફ-હેલ્પની ભાષા છે. આમાં ક્યાંય એવું નહીં આવે કે તમે ખરેખર કોણ છો? સેલ્ફ-હેલ્પ તો કહેશે કે, શું તમે બીમાર છો? તો અમે તમને નવાં કપડાં પહેરાવી દઈશું ને તમારો ચહેરો મેક-અપથી રંગી દઈશું એટલે એવું જ લાગશે કે તમે સાજા થઈ ગયા છો. વાત સ્પષ્ટ થાય છે? આપણને સેલ્ફ-હેલ્પની જરૂર નથી, આપણને સેલ્ફ-નોલેજની જરૂર છેત આત્મનિરીક્ષણની, પોતાની જાતને સમજવાની જરૂર છે. સેલ્ફ-હેલ્પની જરૂર હોવાનો અર્થ તો એ જ થયોને કે આપણને કંઈક સમસ્યા છે. તે સમસ્યા આ જ છેઃ આપણે ખુદને ઓળખતા નથી. આપણને આપણી અસલિયતની, આપણા માંહ્યલાની જાણકારી નથી.'
આટલું કહીને આચાર્યજી ઉમેરે છે, 'આપણે લથડિયાં ખાતાં ખાતાં ચાલીએ છીએ ને ખાડામાં પડીએ છીએ, ફસાઈ જઈએ છીએ, દુખ ભોગવીએ છીએ, પણ આપણી જીદ હોય છે કે હું બદલાઇશ નહીં, હું તો જેવો છું એવો જ રહીશ, પણ આ દુખ દૂર થઈ જવું જોઈએ. મારી જે મૂળભૂત વૃત્તિઓ છે, હું જે આંતરિક માન્યતાઓને પકડીને બેઠો છું એમાં કોઈ ફેરફાર નહીં થવા દઉં, પણ સાથે સાથે મારે તેજસ્વી તારલો પણ બનવું છે. મારી અંદરનું અંધારું ભલે એવું ને એવું રહ્યું, પણ બહારથી મારે ચમકવું છે. સેલ્ફ-હેલ્પ કહેશેઃ ડોન્ટ વરી. હો જાયેગા! અરે ભાઈ, અંદરનું અંધારું બહુ જૂનું છે. આ અંધારું પાછું બહુ મીઠુંમધુરું છે. આપણને તે બહુ ગમે છે, આપણને તેની આદત પડી ગઈ છે. આ અંધારું પણ એમનું એમ રહે ને તમે બહારથી ચમકવા પણ માંડો એવો બંદોબસ્ત કરી આપવાનો જે દાવો પણ કરે એનું નામ સેલ્ફ-હેલ્પ! સેલ્ફ-હેલ્પ એક જુઠ્ઠાણું છે, મનોરંજન છે, મન મનાવવાની વાત છે. તમે આંખો બંધ કરીને બેઠા છો, તમને કશું દેખાતું નથી, પણ તોય તમે જીદ પકડી છે કે મારી આંખોની સર્જરી હું પોતે કરીશ. હું પૂછું છું કે એ ક્યાં કારણો છે, જેને લીધે તમે આંખો મીંચી દીધી છે? જો તમે તે કારણોને જોઈ લેશો, સમજી લેશો તો આંખો પોતાની મેળે ખુલી જશે. બસ, આટલી સહજ અને સહજ વાત છે.'
જીવનમાં કેટલીય વાર આપણને લાગે કે આપણે રસ્તો ભૂલી ગયા છીએ, આમતેમ ભટકી રહ્યા છીએ. આચાર્ય પ્રશાંત કહે છે કે ના, તમે રસ્તો ભૂલી ગયા હો તેવું જરાય નથી. તમે તો એકદમ હાઇવે પર ચાલી રહ્યા છો. લિસ્સા, ચકચકિત, પ્રકાશિત હાઇવે પર. આ જ તો સમસ્યા છે. આપણે સૌ એ જ ચિરપરિચિત રસ્તા પર ચાલી રહ્યા છીએ, આપણને સૌને પાક્કી ખબર છે કે રસ્તામાં આ નવ વળાંકો આવવાના છેઃ સૌ પહેલાં તો (૧) જન્મો, (૨) ભણો, (૩) નોકરી-ધંધો કરો, (૪) લગ્ન કરો, (૫) મકાન ખરીદો - વાહન ખરીદો, (૬) સંતાનો મોટાં કરો, (૭) પતિ કે પત્ની સાથે ઝઘડા કર્યા કરો, પછી કાં તો જેમ-તેમ કરીને નિભાવી લો યા તો ડિવોર્સ લો અથવા પુનર્લગ્ન કરો, (૮) ઘરડા થાઓ અને (૯) મરી જાઓ. આ છે આપણી જિંદગીનાં નવ સ્ટેપ્સ. જાણે કે એક કન્વેયર બેલ્ટ છે, જે પોતાની મેળે સરકતો જાય છે. આપણે તેને 'જીવન' જેવું રૂપાળું નામ આપ્યું છે.
કરૂણતા શું છે, જાણો છો? આપણામાંના મોટા ભાગના લોકોએ ચાર-પાંચ-છ સ્ટેપ ઓલરેડી લઈ લીધાં છે. હવે થોડાંક જ સ્ટેપ બાકી રહ્યાં છે. તોય આપણે સ્વીકારવા તૈયાર નથી. આપણને થાય કે ના ના, મારી લાઇફ બીજાઓ કરતાં અલગ છે. આપણને ભ્રમમાં રાચતા રહેવાનું ગમે છે. હું સ્પેશિયલ છું એવું વિચારવું આપણને ગમે છે. આપણને એવું માનવું ગમે છે કે આ રસ્તા પર ચાલીને ભલે આજ સુધીમાં કરોડો-અબજો માણસોએ ચુપચાપ માનસિક તાણ અને 'સન્માનનીય' દુખો ભોગવ્યા હોય, પણ આ રસ્તો મને તો પરમ સુખ તરફ જ દોરી જશે! એ જ રસ્તો છે, એ જ વાહન છે, એ જ ઇંધણ છે અને છતાંય આપણે શા માટે માની લઈએ છીએ કે આપણે કોઈક જુદા ગંતવ્યસ્થાને પહોંચીશું? શી રીતે? સચ્ચાઈ એ છે કે તમે તમારા માર્ગ પર મુસાફરી કરી રહ્યા નથી, તમે એક ડિફૉલ્ટ રસ્તા પર આગળ વધી રહ્યા છો અને આ ડિફોલ્ટ રસ્તાનું એક જ ગંતવ્યસ્થાન છેઃ જાણે-અજાણે થતા ઉપભોગ, છીછરી સફળતા, આંતરિક ખાલીપો, અને છેલ્લે જે ખરેેખર જીવાયું જ નહોતું તેવા જીવન પર પૂર્ણવિરામ. મોત.
તો હવે? આચાર્ય પ્રશાંત લખે છે, 'જો તમારે નવું ગંતવ્યસ્થાન જોઈતું હોય તો નવો રસ્તો પસંદ કરવો પડશે. અને તેમ કરવા માટે સૌથી તો અટકી જવું પડશે. ચાલવાનું બંધ કરો. સ્થિર થઈ જાઓ. પાછા વળો. જે રસ્તો કરોડો-અબજો લોકોના પગ નીચે કચડાઈ ચૂક્યો છે તે તમને ક્યાંય નહીં લઈ જાય. આ રસ્તો ઊલટાનો તમને કચડી નાખશે.'
કેટલીક વાર વાત એટલી સાફ હોય, સ્વયંસ્પષ્ટ હોય, પણ આપણે તે જોઈ શકતા નથી. પુસ્તકમાં એક સુંદર વાક્ય છેઃ 'યુ આર નોટ મિસિંગ ધ સિક્રેટત યુ આર મિસિંગ ધ ઓબ્વિયસ.' અર્થાત્, એવું નથી કે આપણે જીવનનાં મહાન રહસ્યો સમજી શકતા નથી, આપણે તો તો સીધાં, સ્પષ્ટ અને આંખ સામે દેખાતાં સત્યો પણ જોઈ શકતા નથી. રોજબરોજની ઘટનાઓ - કોઈને 'કેમ છે?' એવું પૂછવું, ઓફિસ જેવું, આજુબાજુના લોકોની વાતો કાને પડવી - આ બધું યાંત્રિકપણે થતું રહે છે. તમારી મજૂંરી વગર, કશા વિરોધ વગર બહારનું જગત તમારી ભીતર દાખલ થતું રહે છે. આવું કેમ બને છે? કેમ કે મોટે ભાગે તો આપણે 'હાજર' જ હોતા નથી, વર્તમાનમાં હોતા નથી. આપણું મન કશેક અટવાયેલું હોય છે - ભીતર જે અર્થહીન હોબાળો ચાલતો હોય તેમાં, ભૂતકાળની વાતોમાં. તેથી જ આપણી પ્રતિક્રિયાઓ ભૂતકાળ પર આધારિત હોય છે, વાસ્તવિકતા પર નહીં. જોવું, ધ એક્ટ ઓફ સીઇંગ - જે બની રહ્યું છે, જે નજર સામે આકાર લઈ રહ્યું છે તેને સાચા અર્થમાં જોઈ શકવું, તે કંઈ અઘરી વાત નથી. સચ્ચાઈ તો એ છે કે આ ક્રિયા એટલી બધી સીધી અને સરળ છે કે આપણું દિમાગ તેનો વિરોધ કરવા લાગે છે. આપણે કશાક ભેદની, અકળ વસ્તુની, કશીક ટેકનિકની અપેક્ષા હોય છે. પણ સત્ય કશુંય છૂપાવતું નથી. હા, સત્ય ચીસો પણ પાડતું નથી. સત્ય સામે જ છે. તેને જોવું કે નહીં, તેની નોંધ લેવી કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. આચાર્ય પ્રશાંત કહે છે કે, શુદ્ધ અવલોકન કરતાં વધારે સહેલું બીજું કશુંય નથી. કશુંય ધારી લીધા વગર જોવું, કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર સાંભળવું, કશાય ડર વિના સમજવું... આના માટે કંઈ વિશેષ કરવાની જરૂર નથી. બસ, નિષ્ઠા જોઈશે. આ રીતે જોવા - સાંભળવા - સમજવાથી જે પરિણામો મળશે તે અસાધારણ હશે.








