શૌર્યશાસ્ત્રઃ દેશની સલામતી મુખ્ય છે, સ્ત્રી-પુરૃષનો લિંગભેદ નહીં

- વાત-વિચાર-શિશિર રામાવત
- પંદર-પંદર, અઢાર-અઢાર વર્ષની છોકરીઓ, શિક્ષિકાઓ, ખેતરમાં મહેનત કરતી સ્ત્રીઓ, નર્સો અને મજૂરીકામ કરતી હજારો સોવિયેત મહિલાઓએ સ્ટાલિનને પત્રોમાં લખ્યુંઃ સર, અમે બંદૂક ચલાવીશું, ટેન્ક ચલાવીશું, પ્લેન ઉડાડીશું, અમે બધું જ કરી છૂટીશું. બસ, તમે રશિયન સૈન્યમાં અમારી ભરતી કરો!
- બીજું વિશ્વયુદ્ધઃ રશિયન મહિલા ફાઇટર પાઇલટો
રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી ત્યારે ઇતિહાસનું એક પાનું ખોલવું છે. ૧૯૪૧ની આ વાત છે. બીજું વિશ્વયુદ્ધ શરૃ થયું એ વાતને પોણાબે વર્ષ થઈ ચૂક્યાં હતાં. ૨૨ જૂને હિટલરે સોવિયેત રશિયા પર જોરદાર સીધો હુમલો કર્યો. આ અટેકને નામ આપવામાં આવ્યું, ઓપરેશન બાર્બારોસા. આ આક્રમણ માટે રશિયાનું રેડ આર્મી તૈયાર નહોતું. સોવિયેત સેના, અલબત્ત, મજબૂત હતી. ટેન્ક અને ફાઇટર વિમાનોની સંખ્યાના મામલામાં તો રશિયન આર્મી જર્મન સેના કરતાં ક્યાંય આગળ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે રશિયન ટેકનોલોજી જૂનવાણી થઈ ગઈ હતી, જ્યારે સામે પક્ષે જર્મન સેના ખાસ્સી આધુનિક અને અપડેટેડ હતી. જર્મન સેના રશિયન ગામો અને શહેરોનો ખુડદો બાલાવતી આગળ કૂચકદમ કરી રહી હતી. તેનું ેલક્ષ્યસ્થાન હતું - મોસ્કો! જર્મનોએ લાખો રશિયન સૈનિકો કાં તો હણી નાખ્યા હતા, યા તો બંદી બનાવ્યા હતા. અસંખ્ય પુરૃષો ઘાયલ હાલતમાં પડયા હતા. રશિયન સેનામાં તંગદિલી ફેલાઈ જવી સ્વાભાવિક હતી. જર્મન સેનાને આગળ વધતાં અટકાવવી પડશે... પણ કેવી રીતે?
આનો સવાલનો જવાબ સોવિયેત રશિયાની બહાદૂર મહિલાઓએ આપ્યોઃ અમે છીએને! માતૃભૂમિની રક્ષા કાજે અમે હાથમાં હથિયાર લઈશું, સરહદ પર જઈશું, અમારાથી જે થઈ શકતું હોય તે બધું જ કરીશું! યાદ રહે, તત્કાલીન સ્ટાલિન શાસને કોઈ આદેશ આપ્યો નહોતો, પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને રશિયન મહિલાઓ સ્વયં યુદ્ધમોરચે જવા તૈયાર થઈ ગઈ. કોણ હતી આ મહિલાઓ? પંદર-પંદર, અઢાર-અઢાર વર્ષની છોકરીઓ જે હજુ તો ભણતી હતી, શિક્ષિકાઓ, ખેતરમાં કામ સ્ત્રીઓ, નર્સો, મજૂરી કામ કરતી મહિલાઓ. સ્ટાલિનને સેંકડો નહીં, હજારો સ્ત્રીઓના પત્રો મળ્યા, જેમાં એમણે લખ્યું હતુંઃ સર, અમે બંદૂક ચલાવીશું, અમે પ્લેન ઉડાડીશું, અમે બધું જ કરી છૂટીશું. બસ, તમે રશિયન સૈન્યમાં અમારી ભરતી કરો!
...અને રશિયન સૈન્યમાં મહિલાઓની ભરતી થવાનો પ્રારંભ થયો. દસ લાખ કરતાંય વધારે મહિલાઓ આર્મ્ડ ફોર્સીસમાં જોડાઈ. ના, નર્સ કે સહાયક કે એવાં પ્રમાણમાં હળવાં કામ કરવા માટે નહીં, પણ રીતસર સશસ્ત્ર યોદ્ધા તરીકે! મહિલાઓ માટે સ્પેશિયલ કેમ્પ્સ ખોલવામાં આવ્યા, જ્યાં તેમને અત્યંત કડક તાલીમ આપવાની શરૃઆત થઈ - હાથમાં રાયફલ પકડીને કાદવમાં સાપની જેમ સરકતાં સરકતાં આગળ શી રીતે વધવું, હેન્ડગ્રેનેડ શી રીતે ફેંકવા, ટેન્ક શી રીતે ચલાવવી, ટેન્કનું રિપેરિંગ શી રીતે કરવું, વગેરે. તાલીમ દરમિયાન મહિલાઓ ઘવાતી, લોહીલુહાણ થઈ જતી, પણ કોઈએ હિંમત ન હારી. રાત્રે તંબૂમાં આ મહિલાઓ એકબીજાને પાટાપીંડી કરે, મજાકમસ્તી કરીને વાતાવરણ હળવું રાખે, એકમેકને ચોટલાં વાળી દે અને સૂતાં પહેલાં ઓશિકાં નીચે રાખેલી પોતાનાં સંતાનો, પતિ કે પ્રેમી અને માતા-પિતાની તસવીરો પર ભીની ભીની નજર ફેરવી લે.
જર્મનોએ રશિયાની રેડ આર્મીનાં કેટલાંય વિમાનોને જમીન પર જ તોડી પાડયાં હતાં. જે વિમાનો સાજાં હતાં તે પણ જર્મન વાયુસેનાના ફાઇટર પ્લેન્સનો મુકાબલો કરી શકે તેવાં નહોતાં. મહિલાઓ કહ્યુંઃ અમને ટ્રેનિંગ આપો, અમે પ્લેન ઉડાડીશું. પહેલાં તો સોવિયેત હાઈકમાન્ડે ના પાડી દીધી, પણ પછી મરીના રાસ્કોવા નામનાં એરફોર્સનાં પ્રથમ મહિલા નેવિગેટર એટલે કે માર્ગદર્શકે પોતાની વગનો ઉપયોગ કર્યો, લશ્કરી અધિકારીઓ પર દબાણ કર્યું કે તમે એક નહીં, ત્રણ ઉડ્ડયન રેજિમેન્ટની રચના કરો, જેમાં બધ્ધેબધ્ધી મહિલાઓ જ હોય. કાં તો મરીના રાસ્કોવાનો કન્વિન્સિંગ પાવર બહુ ગજબનો હોવો જોઈએ, અથવા તો રેડ આર્મીને તે વખતે મદદની ખરેખર સખત જરૃર હશે. એ જે હોય તે, પણ મરીનાની વિનંતીને મંજૂર કરવામાં આવી. સોવિયેત સંઘ મહિલાઓને ફાઇટર પ્લેન ઉડાડવાની મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
રેડ આર્મીના અધિકારીઓએ ત્યારે કદાચ કલ્પના નહીં કરી હોય કે એમનો આ નિર્ણય કેટલી ઉત્તમ મહિલા પાઇલટ્સને જન્મ આપવાનો છે! સોવિયેત મહિલા ફાઇટર પાઇલટ્સે યુદ્ધ દરમિયાન કુલ ૩૦ હજાર કરતાંય વધુ ઉડાન ભરી. આ મહિલાઓ પ્લેનને ખાસ્સી એવી ઊંચાઈ પર લઈ જઈને જર્મન ઇલાકામાં ઘૂસી જતી, પછી એન્જિન બંધ કરીને પ્લેનને ગ્લાઇડ કરતી બોમ્બમારા માટે જરુરી ઊંચાઈ સુધી પહોંચતી. જેવું લક્ષ્યસ્થાન દેખાય કે તરત મહિલા પાઇલટ પ્લેનમાંથી બોમ્બનો ઘાતક જથ્થો નીચે ફેંકે. બોમ્બ એકાએક ઝીંકાવાથી જર્મનોમાં હાહાકાર મચી જાય. બોમ્બમારો પૂરો થતાં જ મહિલા ફાઇટર પાઇલટ એન્જિન ચાલુ કરીને પ્લેનને પાછું સલામત ઊંચાઈ પર લઈ જાય ને ગણતરીની પળોમાં તો વિમાન જર્મન એરસ્પેસમાંથી બહાર! બોમ્બમારાની થોડી ક્ષણો પૂરતું પ્લેનનું એન્જિન બંધ કરી દેવામાં આવતું એટલે પ્લેનની ઘરઘરાટી અટકી જતી, ને જર્મનોને ખબર જ ન પડતી કે રાતના અંધારામાં આ બોમ્બ કોણ ફેંકી ગયું? પ્લેનનો અવાજ કેમ ન આવ્યો? તેથી જ જર્મનોએ આ મહિલા પાઇલટોને પછી નામ આપ્યું હતું - 'નાઇટ વિચીઝ' એટલે કે રાતની ડાકણો!
સોવિયેત મહિલાઓની સ્નાઇપર એટલે નિશાનેબાજ તરીકેની કામગીરી પણ ઉત્તમ સાબિત થઈ. રેડ આર્મીમાં એક સમયે ૨૪૦૦થી વધુ મહિલા સ્નાઈપર્સ સેવા આપી રહી હતી. તેમનો કિલ રેશિયો (દુશ્મનોને ઠાર કરવાનો દર) રશિયન સેનામાં શ્રેષ્ઠ પૈકીનો એક હતો. એમાંય લ્યુડમિલા પાવલિચેન્કો નામની એક મહિલા સ્નાઇપર તો બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. તેણે દુશ્મનના ૩૦૯ સૈનિકોને માર્યા હતા. આ ઓફિશિયલ આંકડો છે. અનઓફિશિયલ આંકડો તો ક્યાંય મોટો હોવાનો. લ્યુડમિલાને એટલે જ જર્મનોએ 'લેડી ડેથ'નું બિરુદ આપ્યું હતું. લ્યુડમિલા વિશ્વની સર્વપ્રથમ સફળ મહિલા સ્નાઈપર ગણાય છે. રોઝા શાનિના નામની માત્ર ૨૦ વર્ષની રશિયન યુવતી એટલી ખતરનાક હતી કે જર્મનોએ એને જીવતી કે મરેલી પકડી લાવનાર માટે મોટું ઇનામ ઘોષિત કરવું પડયું હતું. ઝોયા નામની ૧૮ જ વર્ષની એક રશિયન કન્યાને જર્મનોએ પકડી લીધી હતી ને પછી બાપડી પર ખૂબ અત્યાચાર ગુજારીને એને ફાંસીએ ચડાવી દીધી હતી. ઝોયાના અંતિમ શબ્દો હતાઃ 'તમે મને એકને ભલે ફાંસીએ ચડાવો, તમે ૧૭૦ મિલિયન રશિયોનોને ફાંસીએ નહીં ચડાવી શકો!'
રશિયન મહિલાઓ ગેરિલા જૂથો (છાપામાર ટુકડીઓ)નો પણ ભાગ બની. મહિલાઓના માપનાં જૂતાં ન હોય એટલે તેઓ પુરૃષો મોટો મોટા બૂટમાં કપડાંના ડૂચા ભરાવીને કામ ચલાવતી. કપડાં સીવવા, પુરુષ લડવૈયાઓને જરૃરી બધી વસ્તુઓ પૂરી પાડવી, ઘાયલોની સંભાળ રાખવી, રસોઈ કરવી, સંદેશા પહોંચાડવા વગેરે કામો તો મહિલાઓએ કર્યાં જ.
જર્મનીનું ઓપરેશન બાર્બારોસા આખરે નિષ્ફળ ગયું. ૯ મે ૧૯૪૫ના રોજ બર્લિનમાં લાલ ઝંડો લહેરાયો. રશિયન વીરાંગનાઓ ઘરે પાછી ફરી. જર્મનોની હાર માટે, અલબત્ત, રશિયાનો આત્યંતિક શિયાળો અને બીજાં ઘણાં પરિબળો કારણભૂત હતાં, પણ એક વાત નિશ્ચિત હતીઃ રશિયાની શૂરવીર મહિલાઓએ જર્મની-રશિયા યુદ્ધનો ચહેરો બદલી નાખ્યો હતો. જો રશિયન મહિલાઓએ લાખોની સંખ્યામાં પાઇલટ, એન્જિનીયર, સ્નાઇપર, રાઇફલવુમન, ડ્રાઇવર ઇત્યાદિ તરીકે ફરજ ન બજાવી હોત, જો તેમણે નર્સ બનીને ઘાયલ સૈનિકોની સારવાર કરી ન હોય, જો તેમણે સરહદ સિવાયના મોરચા પણ ન સંભાળ્યાં હોત તો યુદ્ધનું ચિત્ર કંઈક જુદું જ હોત! ૯૫ મહિલાઓને પછી 'હીરો ઓફ સોવિયેત યુનિયન' ઘોષિત કરવામાં આવી. સોવિયેત રશિયાનું આ સર્વોચ્ચ લશ્કરી સન્માન હતું. ૯૫માંથી ૪૯ મહિલાઓએ લડતાં લડતાં પોતાનો જીવ આપી દીધો હતો. તેમનું મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું. વોર હીરો ઘોષિત થયેલી ૯૫ મહિલાઓમાંથી એક પેલી ૧૮ વર્ષની ઝોયા પણ હતી.
પ્રખર વેદાંતી આચાર્ય પ્રશાંત સરસ વાત કહે છે,'આપણી હિન્દી ફિલ્મોમાં પતિ યુુદ્ધ લડવા ગયો હોય ત્યારે ગામમાં એની પત્ની એને યાદ કરતી કરતી આંસુડા સારતી ગીતડાં ગાતી હોય છે. પત્ની પોતે કેમ બોર્ડર પર ગઈ નથી? આવો વિચાર પણ આપણને આવતો નથી.'
દેશની સુરક્ષાની જવાબદારી સૌ નાગરિકોની હોય છે, હોવી જોઈએ. પુરૃષો અને સ્ત્રીઓ, બન્નેની. શૌર્યને લિંગભેદ નડતો નથી!








