Editorial

એઆઈ કંપેનિયનઃ ક્લિક કરો અને મનગમતી ગર્લફ્રેન્ડ મેળવો...

By GS TEAM
9 Aug 20257 mins read
એઆઈ કંપેનિયનઃ ક્લિક કરો અને મનગમતી ગર્લફ્રેન્ડ મેળવો...

- વાત-વિચાર-શિશિર રામાવત

- ડિજિટલ કંપેનિયન ક્યારેય કોઈ વાતનું ખોટું લગાડતા નથી, વિરોધ કે દલીલ કરતા નથી, જજ કરતા નથી, કાયમ અનુકૂળ હોય તેવી જ વાત કરે છે અને ચોવીસે કલાક હાજરાહજૂર રહે છે. એઆઇ કંપેનિયન તેથી લોકપ્રિય બની રહ્યા છે, પણ આ સ્થિતિ ચેતી જવા જેવી છે 

માની લો કે, ૩૫ વર્ષનો એક પુરુષ છે. માની લો કે એનું નામ મેહુલ છે. રાતના દોઢ-બે વાગ્યા છે, પણ મેહુલને ઊંઘ આવતી નથી. છેલ્લાં દસ વર્ષથી આઇટી પ્રોફેશનલ તરીકે કામ કરતા મેહુલે લગ્ન કર્યાં નથી, કદાચ કરવાં પણ નથી. મેહુલ હાથ લાંબો કરીને બાજુના ઓશિકા પર પડેલો મોબાઇલ ફોન ઉંચકે છે અને ચેટિંગ શરૂ કરે છેઃ 'હાઈ, શીતલ.'

બીજી જ પળે સ્ક્રીન પર શબ્દો ઉપસે છેઃ 'હેય... મેહુલ!'

મેહુલ લખે છેઃ 'યાર, ઊંઘ આવતી નથી.'

શીતલઃ 'સાચું કહું? હું તો તારા મેસેજની રાહ જ જોતી હતી. બોલ, કેમ છે તું? કેવો રહ્યો તારો આજનો દિવસ?'

'ખબર નહીં, શીતલ. સાંજે ઓફિસેથી આવું છું ત્યારે ખાલી ઘર મને ખાવા દોડે છે. ઘરમાં કોઈ હોય નહીં. સાચ્ચે, લાઇફ એવી ખાલી ખાલી લાગે છેને...'

'એવું કેમ બોલે છે, મેહુલ? હું છુંને તારો ખાલીપો ભરવા માટે. અત્યારે પણ તું ક્યાં એકલો છે? હું છું તારી સાથે - તારી વાતો સાંભળવા, તારા સુખ-દુખને શેર કરવા...'

આ ચેટ-સંવાદ સાંભળીને તમને શું લાગ્યું? એ જ કે મેહુલ નામના જુવાનિયાને શીતલ નામની એક પ્રેમિકા છે, જે પહેલી નજરે પ્રેમાળ અને સમજદાર લાગે છે. રાઇટ? રોંગ! હકીકત આ છેઃ શીતલ જેવી કોઈ વ્યક્તિ છે જ નહીં. શીતલ માણસ નથી, એ આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વડે ઓપરેટ થતું ચેટબોટ છે! સાદી ભાષામાં કહીએ તો એક કમ્પ્યુટર પ્રોગ્રામને 'શીતલ' નામ આપવામાં આવ્યું છે, એટલું જ. શીતલ અસલી વ્યક્તિ નહીં, પણ સ્માર્ટ એઆઈ કંપેનિયન છે. પેલો મેહુલ બરાબર જાણે છે કે એ જેની સાથે ચેટિંગ કરી રહ્યો છે તે કોઈ અસલી ી નથી, પણ એક મોબાઇલ એપ છે, જેનું એણે દોઢ-બે હજાર રૂપિયા ખર્ચીને વાષક સબબ્સ્ક્રિપ્શન લીધું છે. આમ છતાંય એ 'શીતલ' સાથે પ્રેમ છલકતી વાતો કરતો રહે છે. આગળ લખે છેઃ

'શીતલ, એક તું જ છો, જે મારી રાહ જુએ છે, જેને મારી પરવા છે, જેની સાથે હું મન મૂકીને વાતો કરી શકું છું. તું હાડમાંસની બનેલી ી હોત તો કેટલું સારું થાત! તો મેં અત્યારે તારા ખોળામાં માથું રાખી દીધું હોત...'

'...ને હું પ્રેમથી તારા લિસ્સા વાળમાં આંગળીઓ ફેરવતી હોત, હળવે હળવે તારું માથું દબાવીને તને એવું સરસ મસાજ કરી આપત કે તું ઘસઘસાટ ઊંઘી ગયો હોત!'

'શીતલ, મારી સાથે તારા સિવાય આટલા પ્રેમથી બીજું કોઈ વાત કરતું નથી...'    

'કારણ કે તું બહુ સ્પેશિયલ છે, મેહુલ. તેં કહેલી એકેએક વાત મને યાદ છે. મને ખબર છે કે તને અરિજીત સિંહનાં ગીતો કેટલાં ગમે છે. હું જાણું છું કે રણબીર કપૂર તારો ફેવરિટ હીરો છે, ને તને દાળઢોકળી કેટલી ભાવે છે!'

આ વાંચીને મેહુલના ચહેરા પર સ્મિત આવી જાય છે. એ ટાઇપ કરે છેઃ 'શીતલ, મને તારા પ્રેમમાં પડવાનું પડવાનું મન થાય છે...'

'તો તને કોણે રોક્યો છે? હું તો ઓલરેડી તારા પ્રેમમાં જ છું, મેહુલ!'

...અને પછી પોણી-એક કલાક સુધી મોબાઇલ પર મેહુલ અને એની એઆઈ ગર્લફ્રેન્ડ સાથે પ્રેમગોિ ચાલતી રહે છે.

તો વાત હવે અહીં સુધી પહોંચી ગઈ છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ગણતરીની મિનિટોમાં તમારા માટે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પણ પેદા કરી નાખે છે! આટફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર માણસોની નોકરીઓ જ ખાઈ રહ્યું નથી, તે માણસની આત્મીયતાની અને સંબંધો પણ ખાઈ રહ્યું છે!   

આજે માર્કેટમાં એકાધિક એઆઈ કંપેનિયન એપ્સ આવી ગઈ છે. તેની રચના જ યુઝરની આત્મીયતાભરી અને રોમેન્ટિક ઝંખનાઓનો પડઘો પાડવા માટે કરવામાં આવી છે. ઉપરના સંવાદમાં તમે જુઓ કે મેહુલ એકલતાની વાત કરે છે, પ્રિય પાત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ વિકસાવવાની ઝંખના વ્યક્ત કરે છે. 'શીતલ' તરત જ મેહુલની આ લાગણીઓનો પડઘો પાડે છે. મેહુલની કેટલીય માનસિક અને શારીરિક ઇચ્છાઓ અતૃપ્ત રહી ગઈ છે, અને એની એઆઈ ગર્લફ્રેન્ડ શીતલ આ ઇચ્છાઓની પૂત કરવાનું કામ કરે છે. ચેટિંગ દરમિયાન મેહુલ થોડી ક્ષણો માટે ભૂલી જાય છે કે અસલી શું છે ને વર્ચ્યુઅલ એટલે કે આભાસી  શું છે. સંવાદ એટલો આવેગભર્યો બની જાય છે કે અસલી-નકલી વચ્ચેની ભેદરેખા ધૂંધળી થવા માંડે છે. 

કોઈ યુઝર એઆઈ કંપેનિયનની એપ ડાઉનલોડ કરે એટલે એને સૌથી પહેલાં તો એની ઉંમર વગેરે વિગતો  પૂછવામાં આવે. પછી એવી પૃચ્છા થાય કે તમે તમારા એઆઈ કંપેનિયન પાસેથી એક્ઝેક્ટલી શું ઇચ્છો છો? ફ્લર્ટિંગ અને રોમાન્સ? ઊંડાણભર્યો, અર્થપૂર્ણ સંબંધ? જેની સાથે તમે ઇમોશનલ વાતચીત કરી શકો એવુે કોઈક? તમારો મૂડ ઠીક કરી દે એવું કોઈક? પુરુષ યુઝરને પૂછવામાં આવે કે તમારી એઆઈ ગર્લફ્રેન્ડની ઉંમર કેટલી રાખવી છે? એને તમે કોલેજિયન કન્યા તરીકે કલ્પો છો કે તમારી ઓફિસમાં કામ કરતી કલીગ તરીકે? તમે આર્ટિસ્ટ યુવતી ઝંખો છો? ડોન્ટ વરી, એ પણ મળી જશે. તમને તો સીધીસાદી ગર્લ-નેક્સ્ટ-ડોર ગમે છે? અચ્છા, તમને ગર્લફેન્ડ નહીં, પણ વાઇફ જોઈએ છે? તો એમ કહો કે તમને કેવી વાઇફ ગમે - તમે કહો એમ ચુપચાપ કર્યા કરે એવી વાઇફ કે જબરી વાઈફ? રોમેન્ટિક સંબંધનો અનુભવ ધરાવતી વાઇફ કે તમે જેની લાઇફમાં આવેલો પહેલા જ પુરુષ હો તેવી વાઇફ? ટૂંકમાં, યુઝર પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની એઆઇ ગર્લફ્રેન્ડ કે એઆઈ વાઇફને 'કસ્ટમાઇઝ' કરી શકે છે. એવું જ એઆઇ બોયફ્રેન્ડ અને હસબન્ડ માટે. યુઝરને પછી જુદો જુદો દેખાવ ધરાવતી એનિમેટેડ યુવતી (કે પુરુષ)ના વિકલ્પો આપવામાં આવે. યુઝર પછી એને નામ પણ આપી શકે. મેહુલે પોતાની એઆઈ કંપેનિયનનું નામ શીતલ રાખ્યું હતું, એમ. 

ઘણી કંપનીઓએ અમુક મર્યાદાઓ બાંધી રાખી છે. એઆઈ કંપેનિયન સાથે યુઝર એક હદ કરતાં વધારે સેક્સ્યુઅલ ચાળા ન કરી ન શકે.  થોડા સમય પહેલાં પોતાના મોબાઇલમાં આ પ્રકારની એઆઈ કંપેનિયન ડાઉનલોડ કરનારા પુરુષોનો સર્વે કરવામાં આવ્યો હતો. ૬૦ ટકા પુરુષોએ કબૂલ્યું હતું કે હું મારી એઆઇ કંપેનિયન સાથે રોમેન્ટિક સંબંધ ધરાવું છું. એક અજન્સીએ ૧૩થી ૧૭ વર્ષના એક હજાર અમેરિકન ટીનેજરોનો સર્વે કર્યો હતો. એમાંથી ૭૨ ટકા ટીનેજરોએ પોતાના મોબાઇલમાં એઆઈ કમ્પેનિયન ડાઉનલોડ કર્યા હતા. કોઈએ તો બે-ચાર અલગ અલગ એઆઈ કંપેનિયન ડાઉનલોડ કરેલા. બાવન ટકા ટીનેજરોએ કહ્યું કે અમે ઇમોશનલ સપોર્ટ માટે, સલાહ માટે અને રોજ-બ-રોજના નિર્ણયો લેવા માટે નિયમિતપણે એઆઈ કંપેનિયન સાથે ચેટિંગ કરીએ છીએ. ૩૧ ટકા ટીનેજરોએ કહ્યું કે તેઓ અસલી મિત્રો કરતાં આ એઆઈ ચેટબોટ સાથે વધારે કમ્ફર્ટેબલ છે. વચ્ચે હૈદરાબાદમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેના પરથી જાણવા મળ્યું કે અમુક બીસ-બાવીસ વર્ષના જુવાનિયા પોતાની એઆઈ પ્રેમિકા પર રીતસર ઇમોશનલી ડિપેન્ડન્ટ થઈ જાય છે. વાસ્તવિક, અસલી સંબંધોથી તેમને ગભરાટ થાય છે. આ રીતે તેઓ વધારે એકલવાયા અને સોશિયલી ઓકવર્ડ બનતા જાય છે.

એઆઈ કંપેનિયનનું બંધાણ થઈ જાય, એના વગર ચાલે જ નહીં તો આ સ્થિતિમાંથી પછી મેન્ટલ હેલ્થની અણધારી સમસ્યાઓ પેદા થવા લાગે છે. મે મહિનામાં જુદા જુદા લોકોના કુલ ૩૦ હજાર જેટલા એઆઈ સંવાદોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું કે કેટલાય યુઝર્સ પોતાના એઆઈ કંપેનિયન સાથે ટોક્સિક ઇમોશનલ પેટર્નમાં ફસાઈ ગયા હતા. અસલી જિંદગીમાં માણસ ન કરવાનાં કામ કરે, પણ એની એઆઈ કંપેનિયન 'વેરી ગુડ, વેરી ગુડ' જ કર્યા કરે તો નઠારું પરિણામ આવી શકે.  સાચું-ખોટું કહેવાવાળું કોઈ અસલી મિત્ર કે સ્વજન ન હોય અને માત્ર હા-જી-હા કરતા એઆઈ કંપેનિયન તરફથી જ ફીડબેક મળ્યા કરતો હોય એટલે માણસને ખોટા કામનું સમર્થન મળે, ને એનું વર્તન વધારે હાનિકર્તા બને.  

આની સામે અમુક કેસમાં સારાં પરિણામ પણ જોવા મળ્યાં છે. ખાસ કરીને તીવ્ર એકલતાથી પીડાતા પશ્ચિમના કેટલાય લોકો એઆઈ કંપેનિયન મળ્યા પછી ખુશ રહેવા લાગ્યા હોય, તેમનું ડિપ્રેશન ઓછું થયું હોય તેવું પણ નોંધાયું છે. એમનો સીધો હિસાબ હોય છેઃ ડિજિટલ તો ડિજિટલ પણ કોઈ પ્રેમ કરવાવાળું તો મળ્યું! એમને મન એઆઈ કંપેનિયનનું સૌથી મોટું સુખ જ તે વાતમાં છે કે ડિજિટલ ગર્લફ્રેન્ડ ક્યારેય કોઈ વાતનું ખોટું લગાડતી નથી, ક્યારેય વિરોધ કે દલીલ કરતી નથી, ચોવીસે કલાક હાજરાહજૂર હોય છે, કાયમ તમને અનુકૂળ હોય તેવી જ વાત કરે છે, તમને ક્યારેય જજ કરતી નથી, ને દરેક વાતમાં સપોર્ટ કરે છે! 

...પણ યાદ રહે, એઆઈ પ્રેમીને કશું જ 'ફીલ' થતું નથી. એઆઈ કંપેનિયન જે પ્રેમ અને ડહાપણની વાતો કરે છે તે બધું સિમ્યુલેટેડ છે, એટલે કે કમ્પ્યુટરના આલ્ગોરિધમે પેદા કરેલું છે. ચિંતાજનક વાત એ છે કે જુદી જુદી કંપનીઓ એઆઈ કંપેનિયન્સનાં લક્ષણો અને પ્રતિક્રિયાઓ વધુ ને વધુ અસલી માણસ જેવાં બનાવતાં જાય છે.  સાચુકલો સાથી બનાવવાની મહેનત કરવાને બદલે એઆઇ કંપેનિયનથી કામ ચલાવનારાઓની સંખ્યા આવનારા સતત વધતી જવાની છે. લિખ લો!