Editorial

આરબ સ્પ્રિન્ગઃ જ્યારે એક માણસના આત્મદહનથી કેટલાય દેશો સળગી ઉઠયા...

By GS TEAM
4 Oct 20255 mins read
આરબ સ્પ્રિન્ગઃ જ્યારે એક માણસના આત્મદહનથી કેટલાય દેશો સળગી ઉઠયા...

- વાત-વિચાર-શિશિર રામાવત

- ટયુનિશિયા નામના નાનકડા આફ્રિકન દેશમાં એક ગરીબ માણસે ત્રસ્ત થઈને ખુદને આગ ચાંપી દીધી, ને એની જ્વાળામાં ક્રમશઃ ટયુનિશિયા ઉપરાંત ઇજિપ્ત, લિબિયા, સિરીયા, યમન અને બહેરીન સહિત બીજા કેટલાય દેશોમાં ભયંકર પરિસ્થિતિ પેદા થઈ ગઈ. સત્તાઓ પલટાઈ, લાખો લોકોના મોત થયાં. આરબ સ્પ્રિન્ગ તરીકે ઓળખાયેલા આ ઘટનાક્રમને કારણે વિશ્વનું રાજકીય ચિત્ર નાટયાત્મક રીતે બદલાઈ ગયું.

લદાખમાં ઉગ્ર આંદોલનનો ઘટનાક્રમ બન્યો ને તેના સંદર્ભમાં એકાએક 'આરબ સ્પ્રિન્ગ' શબ્દપ્રયોગ ઊછળવા લાગ્યો છે. લદાખમાં જે કંઈ બન્યું તેને કારણે જાણે આપણે ત્યાં પણ આરબ સ્પ્રિન્ગ જેવી પરિસ્થિતિ ઊભી છે અથવા થઈ શકે છે તેવી અસર પેદા કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. લદાખની વાત કરતાં પહેલાં એ જોઈએ કે એક્ઝેટ્લી શું છે આ આરબ સ્પ્રિન્ગ? વિશ્વ ઇતિહાસનાં બહુ જૂનાં નહીં એવાં આ પાનાં પર નજર ફેરવવા જેવી છે.        

ડિસેમ્બર ૨૦૧૦ની આ વાત. સ્થળ છે, આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં આવેલો ટયુનિશિયા નામનો ટચુકડો મુસ્લિમ દેશ. ટયુનિશિયાના એક નગરમાં મોહમ્મદ બોઝિઝી નામનો ગરીબ માણસ રહે. એ રોજ શાકભાજી અને ફળોની રેંકડી લઈને નીકળે ને જે કંઈ કમાણી થાય એમાંથી માંડ માંડ બે છેડા ભેગા કરવાની કોશિશ કરે. એને પોલીસનો ખૂબ ડર, કેમ કે હાલતાંચાલતાં પોલીસના માણસો એની રેંકડી જપ્ત કરી લે, એની પાસેથી પૈસા પડાવે. એ આનાકાની કરે તો બાપડાને ધીબેડી નાખે. મોહમ્મદ ત્રાસી ગયો હતો. એક દિવસ એની સહનશક્તિનો અંત આવી ગયો. એ ગર્વનરની ઓફિસ સામે ઊભો રહ્યો, પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટયું અને દિવાસળી ચાંપી દીધી. ભ્રષ્ટ પોલીસના ત્રાસથી છૂટકારો મેળવવા એ બિચારો બળી મર્યો. મોહમ્મદે, એને હેરાન કરતા પોલીસોએ કે બીજા કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ એક સળગતા દેહની જ્વાળાઓ એક નહીં, અનેક દેશોમાં ફેલાઈ જવાની છે. 

૨૦૧૦ના ડિસેમ્બરમાં મોહમ્મદે આત્મદહન કર્યું ને એનાં થોડાં જ અઠવાડિયામાં આખું ટયુનિશિયા રસ્તા પર આવી ગયું. જનતાના ટોળેટોળાં દેશના તત્કાલીન શાસક ઝાઇન અલ અબ્દીન અલી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યાં. ગરીબીમાં સબડી રહેલી જનતા અત્યાર સુધી સમસમીને ચૂપ બેઠી હતી, પણ હવે તેમને વાચા ફૂટી હતી. ટયુનિશિયામાં નામની લોકશાહી હતી, બાકી ઝાઇન અલી છેલ્લાં ૨૩ વર્ષથી સરમુખત્યાર બનીને બેઠો હતો. છેલ્લાં ૫૪ વર્ષમાં ટયુનિશિયાએ ગણીને બે જ શાસક જોયા હતા. 

ટયુનિશિયનોની જનતાનો આક્રોશ ભૌગોલિક સીમાડા ઓળંગી ગયો. જાન્યુઆરી ૨૦૧૧માં પાડોશી દેશ ઇજિપ્તના કેરો શહેરમાં સ્થાનિક શાસન વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા. યુવાનો-વડીલો, પુરૂષો-મહિલાઓ, ગરીબ-તવંગર સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયાં. સ્થાનિક તંત્રએ ઇન્ટરનેટ બંધ કરી દીધું, પોલીસને છૂટો દોર આપી દીધો, પણ જનતા ડગી નહીં.  લાગલગાટ ૧૭ દિવસ સુધી ધમાલ ચાલી. આખરે અઢારમા દિવસે ઇજિપ્તમાં ૩૦ વર્ષથી શાસનની ધૂરા સંભાળનારા પ્રેસિડન્ટ હોસ્ની મુબારકે રાજીનામું આપ્યું. જનતાએ હર્ષોલ્લાસ કર્યો. આખી દુનિયાની નજર ઇજિપ્તમાં ચાલી રહેલી આ ગતિવિધિઓ પર હતી. 

લિબિયાની કહાણીએ જુદી રીતે આકાર લીધો. અહીં મુહમ્મદ ગદ્દાફીનું શાસન ચાર દાયકાથી ચાલતું હતું. ફેબુ્રઆરી ૨૦૧૧માં અહીંની જનતાએ પણ વિરોધી દેખાવો કર્યા, પરંતુ ગદ્દાફીએ ગાદી છોડવાનો નનૈયો ભણી દીધો. આંદોલનકારીઓ પર ગોળીબાર થયા. આંતરવિગ્રહ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ વખતે નેટો (નોર્થ અમેરિકા અને યુરોપના ૩૦ દેશો વડે બનેલું લશ્કરી સંગઠન) ચિત્રમાં આવ્યું. નેટોએ લિબિયા પર એર સ્ટ્રાઇક કરી. ખૂબ તબાહી થઈ. આખરે ડ્રેનેજ પાઇપમાં છૂપાઈ ગયેલા ગદ્દાફીને વિદ્રોહીઓએ બહાર ખેંચી કાઢયો, ને જાહેરમાં ભરબજારે મારી મારીને એનો જીવ ખેંચી લેવામાં આવ્યો. ગદ્દાફીનું કમોત થયું ઓક્ટોબર ૨૦૧૧માં. 

લિબિયામાં વિરોધનો વંટોળ જાગ્યો તેને લગભગ સમાંતરે સિરીયામાં પણ તંગદિલી પેદા થવા માંડી હતી. સિરીયાની એક સ્કૂલની દીવાલો પર વિદ્યાર્થીઓને તત્કાલીન સરકાર વિરુદ્ધ લખાણ લખ્યાં, ચિતરામણો કર્યાં. છોકરાઓને આકરી સજા કરવામાં આવી એટલે આંદોલનો થયાં. પ્રદર્શનકારીઓ પર ગોળીબાર થયો, એકાધિક લશ્કરી ટેન્ક રસ્તા પર ઉતારવામાં આવી, અરે, કેમિકલ વેપન્સ સુધ્ધાંનો દુષ્પ્રયોગ થયો. શરૂઆત અહિંસક સૂત્રોચ્ચારોથી શરૂઆત થઈ હતી, પણ તેનું પરિણામ હિંસક આંતરવિગ્રહમાં આવ્યું. આ પરિસ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. યુનાઇટેડ નેશન્સના આંકડા પ્રમાણે ૨૦૨૦ સુધીમાં ચાર લાખ લોકોનો ભોગ લેવાઈ ગયો. અન્ય સ્રોત પાંચથી છ લાખનો આંકડો નોંધે છે.

યમનની વાત કરીએ. યમનમાં શરૂ થયેલાં આંદોલનોના પરિણાસ્વરૂપે તે વખતના પ્રેસિડન્ટ અલી અબ્દુલ્લા સાલેહના૩૩ વર્ષથી ચાલ્યા આવતા શાસનનો અંત આવ્યો. તો પણ હિંસા અને રાજકીય સ્થિરતા પર પૂર્ણવિરામ ન મૂકાયું. બહેરીનમાં બહુમતી ધરાવતા શિયા મુસ્લિમોએ વિરોધ આંદોલનો કર્યાં, રાજકીય સુધારાની માગણી કરી. સુન્ની શાસન તેમની વિરુદ્ધ આકરાં પગલાં લીધાં. બળવો દાબી દેવામાં આવ્યો, પણ દેશની હાલત જોઈને 'ઓલ ઇઝ પરફેક્ટલી વેલ' તો અહીં પણ કહી શકાય તેમ નહોતું. 

ટયુનિશિયાના પેલા આત્મદહન કરનાર મોહમ્મદથી શરુ થઈને કેટલાય દેશોમાં દાવાનળની જેમ ફેલાયેલો આ આખો ઘટનાક્રમ 'આરબ સ્પ્રિન્ગ' તરીકે ઓળખાય છે. આરબ સ્પ્રિન્ગની વાત નીકળે ત્યારે સામાન્યપણે ટયુનિશિયા, ઇજિપ્ત, લિબિયા, સિરીયા, યમન અને બહેરીનની ચર્ચા થાય છે, કેમ કે સત્તાપલટા અને લોહિયાળ આંતરવિગ્રહો આ છ દેશોમાં થયા. આ દેશોમાં બનેલા ઘટનાક્રમો વજનદાર ઇન્ટરનેશનલ ન્યુઝ બન્યા. બાકી આરબ સ્પ્રિન્ગની ઝાળ તો અલ્જિરીયા, જોર્ડન, ઓમાન, કુવૈત, મોરોક્કો અને ઇરાકને પણ લાગી હતી. 

કેરોસીનથી (કે કોઈ પણ જ્વલનશીલ પ્રવાહીથી) કપડું લથપથ હોય ત્યારે આગ ભડકાવવા માટે માત્ર એક ચિનગારી પૂરતી હોય છે. કોઈ પણ દેશમાં ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, બેરોજગારી અને કંઈકેટલીય સમસ્યાઓને કારણે સપાટી નીચે આક્રોશ સળવળતો હોય, અને સમયની સાથે તીવ્રતા ધારણ કરી રહ્યો હોય, ત્યારે વિસ્ફોટ થવા માટે નાનકડું કારણ પૂરતું થઈ પડતું હોય છે. ઉકળતા ચરુ જેવી જે-તે દેશ કે પ્રદેશની આંતરિક સ્થિતિમાં બાહ્ય પરિબળો, અને ખાસ તો રાજકારણ ઉમેરાય, ત્યારે કોમ્બિનેશન ખતરનાક બન્યા વગર ન રહે.    

ક્યાંય પણ સત્તાધારીઓ સામે વિદ્રોહ થાય, આંદોલન હિંસક સ્વરૂપ પકડે એટલે તેને ફટ્ દઈને 'આરબ સ્પ્રિન્ગ' સાથે સરખાવી ન દેવાય. આરબ સ્પ્રિન્ગનો સંબંધ મુખ્યત્ત્વે સત્તાપલટા માટેના સંઘર્ષ અને આંતરવિંગ્રહ સાથે છે. આપણા લદાખની વાત કરીએ તો, લદાખવાસીઓ છેલ્લાં કેટલાક વર્ષોથી બંધારણની પરિસીમાની અંદર રહીને લોકશાહી ઢબે ચોક્કસ માગણીઓ કરી રહ્યા છે. અહીં સ્થાનિક આઇડેન્ટિટી અને કલ્ચરનો પણ અગત્યનો સંદર્ભ છે. લદાખમાં ભૂતકાળમાં વિરોધ આંદોલનો ઘણી વાર થયાં છે, પણ માણસોનો જીવ ગયો હોય તેવી હિંસાત્મક પરિસ્થિતિ આ વખતે ૨૪ સપ્ટેમ્બરે ઊભી થઈ, જે તરત અંકુશ હેઠળ પણ આવી ગઈ. 

વિશ્વનું રાજકીય ચિત્ર ક્યારે, શી રીતે, ક્યા ક્રમમાં પલટાઈ જશે તે છાતી ઠોકીને ક્યારેય કહી શકાતું નથી...