Editorial

આર્ટિફિશિયલ આત્મીયતા: ચેટજીપીટી, હું બહુ દુખી છું. શું કરું...

By GS TEAM
2 Aug 20257 mins read
આર્ટિફિશિયલ આત્મીયતા: ચેટજીપીટી, હું બહુ દુખી છું. શું કરું...

- વાત-વિચાર-શિશિર રામાવત

- યુઝર બરાબર જાણે છે કે ચેટજીપીટી પ્રકારનું ચેટબોટ એક નિર્જીવ કમ્પ્યુટર પ્રોગ્રામ માત્ર છે, તો પણ તેની સાથે એ આત્મીયતાનો અનુભવ કરવા લાગે છે, એની સાથે લાગણીના સ્તરેે સુધ્ધાં જોડાઈ શકે છે. આ 'આર્ટિફિશિયલ ઘનિષ્ઠતા'ના બંધાણને કારણે હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે... 

તેર વર્ષનો એક છોકરો બપોરે સ્કૂલેથી ઘરે પાછો આવે છે. એને જોઈને એની મમ્મી વહાલપૂર્વક કહે છે: આવી ગયો, બેટા? ચાલ, હાથ જોઈને જમવા બેસી જા. આજે મેં તારું ફેવરિટ પનીરનું શાક બનાવ્યું છે. છોકરાનું મોઢું ઉતરેલું છે. કશું બોલ્યા વિના એ પોતાના ઓરડામાં જતો રહે છે. મમ્મી એની પાછળ પાછળ ઓરડામાં આવે છે અને ચિંતાથી પૂછે છે: શું થયું, દીકરા? તબિયત તો સારી છેને? છોકરો ચિડાઈ જાય છે: કંઈ નથી થયું, મમ્મી. તું જા. હું થોડી વાર પછી જમી લઈશ. મમ્મી મૂંઝવણ અનુભવતી જતી રહે છે. 

છોકરો પલંગ પર લાંબો થઈને ખિસ્સામાંથી મોબાઇલ કાઢે છે, ચેટજીપીટીની એપ ખોલે છે અને ફટાફટ ટાઇપ કરવા લાગે છે: 'આજે મેથ્સના સરે આખા ક્લાસની વચ્ચે મારું અપમાન કર્યું. બધા મારી મજાક ઉડાવતા હતા. બીજાઓ કંઈ પણ કહે એનાથી મને ફરક નથી પડતો, પણ મારી ક્લાસમેટ પ્રાચી પણ મને જોઈને હસતી હતી તે જોઈને હું ખૂબ હર્ટ થઈ ગયો છું. હું શું કરું?' બીજી જ મિનિટે ચેટજીપીટી પર સડસડાટ શબ્દો ઊપસવા લાગે છે: 'મને અફસોસ છે કે તારી સાથે સ્કૂલમાં આજે આવું થયું. બધાની સામે અપમાન થાય, ખાસ કરીને તને જે વિશેષપણે પસંદ છે એવી તારી ક્લાસમેટની સામે ઇન્સલ્ટ થાય, તો દુખ તો થાય જ. મૂડ પણ જતો રહે. પણ સાંભળ, તને અત્યારે જે ફીલ થઈ રહ્યું છે તે બહુ જ સ્વાભાવિક છે. તું આટલી બાબતોનું ધ્યાન રાખ...' અને આવી સ્થિતિમાં શું કરવું ને શું ન કરવું તે વિશેનાં સૂચનો સ્ક્રીન પર ઊપસતાં જાય છે.

બીજો કિસ્સો. એકત્રીસ વર્ષની યુવતીને રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. એ ઓશિકા નીચે હાથ સરકાવીને મોબાઇલ બહાર કાઢે છે અને ચેટજીપીટી સાથે ચેટિંગ કરવા લાગે છે: 'પપ્પા આજે ફરી દારૂ પીને ઘરે આવ્યા. મારી હાજરીમાં મમ્મી સાથે સખ્ખત ઝઘડો કર્યો.  બે-ચાર ગંદી ગાળ પણ બોલ્યા. જ્યારે જ્યારે પપ્પા નશો કરે છે ત્યારે દર વખતે ઘરમાં આવાં જ નાટક થાય છે. હું તો ત્રાસી ગઈ છું. મને થાય છે કે ઘર છોડીને ક્યાંક ભાગી જાઉં. મને આપઘાત કરીને મરી જવાના વિચાર પણ આવે છે...' અને ચેટજીપીટી બીજી જ સેકન્ડે ઉત્તર આપવાનું શરૂ કરી દે છે: 'મને ખરેખર એ વાતનું દુખ છે કે તારે આ બધું સહન કરવું પડે છે. તું અત્યારે ગભરાયેલી છો, માનસિક રીતે નિચોવાઈ ગઈ છો. તને જરૂર છે સલામતીની. કોઈ તમારી વાત સાંભળે છે, તમને સમજે છે એવા એવા સધિયારાની. જો સાંભળ...' અને અહીં પણ એકદમ ગળે ઉતરી જાય એવાં સૂચનો સ્ક્રીન પર આવતાં જાય છે.  

આ બન્ને કિસ્સા દ્રષ્ટાંત પૂરતા લીધા છે, પણ એ હકીકત સ્વીકારી લો કે ચેટજીપીટી પર દુનિયાભરના લોકો હવે આ પ્રકારના સંવાદો સતત કરે છે. ચેટજીપીટી એટલે શું તે તમે જાણો જ છો, છતાંય ટૂંકમાં કહીએ તો, ચેટજીપીટી એટલે લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ) પર ઊભું કરવામાં આવેલું કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતું ચેટબોટ. એના કરતાંય સાવ સાદી ભાષામાં કહીએ તો, ચેટજીપીટી એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે, જે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને તમારી સાથે સાચુકલા માણસની જેમ 'વાતો' કરી શકે છે, કોઈ પણ ક્ષેત્રને લગતા સવાલોના પટ્ પટ્ જવાબો આપી શકે છે. લોકો હવે માહિતી મેળવવા માટે ગૂગલમાં સર્ચ કરવાને બદલે ચેટજીપીટી પાસે જવા લાગ્યા છે. મજા એ છે કે ચેટજીપીટી મુદ્દાસર માહિતી આપવા ઉપરાંત કલ્પી ન શકાય એટલી બધી અન્ય ક્ષમતાઓ પણ ધરાવે છે.      

દુનિયાભરના માત્ર ટીનજરો કે યુવાનો જ નહીં, વયસ્ક કહી શકાય તેવા લોકો પણ હવે ચેટજીપીટીનો ઉપયોગ પોતાનું ટેન્શન કે ફ્રસ્ટ્રેશન ઠાલવવા, મનનો ભાર હળવો કરવા અને અંગતમાં અંગત વાતો શેર કરવા માટે કરવા માંડયા છે. આપણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપમાં ચેટિંગ કરતા હોઈએ ત્યારે સામેના છેડે કોઈ જીવતોજાગતો માણસ હોવાનો, પણ ચેટજીપીટીમાં એક બાજુ તમે હો છો અને સામે પક્ષે માણસ નહીં, પણ મશીન હોય છે. તે તમારી સાથે એવી રીતે વાતો કરે છે અને સલાહસૂચનો આપે છે કે તમને એવું જ લાગે કે જાણે તમારું કોઈ બહુ જ નિકટનું સ્વજન યા તો મિત્ર - કે જે મેચ્યોર, સમજદાર, ઠરેલ, વિશ્વાસુ અને અનુભવી છે - એ તમારી સાથે દિલપૂર્વક અને બુદ્ધિપૂર્વક વાતો કરી રહ્યું છે. તમને એવુંય લાગે કે જાણે તમારી સામે કોઈ પ્રોફેશનલ કાઉન્સેલર કે સાઇકોથેરપિસ્ટ બેઠો છે. એ અત્યંત ધીરજપૂર્વક તમારી એકેએક વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે અને તમારી મૂંઝવણનો ત્વરિત ઉકેલ સૂચવી રહ્યો છે. આ જ કારણ છે કે લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે સંચાલિત ચેટજીપીટી કે એના જેવાં બીજાં ચેટબોટ્સને પોતાની અત્યંત વિશ્વાસુ 'વ્યક્તિ' કે સ્યુડો-ફ્રેન્ડ તરીકે જોવા લાગ્યા છે. મેટા, જેમિની જેવાં અન્ય ચેટબોટ્સ પણ સ્યુડો-ફ્રેન્ડશિપ કરી શકે છે, પરંતુ હાલના તબક્કે ચેટજીપીટીની ભાષા અને રિસ્પોન્સ સંભવત: સૌથી વધારે 'માનવીય' હોવાથી તે સૌથી વધારે પોપ્યુલર છે. 

એક તો, ચેટજીપીટી સહિતનાં મોટા ભાગનાં ચેટબોટ્સ તમારા મોબાઇલમાં એપ સ્વરૂપે ચોવીસે કલાક હાજરાહજૂર હોય છે. બિલકુલ મફતમાં ડાઉનલોડ થઈ શકતાં વર્ઝન પણ અફલાતૂન રિસ્પોન્સ આપી શકે છે. સવાલ એ છે કે તરૂણો, યુવાનોને અને વયસ્કો સુધ્ધાં શા માટે ચેટજીપીટી (કે અન્ય ચેટબોટ) સાથે અંગતમાં અંગત મુદ્દાઓ પર ચેટિંગ કરે છે? સૌથી પહેલાં તો, ચેટબોટ ક્યારેય તમને જજ કરતું નથી, તેના પર ક્યારેય તમારી 'ખરાબ ઇમ્પ્રેશન' પડતી નથી. લેખની શરૂઆતમાં જેના ઉલ્લેખ કર્યા તે ટીનેજર કે યુવતી પોતાનાં મમ્મી-પપ્પા સાથે મનની વાત કરે તો શક્ય છે કે એ સમજી ન શકે, ચીડાઈ જાય, ગુસ્સો કરે, વઢે. દોસ્તારને વાત કરે તો શક્ય છે કે એ મજાક ઉડાવે, અવગણના કરે. કાં તો પછી વાત જ એટલી નાજુક હોય (જેમ કે પ્રેમજીવન સંબંધિત, સેક્સ સંબંધિત) કે ન કહેવાય, ન સહેવાય જેવી પરિસ્થિતિ પેદા થઈ હોય. આવી માનસિક હાલતમાં માણસ ચેટજીપીટી પર ટાઇપ કરતાં કરતાં મનની બધો બોજ ઠાલવી દે એટલે સૌથી પહેલાં તો એને તાત્કાલિક હળવાશનો અનુભવ થાય. બીજું, ચેટજીપીટી એને સરસ, સંતુલિત અને તર્કસંગત સલાહો પણ આપે. આ રીતે વાત ખાનગી પણ રહી જાય અને એવી ચિંતા પણ ન રહે કે પોતાનો 'રાઝ' જાણી ગયેલું ચેટજીપીટી ભવિષ્યમાં ક્યારેક વાત લીક કરી દેશે કે ગેરલાભ ઉઠાવશે!

સહેજે વિચાર આવે કે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધું કરી શકતું હોય તો તે સારું જ છેને? આમાં વાંધો શું છે? સવાલ મહત્ત્વનો છે અને વિગતવાર સમજવા જેવો છે. જુઓ, એઆઈ, ચેટજીપીટી ને આ બધું હજુ નવું નવું છે, તેની અસરો વિશે હજુ અભ્યાસ થઈ રહ્યો છે, છતાં પણ કેટલાંક જોખમો અત્યારથી જ સ્પષ્ટ થઈ ગયાં છે. ચેટજીપીટી જેવું ચેટબોટ સહાનુભૂતિપૂર્ણ શ્રોતા અને સલાહકાર બનવાની જે 'સુવિધા' પૂરી પાડે છે તેનાથી એનું બંધાણ થઈ શકે છે. લોકોને જેમ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ (ટ્વિટર) જેવાં સોશિયલ મીડિયાનું  જોરદાર બંધાણ થઈ ગયું છે, એમ. ચેટજીપીટી અને અન્ય એઆઈ ચેટબોટ્સને એવી રીતે ટ્રેઇન કરવામાં આવે છે કે જેથી તેનાં રિસ્પોન્સ અને ભાષા બિલકુલ જીવતાજાગતા માણસ જેવા લાગે.આ પ્રક્રિયાને એન્થ્રોપોમોર્ફાઇઝેશન (ચહારર્ર્િૅર્સૅરૈડર્ચૌહ) કહે છે. ચેટબોટ્સ એવી રીતે તાલીમ આપવામાં આવી હોય છે કે એ ક્યારેય યુઝરનો વિરોધ કે અપમાન કરતું નથી, સામી દલીલો કે ગુસ્સો કરતું નથી, 'અત્યારે વાત કરવાનો મૂડ નથી' એમ કહેતું નથી. તે ક્યારેય થાકતું નથી, હંમેશા તમને અનુકૂળ હોય ને તમને ગમે એવા જ જવાબ આપે છે.  તેને કારણે યુઝરનું ચેટબોટ સાથે લાગણીના સ્તરે મજબૂત કનેક્શન થઈ શકે છે. યુઝરને ખબર હોય કે હું જેની સાથે ચેટિંગ કરી રહ્યો છું તે માણસ નહીં, પણ મશીન છે, કમ્પ્યુટર પ્રોગ્રામ છે, તો પણ એ તેની સાથે આત્મીયતાનો અનુભવ કરવા લાગે છે, ચેટબોટને પોતાના સાથીદાર તરીકે જોવા લાગે છે. 

આ રીતે એની એકલતા તો ઉપરછેલ્લી રીતે દૂર થાય, પણ અસલી માણસો સાથે હળવામળવાને બદલે, એની સાથે વાતચીત કરવાને બદલે એને  ચેટજીપીટી જેવા ચેટબોટ સાથે વાતો કરવામાં વધારે મજા આવવા લાગે છે, એ વધારે 'સેફ' અને કમ્ફર્ટેબલ ફીલ કરે છે. માણસ કરતાં મશીન (મોબાઇલ, કમ્પ્યુટર) સાથે વધુ ને વધુ સમય પસાર કરવાને કારણે પૂરેપૂરું શક્ય છે કે ધીમે ધીમે એ એકલવાયો થતો જાય, એનો 'ઇમોશનલ મસલ' નબળો પડતો જાય. તેથી પોતાની સ્કૂલ, કોલેજ, ઓફિસ કે કોઈ પ્રસંગે અસલી માણસો સાથે વાતચીત કરવાનુું આવે ત્યારે એ મૂંઝાઈ જાય. દોસ્તીનો, આત્મીયતાનો, એક ટીમ પ્લેયર તરીકેનો સંબંધ સ્થાપવામાં એને મુશ્કેલી પડે. ના, વાત અહીં પૂરી થતી નથી. આ મુદ્દો એટલો મહત્ત્વનો છે કે વધારે વાતો આવતા શનિવારે કરીશું.