પરોઢિયે સૂર્યનાં કિરણો સાથે ઓમકારનો નાદ વહેતો થાય છે...

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ભારતીય સંગીતના વિદ્યાર્થીને પ્રાસ્તાવિક માહિતી આપતી વખતે સમજાવવામાં આવે છે કે નાદાધીનમ્ જગત અર્થાત્ સમગ્ર વિશ્વ નાદ એટલે કે ધ્વનિને આધીન છે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ તો પોતાના સંશોધન પછી જાહેર કરેલું કે પરોઢિયે સૂર્યનાં કિરણો વહેતાં થાય એ સાથે પ્રણવનાદ ઓમકાર પણ વહેતો થાય છે. આપણા ઋષિમુનિઓ તો આ વાત હજારો વરસથી જાણતા હતા અને પ્રણવ સાધના કરતા હતા.
લગભગ ૨૦૦૩માં અધ્યાત્મ યાત્રી અને ઓમ ધ્યાન કેન્દ્રના સ્થાપક ડોક્ટર સર્વેશ વોરાના મસૂરી ખાતેના ધ્યાન શિબિરમાં હાજરી આપવાની તક મળેલી. આ શિબિરમાં એક બહેને સિંગિંગ બૉલ (જૈહયૈહય ર્મુન)નો રણકાર વહેતો કરેલો. એ દિવ્ય સ્વરનાં આંદોલનો હજુય ક્યારેક આ લખનારના ચિત્તમાં પડઘાય છે. છેક પ્રાચીન કાળથી આવા પ્રયોગો થતા રહ્યા છે. હવે સાઉન્ડ થેરપીના નામે ફરી એકવાર સિંગિંગ બૉલનો ઉપયોગ વધવા માંડયો છે. મંદિરોમાં કાંસાના ઘંટનો રણકાર તમને બહારની દુનિયાથી વિમુખ કરી દે છે. કાંસામાં અન્ય ધાતુનો પ્રમાણસર ઉપયોગ કરીને આ પ્રકારના સિંગિંગ બૉલ તૈયાર કરાય છે. શનિવારે આરાધના શોધન નામની યુવતીએ સાઉન્ડ થેરપીના વધી રહેલા ઉપયોગ વિશે લેક્ચર-કમ-ડેમોન્સ્ટ્રેશન યોજ્યું હતું. ખરું પૂછો તો વીતેલાં હજારો વરસથી બૌદ્ધ સાધુઓના મઠમાં અને તિબેટિયન લામાઓના મઠમાં આ પ્રકારના સિંગિંગ બૉલ ધ્યાનમગ્ન થવા માટે વપરાતા છે. આધુનિક મહાનગરોમાં તો હવે એનો પ્રચાર થવા લાગ્યો છે. આ પ્રકારના સિંગિંગ બૉલનો જન્મ ટયુનિંગ ફોર્ક નામના સાધનમાંથી થયો હોવો જોઇએ. જો કે અધ્યાત્મ માર્ગના યાત્રીઓ કહે છે કે ટયુનિંગ ફોર્કનો જન્મ સિંગિંગ બૉલમાંથી થયો. જે હોય તે, પ્રાચીન કાળમાં વીણા કે સારંગી જેવાં તંતુવાદ્યોના તારને ચોક્કસ સ્વરમાં મેળવવા અંગ્રેજી વાય આકારના આવા સાધનનો ઉપયોગ થતો. એટલે જ એ ને ટયુનિંગ ફોર્ક નામ મળ્યું હશે. એને કશાક પર પછડાવવાથી ચોક્કસ સ્વરનાં આંદોલન વહેતા થાય છે. એનો રણકાર થોડીક સેકંડ સુધી વાતાવરણમાં ઘુમતો રહે છે એટલે વાજિંત્રના તારને જે તે સ્વરમાં મેળવી લેવાય છે. બધિર વ્યક્તિઓની બહેરાશનું પ્રમાણ નક્કી કરવા માટે પણ વપરાય. એવો જ ઉપયોગ ગોંગ તરીકે ઓળખાતા વાદ્યનો થાય છે.
સાઉન્ડ થેરપી મોટે ભાગે હાઇપર ટેન્શન, સ્ટ્રેસ, અનિદ્રા, નાની નાની વાતે ગુસ્સે થતા લોકોને શાંત કરવા અને ધ્યાનમાં સરકી જવા માટે ખૂબ મદદરૂપ નીવડે છે. સિંગિંગ બૉલમાંથી પ્રગટતા ચોક્કસ સ્વરનાં આંદોલનો ચિત્તને શાંત કરવામાં સહાય કરે છે. શાંત પાણીમાં એક કાંકરી નાખતાં જેમ વર્તુળાકારે અનેક તરંગો પ્રગટે એમ આ સાધન વડે ચોક્કસ પ્રમાણના સ્વરનાં આંદોલનો પ્રગટે છે.
આ વાતને બીજી રીતે પણ સમજી શકાય. કોઇ પણ સ્ત્રી માતા બને ત્યારે, એ પોતાના કંઠે જેવું આવડે એવું હાલરડું ગાવાની શરૂઆત કરે એ સાથે નવજાત શિશુ અનાયાસે નિદ્રામાં સરકી પડે છે.
આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની વેણુના પ્રભાવની વાતો જાણીતી છે. માત્ર માણસ નહીં, પશુપક્ષી ઉપર પણ વેણુના સ્વરોની ચમત્કારી અસર થતી એ આપણે સૌ જાણીએ છીએ. અમેરિકામાં ડોક્ટર દીપક ચોપરાએ મહર્ષિ યુનિવર્સિટી હોસ્પિટલમાં પંડિત શિવકુમાર શર્માના સંતુરવાદન અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના વાંસળીવાદનની રેકર્ડ દ્વારા વાતે વાતે ઉશ્કેરાઇ જતા મનોરોગીઓને શાંત કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો. એને સાઉન્ડ થેરપી કે મ્યુઝિક થેરપીનો એક પ્રકાર કહી શકાય. દિવસે દિવસે સાઉન્ડ થેરપીની માગ વધી રહી છે એ દર્શાવે છે કે મહાનગરોની જીવનશૈલી મનોરોગીઓ વધારી રહી છે. આવા નિર્દોષ પ્રયોગો રોજબરોજના જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી શકે. ઊંઘવા માટે કે બ્લડ પ્રેસરને કાબુમાં રાખવા માટે એલોપથીની ગોળીઓ ગળવા કરતાં આ પ્રકારની સારવાર પદ્ધતિ ખૂબ મદદરૂપ નીવડી શકે. આમાં કોઇ આડઅસર નથી થતી. કોયલનો ટહૂકો કે કલાપી (મોર)નો ગહેંકાટ ચિત્ત પર જે પોઝિટિવ અસર કરે છે એવીજ સચોટ અસર આ સિંગિંગ બૉલ અને અન્ય સાધનો કરે છે.








