કોઇ અજનબીને મળતાં તમારા મનમાં કેવા પ્રતિભાવ જાગે છે...

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ધારો કે તમે કોઇ દોસ્તે યોજેલી નવા વર્ષની ઊજવણીની પાર્ટીમાં ગયા છો. ત્યાં થોડાક મિત્રો હાજર છે, બે ચાર અજનબી પણ હાજર છે. તમારો પરિચય એકાદ અજનબી સાથે કરાવવામાં આવે છે. 'હલ્લો...' કહીને એની સાથે હેન્ડશેક કરતાં જ તમને ન સમજાય એવી કોઇ લાગણી જન્મે છે. વિવેક ખાતર તમે એની સાથે વાત તો કરો છો પરંતુ તમને મનોમન એવું થયા કરે છે કે ક્યારે આ માણસથી છૂટો પડું. અધ્યાત્મમાં રસ હોય તો તમને તરત ખ્યાલ આવી જાય, સમજાઇ જાય કે આ માણસના વ્યક્તિત્વમાં નકારાત્મક આંદોલનો (નેગેટિવ વાઇબ્રેશન) વધુ છે.
તાજેતરમાં એક પૂજ્ય જૈન મહારાજ સાહેબે એક નાનકડી એક્સરસાઇઝ બતાવેલી. તેમણે સૂચન કરેલું કે તમે ચાલીસ દિવસ સુધી રોજ આ એક્સરસાઇઝ દસેક મિનિટ કરો. સામે આવનાર દરેક વ્યક્તિની ઑરા (aura) તમે પારખી જશો. એના સ્વભાવનો તમને ખ્યાલ આવી જશે.
ઑરા. આ એક અંગ્રેજી ગણાઇ ગયેલો શબ્દ છે. મૂળ લેટિન અને પ્રાચીન ગ્રીક ભાષામાં પવનની લહેરખીને ઑરા કહેતા. આપણે ત્યાં તો હજારો વરસ પહેલાં ઋષિ-મુનિઓ ઑરા વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હતા.
આપણાં દેવદેવીઓ કે સંતો-સિદ્ધ પુરુષોની છબી જુઓ. તેમના મુખારવિંદની પૃભૂમિમાં પૂનમના ચાંદ જેવો એક રૂપેરી ગોળાકાર તેજવલય જોવા મળે છે. ઋષિ-મુનિઓ એને આભા કહેતા. જીવમાત્રની આસપાસ આવી એક આભા હોય છે.
સ્થૂળ શરીરથી દોઢ બે ઇંચ દૂર આ તેજવર્તુળ જીવમાત્રની આસપાસ જોવા મળે. કેટલાક વિદ્વાનો તો કહે છે કે આપણે જેને નિર્જીવ કે જડ માનીએ છીએ એની આસપાસ પણ આભા તો હોય જ છે. માત્ર એનાં આંદોલનો ખૂબ ઓછાં અને ખૂબ મંથર ગતિના હોય છે.
આધુનિક વિજ્ઞાન અને ખાસ તો પરામનોવિજ્ઞાન આ બાબતમાં સઘન સંશોધન કરી રહ્યું છે. તબીબી વિજ્ઞાનના નિષ્ણાતો કહે છે કે કોઇ પણ વ્યક્તિની આભા પરથી એના સ્વભાવ ઉપરાંત એના પર તોળાઇ રહેલી કોઇ બીમારીનો અણસાર પણ મળે છે. યોગના અભ્યાસી સિદ્ધ પુરુષો માનવ શરીરમાં જે સાત ચક્રો નિરુપે છે એના રંગો સાથે આભાના રંગોને જોડે છે. હવે તો આભાના રંગ પરથી વ્યક્તિની ખૂબી ખામી પિછાણવાના સફળ પ્રયોગો પણ થયા છે. વ્યક્તિની આભાના રંગ દ્વારા અર્થઘટન કરવામાં આવે છે. દાખલા તરીકે આભા લાલ રંગની હોય તો એ વ્યક્તિ નેતૃત્વનો વિશેષ ગુણ ધરાવે છે. એ શાસનકર્તા હોઈ કે બની શકે. સોનેરી કે પીળી આભા ધરાવનાર વ્યક્તિ સર્જનાત્મક કે બૌદ્ધિક પ્રતિભા ધરાવતી હોઇ શકે. બગલાની પાંખ જેવો શ્વેત રંગવાળી આભા ધરાવતી વ્યક્તિ અણીશુદ્ધ ચારિત્ર્ય ધરાવનાર અને ઉચ્ચ આધ્યાત્મિક કે બૌદ્ધિક પ્રતિભા ધરાવનાર હોઇ શકે. ધૂંધળી કે શ્યામ આભા ધરાવનાર વ્યક્તિથી દૂર રહેવું જોઇએ. એ ભારોભાર નેગેટિવ આંદોલનો ફેંકતી વ્યક્તિ હોઇ શકે.
મૂળ આર્મેનિયન પણ રશિયન સંશોધનકર્તા તરીકે ઓળખાવાયેલા સિમોન કિર્લિયન નામની વ્યક્તિએ પહેલીવાર ઇન્ફ્રારેડ ફોટોગ્રાફી દ્વારા આભાને ઝડપી લેવાના પ્રયોગો કરેલા. એ કિર્લિયન ફોટોગ્રાફી તરીકે ઓળખાય છે. વ્યક્તિની આસપાસ રહેલી આભાને આ ટેકનિક દ્વારા ઝડપી લેવામાં આવે છે. આભા ત્રુટક ત્રુટક હોય તો એ વ્યક્તિને ચેતવવામાં આવે છે કે તમારી રહેણીકરણી બદલી નાખો, નહીંતર નજીકના ભવિષ્યમાં તમારા પર કોઇ બીમારી ત્રાટકવાની શક્યતા છે.
હવે પછી કોઇ નવી વ્યક્તિને મળો ત્યારે તમારા મનમાં કેવાં આંદોલનો જાગે છે એનું નિરીક્ષણ કરજો. નઠારી કે નેગેટિવ આંદોલનો ધરાવતી વ્યક્તિથી દૂર રહેવામાં ડહાપણ છે. કેટલીક વાર સાવ નિર્દોષ ચહેરો અને વિનયી રીતભાત ધરાવતી વ્યક્તિ ઠંડે કલેજે તમારું અહિત કરી જાય એવું બને. બીજી બાજુ થોડી તોછડી કે અકડુ લાગતી વ્યક્તિ વાસ્તવમાં તમારું હિત ઇચ્છતી હોય એમ પણ બને.
અગાઉના અનુભવી અને શાણા વડીલો જરા જુદી રીતે કહી ગયા છે- નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન, દગાબાજ દુત્તા નમે, ચિત્તા ચોર કમાન. આભાને ઓળખતાં આવડે તો ઘણી આપત્તિને આવતી ઓળખીને અટકાવી શકાય.








