Editorial

મોંઘીદાટ અંગ્રેજી સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ આટલો 'અનાસક્ત'?

By GS TEAM
26 Aug 20253 mins read
મોંઘીદાટ અંગ્રેજી સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ આટલો 'અનાસક્ત'?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

હજુ ગઇ કાલ સુધી આવા સમાચારો આપણે અમેરિકાના વાંચતા હતા. અમેરિકામાં થોડા થોડા દિવસે સ્કૂલમાં ભણતા ટાબરિયા પિસ્તોલના ધડાકા કરે છે. થોડા થોડા દિવસે લોહી રેડાય છે. ફેશન, વાનગીઓ, વિદેશી સંગીત, હેર સ્ટાઇલ જેવી ઘણી બાબતોમાં વિદેશીઓનું અનુકરણ કરનારા ગુજરાતના ટાબરિયા હવે અમેરિકી ગન કલ્ચરનું અનુકરણ કરતા થયા છે. આનંદો કેળવણીકારો આનંદો! સદા 'ગાંધીજીના ગુજરાત' તરીકે વખણાતા આ રાજ્યમાં હવે સ્કૂલમાં ભણતા ટીનેજર્સ ચાકુ ચલાવતા થયા છે. માત્ર અડતાલીસ કલાકમાં અમદાવાદમાં હત્યા થઇ તો વડોદરામાં નખોરિયા ભરાયા અને ચાકુ દેખાડાયું. દહેરાદૂનના ઉધમસિંહ નગરમાં એક ટીનેજરે પોતાને ઠપકો આપનારા શિક્ષકને ગોળી મારી દીધી.

અમદાવાદની ઘટનામાં સ્કૂલનો સ્ટાફ અને ચોકીદાર ખરા 'સ્થિતપ્રજ્ઞા' નીવડયા. શાળાના એક વિદ્યાર્થીને પેટમાં ધારદાર વસ્તુ મારી દેવામાં આવી છે અને પેલો લોહી નીંગળતા શરીરે બેઠો છે એ નજરે જોવા છતાં શિક્ષકો કે ચોકીદારના પેટનું પાણી ન હાલ્યું એ અત્યંત આઘાતજનક બાબત છે. શિક્ષકો, શિક્ષણેતર સ્ટાફ અને ચોકીદાર આટલી હદે નિષ્ઠુર અને પથ્થર હૃદયના થઇ ગયા?  કે પછી પેલા હુમલાખોરથી ડરી ગયા? તમે હુમલાખોરને પકડવાની હિંમત ન દેખાડો એ સમજી શકાય, પરંતુ લોહી વહેતી સ્થિતિમાં બેઠેલા છોકરાને તત્કાળ તબીબી મદદ મળે એટલું પણ ન કરી શકો? 

અમદાવાદ, વડોદરા અને દહેરાદૂનની ઘટનામાં સમાનતા એ છે કે ચૌદ-પંદર વર્ષના ટીનેજર્સે આટલી હદે આક્રમકતા, હિંસા અને નિર્દયતા દેખાડયા છે. ટીનેજર્સના આ વર્તન માટે કોને જવાબદાર ગણીશું? કુટુંબીજનોને, ટીવી સિરિયલ્સ અને ફિલ્મોને કે આજના ટેન્શનયુક્ત શિક્ષણને? બાળકોને ગમે ત્યાં લલચાવીને ડ્રગના રવાડે ચડાવી દેતા ડ્રગ પેડલરને કે કુસંગને? આ ટ્રેન્ડ ખૂબ જોખમી છે. આ ઉંમરે તો વિદ્યાર્થીઓ હસતાં રમતાં અને મજાક-મસ્તી કરતા હોય, સહાધ્યાયીઓ સાથે ભણતાં હોય, એકમેકને નબળા વિષયમાં મદદ કરતાં હોય એને બદલે ધારદાર ચીજ વડે ફિલ્મી સ્ટાઇલમાં લોહી વહાવવા જેવી ચોંકાવનારી ઘટના શી રીતે બનવા માંડી? આટલું બધું ઝનૂન ક્યાંથી આવ્યું આ ટાબરિયાઓમાં? અગાઉ દાદા-દાદી કે નાના-નાની રોજ રાત્રે સૂતાં પહેલાં બાળકોને હિતોપદેશ, પંચતંત્ર કે રામાયણ-મહાભારતની પ્રેરક કથાઓ દ્વારા સંસ્કાર સિંચન કરતાં. હવે સંયુક્ત પરિવારો રહ્યાં નથી એ સૌથી મોટી કરુણા છે.

મોંઘવારીને પહોંચી વળવા માતાપિતા બંને નોકરી કરતાં હોય ત્યારે સંતાનો ગુમરાહ થઇ રહ્યા છે એની માબાપને સમયસર જાણ થતી નથી.

અમુક તમુક સ્કૂલ સામે દેખાવો કરવામાં સમય અને શક્તિ વેડફી દેવાને બદલે માતાપિતા, કેળવણીકારો, સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોએ સાથે બેસીને ટીનેજર્સને સંયમી અને શિક્ષણપ્રેમી બનાવવાની યોજના ઘડી કાઢવી જોઇએ. હજુ મોડું થયું નથી. સમય હાથમાંથી સરકી જાય એ પહેલાં આપણે સૌ જાગીએ એ આજની તાતી જરૂરિયાત છે.

આવતી કાલના નાગરિકો આપણા કરતાં વધુ સંસ્કારી, સંયમી અને શિક્ષણ અભિમુખ થાય એ માટે તત્કાળ નક્કર કાર્યક્રમ ઘડી કાઢવાની જરૂર છે. આવી બાબતે સત્તાપિપાસુ પોલિટિશિયનો પર કે રાજ્ય સરકાર પર ભરોસો રાખીને બેસી રહેવાથી કશું નહીં વળે.

આપણાં બાળકો પ્રત્યે આપણાં સૌની સહિયારી જવાબદારી છે. જેટલા વહેલા જાગીએ એટલું ભાવિ વધુ ઉજ્જવળ ! કાલ કરે સો આજ કર, આજ કરે સો અભી... નક્કી આપણે જ કરવાનું છે કે આપણાં સંતાનોને સારા માણસ બનાવવા છે કે ગલીના ગુંડા બનાવવા છે? આપણા હાથમાંથી બાજી સરકી જાય એ પહેલાં આપણે સચોટ પગલાં લેવાના શ્રી ગણેશ કરીએ. આવતી કાલે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા પધારી રહ્યા છે. એમનું સ્મરણ કરીને કામે લાગીએ.