Editorial

કેટલીય પેઢીઓથી ગામમાં વસતા લોકો હવે ભયભીત કેમ છે?

By GS TEAM
23 Sep 20253 mins read
કેટલીય પેઢીઓથી ગામમાં વસતા લોકો હવે ભયભીત કેમ છે?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

'દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અમદાવાદમાં દુર્ગાપૂજા મહોત્સવ માણવા આવવાના હતા, પરંતુ હવે એમ લાગે છે કે નહીં આવી શકીએ...' એક બંગાળી દોસ્તનો રવિવારે ફોન આવ્યો. કોણ જાણે છેલ્લી કેટલીય પેઢીથી એમનો પરિવાર પશ્ચિમ બંગાળના મિદનાપોર (મૂળ સંસ્કૃત નામ મેદિનીપુર)માં વસે છે. ફોન કરનાર મિત્રના અવાજમાં એક પ્રકારની ધ્રૂજારી  હતી, ડર હતો. એમણે વાત આગળ વધારીઃ

છેલ્લા થોડા મહિનાથી અહીં સમજી ન શકાય એવું બની રહ્યું છે. અચાનક કોઇ વ્યક્તિ ગૂમ થઇ જાય છે. ખૂબ તપાસ કરીએે ત્યારે ક્યાંક ઝાડી-ઝાંખરામાં એનો મૃતદેહ મળી આવે છે. રાતોરાત કોઇ બંગાળી યુવતી અદ્રશ્ય થઇ જાય છે. પૂછપરછ કરીએ ત્યારે કહેવામાં આવે છે કે એણે અમુક તમુક વિધર્મી યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. પોલીસ ફરિયાદ કરીએ ત્યારે કહે છે કે તમારી ફરિયાદ નોંધી લીધી છે. બસ, પછી આગળ કંઇ થતું નથી... અમને ખૂબ ડર લાગે છે. ગામમાં ઓચિંતા નવા ચહેરા જોવા મળે છે. 

ડિટ્ટો સંભલ. ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાં પણ છેલ્લા થોડા મહિનાથી આવું બની રહ્યું છે. જોકે ઉત્તર પ્રદેશની વાત થોડીક જુદી પડે છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંભલની જાતમુલાકાત લઇને લોકોને હૈયાધારણ આપી છે કે રાજ્ય  સરકાર તમારી સાથે છે. ડરવાની જરૂર નથી.

ડિટ્ટો ગુવાહાટી. આસામમાં વસતા એક ગુજરાતી વેપારી થોડા સમય પહેલાં કૌટુંબિક પ્રસંગે અમદાવાદ આવેલા ત્યારે એમની વાતો પણ મિદનાપોરના બંગાળી દંપતી જેવી હતી.

 જોકે આસામની આપણને નવાઇ ન લાગે. આસામમાં તો છેક ૧૯૭૦ના દાયકાથી આવું થતું રહ્યું છે. એ સમયે જે પોલિટિશિયન આસામના સાંસદ હતા એ પાછળથી રાષ્ટ્રપતિ થયેલા. ત્યારનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ મોકલેલા આંતરિક કટોકટીના હુકમની નકલ વાંચ્યા વિના આ રાષ્ટ્રપતિએ ચૂપચાપ સહી કરી આપી હતી. આસામની પ્રજા ગળે આવી ગઇ ત્યારે આસોમ ગણ સંગ્રામ પરિષદે માથું ઊંચક્યું અને ઘુસણખોરો સામે હથિયાર ઉપાડયા. 

હિંસા આચરી. આજે તો આસામમાં હેમંદ બિસ્વા જેવા નિર્ભય અને જાગ્રત મુખ્ય પ્રધાનનું શાસન છે. લઘુમતીના નામે સરકારી લાભ મેળવનારી બોગસ અને ભૂતિયા સંસ્થાઓ સામે બિરવાએ કડક પગલાં લઇને ધાક બેસાડી છે. 

ચૂંટણી પંચ સામે ઢગલાબંધ ફરિયાદો કરનારા એક પણ રાજકીય પક્ષ કે નેતાએ પોતાની ફરિયાદ પુરવાર કરવા અદાલતમાં જવાની હિંમત દેખાડી નથી. કર્ણાટકમાં ઝળહળતો વિજય મેળવનારા પક્ષના નેતાઓ 'વોટ ચોર વોટ ચોર' બરાડી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચે કોર્ટમા આ આક્ષેપ સાબિત કરવાનો પડકાર ફેંક્યો એ ઝીલવાની એક્કે નેતાજીની તૈયારી નથી. અમે હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છીએ એવી વાતો કરનારા પક્ષો અને નેતાઓ હવાઇ ગયેલો ચાંદલિયો ફોડી રહ્યા હોય એવી છાપ સામાન્ય માણસના મન પર પડે છે.  

કોઇ પણ બહાને દેશમાં અરાજકતા ફેલાવવાની જાણે વિપક્ષોએ સુપારી લીધી છે. ગમે તેવા આક્ષેપ કરવા અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો. વડા પ્રધાન બનવાનું સપનું જોતા એક નેતાએ એવી હાસ્યાસ્પદ જાહેરાત કરી કે, 'સિંહાસન ખાલી કરો, જેન-ઝી આ રહા હૈ...' અરે ભૈ, આ નેપાળ નથી, ભારત છે, દોઢ અબજની વસતિ, વિવિધ ભાષા, વિવિધ રીતરિવાજ અને રહેણીકરણી... નેપાળ જેવાં સપનાં કાં જુઓ? વાસ્તવિકતા તો સમજો. માત્ર વાણીવિલાસ કરવાથી શું વળે? તમારી આવી છોકરમતથી લોકો હસે છે, તમારાં કાર્ટૂન અને રીલ્સ બને છે. તમારી ઠેકડી ઊડાવાય છે.

આજથી શારદીય નવરાત્રિ શરૂ થાય છે. ત્યારબાદ આવશે દીપોત્સવ. અશુભ પરિબળો પર શુભ શક્તિના વિજયનું પર્વ. થોડુંક ડહાપણ દર્શાવો. સમયની સાથે થોડા મેચ્યોર થાઓ અને કંઇક નવું કરવા થનગની રહેલી યુવાશક્તિને સાચી દિશામાં દોરવણી આપો, નહીંતર ઇતિહાસ તમને માફ નહીં કરે.