Editorial

જસ્ટિસ યશવંત વર્માનો કેસ દિવસે દિવસે ગૂંચવાતો જાય છે

By GS TEAM
22 Jul 20253 mins read
જસ્ટિસ યશવંત વર્માનો કેસ દિવસે દિવસે ગૂંચવાતો જાય છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- જજ પણ મારાતમારા જેવા કાળા માથાના માનવી છે. વાસ્તવિકતા એ છે કે અહીં કૂંડું કથરોટને હસે એવો ઘાટ થાય છે

અગાઉ દિલ્હી હાઇકોર્ટમાં ફરજ બજાવતા અને જેમના બંગલામાંથી બેહિસાબી રોકડ રકમ મળી આવતાં અલાહાબાદ હાઇકોર્ટમાં મોકલાવાયેલા માનનીય જજ યશવંત વર્માનો કેસ દિવસે દિવસે ગૂંચવાતો જાય છે. કાનૂની આંટીઘૂંટીમાં સામાન્ય માણસને બહુ બધું સમજાય નહીં. અખબારી અહેવાલો મુજબ જસ્ટિસ વર્મા દિલ્હી હાઇકોર્ટમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના સરકારી બંગલામાંથી બળેલી અને સારી સ્થિતિમાં હોય એવી ખાસ્સી મોટી રકમ મળી આવી હતી. કેટલાંક અખબારો અને ટેલિવિઝન ચેનલ્સે આ ઘટનાની તસવીરો પણ પ્રગટ કરી હતી. આવું અગાઉ કેટલાક નેતાઓ અને સરકારી અધિકારીઓના બંગલામાંથી પણ મબલખ બેહિસાબી રકમ મળી આવ્યાની ઘટનાઓ બની હતી. એટલે આવી ઘટનાની હવે કોઇ નવાઇ રહી નથી.

જસ્ટિસ વર્માના બંગલાની ઘટનાને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક, બંને મિડિયાએ જોરદાર કવરોજ આપ્યું એ પછી સુપ્રીમ કોર્ટે રચેલી એક સમિતિએ આ ઘટનાની તપાસ યોજી. કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને એવા જ સિનિયર  ધારાશાસ્ત્રી કપિલ સિબલે તો જસ્ટિસ વર્માને બિરદાવતું જાહેર નિવેદન પણ કર્યું. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિના અહેવાલમાં જસ્ટિસ વર્માને દોષિત જાહેર કરાયા અને એ પછી સુપ્રીમ કોર્ટે સરકારને ભલામણ કરી કે જસ્ટિસ વર્મા સામે પગલાં લેવામાં આવે. હવે સંસદમાં જસ્ટિસ વર્માને ઠપકો આપતો  અને ફરજમુક્ત કરતો ઠરાવ (ઇમ્પીચમેન્ટ મોશન) રજૂ થશે. કાયદો અને ન્યાય ખાતાના પ્રધાન કિરણ રિજિજુએ પત્રકારો સાથે વાત કરતાં આવા ઠરાવના મુદ્દાને સમર્થન આપ્યું હતું.

એ પછી જસ્ટિસ વર્મા ઓચિંતા સક્રિય થઇ ગયા. એકવાર સંસદમાં ઠરાવ પસાર થઇ જાય ત્યાર બાદ જસ્ટિસ વર્માને બચાવની કોઇ તક રહે નહીં. એટલે સંસદમાં ઠરાવ રજૂ થવાની વાત આવી કે તરત જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી. પોતે કાયદાના ઊંડા અભ્યાસી હોવાથી એમણે સચોટ દલીલો તૈયાર કરી છે. એ બધી દલીલોમાં રહેલા બધા ટેક્નિકલ મુદ્દાની યોગ્યતાની વાત આપણે ન કરીએ, પરંતુ એક મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. તેમણે કહ્યું છે કે ગમે તેવા કેસમાં ડઝનબંધ સાક્ષી હોવા છતાં શકમંદ (સસ્પેક્ટ)ને એના બચાવની તક પૂરીપાડવામાં આવે છે. મારા કિસ્સામાં મને મારી વાત રજૂ કરવાની તક આપવામાં આવી નથી. પહેલેથી પૂર્વગ્રહ રાખીને અને મીડિયા ટ્રાયલના આધારે મને દોષિત ઠરાવી દેવામાં આવ્યો છે. તપાસ સમિતિએ મને મારી વાત કહેવાની તક આપવી જોઇએ. દરેક કિસ્સામાં જે વ્યક્તિ પર આક્ષેપ હોય એને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવે એ પરંપરા છે. મારા કિસ્સામાં એ પરંપરા અને કુદરતી ન્યાયનો ભંગ થયો છે.

જસ્ટિસ વર્માએ તો સુપ્રીમ કોર્ટ અને દેશના ચીફ જસ્ટિસને પણ પડકાર્યા છે કે મારી સામે અર્થાત્ હાઇકોર્ટના જજ સામે આ રીતે તપાસ સમિતિ રચીને સજા કરવાનો અધિકાર બંધારણે સુપ્રીમ કોર્ટને આપ્યો નથી. આ લખાતું હતું ત્યારે મામલો વધુ ગૂંચવાયેલો જણાતો હતો. તમે આ વાંચતા હશો ત્યારે કાં તો સંસદમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ ઠરાવ રજૂ થઇ ચૂક્યો હશે અથવા સુપ્રીમ કોર્ટે આ દિશામાં કોઇ પગલું લીધું હશે. 

આ આખી ઘટનાનો સાર એટલો જ કે જજ પણ મારાતમારા જેવા કાળા માથાના માનવી છે. નિવૃત્ત ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે હજુ સુધી પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો નથી એ વિશે પણ ચર્ચા ચાલી રહી છે. વાસ્તવિકતા એ છે કે અહીં કૂંડું કથરોટને હસે એવો ઘાટ થાય છે. આપણા મોટા ભાગના પોલિટિશ્યનોને જુઓ. એમના બંગલામાંથી કરોડોની નહીં અબજોની નોટો મળી આવે છે. એ ગણવા માટે મશીન્સ પણ ઓછાં પડે છે. બે ચાર દિવસ ગોકીરો થાય છે, પછી સામાન્ય માણસ આખી વાત ભૂલી જાય છે. નેતાની ક્યાં વાત કરીએ, સરકારી કાર્યાલયના પટાવાળા કે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કરોડોમાં આળોટે છે.  હકીકતમાં આજે નીતિમૂલ્યોની વ્યાખ્યા આખી બદલાઇ ગઇ છે. પ્રમાણિકતા, ફરજનિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ, સમાજ અભિમુખતા વગેરેના માપદંડ બદલાઇ ચૂક્યાં છે. શક્ય છે કે જસ્ટિસ વર્માને કોઇ પણ ભોગે હટાવવા અમુક લોબી સંગઠિત થઇ ગઇ હોય.