Editorial

પોતાને જગત જમાદાર સમજતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આવા તે કેવા!

By GS TEAM
21 Oct 20253 mins read
પોતાને જગત જમાદાર સમજતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આવા તે કેવા!

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ગઇ કાલે દિવાળી ગઇ. આવતી કાલે હિન્દુ નવું વર્ષ! આજે ધોકો. ધોકાને દિવસે એક એવા નેતાને યાદ કરીએ જે જાણ્યેઅજાણ્યે કે પછી સમજી વિચારીને પોતાની જાતને અને પોતાના દેશને હાંસીપાત્ર બનાવી રહ્યા છે. યસ, તમે બરાબર સમજ્યા છો. આ વાત અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની છે. શાંતિનું નોબેલ પ્રાઇઝ મેળવનારી વેનેઝુએલા સંસદની ડેપ્યુટી મહિલા મારિયા કોરિના મચાડોએ ભલે એવું જાહેર કર્યું કે હું મારું નોબેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કરું છું. વાસ્તવમાં આજની તારીખમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહેજ પણ વિશ્વાસ મૂકી શકાય એવી વ્યક્તિ રહી નથી.

પ્રતિષ્ઠિત અમેરિકી અખબાર 'ર્ધ વોશિંગ્ટન પોસ્ટ'ના એક અહેવાલ મુજબ, માત્ર ચાર વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે ૩૦,૫૭૩ જૂઠાણાં ઉચ્ચાર્યા હતા. વાંચો ફરી- ત્રીસ હજાર પાંચસો તોંતેર જૂઠાણાં. અને આ અહેવાલ તો ૨૦૨૧નો છે, જ્યારે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી થઇ રહી હતી. એ જ સમયગાળામાં ઇંગ્લેંડના 'ધ ગાર્ડિયન' અખબારે 'સુનામી ઓફ અનટ્રુથ- ધ ટ્રમ્પ હેઝ મેડ ૨૦,૦૦૦ ફોલ્સ ક્લેમ્સ...' એવા મથાળા હેઠળ એક અહેવાલ પ્રગટ કરેલો.

તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો ટ્રમ્પે ડઝનબંધ ખોટ્ટા દાવા કર્યા. પેલેસ્ટાઇન-ઇઝરાયેલ યુદ્ધ, રશિયા- યુક્રેન યુદ્ધ, ભારતે પાકિસ્તાનમાં કરેલું ઓપરેશન સિંદૂર વગેરે બાબતોમાં ટ્રમ્પે જરાય છોછસંકોચ વગર ટાઢા પહોરનાં ગપ્પાં માર્યા. ભારતના વિદેશ ખાતાએ એક કરતાં વધુ વખત ટ્રમ્પના દાવાને રદિયો આપ્યો છતાં ટ્રમ્પે તો પોતાનાં ગપ્પાં મારવાનું ચાલુ રાખ્યું. એક દાવાએ તો કમાલ કરી. ટ્રમ્પે કહ્યું કે છેલ્લાં ત્રણ હજાર વરસથી ચાલી રહેલા પેલેસ્ટાઇન-ઇઝરાયેલ યુદ્ધમાં મેં શાંતિ સ્થાપી. લો, કરો વાત. માત્ર એકસો વર્ષ પહેલાં હમાસ કે જિહાદી આતંકવાદી પરિબળો ક્યાં હતા એ ટ્રમ્પને કોઇએ કહેવું જોઇએ, જો એ સાંભળવા તૈયાર હોય તો. 

અમેરિકાના ઇતિહાસ પર નજર કરીએ તો છેક અબ્રાહમ લિંકનથી શરૂ કરીને કેવા કેવા મુત્સદ્દી રાજનીતિજ્ઞાો પ્રમુખસ્થાને બિરાજી ચૂક્યા છે. અહીં એ બધાની યાદી આપવાનો ઇરાદો નથી. જેમને રસ હોય એવા જિજ્ઞાસુ વાચકો વિકિપીડિયા જોઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક માત્ર એવા નેતા છે જેની સામે અસંખ્ય તો કેસ ચાલી રહ્યા છે. અનેક જૂઠાણાં ઉચ્ચારનાર ટ્રમ્પ તાજેતરમાં શાંતિનું નોબેલ પારિતોષિત મેળવવા રીતસર ઘાંઘા થઇ ગયા હતા. એમણે રીતસર ધમપછાડા કરેલા પણ નોબેલ પારિતોષિક આપનારી સમિતિએ એમની કારી ફાવવા દીધી નહીં.

આપણે તો ઠીક, ખુદ અમેરિકી અર્થશાસ્ત્રીઓ છાતી ઠોકીને કહે છે કે ટ્રમ્પ અમેરિકી અર્થતંત્રને નષ્ટ કરી નાખે એવાં પગલાં લઇ રહ્યા છે. ટ્રમ્પના ચુસ્ત ટેકેદારો પણ અત્યારના ટ્રમ્પના પગલાંથી અવાચક થઇ ગયા છે. એમને સમજાતું નથી કે પ્રમુખશ્રી આવાં ગતકડાં કેમ કરી રહ્યા છે. અમેરિકાની પ્રજા નિઃસહાય બનીને ટ્રમ્પનાં વિધાનો અને વર્તનને જોયા કરે છે. કેટલાક સમીક્ષકોને ટ્રમ્પ વ્હિમઝીકલ એટલે કે તરંગી મિજાજના લાગે છે. આજે એક વાત કરે, આવતી કાલે બીજી વાત કરે, થોડીવાર પહેલાં બોલેલું ફેરવી તોળે.

ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ યા નેપાળ જેવા એશિયા ખંડના દેશો તો અમેરિકી પ્રમુખનાં અટકચાળાં ચૂપચાપ જોયા કરે છે. બીજું કરેય શું? જો કે ભારતના વિરોધ પક્ષોને અને ખાસ તો કોંગ્રેસના રાહુલ ગાંધીને ટ્રમ્પનાં વિધાનોથી પાનો ચડે છે. એ ટ્રમ્પને સાચા અને હાલની આપણી સરકારને તેમજ વડા પ્રધાનને ખોટ્ટા ગણે છે. વિદેશોની મુલાકાતે જાય ત્યારે દેશવિરોધી પ્રવચનો કરે છે. ભારત વિરોધી અમેરિકી લોબી એ સાંભળીને ખુશ થાય છે. 

એકમાત્ર ચીને ખોંખારીને કહી દીધું છે કે જરૂર પડયે અમે અમેરિકા સાથે લડી લેવા તૈયાર છીએ. ટ્રમ્પે આવું સાંભળવાની અપેક્ષા નહીં રાખી હોય. અમેરિકા પોતાને સતત જગત જમાદાર સમજતું આવ્યું છે. આખી દુનિયા પર રાજ કરવાની અબળખા અમેરિકાએ સતત સેવી છે. એ અબળખા કદી સાકાર થવાના નથી. વૈશ્વિક સમય પલટાયો છે. અગાઉ જેવી પરિસ્થિતિ રહી નથી. નાનકડા દેશો પણ સમજતા થયા છે કે અમને લડાવીને અમેરિકા પોતાનાં હથિયારો વેચે છે અને તગડું થાય છે. એ સમજણ લાંબે ગાળે અમેરિકાને હંફાવી દે તો નવાઇ નહીં.