Editorial

સોશિયલ મીડિયા પર આવેલાં અમંગળ આગાહીનાં પૂર કોમન મેનને ડરાવે છે

By GS TEAM
2 Sep 20253 mins read
સોશિયલ મીડિયા પર આવેલાં અમંગળ આગાહીનાં પૂર કોમન મેનને ડરાવે છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

પોતાને ભવિષ્યવેત્તા સમજનારા જ્યોતિષીઓની સોશિયલ મીડિયા પર ભીડ જામી છે. પંચાંગ અને ટીપણાં લઇને બેઠેલા આ લોકો અમંગળ આગાહીનો હાથિયો વરસાવી રહ્યા છે. (ભાદરવા મહિનામાં હાથિયો નક્ષત્રમાં આખે આખા હાથી ડૂબી જાય એવો વરસાદ પડે એવું અગાઉ વડીલો કહેતા.) આજકાલ આગાહીનો હાથિયો વરસી રહ્યો છે. આજે બીજી સપ્ટેમ્બરે ગૌરી વિસર્જન છે. છઠ્ઠી સપ્ટેમ્બરે  વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા વિદાય લેશે. આ ભવિષ્યવેત્તાઓ કહે છે, સાવધાન! સાતમી સપ્ટેમ્બરે ભાદરવા સુદ પૂનમે ચંદ્રગ્રહણ છે, ભાદરવા વદ અમાસે ૨૧મી સપ્ટેંબરે સૂર્યગ્રહણ છે. પંદર દિવસમાં બે ગ્રહણ? અરરર, આ તો બહુ અશુભ! દરેક જણે ચેતી જવાનું છે. બહુ ખરાબ સમય આવી રહ્યો છે.

એક ભવિષ્યવેત્તાએ તો ત્યાં સુધી સોશિયલ મીડિયા પર લખ્યું કે પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રમાં લાખ્ખો લોકોનો જાન લેનારું યુદ્ધ થયેલું એવો સમય ફરી આવી રહ્યો છે. અગાઉ કદી ન બન્યું હોય એવું બનવાનું છે. રાજકીય ઊથલપાથલ થશે, મોંઘવારી માઝા મૂકશે, કુદરત વધુ વિફરશે, ફલાણા ઢીંકણા ગ્રહોની યુતિ છે. સત્તાપલટો થશે, આતંકવાદી હુમલાઓ વધશે, સ્વધર્મનું પાલન કરનારા ઊગરી જશે, બાકીનાને સજા મળશે. શેની સજા, કયા ગુનાસર? એવા સવાલોના જવાબ આ જોશીબુવાઓ આપતા નથી... ડાહ્યા લોકોએ આ બધી આગાહી નોંધી રાખીને ધીરજથી જોતાં રહેવું જોઇએ. આગાહી ખોટી પડે ત્યારે કોઇ કહેતાં કોઇ ભવિષ્યવેત્તા પોતાનો છબરડો કબૂલવા આગળ આવતો નથી. દસમાંથી એકાદી આગાહી સાચ્ચી પડે ત્યારે આગાહી કરનારની છાતી ફૂલે છે.

કુદરત તો ક્યારની વિફરેલી દેખાય છે. ચારધામ યાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડી, વૈષ્ણોદેવીના માર્ગમાં ભેખડો ધસી પડી, ઠેકઠેકાણે વાદળ ફાટયાં, ભાગ્યે જ જ્યાં પૂર આવતાં હોય એવાં સ્થળોએ પણ વિનાશકારી પૂર આવ્યાં, ગામડાં ધોવાણાં કે તણાઇ ગયાં. આવી ઘટનાને કુદરત વિફરી એમ કહેવા કરતાં માણસને હાથના કર્યાં હૈયે વાગ્યાં એમ કહેવું વાજબી ગણાશે. 

તાજેતરના પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં એક વરિષ્ઠ સાધુએ સીધાસાદા શબ્દોમાં કહેલું કે, એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં વીસથી પચીસ વર્ષ લાગે. ઇલેક્ટ્રિક કરવતથી કાપી નાખતાં માત્ર પાંચ મિનિટ. વૈષ્ણોદેવી માર્ગ, અમરનાથ માર્ગ, હિમાલયની તળેટી, ચારધામ યાત્રાસ્થળની આસપાસ ધનલોભી બિલ્ડર્સે પોતાના જેવાજ સંકુચિત પોલિટિશિયનો સાથે ભાઇબંધી કરીને છેલ્લાં વીસ-પચીસ વર્ષમાં કરોડો વૃક્ષો કાપી નાખ્યાં. એવાં વૃક્ષોમાં અસંખ્ય વૃક્ષો આયુર્વેદની દ્રષ્ટિએ ઔષધીય ગુણો ધરાવતાં હતાં. એ વૃક્ષોના સ્થાને ગેસ્ટ હાઉસ, હોટલ અને રેસ્ટોરાં ઊભાં કરી દીધાં. પર્યાવરણનો દાટ વાળી નાખ્યો.

કુદરત ક્યાં સુધી માણસજાતની દાંડાઇ સહન કરે? શા માટે કરે? છેલ્લાં કેટલાંક વરસોથી સતત પૂર આવે છે. પૂરની નવાઇ નથી, પરંતુ દિવાળીમાં ટાબરિયાં તડાફડીની લૂમ ફોડતાં હોય એ રીતે ધડાધડ વાદળો ફાટી રહ્યાં છે અને વિનાશ વહોરી રહ્યાં છે. સામાન્ય માણસ ફાટી આંખે આ વિનાશ જોઇ રહ્યો છે. સતત ફફડે છે. જાનમાલની હાનિનો આંકડો વધી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને અન્ય કેટલાંક સ્થળે આખાના આખા પુલ પૂરમાં અદ્રષ્ય થઇ ગયા, થોડાક ધરાશાયી થયા. આ બધી ખુવારી માટે માણસ પોતે જવાબદાર છે. કુદરતને દોષ દેવાનો શો અર્થ? અન્ય સ્થળો તો ઠીક, પાટનગર નવી દિલ્હીમાં પણ યમુના ભયજનક સપાટી ઓળંગવા થનગની રહી હતી. લોકોના જીવ તાળવે ચોંટયા હતા. પંજાબના સરહદી વિસ્તારોમાં ગુરદાસપુર, કરતારપુર વગેરે સ્થળે પૂર વિનાશ વહોરી રહ્યાં હતાં. ભારતીય લશ્કરની કેટલીક સામગ્રીને પણ નુકસાન થયું હતું. આથી વધુ બીજું શું અશુભ કે અમંગળ બનવાનું બાકી છે, ભલા?

આ બધી કુદરતી ગણાતી આફત ખરેખર તો માણસ માટે એક ચેતવણી છે. જાગો, હજુ સમય હાથમાંથી સરકી ગયો નથી. ઝાડ છે તો જીવન છે, વૃક્ષ તો મહાકાળનું સ્મિત છે. પર્યાવરણનું રક્ષક છે, પથિકનો છાંયડો છે, પંખીઓનો કલરવ છે, બીમાર માટે ઔષધિ છે, ઉજ્જવળ ભવિષ્યની એંધાણી છે! જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, ગુરુ નાનકની આ અમૃતવાણી યાદ રાખવાની છે. ભવિષ્યવેત્તાઓ છો જખ મારે.....!