Editorial

અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણની વિશેષ શાખા

By GS TEAM
19 May 20263 mins read
અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણની વિશેષ શાખા

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

એક લોકવાયકા છે. દોઢસોથી વધુ વરસ થયાં. એક રાજગણિકા ઘરડી થવાથી રાજાએ એને હાંકી કાઢી. એ મોડી રાત્રે કે બ્રહ્મમૂહુર્તે નદીમાં ડૂબી મરવા જતી હતી. એ સમયે આયુર્વેદના ઉપાસક ઝંડુ ભટ્ટજી રોજની જેમ નદીએ સ્નાન કરવા જઇ રહ્યા હતા. એમણે આ સ્ત્રીને જોઇ. આપઘાત કરવાનું કારણ જાણીને એને અટકાવી અને પોતાની જોડે લઇ ગયા. વાજીકરણ ઔષધો દ્વારા એને નવું જીવન આપ્યું. પેલી ફરી યુવાન રૂપવતી રાજગણિકા બની ગઇ. અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણ નામની એક વિશેષ શાખા છે. આ શાખામાં કાયાકલ્પ કરે એવાં વાજીકરણ ઔષધો આવે છે. સમગ્ર આયુર્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોમાં છે. આયુર્વેદનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃત ભાષા આવડવી જરૂરી છે. 

આયુર્વેદના વિદ્યાર્થીએ રસાયણ શાખા પણ ભણવાની આવે. સ્કૂલમાં ભણાવાતી કેમિસ્ટ્રી એ અલગ વિષય છે. એને પણ ગુજરાતી ભાષામાં રસાયણ વિજ્ઞાાન કહે છે. એ અને આયુર્વેદની રસાયણ શાખા બંને અલગ બાબત છે. આયુર્વેદની શાખામાં સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ, જસત ભસ્મ, અભ્રક ભસ્મ, પારદ (પારાની) ભસ્મ વગેરેનો ઉપયોગ તેમજ વિવિધ કાચી સામગ્રી દ્વારા ખાસ ઔષધો તૈયાર કરવામાં આવે. આ કામ ખૂબ ધીરજ અને અથાક પરિશ્રમ માગી લે એવું હોય છે. કાચી સામગ્રીનું માપ અત્યંત ચોક્સાઇપૂર્વક સંભાળવું પડે. માથાના વાળ જેટલીય ભૂલ થાય તો તૈયાર કરેલું ઔષધ સો ટકા ધાર્યું પરિણામ ન પણ આપે. કેટલાક વૈદ્યો એવા ઔષધને પાક પણ કહે છે. આપણા મોટા ભાગના શિયાળુ મિષ્ટાન્ન જેમ કે અડદિયો, મેથી પાક, કૌંચા પાક કે ચ્યવનપ્રાશ પણ વાજીકરણ ઔષધ ગણાય.

તાજેતરમાં એક નાનકડું પણ અત્યંત મહત્ત્વનું પુસ્તક હાથમાં આવી ગયું. રસાયણને લગતા આ પુસ્તકનું નામ છે પોટ્ટાલી કલ્પના- સિદ્ધાંત એવમ્ પ્રયોગ. આશરે એકસો પાનાનું આ પુસ્તક આયુર્વેદના દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય બની રહે એવું છે. એની ખૂબી એ છે કે જે તે પાક કે રસાયણ તૈયાર કરવાનું હોય એની વિગતો સંસ્કૃત ઉપરાંત સરળ અંગ્રેજીમાં તરજુમા સાથે એ સમજાવ્યું છે. કઇ સામગ્રી કેટલી લેવી, કેવી રીતે એના ઉપયોગથી સંબંધિત ઔષધી તૈયાર કરવી, એને કેવા હવામાનમાં મૂકવી અને કયા રોગની સારવારમાં એનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધી વિગતો અહીં સરળ ભાષામાં આપી છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ પુસ્તક ભારદ્વાજ પંચોલી નામના એક ગુજરાતી યુવાને પોતાના અધ્યાપક સાથે મળીને તૈયાર કર્યું છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આ ગુજરાતી યુવાને સ્નાતક કક્ષાએ પ્રથમ આવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.  અનુસ્નાતકનો અભ્યાસ કરતી વેળા એને આ પુસ્તક તૈયાર કરવાની ઇચ્છા થઇ. પોતાના અધ્યાપક સાથે મળીને પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને કેટલીક હસ્તપ્રતોનો ગહન અભ્યાસ કરીને આ ગુરુ-શિષ્યે પુસ્તક તૈયાર કર્યું. આ કામ અથાક પુરુષાર્થ માગી લે એવું હતું. ખરેખર તો એક મોટો પડકાર- ચેલેંજ જેવું હતું. ધીરજ પણ અખૂટ જોઇએ. 

વડોદરાની પારુલ યુનિવર્સિટીએ આ પુસ્તક તૈયાર કરવામાં સાથ આપ્યો એમ કહીએ તો ચાલે. આમ તો દાયકાઓ પહેલાં ભિક્ષુ અખંડાનંદજી પ્રેરિત સસ્તું સાહિત્ય સંસ્થાએ આયુર્વેદના પ્રાચીન ગ્રંથો પ્રગટ કરેલા અને એ સમયે ઠીક ઠીક સોંઘાં પણ હતાં. 

ચરક સંહિતા, માધવ નિદાન, શારંગધર સંહિતા, જ્ઞાાન ભૈષજ્યમંજરી, આર્યભિષક યાને હિન્દુસ્તાનનો વૈદરાજ, વગેરે પુસ્તકો આયુર્વેદના  ઉપાસક વૈદ્યો, અભ્યાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વના હતાં. આવાં કેટલાંક પુસ્તકો આજે આઉટ આફ સ્ટોક કે આઉટ ઑફ ડેટ છે.

આરંભે  જેમની વાત કરી એ ઝંડુ ભટ્ટજી જામનગરના હતા એટલે કે ગુજરાતી હતા. આશરે ત્રણથી પાંચ હજાર વર્ષ પહેલાં વૈદિક કાળમાં સ્થપાયેલી આયુર્વેદ નામની વિદ્યાશાખા વૃક્ષ-વનસ્પતિનો બહોળો ઉપયોગ કરતી આવેલી.  આજે અવિચારી પોલિટિશ્યનો અને બિલ્ડરો વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા આયુર્વેદની આઠ શાખામાં રસાયણ એક મહત્ત્વની શાખા છે જે મૃત્યુશૈયા પર પડેલા રોગીને નવું જીવન આપી શકે છે..