નેપાળની ઘટના પરથી આપણા નેતાજીઓ કંઇક શીખે એ ઇચ્છનીય છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
સગાવાદ, બેફામ ભ્રષ્ટાચાર, ગેરરીતિ, બેકારી, ભૂખમરો અને ગોલમાલથી પ્રજા ગળે આવી જાય ત્યારે શાસકોની શી દશા થાય એ ગયા સપ્તાહે નેપાળની પ્રજાએ દેખાડી દીધું. છેક રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટ સુધી લોકોનો આક્રોશ પહોંચ્યો એ દેખાડે છે કે પ્રજા કેટલી હદે ત્રસ્ત હશે. મોટા ભાગના ભૂતપૂર્વ અને વર્તમાન પ્રધાનો તેમજ અન્ય નેતાઓ જીવ બચાવીને ભાગ્યા. જે નેતાને બદલે એમની જીવનસંગિની હાથમાં આવી એને પણ ઉશ્કેરાયેલા ટોળાએ સ્વધામ પહોંચાડી દીધી.
ભારતની પ્રજા કેટલી બધી ધીરજવાન અને સહનશીલ છે એ કાં તો આપણા નેતાઓ જાણતા નથી. જાણતાં હોય તો દેખાડતાં નથી. સગાવાદ અને ભ્રષ્ટાચારમાં આપણા નેતાઓ જરાય ઊતરતા નથી. દરેક પક્ષના નેતાઓ દાગી છે. ખુદ સરકારી આંકડા મુજબ ૪૦ ટકાથી વધુ સાંસદો અને પ્રધાનો સામે સંખ્યાબંધ ક્રિમિનલ કેસ ઊભા છે. કેટલાય નેતાઓની સામે હત્યા, હુલ્લડબાજી, બળાત્કાર અને ગેરરીતિના કેસ ઊભા છે. આ નેતાજીઓ નેપાળની ઘટના પરથી કંઇક શીખે તો સારું.
આપણે ત્યાં સાવ નાના પાયે લોકોના રોષની ઘટનાઓ બને છે. સાવ નથી બનતી એવું પણ નથી. ચૂંટણી ટાણે ઘણાં ગામડાંમાં એવું લખેલાં પાટિયાં જોવા મળે છે કે આ ગામમાં કોઇ પક્ષના નેતાએ મત માગવા આવવું નહીં. ક્યારેક કોઇ નેતા કે પ્રધાનને ઘેરો પણ ઘાલવામાં આવે છે. ક્યારેક એકાદ નેતાને એકાદી થપ્પડ પણ પડે છે તો ક્યાંક નેતાજી પર કાળી શાહી ઢોળવામાં આવે છે કે કાળા ઝંડા દેખાડવામાં આવે છે.
જોકે આવી બધી વાતોથી કોઇ પોલિટિશિયન ક્યારેય ડર્યો નથી. એ તો ગેંડાની ઢાલ જેવી જાડ્ડી ચામડીના થઇ ચૂક્યા છે. પણ ઇતિહાસ ગવાહ છે, પ્રજા જ્યારે વિફરે ત્યારે દુનિયાની કોઇ તાકાત એનો પ્રતિકાર કરી શકતી નથી. ચવાઇને ચુથ્થો થઇ ગયેલી એક ઘટના તો લગભગ બધાંને યાદ હશે. ફ્રાન્સના રાજા સોળમા લૂઇની રાણી મેરી એન્તોઇનીતિ જોડે એ ઘટના સંકળાયેલી છે. બેકારી, ગરીબી અને ભૂખમરાથી રિબાતી પ્રજા રાજમહેલ પર મોરચો લઇ ગઇ. મહેલના ઝરૂખામાં ઊભેલા રાજા-રાણી સમક્ષ ધા નાખી - અમારે ખાવા રોટી નથી. અંગ્રેજીમાં રોટી એટલે બ્રેડ કહ્યું હશે. રાણીએ તુમાખીથી કહ્યું- ઇફ નો બ્રેડ, ઇટ કેક... સરળ ગુજરાતીમાં કહીએ તો રોટી નથી? તો પૂરણપોળી ખાઓ.
પ્રજા વિફરી અને ભયંકર હિંસક તોફાનો થયાં. રાણીએ જાન ગુમાવ્યો.
પ્રજાનો આ બળવો ફ્રેન્ચ ક્રાન્તિ તરીકે ઓળખાયો. આવી ઘટનાની હવે નવાઇ રહી નથી. અલબત્ત, ભારત જેવા દેશમાં જ્યાં વિવિધ જાતિ-જ્ઞાાતિ, કોમ-ભાષા અને વિવિધ ધર્મના લોકો વસે છે એટલે કરોડો લોકો સંગઠિત થઇને આવો બળવો કરે એવી શક્યતા ઓછી રહે. અંગ્રેજ રાજ હતું ત્યારે થયેલો સ્વાતંત્ર્ય સંગ્રામ એક અપવાદ ગણી શકાય. જોકે એ સ્વાતંત્ર્ય સંગ્રામની ફળશ્રુતિ દેશના બે ટુકડા થયા એ ગણી શકાય. આપણે ત્યાં ગાંધીજીની હત્યા થઇ તો પાકિસ્તાનમાં કાયદે આઝમ મુહમ્મદ અલી ઝીણાને રિબાઇ રિબાઇને મરવા દેવાયા. એ પરોક્ષ હત્યા હતી. ઝીણાને એમના જ સાથીઓએ તબીબી સારવારને બદલે રિબામણીથી ભરેલું મૃત્યુ આપ્યું.
ફરી એકવાર કહું કે ભારતની પ્રજા ખૂબ ધીરજવાન અને સહનશીલ છે. ક્યારેક જ ત્રીજું નેત્ર ખોલે છે. કટોકટી પછી ઓવર કોન્ફિડન્સથી સંસદીય ચૂંટણી યોજનારાં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીને મતદારાએ ચૂંટણી નામની શાંત ક્રાન્તિથી ઘેર બેસાડી દીધેલા.
દુર્ભાગ્યે એ સમયે જનતા પક્ષ અત્યંત જરૂરી એવી એકતા અને સંગઠન દાખવી શક્યો નહીં. આજે માત્ર નામ બદલાયાં છે. એક તરફ ઇન્ડિયા નામે ભેળપુરી છે તો બીજી તરફ એનડીએ નામે શંભુમેળો છે. દરેક પક્ષમાં વધતો ઓછો ભ્રષ્ટાચાર છે. લોકો મૌન છે, પણ મૂરખ નથી. બધું સમજે છે. નેતાઓએ સમજી લેવાની જરૂર છે કે રૈયત શાંત હોય ત્યારે નેતાઓએ વધુ સાવધ રહેવું જોઇએ. શાંત પાણી ઊંડાં હોય છે એમ અમસ્તું નથી કહ્યું. નેપાળની ઘટના પરથી આપણા કહેવાતા લોકસેવકો કંઇક સમજે એ ઇચ્છનીય છે.








