ભાજપમાં ફાટફૂટ પડાવવાની મમતા બેનર્જીની હાસ્યાસ્પદ ચાલબાજી

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
'હાલના ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યવાહક વડા પ્રધાનની જેમ વર્તે છે. ભવિષ્યમાં એ મીરજાફર પુરવાર થઇ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહથી સાવધ રહેવાની જરૂર છે' - પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગયા સપ્તાહે મીડિયા સાથે વાત કરતાં આવા શબ્દો ઉચ્ચાર્યાં હતાં. મમતા પોતાના માટે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે. હકીકતમાં એ પોતાને ચાણક્ય કરતાં પણ વધુ ઉસ્તાદ સમજે છે.
આવતા વરસે આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે જીતવા એ ગમે તે હદે જઇ શકે છે. મમતા અત્યારથી પશ્ચિમ બંગાળના સરહદી જિલ્લાઓમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓની ઘુસણખોરીને વેગ આપી રહ્યાં છે. એટલું જ નહીં, ઘણા વિસ્તારોમાં પેઢીઓથી વસતા હિન્દુ પરિવારોને ત્યાંથી યેન કેન પ્રકારે ખદેડી રહ્યાં છે. પરદા પાછળ રહીને પશ્ચિમ બંગાળના ભાજપના નેતાઓ પર હિંસક હુમલા કરાવે છે.
તાજેતરમાં રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલા આદિવાસી સાંસદ ખગેન મુર્મુ પર હિચકારો હુમલો થયો એ હકીકત ડઝનબંધ ટીવી ચેનલોએ રજૂ કરી, પરંતુ હુમલાખોરોની ધરપકડના મુદ્દે હાથ ઊંચા કરી દેતાં મમતાએ કહી દીધું કે હુમલાખોરો કોણ હતા એની જાણ થઇ નથી એટલે કોની ધરપકડ કરીએ? ગવર્નર મુર્મુને હોસ્પિટલમાં મળવા ગયા એ પણ મમતાને ગમ્યું નહીં.
અમિત શાહ ભવિષ્યમાં મીરજાફર બની શકે એવા મમતાના વિધાનનું હાર્દ પહેલાં સમજી લઇએ. કાં તો મમતા સાચો ઇતિહાસ જાણતાં નથી અથવા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની જેમ ગપગોળા હાંકે છે. મીરજાફર અને સિરાજુદ્દૌલા સગા સાળો બનેવી હતા.
મીરજાફર પોતાને વધુ કુશળ વહીવટકર્તા માનતો હતો. એને કોઇ પણ રીતે રાજગાદી જોઇતી હતી. એની સત્તાલાલસા બ્રિટિશ લશ્કરી અધિકારી રોબર્ટ ક્લાઇવ બરાબર સમજી ગયો હતો. એણે મીરજાફરને સુલતાન બનાવવાની લાલચ આપીને ફોડી નાખ્યો. સીધી રીતે ક્લાઇવ સિરાજુદ્દોલાને હરાવી શકે એમ નહોતો. પલાસીના યુદ્ધમાં મીરજાફરે સિરાજુદ્દૌલાને દગો આપ્યો અને પોતાના સૈનિકો જોડે અંગ્રેજ સેનામાં ભળી ગયો. સિરાજુદ્દૌલા જંગમાં પરાજિત થયો અને ખપી ગયો.
વાતનો ખરો વળાંક હવે આવે છે. મીરજાફર ક્લાઇવને ઓળખવામાં થાપ ખાઇ ગયો. લડાઇ પૂરી થયા બાદ એ ક્લાઇવને મળવા ગયો. લળી લળીને કુનશ બજાવી. પછી પોતાના ઇનામની માગણી કરી. ક્લાઇવે પોતાના સહાયકને કહ્યું, આ ગદ્દારને ઠાર કરો. જે સત્તા માટે સગાં બહેન-બનેવીને દગો આપી શકે એ આપણને કાયમ વફાદાર કેવી રીતે રહેવાનો હતો? મીરજાફર ડઘાઇ ગયો. એ કંઇ બોલે એ પહેલાં તો બ્રિટિશ સૈનિકો એને ઘસડીને લઇ ગયા અને ઠાર કરી દીધો.
શક્યતા એવી પણ છે કે મમતા આવાં વિધાનો દ્વારા અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે ફાટફૂટ પડાવવા ઇચ્છતાં હોય. મમતા એવું ઇચ્છતાં હોય તો એ ખાંડ ખાય છે. ૨૦૦૨ના ગોધરાકાંડ પહેલાંની આ બંનેની દોસ્તી છે. એમની વચ્ચે ગેરસમજ પેદા કરવાની મમતાની ચાલ કદી સફળ થઇ શકે એમ નથી.
વાસ્તવમાં મમતાએ બહુમતી હિન્દુ નાગરિકોને વગર કારણે પરેશાન કરવાની પોતાની અવિચારી નીતિને હવે તિલાંજલિ આપી દેવી જોઇએ. રામ નવમી, હનુમાન જયંતી, દુર્ગા પૂજા વગેરે ઉત્સવોના હવનમાં મમતા અને એમના તૃણમૂલ કોંગ્રેસ પક્ષે કેવાં હાડકાં નાખ્યાં એ આખા દેશે જોયું. હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કરનારા માથાભારે ગુંડા શેખ શાહજહાં સાથેની એમની સાઠગાંઠ ખુલ્લી પડી ગઇ એ પછી મમતા રઘવાયાં થઇ ગયાં.
શેખ શાહજહાંની ધરપકડ પછી જે રીતે પોલીસ કોન્સ્ટેબલો એના બોડીગાર્ડ હોય એ રીતે એને લઇ જતા હતા એ દ્રશ્ય ટીવી ચેનલ્સ પર આખી દુનિયાએ જોયેલું. મમતા જે રીતે એનો બચાવ કરતાં હતાં એ અંગે સુપ્રીમ કોર્ટે પણ મમતાની આકરી ટીકા કરેલી. ચૂંટણી પહેલાં મમતા મરણિયાં થઇને હિંસક બનાવોને પ્રોત્સાહન આપે તો નવાઇ નહીં.








